ઉંમર ભલે ૮૦ની, ભાષાના સંશોધનનો અને બાળકોની સેવાનો યજ્ઞ નિરંતર ચાલુ છે


મમતા પડિયા
06-12-2017

મળો ઊર્મિ ઘનશ્યામ દેસાઈને. તેઓ કહે છે કે બુદ્ધિનો ઉપયોગ કરતા રહેવું જોઈએ, નહીં તો એ જતી રહે

એકચિત્તે લખાણમાં મગ્ન થવું અને આપણી આજુબાજુની દુનિયાનો સંપર્ક જ ન રહે એવી એકાગ્રતા ધરાવવી, એ પણ ૮૦ વર્ષની ઉંમરે! આ વાંચીને તમને નવાઈ લાગશે, પણ હકીકતમાં આવું આશ્ચર્ય પમાડનારું વ્યક્તિત્વ ઊર્મિ દેસાઈ ધરાવે છે. ગુજરાતી ભાષાની એ.બી.સી.ડી. શીખવાડનાર પુસ્તિકાથી લઈ વ્યાકરણના તલસ્પર્શી અભ્યાસનાં, ભાવિ પેઢીને ઉપયોગી બને એવાં ૧૪ પુસ્તકો તેમણે લખ્યાં છે. આ ઉપરાંત જીવનગંગા વિકાસ ટ્રસ્ટ હેઠળ દહાણુ નજીક ગામની ૧૯ સ્કૂલો તેમણે દત્તક લીધી છે. આ વયે દર મહિને એક વખત ઊર્મિબહેન ટ્રેનનો પ્રવાસ કરીને સ્કૂલમાં બાળકોની સ્થિતિ જાણવા પહોંચી જાય છે. ભાષા વિશે વિવિધ સ્તરે સંશોધન કરનાર ઊર્મિબહેનનાં નામ પ્રમાણે જ તેમની ઊર્મિ ભાષા સાથે અને ભાવ સાથે જોડાયેલી છે. ‘સાઠે બુદ્ધિ નાઠે’ કહેવતને પોતાની ડિક્શનરીમાં સ્થાન નહીં આપતાં ઊર્મિબહેનનું કહેવું છે કે બુદ્ધિનો ઉપયોગ યોગ્ય દિશા અને કામ માટે ન થાય તો એ કોઈ પણ વયે જતી રહે છે.

પળ-પળની આ વાત વિકટ, નિકટ નહીં ઘનશ્યામ

વાર્તાકાર અને બાળવાર્તાકાર ઘનશ્યામ દેસાઈ સાથે ૧૯૬૫માં લવ-મૅરેજ કર્યા બાદ ગુજરાતી વિષય પર PhD પૂરું કર્યું, લિંગ્વિસ્ટિક ડિપ્લોમા લીધો અને સતત સાત વર્ષ સુધી સાત અઠવાડિયાંની સમર સ્કૂલ ઑફ લિંગ્વિસ્ટિક માટે દેશનાં વિવિધ શહેરોમાં ગઈ હતી એમ જણાવીને ઊર્મિબહેન કહે છે, ‘મને સુવિધા આપવા માટે મારા પતિ ઘનશ્યામે અનેક અસુવિધાઓ ભોગવી છે અને તેમણે આપેલા ભોગના પગલે જ હું ઘર સંભાળવા સાથે સંશોધન કરી શકી. મને યાદ છે મારો દીકરો નાનો હતો અને મારે ઇન્ટરનૅશનલ વર્કશૉપ માટે મૈસૂર જવાનું થયું. એ સમયે ઘનશ્યામ ‘નવનીત સમર્પણ’ના તંત્રી હતા અને નવેમ્બર મહિનામાં દિવાળી અંકમાં તેઓ વ્યસ્ત હતા. હું જે દિવસે મૈસૂર રવાના થઈ એના બીજા જ દિવસે મારો કામવાળો કામ છોડી જતો રહ્યો હતો. દીકરાને સ્કૂલમાં મૂકવા જવા અને પાછા લઈ આવવા ઉપરાંત તેને ન્યુ ઈરા સ્કૂલના આટ્ર્‍સના શિક્ષકના ઘરે આખો દિવસ રાખતા અને રાતે નવ-દસ વાગ્યે ઘરે તેને લઈને પાછા ફરતા. આ સાથે ઘરનું બધું કામ પાર પાડતા. હું પાછી ફરી તો ય તેમણે ફરિયાદ કરી નહોતી. આવા તો અનેક બનાવ બન્યા છે જેમાં હું મારા સંશોધનમાં એટલી વ્યસ્ત થઈ ગઈ હોઉં અને તેઓ મને રસોઈ બનાવવા માટે પણ કહેતા નહીં. પિતા અને પુત્ર બ્રેડ-બટર ખાઈને સૂઈ જતા. એમ કહેવાય છેને કે સફળ પુરુષ પાછળ હંમેશાં એક સ્ત્રી હોય છે, પણ મારા કેસમાં મારી સફળતાનું શ્રેય માત્ર મારા પતિને જાય છે. મારા પિતા રૂઢિચુસ્ત હતા અને તે ક્યારે ય મને એકલીને વર્કશૉપ માટે સાત અઠવાડિયાં બહારગામ જવાની પરવાનગી આપત જ નહીં, પણ મારા પતિએ ક્યારે ય મને રોકી નથી અને મારી કારકિર્દી ઘડવામાં તે મારું પીઠબળ બન્યા.’

