વ્યક્તિપૂજા પૂજનીયને અને પૂજા કરનારને નુકસાનકારી છે

નગીનદાસ સંઘવી
05-02-2018

ગાંધી નિર્વાણ દિને ગાંધીજીની યાદમાં બધાં ગુજરાતી અખબારોએ પોતપોતાની રીતે અંજલિ આપી છે. આમાં ભાષા અભિમાન નથી પણ અન્ય પ્રદેશોમાંથી ગાંધીજી ભૂંસાતા જાય છે એવી દહેશત છે. આ પ્રસંગે ગાંધીજીને સમજવાના બદલે તેમને પૂજવાની મનોવૃત્તિ વધારે બળકટ હોય છે અને આવી વ્યક્તિપૂજા બંને પક્ષે પૂજનીયને અને પૂજા કરનારને નુકસાનકારી છે. પૂજા કરનારને વધારે નુકસાન થાય છે કારણ કે પૂજા કરવાની વૃત્તિનાં પરિણામે સામાન્ય રીતે અંધાપો આવે છે. અને ગાંધીજીના જીવન અને ઉપદેશમાંથી લાભ ઉઠાવવાની આપણી શક્તિ ઓછી થતી જાય છે.

જેની પૂજા કરીએ છીએ તેને પણ નુકસાન તો થાય જ છે કારણ કે જેની પૂજા થાય તે મોટાભાગે અને લાંબાગાળે કેવળ પથરો જ બની જાય છે. મંદિરોમાં દૈવી તત્ત્વ હોતું નથી મોટાભાગે પથરા પર પાણી કે દૂધ કે ફૂલ ચડાવવાની પ્રવૃત્તિ જ મુખ્ય બની જાય છે. ભગવાનને સ્નાન કરાવવું, કપડાં પહેરાવવાં કે ભોગ ધરવાથી ભગવાન કરતાં પૂજારીને જ ફાયદો મળે છે. આવી દશા ગાંધીજીની થાય તો તેમની હત્યા કરતાં પણ વધારે ભયંકર ગણાવું જોઇએ.

ગાંધીજીની હત્યા આઘાતજનક છે પણ તેમાં દુ:ખરૂપ કહી શકાય તેવું કશું નથી. ગાંધીજીને આવું જ મરણ શોભે અને ગાંધી પોતે પણ આવું જ મરણ વાંછે. ગાંધીજી ઇસ્પિતાલના ખાટલે પડીને મહિનાઓ સુધી ટાંટિયા ઘસતા જીવે તે દૃશ્ય સુખકર નથી. અને તેમાં ગાંધીજીના પયગંબરપણાને બટ્ટો લાગે. ઇસુને તો વધસ્તંભ જ શોભે અને સોક્રેટીસના હાથમાં ઝેરનો પ્યાલો જ હોવો જોઇએ તેમ ગાંધીજીને જેવું શોભે તેવું જ મરણ મળ્યું છે.

કારણ કે તેમનાં અંગત સ્વજનો મહાદેવ દેસાઈ અને કસ્તૂરબા વિદાય થઇ ચૂક્યાં હતાં અને ભારત આઝાદ થાય તેવું તેમનું જીવનસ્વપ્ન પણ સાકાર થઈ ગયું હતું. સવા સો વરસ જીવવાની ગાંધીજીની ઇચ્છા પૂરી થઈ હોત તો આઝાદી પછીનાં પચાસ વરસના ભારતને જોઈને તેમની આંતરડી કકળી ઊઠી હોત. આ પચાસ વરસે ગાંધીજીના નામે અને તેમના અનુયાયી હોવાનો દાવો કરનાર લોકોના ભ્રષ્ટાચાર અને ચરિત્રહીનતા તેમના માટે અતિ દુ:ખકર થઈ પડ્યા હોત. સ્વાર્થી હેતુ પોષવા માટે ભારતની લોકશાહીને મરણતોલ ફટકો લાગ્યો તે વખતે સંજય ગાંધીનાં કરતૂતો જોઇને ગાંધીજીએ કદાચ આમરણાંત અપવાસ અથવા અગ્નિપ્રવેશના માર્ગે આત્મહત્યા કરી હોત. અમસ્તુ પણ પોતાને ક્યારેક પોતાના પેટમાં છરી મારવાની ઇચ્છા થઈ આવે છે તેવું તેમણે પોતે જ લખ્યું છે.

ગાંધીજીની પૂજા ન કરીએ તેમ તેમનામાં દૈવીપણાનું આરોપણ પણ ન થવું જોઈએ. ગાંધી એ પૂજવાનું સ્થાનક નથી. સમજવા જેવી વ્યક્તિમત્તા છે અને દરેક માણસની જેમ ગાંધીજીમાં પણ અપૂર્ણતા છે જ. આપણામાં અને ગાંધીમાં સૌથી મોટો તફાવત એ છે કે આપણને આપણા દોષ કે નબળાઈ ધ્યાનમાં આવતા નથી. ગાંધીના ધ્યાનમાં આ બંને બાબતો સતત રહી છે. તેમને તો મહાત્મા પદ પણ કઠતું હતું અને લોકો પોતાને મહાત્મા કહે ત્યારે પોતાને થતી વેદના પણ તેમણે શબ્દબદ્ધ કરી છે.

