સાંગપો, ઝાંગબો, સિઆંગ ઉર્ફે બ્રહ્મપુત્ર

વિશાલ શાહ
13-01-2018

બ્રહ્મપુત્ર. ભારતની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી. છેલ્લા બે મહિનાથી બ્રહ્મપુત્ર ચર્ચામાં છે કારણ કે, ચીનમાંથી ભારતમાં પ્રવેશતી બ્રહ્મપુત્રનું વહેણ અસામાન્ય રીતે કાળું પડી ગયું છે. ચીનનું આધિપત્ય ધરાવતા તિબેટમાંથી ભારતમાં પ્રવેશતી નદી અચાનક કાળી પડી જાય એટલે ચીન પર શંકા જવી સ્વાભાવિક છે. ભારતની પૌરાણિક નદીઓ પૈકીની એક ગણાતી બ્રહ્મપુત્ર ચીનમાં પણ આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કરે છે. એટલે ભારતને શંકા ગઈ કે, ચીન બ્રહ્મપુત્રના કિનારા પર લશ્કરી હેતુથી ક્યાંક બાંધકામ કરતું હશે! જો કે, એવું કશું નહોતું. બ્રહ્મપુત્રનું પાણી અત્યંત નિર્જન પહાડી પ્રદેશોમાં શક્તિશાળી ભૂકંપ આવવાના કારણે કાળું પડી ગયું હતું.

બ્રહ્મપુત્ર તિબેટમાં યારલૂંગ સાંગપો, ચીનમાં યારલૂંગ ઝાંગબો અને અરુણાચલ પ્રદેશમાં સિઆંગ તરીકે જાણીતી છે. આ ત્રણેય નદીનું મૂળ એક જ છે, એ વાત ૧૮૮૪-૮૬ સુધી કોઈ જાણતું ન હતું. ચીન, ભારત અને બાંગ્લાદેશમાં વહેતી બ્રહ્મપુત્રની કુલ લંબાઈ ૩,૮૪૮ મીટર છે. આ ત્રણેય દેશના અનેક વિસ્તારોમાં બ્રહ્મપુત્ર બીજાં પણ અનેક નામે ઓળખાય છે. ભારતની બ્રહ્મોઝ મિસાઈલનું નામકરણ આ જ નદી પરથી કરાયું હતું. બ્રહ્મોઝ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ છે. એવી જ રીતે, સેનાના એક જહાજને પણ બ્રહ્મપુત્ર નામ અપાયું છે.

પાણીના જથ્થાની દૃષ્ટિએ બ્રહ્મપુત્ર દુનિયામાં દસમા નંબરની અને લંબાઈની રીતે ૧૫મી સૌથી લાંબી નદી છે. બ્રહ્મપુત્રના ૭,૧૨,૦૩૫ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા તટપ્રદેશનો મોટા ભાગનો હિસ્સો હિમાલયના દૂરદરાજના જંગલોમાં છે. આ વિસ્તારોમાં થતાં ભૌગોલિક ફેરફારો જાણવા અત્યારે તો ઉપગ્રહ અને એરિયલ ફોટોગ્રાફી જેવી ટેક્નોલોજી છે, પરંતુ આવા હાઇટેક સાધનો નહોતા ત્યારે કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા હિમાલયમાં વર્ષો સુધી પગપાળા અને ઘોડા પર જીવના જોખમે પ્રવાસ કર્યો હતો.

એ વિશે વાત કરતાં પહેલાં બ્રહ્મપુત્ર વિશે થોડી વાત.

બ્રહ્મપુત્ર વિશે આપણને ઓછી જાણકારી કેમ?

આપણે ગંગા, યમુના, નર્મદા, સરસ્વતી, સિંધુ, ચિનાબ, બિયાસ, ક્ષિપ્રા કે ગોદાવરી વિશે જેટલું જાણીએ છીએ એટલું બ્રહ્મપુત્ર નદી વિશે નથી જાણતા. શું હશે કારણ? બ્રહ્મપુત્ર નદી ઉત્તર પૂર્વીય ભારતમાં વહે છે એટલે? નવી દિલ્હીથી ઓપરેટ થતાં રાષ્ટ્રીય મીડિયામાં આખી દુનિયાની પંચાત થાય છે પણ ઉત્તરપૂર્વીય રાજ્યોને લગતી ગમે તેવી મોટી ઘટનામાં 'લેક ઓફ ઈન્ટરેસ્ટ' સ્પષ્ટ દેખાઈ આવે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો વિશે એક સરેરાશ ભારતીય પાસે સચોટ માહિતી ઓછી અને પૂર્વગ્રહો વધારે હોય છે.