ઘનશ્યામના મૃત્યુ પહેલાં ૧૬ વર્ષ તે પૅરૅલાઇઝ્ડ હતા એમ જણાવતાં ઊર્મિબહેન કહે છે, ‘તેમને પાંચ વખત હૉસ્પિટલમાં પણ દાખલ કરવા પડ્યા હતા. તેમની માંદગીના પગલે નોકરી છોડી મેં ઘરમાંથી જ સંશોધન કરવાનું શરૂ કર્યું. ઘનશ્યામ હૉસ્પિટલમાં હતા ત્યારે કેટલા ય નજીકના મિત્રોએ મને પત્રકારસંઘમાંથી તેમ જ વ્યક્તિગત આર્થિક સહાય આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારો અને ઘનશ્યામનો સ્વભાવ સ્વાભિમાની એટલે મદદ સ્વીકારી નહીં. કપરા સંજોગોમાં નાસીપાસ કે નાહિંમત થવાનું તો મારા સ્વભાવમાં જ નથી અને હું ભણેલી હતી, મારા ઘરનું ગાડું ચલાવવા માટે ટ્યુશન કરવામાં પણ મને વાંધો નહોતો. અત્યારે ૮૦ વર્ષની વયે પણ હું મનથી એટલી જ મજબૂત છું. હાલ મારો દીકરો વિદેશમાં સ્થાયી થયો છે. હું બપોરે બેથી નવ કે દસ વાગ્યા સુધી મારા સંશોધનમાં વ્યસ્ત રહું છું. આ ઉપરાંત સ્કૂલોનાં કામ પણ કરતી હોઉં છું.’

આપણી સંસ્કૃિતનું મૂળ આપણી માતૃભાષા

આપણી સંસ્કૃિતનાં મૂળ આપણી માતૃભાષામાં રહેલાં છે. વિદેશમાં આ સામાન્ય બાબત સમજાઈ ગઈ છે અને વિદેશીઓ નેટિવિસ્ટિક આઇડિયા તરફ વળ્યા છે એમ જણાવીને ઊર્મિબહેન કહે છે, ‘નેટિવિસ્ટિક આઇડિયાનો અર્થ એ થાય કે આપણી સંસ્કૃિત તરફ પાછા વળવું અને મૂળમાં જવા માટે ભાષા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ. અત્યારે બાળકો જે ગોખણપટ્ટીભર્યું અંગ્રેજી ભણી રહ્યાં છે એમાં ક્યાંક તેમની ક્રીએટિવિટી નષ્ટ થઈ રહી છે. હકીકતમાં તો માતપિતાએ આપણી સંસ્કૃિતનાં મૂલ્યો બાળકોને આપવાં જોઈએ, જેથી ભવિષ્યની પેઢીને પણ માતૃભાષા વિશે માહિતી મળે. જો કે અત્યારનાં માતાપિતા અભિમાનથી કહે છે કે મારાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે એથી તેમને ગુજરાતી આવડતું જ નથી. આ બાબત ગર્વ લેવા જેવી નથી, શરમજનક છે. આપણી ગુજરાતી ભાષા ખૂબ સરળ છે અને માત્ર ૧૩ દિવસમાં કોઈ પણ વ્યક્તિ સાચામાં સાચું ગુજરાતી લખી શકે છે. આજનું શિક્ષણ પૈસાલક્ષી બન્યું છે. CA અને MBAની હોડમાં વિદ્યાર્થીઓ શિક્ષણનાં મૂલ્યોને ભૂલ્યા છે. પૈસાની દૃષ્ટિએ શિક્ષણનું મૂલ્યાંકન ક્યારે ય ન થવું જોઈએ. આનું નુકસાન આખી પેઢીને ભોગવવું પડશે. સમય સાથે બદલાવું અને આધુનિક થવું જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વ આપણી માતૃભાષા અને સંસ્કૃિતના સિંચનને આપવું જોઈએ.’

