સંવાદ અને સહયોગનો નવો તબક્કો

પ્રકાશ ન. શાહ
13-01-2018

વર્ણ-માનસિક્તા હિંદુત્વ પ્રોજેક્ટને કેમ આભડી ગઈ છે અને આભડતી રહી છે એ બુનિયાદી તપાસ મુદ્દો છે

સાંભળ્યું છે કે નવસર્જન-ખ્યાત કર્મશીલ માર્ટિન મેકવાન ગુજરાતના નાગરિક સમાજ સક્રિયકોને ભીમા-કોરેગાંવ ઘટનાક્રમે છેડેલાછંછેડેલા વિચાર-અને-આંદોલન-મુદ્દાઓના ઉજાસમાં સહવિચાર સારુ એકત્ર કરવા ઇચ્છે છે. આ અલબત્ત એક સોજ્જો ઉપક્રમ છે, અને ઉના ઘટનાએ દેશમાં સરજેલી શક્યતાઓના અગ્રચરણરૂપે આવી એક ચર્ચાનો દોર આગળ ચાલે એ જરૂરી પણ છે.

માર્ટિનભાઈએ ગુજરાતનાં ગામોમાં રામપાત્ર નહીં પણ ભીમપાત્ર સહી એ તરજ પર ચલાવેલ સુધારચળવળનું આ તબક્કે અનાયાસ સ્મરણ થઈ આવે છે. સુધાર જેમ વ્યાપક સમાજમાં તેમ દલિત સમાજની અંદર પણ, એવો એમનો અભિગમ રહ્યો છે એ રીતે ગાંધીની પ્રાયશ્ચિત સ્કૂલ અને આંબેડકરની અધિકાર સ્કૂલ એમ બે ય છેડેથી અપેક્ષિત કામગીરીના વ્યાપક વર્તુળમાં એમનીયે એક ભૂમિકા રહી છે. માર્ક્સ-આંબેડકર સંસ્કાર તો ગાંધી જેપી પરંપરાની લોકસમિતિ હિલચાલનોયે સ્વલ્પ સંપર્ક એ જિજ્ઞેશ મેવાણીનો કંઈક નિંભાડો તો કંઈક અખાડો રહ્યો છે.

નારણભાઈ રાઠોડ કે ભીમાભાઈ રાઠોડની ગાંધી સર્વોદય પરંપરા કરતાં માર્ટિન અને જિજ્ઞેશ પોતપોતાની ઘાટીએ સ્વાભાવિક જ જુદા પડે છે. પાટડી-દસાડાના પૂર્વધારાસભ્ય સદ્‌ગત ભીમાભાઈ જો કે એક વાત સરસ કરતા કે કૌરવપાંડવ વચ્ચેના સંઘર્ષમાંથી જો ગીતા જેવી મહદ્‌ ઉપલબ્ધિ થઈ હોય તો ગાંધી-આંબેડકર તો કોઈ કૌરવોપાંડવની જેમ શુભ/ઈષ્ટ વિ. અનિષ્ટ એવાં સામસામાં પાત્રો નહોતાં. એમના સંઘર્ષમાંથી તો સમતા ને સ્વતંત્રતા સારુ નાગરિક જીવનમાં અદકેરી લબ્ધિ કેમ ન થાય, વારુ!

આ જે અદકેરી લબ્ધિ, એની દિશા અને એનું સ્વરૂપ શું હોય તેની સંભાવના સમજવામાં અને તપાસવામાં એક નિમિત્ત તરીકે ભીમા-કોરેગાંવ ઘટનામાં ઊહ અને અપોહનાં જે વિચારવાનાં પડેલાં છે એ શું છે? ભાઈ, પ્રજાસત્તાક સ્વરાજનિર્માણના વ્યાપક અર્થમાં આપણે રાષ્ટ્રરૂપે વિલસવાનો ઇતિહાસ પ્રોજેક્ટ રહેલો છે. ગાંધીચીંધ્યા નેહરુપટેલ નિમંત્ર્યા આંબેડકરની અગ્રભૂમિકાએ બની આવેલા બંધારણે તે માટે એક રન વે અને ઉડ્ડાનબિંદુ સ્વાતંત્ર્યસંગ્રામની પૃષ્ઠભૂ પર પૂરાં પાડ્યાં છે.