તિબેટના દક્ષિણ-પશ્ચિમ  લ્હાસાના ઊંચાઈવાળા વિસ્તારોમાં અંશતઃ થીજેલી સાંગપો, જે ધીમે ધીમે પીગળીને ત્રણ દેશનો પ્રવાસ કરે છે

તિબેટના બુરાંગ પ્રાંતના ઉત્તરી હિમાલયમાં કૈલાશ પર્વત નજીક આવેલા આંગસી ગ્લેિશયરમાંથી એક વહેણ ઉત્પન્ન થાય છે, જે હિમાલય પર્વતમાળામાંથી પૂર્વ તરફ (તિબેટ-ચીન) આગળ વધે છે. આ વહેણ એટલે ત્રણ દેશના અત્યંત નિર્જન વિસ્તારોને ભેદીને આગળ વધતી તિબેટની સાંગપો, ચીનની ઝાંગપો અને ભારતની બ્રહ્મપુત્ર. આ વહેણ તિબેટના ગ્યાલા પેરી અને નામચા બારવા નામના પર્વતને કાપીને વિશ્વની સૌથી મોટી ખીણનું સર્જન કરે છે, જે યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ) તરીકે ઓળખાય છે. વિશ્વની સૌથી ઊંડી આ ખીણની લંબાઈ ૫૦૪.૬ કિલોમીટર છે. (અમેરિકાની કોલોરાડો નદી પરની ગ્રાન્ડ કેન્યોનની લંબાઈ ૪૪૬ કિલોમીટર છે). 

૧૭મી નવેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યે આ ખીણના કિનારે આવેલા ગ્યાલા પેરીના પર્વતીય વિસ્તારમાં ૬.૪ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. એ પછીના ૩૨ કલાકમાં એ પ્રદેશે સરેરાશ ચાર રિક્ટર સ્કેલના બીજા પાંચ આફ્ટરશૉક્સ પણ ઝીલ્યા. આ ભૂકંપના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે તિબેટમાં વહેતી સાંગપો નદીમાં હજારો ટન માટી-પથ્થરોનો કચરો ઠલવાયો અને બ્રહ્મપુત્રનું વહેણ પણ ગંદુ થઈ ગયું. ભારત સરકારે ઉપગ્રહોથી લીધેલી તસવીરોમાં પણ સાબિતી મળી કે, ભૂકંપના આંચકાની સાંકળ રચાવાના કારણે આશરે ૧૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું.

યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોનમાંથી ધસમસતી આગળ વધીને ઝીગઝેગ પર્વતમાળામાં એક જગ્યાએ 'યુ' ટર્ન લઈને પશ્ચિમ (ભારત) તરફ આગળ વધે છે. હિમાલયના અનેક દુર્લભ વિસ્તારોને ભેદીને સાંગપો ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. ત્યાં સાંગપોને નવું નામ મળે છે, સિઆંગ. સિઆંગ આસામ ખીણ તરફ વહીને દિહાંગ અને લોહતી નદીને મળે છે. એ પછી સિઆંગને પણ નવી સંસ્કૃિત પ્રમાણે નવું નામ મળે છે, બ્રહ્મપુત્ર. આ નદી અરુણાચલ પ્રદેશ અને આસામની જીવાદોરી છે અને એટલે જ તેનું વહેણ કાળું પડી જતાં ભારત સરકાર હરકતમાં આવી ગઈ હતી.

દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી

બ્રહ્મપુત્ર એટલે બ્રહ્મનો પુત્ર. બ્રહ્મપુત્ર દેશની એકમાત્ર પુરુષ નામ ધરાવતી નદી હોવાનું રહસ્ય એક પૌરાણિક વાર્તામાં મળે છે. બ્રહ્મપુત્ર નદીના જન્મની આ રસપ્રદ વાર્તામાં કહેવાયું છે કે, પ્રાચીન સમયમાં શાંતનુ નામના એક ઋષિ થઈ ગયા. શાંતનુ હિમાલયમાં આવેલા બ્રહ્મકુંડ નામના સરોવર નજીક આશ્રમ બાંધીને રહેતા હતા. શાંતનુ પરીણિત હતા અને તેમની પત્ની અમોઘા અત્યંત સૌંદર્યવાન સ્ત્રી હતી. એકવાર શાંતનુના તપથી ખુશ થઈને ખુદ બ્રહ્મા તેમના આશ્રમે આવે છે. અમોઘા બ્રહ્માની આગતાસ્વાગતા કરે છે અને તેમની સંપૂર્ણ કાળજી લે છે. આ દરમિયાન બ્રહ્મા અમોઘા પર મોહી પડે છે અને તેઓ કામુક થતાં સ્ખલિત થઈ જાય છે. ત્યાર પછી બ્રહ્મા તો જતા રહે છે, પરંતુ શાંતનુ જમીન પર વીર્યનું ટીપું જુએ છે અને આખી વાત સમજી જાય છે. જો કે, તેઓ ગુસ્સે થવાના બદલે બ્રહ્માના વીર્યનું અમોઘાના ગર્ભમાં આરોપણ કરે છે. એ પછી અમોઘાની કુખે જે પુત્ર જન્મે છે, એ બ્રહ્મપુત્ર કહેવાય છે.