ગુજરાતી ભાષા માટે કરેલાં કાર્ય

ભાષાની થિયરી વર્લ્ડવાઇડ હોય છે અને હું મારી ભાષાના માપદંડ પર જ કામ કરું છું એમ જણાવીને ઊર્મિબહેન કહે છે, ‘દર ત્રણ વર્ષે એક પુસ્તક લખું છું. એના માટે લગભગ દોઢ-બે વર્ષ રિસર્ચ અને રીડિંગ કરું છું અને એકાદ વર્ષમાં પુસ્તક લખીને તૈયાર કરું છું. ‘પારસી ગુજરાતી (મુંબઈની) અને ઈસ્ટ ઇન્ડિયન કોંકણી (ખાર-દાંડાની) અધ્યયન’નું પ્રકાશન મુંબઈ યુનિવર્સિટીએ કર્યું હતું. ઉપરાંત વાડવાલી કોંકણી (વસઈ) અને પોતુર્ગાલી કોંકણી (નાલાસોપારા) બોલીઓનું વર્ણાત્મક અધ્યયન કર્યું. SNDTમાં અનુસ્નાતક વિભાગમાં રીડર હતી એ દરમ્યાન ૫૬૪ પાનાંનો ગ્રંથ ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને વ્યાકરણ’ તૈયાર કર્યો. ‘ભાષા શું છે?’, ‘ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો’, ‘ચાલો ગુજરાતી ભાષા લખતાં શીખીએ’, ‘વ્યાકરણ વિમર્શ’, ‘લેટ્સ લર્ન ટુ રાઇટ ગુજરાતી’, ‘સ્મૃિત-સંચિત શબ્દભંડોળ’, ‘ભાષાશાસ્ત્રની કેડીએ’, ‘ભાષાનુષંગ’ (ગુજરાતી સાહિત્ય પારિતોષિક), ‘રૂપશાસ્ત્ર : એક પરિચય’, ‘ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ’, ‘આંબવું આભને ને ભ્રમ ભોગવો વિકલાંગતા વિશેનો’ જેવાં પુસ્તકો લખવા ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ ભાગ-૩માં મારાં ૧૧ અધિકરણોનો સમાવેશ છે.’

જીવનગંગા વિકાસ ટ્રસ્ટ

ઘનશ્યામના મિત્ર રતિલાલ મુછાળાએ ૨૦૦૭માં જીવનગંગા વિકાસ ટ્રસ્ટની સ્થાપના કરી અને હું પણ એમાં જોડાઈ એમ જણાવીને ઊર્મિબહેન કહે છે, ‘પહેલાં માત્ર એક જ સ્કૂલ અમે દત્તક લીધી હતી. ચાર દીવાલની સ્કૂલ સરકારે ગામડાને આપી હતી, પરંતુ જરૂરી વસ્તુઓ આપી જ નહોતી. બાળકોને બેસવા માટે બાંકડા, ક્લાસરૂમમાં પંખા, યુનિફૉર્મ વગેરે આપવામાં આવે છે; જેના પગલે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં પુસ્તક, ડ્રૉઇંગ બુક, પેન અને પેન્સિલ આપવામાં આવે છે. રમતનાં સાધનો આપવામાં આવે છે. સમયાંતરે મેડિકલ કૅમ્પનું આયોજન કરવામાં આવે છે. એક પછી એક એમ અત્યારે અમારા ટ્રસ્ટ હેઠળ ૧૯ સ્કૂલોને દત્તક લેવામાં આવી છે. અમને ઘણા સમયે જાણ થઈ હતી કે સરકાર પાસેથી બપોરનું ભોજન અને પાઠ્યપુસ્તકની સુવિધા મળે છે. લોકોને જાણીને નવાઈ લાગશે કે હજી પણ અમારી સ્કૂલમાં આવતા ૩,૬૦૦ વિદ્યાર્થીઓમાંથી કેટલાક એવા છે જેમનો પરિવાર માંડ એક સમયનું જ ભોજન કરે છે અને રાતે પાણી પીને સૂઈ જાય છે. આવાં બાળકો માટે કંઈક કરી છૂટવાની ખેવના અમારું ટ્રસ્ટ સેવે છે.’

તસવીર સૌજન્ય : દત્તા કુંભાર

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 06 ડિસેમ્બર 2017

Category :- Opinion / Literature