એના ગતિ અને દિશામાં પ્રજાકીય છેડેથી તેમ શાસકીય છેડેથી સંસ્કારક/અવરોધક પહેલ-પ્રવાહ-પરિબળ કામ કરતા રહ્યાં છે. માર્ક્‌સે ભારત ઇતિહાસ નોંધમાં એક માર્મિક ટિપ્પણી કરી છે કે ઇતિહાસ હિંદુ દેવતાઓની પેઠે મનુષ્યની ખોપરીમાંથી રક્તપાન કરતો હોય છે. (જો કે ઇંચબઇંચ આગળ વધતી વિશ્વમાનવતાનું ઋત ભૂલવા જેવું નથી.)

તો, આ જે રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા છે એમાં મે 2014 સાથે વિધિવત્‌ તખ્તનશીન વિચારધારાએ (અને તે અગાઉ પણ એની યથા સંભવ પ્રભાવકતાએ) પોતાના હિંદુત્વ અભિગમપૂર્વક જેમ મુસ્લિમો તેમ દલિત-આદિવાસી-ઓ.બી.સી. સાથે કામ પાડવું રહે છે.

ઇતિહાસમાં બત્રીસલક્ષણા બલિદાની યુવકની શોધમાં દલિત પર કળશ ઢોળાતો રહ્યો છે, જેમ કે વીરમાયા. પ્રભાવક ‘હિંદુ’ તબકાને ખાણદાણની શોધમાં દલિત પર લાંગરવું ઠીક ફાવતું આવે છે. ઓ.બી.સી. મુખ્યમંત્રીના કાળમાં ગુજરાતમાં જે સંહારસત્ર બની આવ્યું એને હિંદુ ઉચ્ચ વર્ણવાદના ટીકાકારો જો ઉપલી વરણ જ બહાદુર હોય એવી વર્ણ-માનસિકતા પરની લપડાકરૂપે ઘટાવી શકે તો સામે છેડે ઓ.બી.સી. પોતાને હિંદુ શૌર્યમૂર્તિઓમાંયે સ્થાપી શકે: આ બે પરસ્પરવિરોધી વાચનાઓ એક આંતરબાહ્ય મંથનમુદ્દો ઉપસ્થિત કરે છે.

ભીમા-કોરેગાંવ (1 જાન્યુઆરી 1818), એ રીતે અંગ્રેજબહાદુરની મહાર સહિતની ટુકડી અને બ્રાહ્મણ પેશવાઈની ટુકડી વચ્ચેની લડાઈમાં દલિત વિ. બ્રાહ્મણ વર્ચસ્‌ની એક વાચના પૂરી પાડે છે. પણ ઉલટ પક્ષે પેશવાની ફોજમાં માતંગ (દલિત) પણ હતા એ લક્ષમાં લઈએ તો કંપની સરકારની ફોજમાં મહાર (દલિત) પણ હતા તેને કારણે બેઉનો છેદ ઊડી જાય છે. દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસના પ્રાધ્યાપક અભિનવ પ્રકાશે આ મુદ્દો હમણાં સંઘ પરિવારની એક થિંક ટૅંક રૂપ મુખર્જી ફાઉન્ડેશનના ઉપક્રમે મળેલી વિચારગોષ્ઠીમાં ઉપસ્થિત કર્યો હતો.

અભિનવ પ્રકાશ પોતાને જમણેરી આંબેડકરી તરીકે ઓળખાવે છે. છેક વિદ્યાર્થી પરિષદના વારાથી સંઘ પરિવાર જોડે રહેલા અભિનવ પ્રકાશનું એક માર્મિક અવલોકન હજુ હમણે લગીના હિંદુત્વ પ્રોજેક્ટ બાબતે એ છે કે આપણા ઇતિહાસ લેખનમાં અને ઇતિહાસ કથનમાં દલિત ને આદિવાસી ક્યાં છે. એમની ચિંતા આ મુદ્દે એ છે કે જો આપણે દલિત ને આદિવાસીને નહીં સમાવી શકીએ તો સામેવાળા એમને પોતાના કરી લેશે. જો કે વિચારમુદ્દો એ છે કે ‘આપણાવાળા’ અને ‘સામેવાળા’થી ભાજપ વિ. કૉંગ્રેસી એવું કોઈ વલણ બનતું હોય તો તે બેહદ બેહદ અપૂરતું અને એકાંગી લેખાશે.