૫૦૪.૬ કિલોમીટર લાંબી યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ)

હિંદુ પૌરાણિક સાહિત્યમાં બ્રહ્મપુત્ર નદી સાથે સંકળાયેલી અનેક વાર્તાઓ મળે છે, ક્યાંક વિરોધાભાસી  ઉલ્લેખો પણ છે, પરંતુ બ્રહ્મપુત્રના જન્મની આ સૌથી પ્રચલિત વાર્તા છે. એવું પણ કહેવાય છે કે, ભારતીય ઉપખંડની સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર છે અને એટલે સદીઓ પહેલાં તેને પુરુષ નામ અપાયું હતું. આ નદી પણ ગંગા જેટલી જ પવિત્ર મનાય છે અને તેમાં સ્નાન કરવાથી મોટામાં મોટું પાપ પણ ધોવાઈ જાય છે. પરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને જ માતાની હત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું.

બ્રહ્મપુત્રમાં સ્નાન કરી પરશુરામનું પ્રાયશ્ચિત

ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામના પિતા ઋષિ જમદગ્નિએ એકવાર હવનનું આયોજન કર્યું હતું. આ હવન માટે પવિત્ર જળ લેવા જમદગ્નિએ પત્ની રેણુકાને ગંગા કિનારે મોકલ્યા. જો કે, ગંગામાં અપ્સરાઓ સાથે મજાક મસ્તી કરી રહેલા ગંધર્વરાજ ચિત્રરથને જોઈને રેણુકા પણ આસક્ત થઈ ગયાં. એ પછી રેણુકા પણ થોડી વાર ત્યાં જ રોકાઈ ગયાં. બીજી બાજુ, જમદગ્નિનો હવન કાળ વીતી ગયો અને તેઓ ખૂબ જ ગુસ્સે થયા.

જમદગ્નિએ આર્ય મર્યાદા વિરોધી આચરણ અને માનસિક વ્યભિચારના આરોપસર રેણુકાને સજા કરવાનું નક્કી કર્યું. જમદગ્નિના પાંચ પુત્ર હતા. તેમણે આ પાંચેય પુત્રને માતાનો વધ કરવાનો હુકમ કર્યો, પરંતુ પરશુરામ સિવાય એકેય પુત્ર આ મહાપાપ કરવા તૈયાર ના થયો. પરશુરામે પિતાની આજ્ઞાને પગલે માતાનો શિરચ્છેદ કરી દીધો અને માતાને બચાવવા વચ્ચે પડેલા ચાર ભાઈની પણ હત્યા કરી. આ આજ્ઞાપાલનથી પ્રસન્ન થઈ જમદગ્નિએ પરશુરામને વરદાન માંગવા કહ્યું. પરશુરામે પિતા જમદગ્નિ પાસે બધાને જીવતા કરી દેવાનું અને પોતાના દ્વારા કરાયેલી હત્યાની સ્મૃિત પણ ભૂંસાઈ જાય એવું વરદાન માંગ્યું.

સાંગપો ઉર્ફે બ્રહ્મપુત્રનો નકશો

જમદગ્નિએ કહ્યું, તથાસ્તુ. જો કે, એ પછી પરશુરામ ઘરેથી નીકળી ગયા અને માતાની હત્યાના મહાપાપનું પ્રાયશ્ચિત બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કર્યું. બ્રહ્મપુત્ર એ બ્રહ્માનો પુત્ર છે અને એટલે તેમાં સ્નાન કરવાથી ઘોર પાપ પણ ધોવાઈ જાય છે. આ તો પુરાણોની વાત થઈ, હવે વાત કરીએ એ સાહસિકોની જે પગપાળા અને ઘોડા પર બેસીને બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હતા.

