૨૦૦૪નું પુનરાવર્તન

આશિષ મહેતા
08-01-2018

ગુજરાતની ચૂંટણીનાં પરિણામોનાં ઘણા પ્રકારે વિશ્લેષણ થઈ રહ્યાં છે, તેમાં એક ઉમેરો.

વિધાનસભા અને લોકસભા, બંનેની ચૂંટણીઓના આંકડા જોઈએ તો ૧૯૮૦માં ભા.જ.પ.ની શરૂઆતથી માંડીને તાજેતરની આ ચૂંટણી સુધી પાંચ-દસની આઘીપાછી ના ગણીએ તો એ પક્ષનો દેખાવ સતત બળવત્તર થઈ રહ્યો હતો, તે માત્ર એક જ વાર બરોબર ઝાટકો આવ્યો હતો ૨૦૦૪માં. ત્યારે છવ્વીસ બેઠકોમાંથી ભા.જ.પ.ને ૧૪ અને કૉંગ્રેસને ૧૨ મળી હતી. દેખીતો બે, પણ એક રીતે જોઈએ તો એક જ સીટનો ફરક. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયા (૫૭૦૩) કે વડોદરામાં સત્યજીત ગાયકવાત (૬૬૦૩) પાતળી સરસાઈએ હાર્યા ના હોત તો ૧૩ : ૧૩ પરિણામ આવત. (એમ તો ભા.જ.પ.ના દિલીપ સાંઘાણી અમરેલીમાં ૨૦૩૦ મતે હારેલા, પણ આ તો એક દલીલનો દાખલો છે.) આજના વિજેતાઓમાંથી નીતિન પટેલ મહેસાણામાં હારેલા, આજના હારેલાઓમાંથી તુષાર ચૌધરી એ વખતે માંડવીથી જીતેલા.

૨૦૦૪નો ઉનાળો યાદ કરીએ તો આવા ઝટકાનો કોઈ મૂડ દેખાયો નહોતો. ચૂંટણી ભલે લોકસભાની હતી, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ટોચ પર હતી. ગુજરાતનો કારભાર - ઉમેદવારની પસંદગીથી લઈને પ્રચાર-અભિયાન સુધી - મોદીજીએ જ સંભાળ્યો હતો. વાજપેયી સરકાર પણ કોઈ વિશેષ રીતે અ-લોકપ્રિય નહોતી. તો એ ઝાટકો કેમ આવ્યો હશે? એક જ ખુલાસો બેસે છે. પ્રજામાં કોઈ પણ સરકાર માટે તથાકથિત મધુરજનીગાળા પછી નાનોમોટો અસંતોષ કે પછી સાવેસાવ રોષ રહેતો હોય છે. મોદી એનો લાભ ઉઠાવવામાં માહેર છે, પણ જ્યારે ગાંધીનગર અને દિલ્હી, બંને જગ્યાએ ઠીકઠીક સમયથી ભા.જ.પ.નું શાસન હોય, ત્યારે એ રોષને બીજે વાળવો અઘરો પડે. ભાષણોમાં ગુસ્સો હોય તો જુસ્સો આવે, પણ એક પછી એક યોજનાઓની સિદ્ધિઓની વાત કરવી પડે ત્યારે, જેમ આ ચૂંટણીમાં જોયું તેમ, ખુરશીઓ ખાલી રહી જાય. અલબત્ત, પછી તમે કાલ્પનિક, અકાલ્પનિક કે અકલ્પનીય પ્રસંગો યાદ કરાવીને પ્રજાનો ગુસ્સો બીજે વાળવાના પ્રયત્ન કરી શકો છો. (મોરબીમાં ઇન્દિરા ગાંધીએ, બોલો, નાક પર રૂમાલ રાખેલો, ૧૯૭૯માં.)

એટલે, આ ખુલાસો બંધ બેસે છે એનો તાળો જોઈતો હોય તો આ રહ્યો. છવ્વીસમાંથી ૧૪ બેઠક એટલે ૫૪.૮૯ ટકા. હવે ૧૮૨ બેઠકના એક્‌ઝેક્ટ ૫૪.૮૯ કાઢો તો શું જવાબ આવે છે ? ૯૮ બેઠકો.

૨૦૧૯માં, ગુજરાત ભા.જ.પ.ને કેટલી સીટ આપે એવું લાગે છે ?

નવી દિલ્હી

E-mail: ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 07 

Category :- Samantar Gujarat / Samantar