બાલ બાલ બચ ગયે?

કેયૂર કોટક
08-01-2018

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનો કકળાટ શમી ગયો છે અને વિજય રૂપાણીની સરકારે ભા.જ.પ.ને પ્રાપ્ત થયેલી બેઠકોને શોભે એ રીતે સચિવાલયના પ્રાંગણમાં જ શપથ લઈને સંતોષ માની લીધો છે. દેખીતી રીતે, રૂપાણી અતિ નમ્ર અને વાસ્તવિકતા સમજે એવા નેતા છે. તેઓ સ્વીકારે છે કે બધાનાં નસીબ નરેન્દ્ર મોદી જેવાં ન હોય.

ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી તરત ભા.જ.પ.ના એક પારિવારિક વડીલમિત્ર અને ધારાસભ્ય સાથે વાત થઈ હતી. તેમણે હસતાં-હસતાં સ્વીકાર્યું કે, ‘હવે અમારા તારલાઓને જમીન પર આવવું પડશે. પણ મોદીજીના ડરથી હવે અમારે થોડું દોડવું પડશે અને કામ બતાવવું પડશે.’ બે ત્રણ દિવસ અગાઉ સુરેન્દ્રનગરના વતની અને છેલ્લાં ઘણાં વર્ષોથી અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવનાર કૉંગ્રેસના અગ્રણી હરોળના નેતા સાથે પણ વાત થઈ. આ આગેવાન નેતાએ અફસોસ સાથે કહ્યું કે, ‘આ વખતે હોઠ સુધી આવેલો વિજયનો પ્યાલો ઝૂંટવાઈ ગયો.’ શપથસમારોહમાં મોદી પણ જાણે શંકરસિંહના કાનમાં ‘બાલ બાલ બચ ગયે’ કહીને વિદાય થયા, એમ લાગ્યું.

રાજ્યના નાગરિકો પણ માને છે કે, વિધાનસભાની આ ચૂંટણીમાં વિજય મેળવવા માટે કૉંગ્રેસ માટે સારી તક હતી. આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે વિમુદ્રીકરણનો અને જી.એસ.ટી.ના ઉતાવળિયા અમલને કારણે કૉંગ્રેસને બગાસું ખાતું પતાસી આવી ગયું હતું. ગુજરાતમાં ભા.જ.પ.ને વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલી પડશે, એનો અંદાજ ૮ નવેમ્બર, ૨૦૧૬ની ઐતિહાસિક ડિમૉનેટાઇઝેશનની જાહેરાત પછી ગણતરીના દિવસોમાં જ મળી ગયો હતો. પ્રધાનમંત્રીએ શિયાળો બેસતાં જ આ જાહેરાત કરી હતી, જેથી લોકોમાં ગરમાવો આવી ગયો હતો. ડિમૉનેટાઇઝેશન પછી શિયાળાની સીઝનમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોનાં શરીરમાંથી થર્મોમીટર ફાડી નાંખે એવી ગરમી અનુભવાતી હતી. ગામડાંમાંથી કામધંધો છોડીને તાલુકાસ્થળે બૅંકોની લાઇનમાં સવારથી બેસવું અને બપોરે નોટો ખલાસ થઈ ગયા પછી વિલામોઢે ગામડે પાછાં ફરવું. ફરી બીજા દિવસે લાઇનમાં બેસવું અને વારો આવે, ત્યારે જૂની નોટો સામે હાથમાં આવે ૨૦૦૦ની નોટ!

ડિમૉનેટાઇઝશનની ભૂલનો અંદરખાને સ્વીકાર કરીને મોદી સરકારે ઝડપથી રીમૉનેટાઇઝેશનનું અભિયાન ઉપાડ્યું હતું. પછી સ્થિતિ માંડ થાળે પડતી હતી, ત્યાં મોદી સરકારે ૧ જુલાઈ, ૨૦૧૭ના તેમના શાસનના અન્ય એક ઐતિહાસિક દિવસે જી.એસ.ટી.નો ઉતાવળિયો અમલ શરૂ કર્યો હતો. નોટબંધીમાં કાળાધોળા કરવામાંથી માંડ નવરા પડેલા વેપારીઓને જી.એસ.ટી.એ અવાક્‌ કરી દીધા.

