હિન્દુ કોમવાદને ફૂલવા અને ફેલાવામાં કેટલાક કૉન્ગ્રેસીઓનો મોટો ફાળો છે

રમેશ ઓઝા
02-02-2018

આપણે જોયું કે ગાંધીજીની હત્યાના પ્રયાસ વારંવાર કરવામાં આવતા હતા.

પાકિસ્તાન અને પંચાવન કરોડ રૂપિયાનો પ્રશ્ન ઉપસ્થિત પણ નહોતો થયો એ પહેલાંથી હત્યાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. હત્યાના દરેક પ્રયાસમાં એક જ પ્રાંતના, એક જ શહેરના, એક જ કોમના એટલે કે બ્રાહ્મણોના અને ૧૯૩૪નો અપવાદ છોડીને એક જ ટોળકીનો હાથ હતો.

આની વિગતો પોલીસના ચોપડે નોંધાયેલી છે. એના અહેવાલો વિગતે અખબારોમાં પ્રકાશિત થયા છે. ગાંધીજીની હત્યાના વારંવાર કરવામાં આવતા પ્રયાસો વિશે ઊહાપોહ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પરા કોટીના વિદ્વાન આચાર્ય જાવડેકરે ગાંધીજીની હત્યાના પ્રયાસ પાછળની કારણમીમાંસા કરી છે. આ બધી વાતની મહારાષ્ટ્રની પ્રજાને જાણ હતી એટલે જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. બહુજન સમાજે બ્રાહ્મણોનાં ઘરોને આગ ચાંપી હતી. સાને ગુરુજીએ ગાંધીજીની હત્યા પછી પ્રાયશ્ચિત્ત કરવા ઉપવાસ કર્યા હતા. સાને ગુરુજી મહારાષ્ટ્રના પુણેમાં રહેતા ચિત્પાવન બ્રાહ્મણ હતા એટલે તેમને એમ લાગ્યું હતું કે તેઓ આડકતરી રીતે ગાંધીજીની હત્યામાં ભાગીદાર છે.

આ બધું આટલું ઉઘાડું હોવા છતાં ઉઘાડું સત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું અને અસત્ય ચલણી બની ગયું. આની પાછળનાં ત્રણ કારણો મુખ્ય છે. એક તો એ કે આ લખનાર જેવા ઉદારમતવાદીઓ પ્રતિવાદ કરવામાં ઓછા પડ્યા. ગાંધીજીની વિરાટતા પર ભરોસો રાખીને અસત્યની ઉપેક્ષા કરી. આની ચર્ચા આગળના લેખમાં આવી ગઈ છે.

બીજું કારણ એ કે આપણી અંદર બ્રાહ્મણ કે દલિત, હિન્દુ કે મુસ્લિમ, આર્ય કે દ્રવિડ, મરાઠી કે ગુજરાતી જેવું કોઈક બેઠું છે જે આપણી અંદરના માણસને માણસ બનતાં રોકે છે. ગાંધીજી વિરાટ બનવાની ઉઘરાણી કરતા હતા અને આપણે આપણી સંકુચિત ઓળખ છોડવી નથી એટલે આપણે ગાંધીજીને પોતીકા કર્યા નથી. જે પોતાના ન હોય તેના વિશે કાંઈ પણ કહેવામાં આવે આપણને શો ફરક પડે છે? આમ ઓળખોમાં વહેંચાયેલા દેશમાં ગાંધીજી કોઈના નથી અને કોઈને પરવડતા નથી.

ત્રીજું કારણ એ છે કે હિન્દુઓમાં એક વર્ગ એવો છે જે એમ માને છે કે મુસલમાનોના કોમવાદને અંકુશમાં રાખવા હિન્દુ કોમવાદીઓનું હોવું જરૂરી છે. આપણને કોઈ હિન્દુ રાષ્ટ્ર જોઈતું નથી, પરંતુ મુસલમાનોને સખણા રાખે એવા થોડા હિન્દુ હોવા જોઈએ. સરદાર પટેલ સહિતના દિગ્ગજ કૉન્ગ્રેસી નેતાઓ આમ માનતા હતા અને આજે પણ કેટલાક લોકો આમ માને છે. તેઓ હિન્દુ કોમવાદીઓને આડકતરી મદદ કરે છે, આંખ આડા કાન કરે છે અને તેઓ જ્યારે સત્તામાં હતા ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરના પ્રતિબંધો ઉઠાવીને અને બીજી અનેક રીતે મદદ કરી હતી. તેઓ હિન્દુ કોમવાદને ટકાવી રાખવા માગતા ગાંધીજનો હતા કે જેથી વખત આવ્યે કામ આવે. (ગાંધીજીને આની પાછી જાણ હતી કે કોણ શું કરે છે) એક વાત નક્કી કે હિન્દુ કોમવાદને ફૂલવા-ફેલાવામાં કેટલાક કૉન્ગ્રેસીઓનો મોટો ફાળો છે.