અજાણતા જ પહોંચી ગયા બ્રહ્મપુત્રના મૂળ નજીક

વાત છે, ૧૬મી સદીમાં થઈ ગયેલા ઈટાલીના પાદરી ઇપોલિતો દેસીદેરીની. તેઓ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાના હેતુથી સપ્ટેમ્બર, ૧૭૧૩માં ઈટાલીથી જળમાર્ગે ગોવા આવ્યા હતા. ગોવામાં થોડો સમય રોકાઈને દેસીદેરી વાયા સુરત, અમદાવાદ, રાજસ્થાન, દિલ્હી, કાશ્મીર, લદાખ થઈને તિબેટ જવા નીકળ્યા. આ પ્રવાસમાં દેસીદેરીએ અનેક સ્થળે ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપ્યો, પરંતુ ઉંમર અને વાતાવરણના કારણે આંતરડાના રોગોનો ભોગ બન્યા. આ કારણસર દેસીદેરી છ મહિના મોડા કાશ્મીર પહોંચ્યા, પરંતુ ત્યાંના ખુશનુમા વાતાવરણમાં થોડા દિવસ આરામ કરી દેસીદેરી ફરી એકવાર બિસ્ત્રોપોટલા લઈને લેહ જવા નીકળ્યા. દેસીદેરીનો નાનકડો કાફલો ૨૫મી જૂન, ૧૭૧૫ના રોજ લેહ પહોંચ્યો હોવાની ઐતિહાસિક સાબિતી છે.

ઈપોલિતો દેસીદેરીના બે દુર્લભ પુસ્તક ‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’ અને  ‘મિશન ટુ તિબેટ’ના કવરપેજ

‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’માં ૩૨૯માં પાને દેસીદેરીએ ગુજરાતનો સ્પેિલંગ કંઈક આવો (સ્ક્રીન શોટ જુઓ ) કર્યો હતો. એ પછીની આવૃત્તિઓમાં કૌંસમાં સાચો સ્પેિલંગ લખાયેલો છે

યુરોપથી આવેલા ખ્રિસ્તી ધર્મગુરુનું લદાખના રાજાએ સ્વાગત કર્યું, પરંતુ તેમણે દેસીદેરીના ઉપરી તરીકે પોર્ટુગીઝ પાદરી મેન્યુઅલ ફ્રેયરેની નિમણૂક કરી. દેસીદેરીએ ફ્રેયરેની આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત હતું. લેહમાં સંપૂર્ણ તૈયારી સાથે ઇપોલિતો દેસીદેરી અને મેન્યુઅલ ફ્રેયરેએ હિમાલયની હાડ ઓગાળી દેતી ઠંડીમાં એક નાનકડા કાફલા સાથે તિબેટ પ્રવાસ શરૂ કર્યો. આ બંને પાદરી સાત મહિનાના અતિ જોખમી પ્રવાસ પછી તિબેટ પહોંચ્યા. આ દરમિયાન તેઓ માન સરોવરની દક્ષિણ પૂર્વે આવેલા માયૂમ લા નામના માઉન્ટેઇન પાસ નજીક પણ રોકાયા હતા. માયૂમ લા પાસના કારણે જ આંગસી ગ્લેિશયરમાંથી નીકળતું વહેણ બે જુદી જુદી દિશામાં ફંટાય છે, જે આગળ જઈને બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી બે મહાકાય નદીનું સર્જન કરે છે. જો કે, દેસીદેરી કે ફ્રેયરે જાણતા ન હતા કે, તેઓ સાંગપો કે બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચી ગયા છે.

દેસીદેરીએ 'એન એકાઉન્ટ ઓફ તિબેટ', 'મિશન ટુ ધ તિબેટ: ધ એક્સ્ટ્રાઓર્ડિનરી એઈટીન્થ સેન્ચુરી એકાઉન્ટ' અને 'એ મિશનરી ઈન તિબેટ' જેવાં અનેક પુસ્તકોમાં કરેલી નોંધોની ખરાઈ પછી સાબિત થઈ ગયું છે કે, દેસીદેરીએ જુદી જુદી દિશાઓમાંથી વહેતી નદીઓ અને સરોવરોનું વર્ણન કર્યું છે તે  સાંગપો જ હતી. 

***

દેસીદેરી પહેલાં કોઈ યુરોપિયન તિબેટમાં આટલા અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો ન હતો. દેસીદેરી બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા ખરા, પરંતુ તેમનો હેતુ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો, બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવાનો નહીં. આ ઘટનાની દોઢ સદી પછી કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનું મૂળ શોધી સમગ્ર નદીનો નકશો તૈયાર કરવા તેના કિનારે કિનારે પગપાળા પ્રવાસ શરૂ કર્યો.

શું તેઓ સફળ થયા? એ રસપ્રદ સાહસકથા વાંચો આવતા અંકે.

------

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk

Category :- Opinion / Opinion