કેન્દ્ર સરકારનાં આ બંને પગલાંથી ભા.જ.પ. ખરેખર હારી જશે એવો ફફડાટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનોમાં પણ જોવા મળતો હતો. પણ કેટલાંક સૂત્રોના મતે હરહંમેશની જેમ કૉંગ્રેસના ગુજરાત પ્રદેશના નેતાઓ રાહુલ ગાંધીને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યા અને તેમણે જ્ઞાતિવાદનું રાજકારણ રમીને ભા.જ.પ.ની લાજ બચાવી લીધી. ગુજરાતના અગ્રણી અખબાર ગુજરાત સમાચારે પરિણામના બીજા દિવસે પરિણામોને યથાર્થપણે પ્રતિબિંબિત કરતી હેડલાઇન આપી હતી - ‘ભા.જ.પ.ની જીતમાં હાર, કૉંગ્રેસ હારીને જીત્યું.’ આંકડાની દૃષ્ટિએ જોઈએ, તો ભા.જ.પ.ને ૪૯.૧ ટકા મત મળ્યા છે, જે વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં પ્રાપ્ત થયેલા મતો કરતાં એક ટકા વધારે છે, છતાં ભા.જ.પ.ને ૧૬ બેઠકોનું નુકસાન થયું છે. બીજી તરફ, કૉંગ્રેસને વર્ષ ૨૦૧૨માં પ્રાપ્ત થયેલા ૩૮.૯ ટકા મત સામે વર્ષ ૨૦૧૭માં ૪૧.૪ ટકા મતો મળ્યા છે. આ રીતે તેના મતમાં લગભગ ત્રણ ટકાનો વધારો થવા છતાં ૧૬ બેઠકોનો ફાયદો થયો છે.

સામાન્ય રીતે કૉંગ્રેસની બેઠકોમાં વધારા માટે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટીના જ્ઞાતિવાદી આંદોલનને જવાબદાર ગણાવે છે. પણ હકીકતમાં આ ત્રિપુટીમાંથી એક હાર્દિક પટેલનું આંદોલન જ કૉંગ્રેસને ફળ્યું છે, જ્યારે અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસને ફાયદો કરાવવાને બદલે શિક્ષિત અને સવર્ણોમાં ફફડાટ ફેલાવવામાં વધારે ભૂમિકા ભજવી હતી. ડિમૉનેટાઇઝેશન અને જી.એસ.ટી.ની નારાજગીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હાર્દિક પટેલના આંદોલને બરોબર વધારો કર્યો હતો. તેનું પરિણામ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભા.જ.પ.ને ભોગવવું પડ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૫૪ બેઠકોમાંથી કૉંગ્રેસને ૩૦ અને ભા.જ.પ.ને ૨૩ બેઠકો મળી છે. અહીં કૉંગ્રેસને ૧૪ બેઠકોનો ફાયદો થયો છે, જ્યારે ભા.જ.પ.ને ૧૨ બેઠકોનું નુકસાન થયું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભા.જ.પ.ને ફટકો પડ્યો છે. ગ્રામીણ વિસ્તારોની કુલ ૧૨૭ બેઠકોમાં ભા.જ.પ.ને ૫૬ અને કૉંગ્રેસને ૬૮ બેઠકો મળી છે. વર્ષ ૨૦૧૨માં આ વિસ્તારોમાં ભા.જ.પ.ને ૭૦ અને કૉંગ્રેસને ૫૧ બેઠકો મળી હતી. કૉંગ્રેસને ગ્રામીણ વિસ્તારોમાં બેઠકો વધારવામાં જેટલી સફળતા મળી, તેનાથી અતિ ઓછી સફળતા શહેરી વિસ્તારોમાં મળી. કહેવાનો અર્થ એ છે કે, ડિમૉનેટાઇઝેશન અને જી.એસ.ટી. પછી શહેરી વિસ્તારોમાં મોદી સરકાર પ્રત્યે જે નારાજગી હતી, એ મતમાં પરિવર્તિત કરવામાં કૉંગ્રેસ લગભગ નિષ્ફળ નીવડી છે.