આ ત્રણ કારણે સત્ય ઉઘાડું હોવા છતાં ઢંકાઈ ગયું અને પંચાવન કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવાના ગાંધીજીના દુરાગ્રહથી ગુસ્સે ભરાયેલા માથાફરેલા હિન્દુએ ગાંધીજીની હત્યા કરી હતી એ અસત્ય રૂઢ થઈ ગયું.

જો એમ હોત તો ૧૯૩૪ના જૂન મહિનામાં ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ પુણે શહેરમાં થયો એ ન થયો હોત. ત્યારે ક્યાં પાકિસ્તાનની વાત હતી? જો એમ હોત તો ૧૯૪૪ના જુલાઈ મહિનામાં મહારાષ્ટ્રમાં પંચગનીમાં ગાંધીજીની હત્યાનો બીજો પ્રયાસ થયો એ ન થયો હોત. ત્યારે પાકિસ્તાન હજી બહુ દૂર હતું. જો એમ હોત તો બે મહિના પછી એ જ વરસના સપ્ટેમ્બર મહિનામાં સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીની હત્યા કરવાનો ત્રીજો પ્રયાસ થયો એ ન થયો હોત. બે મહિનામાં પાકિસ્તાન આકાર નહોતું પામ્યું. જો એમ હોત તો ૧૯૪૬ની ૨૯ જૂનની રાતે ગાંધીજી મુંબઈથી પુણે ટ્રેનમાં જતા હતા ત્યારે નેરળ અને કર્જત વચ્ચે પાટા પર મોટો પથ્થર મૂકીને ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો હોત. ગાંધીજી ખાસ ટ્રેનમાં મુંબઈથી પુણે જવાના છે એવા સમાચાર અખબારોમાં આવ્યા હતા એટલે હત્યાનો પ્રયાસ કરનારાઓને આની જાણ હતી. ત્યારે પાકિસ્તાનની વાત હતી, પરંતુ નહોતી વિભાજનની રેખા દોરાઈ કે નહોતી સ્થાવર-જંગમ મિલકતની વહેંચણીની કોઈ વાત આવી. પંચાવન કરોડ રૂપિયા આ વહેંચણીનો હિસ્સો હતો. ઊલટું વિભાજન ટળી પણ શકે એવી આશા પણ હતી.

આ બધા જ પ્રયાસો મહારાષ્ટ્રમાં થયા હતા, એક જ કોમ અને વિચારધારાના લોકોએ કર્યા હતા અને ૧૯૩૪ને છોડીને બાકીના ત્રણ પ્રયાસમાં ગોડસે-આપ્ટે જોડીનો હાથ હતો એની વિગતો પોલીસને ચોપડે નોંધાયેલી છે. નેરળના પ્રયાસમાં ગોડસે-આપ્ટેની સંડોવણીના પાક્કા પુરાવાઓ મળ્યા નહોતા. ગાંધીજીના ખૂનનો જ્યારે ખટલો ચાલ્યો ત્યારે ખૂનના કાવતરાને સાબિત કરવા માટે આ દસ્તાવેજી પુરાવાઓ અદાલતમાં પેશ કરવામાં આવ્યા હતા. બધું જ ઉઘાડું છે. સત્ય શોધવાની જરાક મહેનત લો, સત્ય શું છે એની તમને જાણ થઈ જશે. કોઈના સહારાની જરૂર નથી. હા, ગાંધી ક્યાં આપણા છે એવી માનસિકતા હશે તો સત્ય હાથ નહીં લાગે અને કોમવાદી મુસલમાનો સામે કોમવાદી હિન્દુઓનો ખપ છે એવું જો માનતા હશો તો ત્યાં સત્યપરાયણતાનો જ અંત આવી જાય છે એટલે કાંઈ કહેવાનું રહેતું નથી. આવું માનનારાઓએ ખૂનખટલામાં વિશ્વવંદ્ય ગાંધીજીને ન્યાય નથી કર્યો એ હકીકત છે, પણ એની વાત આજે નથી કરવી.

તો પછી ગાંધીજીના ખૂનના વારંવાર પ્રયાસ શા માટે કરવામાં આવતા હતા? એનાં કેટલાંક કારણો હતાં, મજેદાર કારણો હતાં અને પંચાવન કરોડ રૂપિયા તો એક બહાનું હતું. આવતી કાલે કારણોની વાત કરવામાં આવશે અને શનિવારે પંચાવન કરોડના ક્ષુલ્લક પ્રકરણ સાથે આ શ્રેણી પૂરી થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 ફેબ્રુઆરી 2018

Category :- Gandhiana