ગાંધીજીની બધી વાત માનવા જેવી નથી. બ્રહ્મચર્ય વિશેના ગાંધીજીના ખ્યાલ અને તેમનો આગ્રહ બંને તદ્દન ખોટા છે અને ભારતીય પરંપરાના વિરોધી છે. ખ્રિસ્તીઓ-ખાસ કરીને કેથોલિક ખ્રિસ્તીઓ દેહસંબંધને સૌથી મોટું (cardinal) પાપ સમજે છે અને ગાંધીજીએ પણ આ ખ્યાલ અપનાવી લીધો છે. ઉપનિષદના તમામ ઋષિઓ સંસારી હતા અને યાજ્ઞવલ્ક્યને વળી બે પત્નીઓ હતી. આ બાબતમાં ઘણું લખાઈ અને ચર્ચાઈ ચૂક્યું છે પણ એક જ વાક્યમાં કહેવું હોય તો બ્રહ્મચર્ય અંગેની ગાંધીજીની વિભાવના તદ્દન વાહિયાત છે. આવા ખ્યાલના કારણે ગાંધીજીના અનેક અનુયાયીઓના જીવન ખરાબે ચડ્યા છે અને મોટાભાગના ‘ગાંધીવાદી’ઓ ઢોંગી બન્યા છે.

રાજકીય પ્રવૃત્તિ અંગે ગાંધીજીનો અભિગમ તે ગાંધી જીવનનું સૌથી વધારે આકર્ષક અને સૌથી ઓછી ચર્ચાયેલી બાબત છે. અધ્યાત્મ સાધનાને પોતાના જીવનનો પ્રધાન ઉદ્દેશ લેખાવનાર ગાંધી આખી જિંદગી રાજકારણમાં ગળાડૂબ રહ્યા. પણ ગાંધીજીનું રાજકારણ ચીલાચાલુ રાજકારણ નથી. ગાંધીજીએ હોદ્દા સ્વીકાર્યા છે પણ અણગમતા મને અને નાછૂટકે સ્વીકાર્યા છે અને વહેલામાં વહેલી તકે છોડી દીધા છે. ગાંધીજીના હાથમાં અમાપ સત્તા હતી. આખું ભારત એક જમાનામાં તેમના શબ્દે મરવા-જીવવા તૈયાર હતું. આ સત્તા તેમણે વાપરી છે અને ક્યારેક તેના વપરાશમાં ભૂલો પણ કરી છે પણ સત્તા તેમણે કદી ભોગવી નથી.  

ગાંધીજીનો રાજકીય અભિગમ સમજવો હોય તો ભારતથી ઘણે દૂર જવું પડે અને બે હજાર વરસ પાછા જવું પડે. ગ્રીસ દેશની બૌદ્ધિક, આર્થિક અને કલાપ્રવૃત્તિની રાજધાની ગણાય તેવા એથેન્સ શહેરમાં ત્રીસ વરસ સુધી સતત જેનું નામ ગવાયું અને જેની હાંક સંભળાઈ તેવા પેરીકલીસે કહ્યું છે તે ગાંધીજીનો અભિગમ છે. ‘જે નાગરિક રાજકારણમાં પ્રવૃત્ત નથી તે નકામો છે અને જોખમી છે.’ રાજકારણ સમાજની સેવા કરવાનું સૌથી બળવાન અને સૌથી વધારે જરૂરી સાધન છે. આવા બધા વિચાર ગ્રીસના તત્ત્વચિંતકોએ પણ દર્શાવ્યા છે અને કદાચ ગાંધીજીએ તેમની પાસેથી અપનાવ્યા છે.

ગાંધીજીનો દેખાવ ઘણો છેતરામણો છે. પોતાની જાતને વણકર અને ખેડૂત ગણાવનાર ગાંધી તે જમાનાનો સૌથી બાહોશ અને સૌથી વધારે પ્રભાવશાળી વકીલ છે અને ગાંધીજીની વાચનયાત્રા તેમના તમામ સમકાલીનો કરતાં વધારે વિસ્તૃત છે. ગાંધીજી જેટલું વાંચનાર બીજો આગેવાન શોધવો અઘરો થઈ પડે. બહુ મોટી સંખ્યામાં પુસ્તકો વાંચનાર માણસ મોટાભાગે મૌલિક વિચારશક્તિ ગુમાવી બેસે છે, પણ ગાંધીજીએ આટઆટલા વાચન પછી પણ પોતાની મૌલિકતા અખંડ જાળવી રાખી તે કેટલી મોટી ભગીરથ સિદ્ધિ છે તે આપણા જેવા સામાન્ય માણસની સમજશક્તિની બહારની બાબત છે. આપણે જે બધું સાંભળીએ કે વાંચીએ તે બધું આપણે સમજીએ છીએ તેવો દાવો કરવો તે ઘણું જોખમી થઇ પડે.

સૌજન્ય : ‘પરિક્રમા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2018

Category :- Gandhiana