ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણીની દિશામાં

ગંભીરસિંહ ગોહિલ
02-02-2018

મહાત્મા ગાંધીનું સ્મરણ દેશ માટે અણમોલ સંપત્તિ સમાન છે. લોકો માને કે ન માને ગાંધી આ દેશને માટે પ્રેરકબળ બની રહ્યા છે, દિશાઓ ચીંધતા રહ્યા છે. ગાંધીજી વિના પણ દેશને સ્વતંત્રતા મળી ગઈ હોત ખરી, પણ તેનું સ્વરૂપ કેવું હોત તે કલ્પી શકાય તેમ નથી. અખંડ ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું તે પછીનો પ્રદેશ પણ અકબંધ રહી શક્યો હોત કે કેમ તેની કલ્પના થઈ શકે તેમ નથી. કેમ કે હિંદ છોડતી વેળાએ બ્રિટિશરો તેના હિંદુ, પાકિસ્તાન અને રાજવીસ્તાન એમ ત્રણ ભાગ કરવા માગતા હતા. ગાંધીજીની લડતોમાં તાલીમ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ જ તેને એકસૂત્ર રાખી શક્યા.

૧૯૬૯માં ગાંધી-શતાબ્દી આયોજનબદ્ધ રીતે ઊજવાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થયા હતા. ૧૯૯૪માં પણ ગાંધી સવાશતાબ્દીના કાર્યક્રમો યોજાયા હતા. હવે ૨ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ મહાત્મા ગાંધીજીના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થશે, તે વેળાએ ૨ ઑક્ટોબર, ૨૦૧૮થી ૨ ઑક્ટોબર, ૨૦૧૯ સુધીની એક વર્ષ ચાલે તેવી ગાંધી સાર્ધશતાબ્દીની ઉજવણીનું આયોજન થશે. ૨ ઑક્ટોબર, ૨૦૧૮ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ગણાશે. તે પછીનું એક વર્ષ એટલે ગાંધી સાર્ધશતાબ્દીનું વર્ષ. શતાબ્દી અને સવાશતાબ્દીની ઉજવણીમાં જે ખૂટતી કડીઓ રહી ગઈ હોય તે આ વખતે પરિપૂર્ણ કરી શકાશે.

૨ ઑક્ટોબર, ૧૯૧૮ના રોજ ગાંધીજીના જન્મની ૫૦મી વર્ષગાંઠ આવતી હતી. તે વખતે ગાંધીજી થોડાં વર્ષથી દક્ષિણ આફ્રિકાની હિંદના વસાહતીઓ સફળ થયેલી લડતો વગેરે કાર્યક્રમો પૂરા કરી દેશમાં આવ્યા હતા. તે દરમિયાન ૧૯૧૭માં તેમણે બિહારમાં ચંપારણ વિસ્તારનો ગળીની ખેતી સામેનો સફળ સત્યાગ્રહ પૂરો કર્યો હતો. દેશભરમાં ગાંધીજીનો આવકાર પામેલો પહેલો સત્યાગ્રહ હતો. તેનાથી અંગ્રેજ માલિકો માટે ફરજિયાત ગળીની ખેતી દ્વારા જેમને પરેશાની સહન કરવી પડતી હતી, તેવા ગિરમીટિયા ખેતીકારોને મુક્તિ મળી. પરંતુ ગાંધીજીની ૫૦મી વર્ષગાંઠ કે તેમના ૨ ઑક્ટોબર, ૧૯૧૮થી ૨ ઑક્ટોબર, ૧૯૧૯ સુધીના રજતવર્ષની કોઈ ઉજવણી થઈ ન હતી. ગાંધીજી ત્યારે દેશની વિવિધ સમસ્યાઓ સાથે કામ પાડી પ્રવૃત્ત રહ્યા હતા.

જો કે ૨ ઑક્ટોબર, ૧૯૧૯ના રોજ ગાંધીજીનાં સતત પ્રવૃત્ત એવાં ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં. આ શુભપ્રસંગે મુંબઈના વિલેપાર્લે વિસ્તારના ભગિનીસમાજના આશ્રયે, વનિતાવિશ્રામ નામના સ્થળે સ્ત્રીઓની જાહેરસભા યોજવામાં આવી હતી, જેમાં ગાંધીજીને જાહેર પ્રવૃત્તિઓ માટે રૂ. ૨૦,૧૦૦ની થેલી અર્પણ કરવામાં આવી હતી. આ પછી ૧૯૨૯ની ૭મી સપ્ટેમ્બરે આ સંસ્થાના ભગિની સેવામંદિરના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માટે ૧૯૧૯માં ગાંધીજીને થેલીરૂપે જે રકમ આપવામાં આવી હતી, તે રકમ તેમણે પોતે હાજર રહીને મકાનના કામ માટે અર્પણ કરી.

૨ ઑક્ટોબર, ૧૯૪૪ના રોજ ગાંધીજીના જન્મને ૭૫ વર્ષ થતાં હતાં, ત્યારે તેની કોઈ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી ન હતી. તે દિવસે જન્મદિવસના અભિનંદન રૂપે તેમને ઘણા સંદેશાઓ મળ્યા હતા. તેમાં વિશ્વ વિખ્યાત અંગ્રેજી ભાષાનાં નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોનો સંદેશો મહત્ત્વનો હતો. તે દિવસે એકત્ર થઈ ચૂકેલી કસ્તૂરબા સ્મારકફંડની થેલી ગાંધીજીને અર્પણ કરવામાં આવી હતી.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૧૮૬૯ની ૨જી ઑક્ટોબરે પોરબંદરમાં થયો, ત્યારે તેમના ભવિષ્યના મહિમાવંત જીવનની કોઈને કલ્પના ન હતી. ઉપર જોયું તે પ્રમાણે તેમની ૫૦ અને ૭૫મા વર્ષની ઉજવણી પણ મર્યાદિત સ્વરૂપે જ થઈ હતી, જે ઘણું સ્વાભાવિક છે. પરંતુ તે પછીની શતાબ્દી અને સવાશતાબ્દીની ઉજવણી પછી હવે ગાંધીજીનાં જન્મને ૧૫૦ વર્ષ થાય ત્યારે તેમની સાર્ધશતાબ્દીની ઉજવણી રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય આયોજન સાથે થાય તેવી અપેક્ષા રાખી શકીએ.

દેશમાં સર્વત્ર મૂલ્યોને ઘસારો લાગી રહ્યો છે. ખાદીના લેંઘો-ઝભ્ભો પહેરવા માત્રથી ગાંધીને પામવાનું શક્ય નથી. ગાંધીને વાંચ્યા કે સમજ્યા વિના ભાષણ ઝાડવાથી ગાંધીનો ખ્યાલ આપી શકાતો નથી. પક્ષીય રાજકારણથી માંડીને સંસ્થાઓના સંચાલન સુધી સર્વત્ર મૂલ્યો ઉળેખાતાં જાય છે. તેનું પુનઃસ્થાપન આજની તાતી જરૂરિયાત છે. ગાંધી સાર્ધ-શતાબ્દીએ આ દિશામાં વિચારવાનું થાય તો ગાંધીને યોગ્ય અંજલિ આપી ગણાશે.

[સપ્રેસ, ૧૬-૧-૨૦૧૮માંથી સાભાર]

ભાવનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 16

Category :- Gandhiana