ગાંધીનો વિકલ્પ શોધો

આશા બૂચ
05-12-2017

સ્વાતંત્ર્યની પ્રાપ્તિને સાત દાયકા વીત્યા, તેના અનુસંધાને, તળ ભારતીયો અને વિદેશ વસતા ભારતીય મૂળના સજગ નાગરિકો સમુદ્ર મંથન જેવા મહા વિચાર વલોણામાંથી નવનીત શોધવા મથી રહ્યા છે, અને વિમાસે છે કે આઝાદીની લડત દરમ્યાન આપણે ક્યાં જવા નીકળેલા અને આજે ક્યાં પહોંચ્યા છીએ? ગંતવ્ય સ્થાને પહોંચવા લીધેલ રાહ સાચો હતો?

એક એવો વર્ગ હજુ જીવિત છે જેમણે સીધી યા આડકતરી રીતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધેલો અથવા ત્યાર બાદ ભારતના પુન:નિર્માણમાં સક્રિય ફાળો આપેલો. તેમના મનને એક સંતાપ સતત સતાવે છે કે જાણે ભારતની મોટા ભાગની પ્રજાએ ગાંધીજી અને તેમની વિચારસરણીને ખોટી, અવ્યવહારુ, જૂનવાણી અને મુસ્લિમ તરફી માની. એથી જ તેમને શહીદી વરી. જો બહુમત પ્રજાનો વિચાર સાચો હોય તો તેમની સામે એક પડકાર છે, જાઓ, હવે સાચા, વ્યવહારુ, નવી વિચારધારા ધરાવનાર હિન્દુ માન્યતાવાળા માનવીને  શોધો અને તેના આદેશને અનુસરો. આમ તો ગાંધીજીએ જીવનના દરેક પાસા પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, પણ સારાયે વિશ્વને યુગો યુગો સુધી ચાલે એવું ભાથું ચાર મુખ્ય ધારાઓમાં વહંેચી શકાય; અહિંસા, શાંતિમય સહઅસ્તિત્વ, સામાજિક-આર્થિક સમાનતા અને પર્યાવરણ સુરક્ષાના સિદ્ધાંતો.

થયું છે એવું કે સંસ્થાનવાદનો ભોગ બનેલ તમામ ઉપખંડોમાં વસતા સ્ત્રી-પુરુષો એવી નિમ્ન કક્ષામાં ધકેલાઈ ગયેલ કે તેમને ગરીબી, દુઃખ, અને મૃત્યુ સિવાય ભાગ્યે જ કશાની ભાળ હતી. દુનિયામાં ઠેર ઠેર દમનકારી રાજ્ય અને અર્થ વ્યવસ્થા પ્રચલિત હતી તેવામાં કાર્લ માર્કસને સમાજવાદની લગની લાગેલી. તેણે કહેલું, “એક પણ મહાન ક્રાંતિ લોહી રેડ્યા વિના ન થઇ શકે.” એમ નિશ્ચિત પણે મનાતું કે દુનિયાની ઇતિહાસની પ્રયોગશાળાઓ લોહી નીતરતી ન હોય તો તેનું શું મહત્ત્વ? પણ ત્યારે દુનિયાના તખ્ત પર આદરણીય મહાત્મા ગાંધી જેવા માનવતાવાદી વિભૂતિનો ઉદય થયો, જેમણે રક્તવિહોણી ક્રાંતિનો, અહિંસારૂપી ધર્મના સ્વરૂપનો વિશ્વને પરિચય કરાવ્યો.

ગાંધીજીના વિચારોથી અલગ મંતવ્ય ધરાવનાર પણ કબૂલ કરશે કે તેમણે ઘણા ક્ષેત્રોમાં પ્રથમ મશાલ પ્રગટાવેલી, જેમ કે ‘ન્યાયી કારણોસર કરેલ માગણી કે લડાઈ ક્યારે ય નિષ્ફ્ળ નથી જતી’ એવો મંત્ર આપનાર તેઓ પ્રથમ હતા, જે વિચાર દુનિયા ભરના  નેતાઓને માર્ગ બતાવી ગયો. પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ વિરુદ્ધ નાગરિક અસહકારનો સફળ પ્રયોગ તેમણે  જ કરી બતાવ્યો અને આવા અનેક સંગ્રામો ખેલ્યા જે દુનિયામાં બીજે ક્યાં ય ક્યારે ય લડાયા નહોતા. અન્યાયી કાયદાઓ સામે ન્યાયી શસ્ત્ર સમાન આ રક્તવિહીન અહિંસા વિષે દુનિયાને કૌતુક થયેલું કેમ કે એ વિરોધી દુ:શ્મનનાં હૃદય પરિવર્તન કરવાની નેમ ધરાવે છે, નહીં કે આંખ ને બદલે આંખ લેવાની વાત કરે છે.

