હૉસ્પિટલમાં

નિરંજના દેસાઈ
08-12-2017

માથે સ્કાફ બાંધીને રિસેપ્શનીસ્ટ
સ્તબ્ધ ચહેરે બેઠી હતી −
ન કોઈ ભાવ − ન આવ
ન આવકાર !
એક આછી −
સ્મિતની રમ્ય રેખા
એનાં મોં પર ફરકતી ના !
લાડવા જેવો સુંદર −
ચહેરો ગોળમટોળ
પણ લાડવાની, સ્હેજ અમથી
મીઠાશ એની આકૃિતમાં
એની આંખોમાં ભાળી ના !
નાક - નકશો કોઈ ફોટોગ્રાફરના
આલ્બમમાં જડવા જેવો અહા !
પરંતુ −
સ્કાફથી માથું, ગરદન - પીઠ ઢાંકી
ભાવવિહીન ચહેરે - રિસેપ્શનીસ્ટ બેઠી હતી !
કોણ જાણે … શા કારણે ?
એ વિચારે −
એક પછી એક બોલાતાં નામમાં
હું −
મારા નામની રાહ જોતી − કંટાળાભર્યા −
કલાકોથી −
એની બરાબર સામે બેઠી હતી !
બે કલાક પછી −
કદાચને ડ્યૂટી બદલાતાં
એક હસમુખા ચહેરાવાળી −
‘કાળકી’ ઓહ ! નો ! સોરી !
એક આફ્રિકન રિસેપ્શનીસ્ટ આવી.
ને મને મારી યુગાન્ડાની
‘માનાઓવાંગે’નું હાલરડું ગાતી
આવા જ સ્મિતભર્યા ચહેરાવાળી
ને ચમકતી આંખોવાળી
અમારી ‘આયા’ની યાદ આવી ગઈ !
ને અદમ્ય લાગણીથી − ઊભા થઈ
મેં હાથ લંબાવી − અભિવાદન કર્યું − જાંબો !
આશ્ચર્ય ચકિત થઈ − ચમકતી હસતી આંખે
એ બોલી ઊઠી − ‘જાંબો મામા !’
ને − મારો ત્રણ કલાક સુધીનો
મારું નામ બોલાવવાની રાહનો
થાક − એક પલકમાં ઊડી ગયો !
ને હૃદય ગૂંજી ઊઠ્યું :
જાંબો આફ્રિકા ! − જાંબો યુગાન્ડા !

08 નવેમ્બર 2017

Category :- Poetry