બે કાવ્યો

‘નવ્યાદર્શ’
11-01-2018

- 1 -

તારી છાયામાં 

તને ક્યાંથી ખબર હોય
મેં બે જિંદગી જીવી લીધી છે
એક તારામાં અને એક મારામાં.
તારું પાસે હોવું એ તો સ્વપ્ન છે મારું
અને તારું દૂર હોવું સહી નથી શકાતું.
મને ખબર છે
તારી અંદર અને તારી બહાર જીવું છું હું તારામાં.
મને ખબર છે
હું છું તારા શબ્દોમાં, કવિતાઓમાં, તારા સ્વપ્નોમાં
સ્વપ્નાઓ હંમેશાં પોતાના હોય છે
મારા હોય કે તારા.
ક્યારેક થાય છે કે,
સૂરજમુખીનું હોવું કે ન હોવું સૂરજને શું ફર્ક પડે ?
કોઈ મુસાફર આવે કે ન આવે વિસામો લેવા
વૃક્ષને શું ફર્ક પડે ?
બસ
મને ખબર છે એટલી
મારું હોવું જરૂરી નથી તારા માટે
તારું હોવું સર્વસ્વ છે મારા માટે.
બસ
થોડીવાર તારી છાયામાં બેસી જાઉં ?
બહુ થાકી ગઈ છું
તને પ્રેમ કરી કરીને.

••••• 

- 2 -

ભૂલી જવું

 
હું તને કહી તો દઉં છું કે
‘ભૂલી જા મને’
અને તું પણ સ્વીકારી લે છે તે સહજ જ.
ભૂલી જવાનું કહ્યા પછી પણ શા માટે તું યાદ બની આવે છે ?
તારે અહીં નહીં આવવાનું,
તારા કોઈ માર્ગ પર હું નથી,
મારી અનુભૂતિ નથી,
જે પ્રેમને ખાતર તું મારી પાસે આવતો હતો
આજે એ પ્રેમ પણ નથી.
મિત્રતા ...
બસ આ જ બાકી રહ્યું છે તારી-મારી વચ્ચે.
એનો તાંતણો પણ બહુ નાજુક છે.
હું તારો ગુસ્સો સહી નથી શકતી,
તારો પ્રેમ પામી નથી શકતી,
મિત્રતા પ્રેમનો માર્ગ બની જાય છે
એટલે તારી સાથે ચાલી પણ શકતી નથી.
હું શું કરું કે,
હું તારાથી બહુ દૂર જઈ શકું
અને તું મારાથી ?

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry