નટવરસરના પાઠ -- ઘડપણનો પાઠ

નટવર ગાંધી
21-01-2018

ચાલ તને હું નટવરસરના પાઠ ભણાવું,
આજ તને હું ઘરડે ઘડપણ
ઘરડી વયના પાઠ ભણાવું.
પરથમ પહેલી વાત કરું કે
જે કાંઈ થાવું હોય, ખુશીથી થાજે,
પણ ભૂલેચૂકે તું ઘરડો, કદી કદી નહિ થાતો,
ઘરડો, કદી કદી નહિ થાતો!

ભાર મુકીને વાત કરી આ જન હજારને
તો ય સહુ એ ઘરડા થઈને બેઠા!
હવે બિચારા રડતા રડતા દુઃખની કથની કહેતા,
કહેતા, વરસ ગયાં સૌ વહેતાં,
વીસ ત્રીસ ચાલીસ ગયાં, ગયાં વરસ પચ્ચાસ,
સાંઠ ગયાં ને વાળ ગયાં,
ખબર પડી ના કેમ ગયા!
હવે વરસ સિત્તેર થયાં,
સ્વપ્ન જલીને રાખ થયાં!

બીજી વાત વળી એમ કરું કે
તન તારું તરકટિયું,
તને ગમે કે નહિ, એ તો કરવું હોય તે કરે,
હરે, ફરે, જરજરે, પછી ખરે!
એક જમાને તબડક, તત્પર,
તગડું કેવું તનડું,
આજ હવે તો મન મરકટની સાથે
રમવા રખરખ રોજ રગશિયું,
એક જમાને નર્તન કરતું નખરાળું ને નમણું,
આજ હવે તો બની ગયું છે દમલું સમણું,
એક જમાને વાયુવેગે દોડી જાતા પગ બંને મદમાતા,
આજ હવે તો ધીમે ધીમે પા પા પગલી ભરતા,
એક જમણે બંને હાથે ભાર ચડાવ્યો મણ મણ કેરો માથે,
આજ હવે તે હેઠા પડતા, નડતા સાવ નકામા,
એક જમાને વીર્ય ઉછળતું,
શિરાઓમાં શૌર્ય છલકતું,
આજ હવે તો અંગ થયાં છે ઢીલાં, વીલાં વલવલતાં, વલખતાં,
એક જમાને એમ હતું કે
સર કરશું દુનિયાને,
આજ થાય કે
દગો દઈને ચાલી ગઈ છે દુનિયા!
એક જમાને એમ હતું કે
અમરપટો લઈ આવ્યા,
આજ હવે તો રહ્યાં વરસ બેચાર,
દિવસ નથી કાંઈ ઝાઝા!

નટવરસર તો એમ કહે કે દિવસ રહ્યા બાકી તેમાં ભજવું નામ ભગવતનું,
સાધુ સંતો, મુનિજન ગુરુજન, કીરતન કરતા સ્વામી સુરીજન, ઢોંગી લુચ્ચા,
એ સર્વેથી ચેતી ચાલી ધરવું ધ્યાન હરિનું,
નામ રામનું જીભે રાખી, કરવું કામ હરિનું,
જીવન વેડફ્યું ઝાઝું તો યે બચશે જે કાંઈ બાકી,
નટવર સરની વાત સુણીને
તરી જઈશ તું ભવસાગરની ખાડી!

ફરી ફરીને વાત કરું, જે કાંઈ થાવું હોય, ખુશીથી થાજે,
પણ ભૂલેચૂકે તું ઘરડો, કદી કદી નહિ થાતો, ઘરડો, કદી કદી નહિ થાતો!

ચાલ તને હું નટવરસરના પાઠ ભણાવું,
આજ તને હું ઘરડે ઘડપણ ઘરડી વયના પાઠ ભણાવું.

Category :- Poetry