અહીં પ્રશ્ર એ છે કે, શહેરી મતદારોએ શા માટે કૉંગ્રેસને બદલે ભા.જ.પ.ને પસંદ કર્યો?

આ માટે મુખ્યત્વે બે કારણો જવાબદાર છે : એક, શહેરી મતદારોમાં હજુ પણ કૉંગ્રેસની મુસ્લિમ તરફી હોવાની અને ભા.જ.પ. હિંદુત્વને વરેલો પક્ષ હોવાની ખોટી માન્યતા પ્રવર્તે છે. પણ નરેન્દ્ર મોદી શહેરી મતદારોમાં કૉંગ્રેસને મુસ્લિમો માટેનો જ પક્ષ હોવાનું ઠસાવવામાં સફળ રહ્યા છે. બે, શહેરી વિસ્તારોમાં મતદારો જ્ઞાતિવાદના રાજકારણને વધુ પ્રાધાન્ય આપતા નથી. શહેરી મતદારોમાં હાર્દિક પટેલના આંદોલન પ્રત્યે સહાનુભૂતિ હતી, પણ અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના આંદોલનથી ડરનો માહોલ પેદા થયો હતો. આ બંને નેતાઓએ ગુજરાતના શહેરી મતદારોમાં માધવસિંહ સોલંકી અને ઝીણાભાઈ દરજીની ખામ થિયરી (ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમ) પછી સત્તામાં આવેલી કૉંગ્રેસના દિવસોની યાદ તાજી કરાવી દીધી હતી. એટલે તેમણે ભા.જ.પ. પ્રત્યે નારાજગી હોવા છતાં જ્ઞાતિવાદના રાજકારણને જાકારો આપ્યો. પરિણામે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ જી.એસ.ટી. અને ડિમૉનેટાઇઝેશન પછી કૉંગ્રેસે નવસર્જન માટે સારી રીતે ઊભા કરેલા વાતાવરણ પર અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના આંદોલન પર પાણી ફેરવી દીધું. જો કૉંગ્રેસે ડિમૉનેટાઇઝેશન, જી.એસ.ટી. અને સુશાસનને જ મુદ્દો બનાવ્યો હોત તો ચિત્ર અલગ હોત. પણ ભા.જ.પ. પર વારંવાર ટ્રેક બદલવાનો આરોપ લગાવતી કૉંગ્રેસ જ ચૂંટણી નજીક આવતાં આડી લાઇને ચડી ગઈ અને  જ્ઞાતિવાદના નાપાક રાજકારણનો માર્ગ અપનાવ્યો.

વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીની સૌથી વધુ મજાની વાત એ છે કે પ્રજાની ઇચ્છા - ખાસ કરીને શહેરી નાગરિકોની ઇચ્છા - ફળીભૂત થઈ છે. શહેરી મતદારો ઇચ્છતા હતા કે, ભા.જ.પ. નિયંત્રણમાં રહે અને કૉંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે બહાર આવે. શહેરી મતદારો ઇચ્છે છે કે મોદી પ્રધાનમંત્રી છે ત્યાં સુધી ગુજરાતમાં ભા.જ.પ. રહે તો સારું. સાથે સાથે શહેરી મતદારો રાહુલ ગાંધી હવે ‘પપ્પુમાંથી છોટા ભીમ’ થઈ ગયા છે, એવું સ્વીકારી રહ્યા છે.               

E-mail: keyurkotak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 07-08  

Category :- Samantar Gujarat / Samantar