વર્ણ-માનસિકતા હિંદુત્વ પ્રોજેક્ટને કેમ આભડી ગઈ છે અને આભડતી રહી છે એ બેશક બુનિયાદી તપાસમુદ્દો છે. સ્વરાજસંગ્રામની જે વ્યાપક ધારામાં કૉંગ્રેસે અને બીજા આવ્યાં એમાં સમાજગત વર્ણવણછાની સામેનાં વૈચારિક બળોનો યત્કિંચિત પણ પ્રવેશ હતો. એની પણ મર્યાદાઓ હોઈ શકે છે, પણ હિંદુત્વની હદે તે ગળથૂથીગત નથી. હિંદુત્વ રાજનીતિ મંડલમંદિર જોડાણ અને દલિત સમાસની રણનીતિથી એકત્રીસ ટકે પહોંચી છે. આ એકત્રીકરણ ચાલુ રાખવા માટે એને ‘ધ અધર’ની જરૂર સતત પડે છે.

ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ ઢબે એકત્રીસ ટકે બહુમતી બેઠકો જરૂર શક્ય બની પણ આ ટકાવારી વધારવી અને ટકાવવી હોય તો કથિત વચલી-નીચલી વરણની રાજકીય બહુમતીની સરસાઈ તળે ઉજળિયાત માનસિકતા એક લઘુમતી દરજ્જો સાંખી શકે એવી સુધારસમજ કેળવાવી જોઈએ. તો, નાગરિક ધોરણ કેળવાય અને વિકસે. જો કે ત્યાર પછી પણ રાષ્ટ્રનિર્માણના પ્રોજેક્ટને જે ગળથૂથીગત ‘અધર’ની ગરજ રહે છે એમાંથી ઊંચે ઊઠવું બાકી રહે છે.

આંબેડકર છેડેથી દલિત કલ્યાણ નિધિ સાથે ગાંધીનું નામ જોડવાની દરખાસ્ત આવેલી એમાં પ્રજાસત્તાક સ્વરાજલાયક સહિયારી નાગરિકતાની કૂંચી પડેલી છે. જેમ આલોચના તેમ કદરબૂજને ધોરણે પ્રાયશ્ચિત અને અધિકાર સ્કૂલો વચ્ચે સાર્થક સંવાદ અને સહયોગનો નવો તબક્કો રાહ જુએ છે. ઇ.પી.ડબલ્યૂ.ના વરાયેલા સંપાદક ગોપાલ ગુરુએ આ દિશામાં એક વિચારબારી ખોલી છે, એની વાત વળી ક્યારેક.

‘ધ અધર’ (આ કિસ્સામાં ‘મુસ્લિમ’) પરત્વે અત્યારે સંઘ પરિવારે અજમાવેલા વ્યૂહ પરત્વે તીન તલાક પ્રકરણ સહિતના મુદ્દે વિગતે વ્યાપક ચર્ચા જરૂરી છે. આ ક્ષણે એમાં લાંબે કે ઊંડે નહીં જતાં એક સાદો પણ બુનિયાદી વિગતમુદ્દો કરીશું કે ચૂંટણી અને મતના રાજકારણમાં અમે (ભા.જ.પ./સંઘ પરિવાર) તમારા વિના ચલાવી શકીએ તેમ છીએ એવી ભૂમિકા જણાય છે. આ વ્યૂહ જ્યારે સફળ થતો જણાય ત્યારે પણ એક પાયાનો પ્રશ્ન રહે છે.

અને તે એ કે મુસ્લિમોને રાજકીય મુખ્યપ્રવાહગત પ્રતિનિધિત્વમાંથી બાકાત રાખીને તમે રાષ્ટ્રરાજ્ય તરીકેની તમારી મજબૂતીને સવાલિયા દાયરામાં નાખો છો તેનું શું. શું દલિત, શું મુસ્લિમ કે શું બીજા: છેવટે તો ખલિલ જિબ્રાનની સ્મરણીય સૂક્તિ મુજબ કોઈ પણ સાંકળ છેવટે તો એની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકે છે.

સૌજન્ય : ‘મંથન’, “દિવ્ય ભાસ્કર”, 13 જાન્યુઆરી 2018

Category :- Opinion / Opinion