કોઈ પણ મુક્તિ સંગ્રામ કે ક્રાંતિનો મૂળ હેતુ દમનકારી શાસન અને શાસકથી સ્વતંત્ર થવાનો હોય છે. હિંસક બળનો ઉપયોગ કરીએ તો જ એ ધ્યેય પાર પડે તેમ સદીઓથી મનાતું આવ્યું છે. પરંતુ અહિંસક સાધનોનો આશરો લેનારા અન્ય વીરોની માફક ગાંધીજીએ કહ્યું, “તમે મને (એટલે કે મારા શરીરને) સાંકળમાં બાંધી શકો, પણ મારા આત્માને કદી નહીં.” આ હતી તેમની અન્યાય સામે લડી લેવાની ખુમારી અને આ હતી તેમની સત્ય અને અહિંસા પરની અતૂટ શ્રદ્ધા. આપણે એટલાં વામણાં છીએ કે અબજોના ખર્ચે અણુ શસ્ત્રો બનાવીને સુરક્ષાનો અનુભવ કરતા હોવાનો આભાસ કેળવીએ છીએ અને છતાં આતતાયીઓ, આપખુદ સત્તાધીશો અને અન્યાયી રાજકર્તાઓની ક્રૂર નીતિથી ક્યારે ય મુક્તિ નથી મળી. આવી યાતનાઓના તાજા પુરાવા લિબિયા, યમન, મ્યાનમાર, ટર્કી અને સીરિયામાં પ્રગટેલ દાવાનળમાં છે. આદમ અને ઇવના જમાનાથી માનવ લડતો ઝઘડતો આવ્યો છે, પણ છતાં તેને જે જોઈએ છે એવો શાંતિ અને મુક્તિનો તાજ ક્યારે ય પહેરવા નથી મળ્યો. દુઃખદ બીના તો એ છે કે એકવીસમી સદી વૈશ્વીકરણ, શોષણ, વિવિધ રીતે પોતાના ધર્મ અને ફિરકાઓ માટે રક્ષણાત્મક વલણ ધરાવવું, અન્ય પ્રત્યે અલગતાનો ભાવ રાખવો અને પરિણામે સામાજિક ઐક્યમાં ભંગાણ પાડવાના ચક્ર પસાર કરી ચૂક્યું છે, ત્યારે બીજી તરફ, હિંસા, અંતિમવાદી વિચારધારા, ગરીબી, અસમાનતા અને અન્યાય સર્વત્ર છવાઈ ગયાં છે જેને પરિણામે હિંસા જીવનના દરેકે દરેક પહેલુઓને ખાઈ જતી જોવા મળે છે.

યુનાઇટેડ નેશન્સની સ્થાપના સમયે જાહેર કરવામાં આવેલું તેમનું ધ્યેય, “આવનારી પેઢીઓને યુદ્ધ અને સંઘર્ષથી મુક્ત કરવાનું” હતું. શું એ ધ્યેય સિદ્ધ થયું? શા માટે નહીં? કેમ કે તે માટે વપરાયેલ સાધનો શુદ્ધ નહોતાં. હિંસાથી હિંસા શમે? ‘પીસ કીપિંગ ફોર્સ’ એટલે ટેન્ક પર સવાર સૈનિકો કોઈ દેશના નાગરિકોની રક્ષા કરે, જેનાથી નથી આંતરિક કલહો ઘટ્યા, નથી બે દેશો વચ્ચેની દુશ્મનાવટ ઓછી થઇ. હિંસા શા માટે વકરી છે? તેઓ જવાબ વિકટ છે: રાજકારણ અને થિયોલોજીમાં વકરેલ અંતિમવાદી વિચારધારા - ખાસ કરીને આયાતોલ્લા હોમૈની અને બિન લાદેન જેવાઓએ ફેલાવેલ વિચારો જેવાં કારણો સહુને સમજાય છે.

વિશ્વ ભરમાં પ્રસરેલી આર્થિક અસમાનતા, ઉત્તર આફ્રિકા, અને અફઘાનિસ્તાનની ભયંકર  ગરીબાઈ, મિડલ ઇસ્ટમાં અન્યાયની સળગતી જ્વાળા, શિયા-સુન્નીના ઝઘડા, સત્તાની સાઠમારીઓ અને પશ્ચિમી રાજ્યપદ્ધતિ તથા અર્થકારણ પ્રત્યેનો અણગમો વગેરે પરિબળોએ અત્યારે દુનિયાને પાગલ કરી મુકેલ છે. આ પ્રશ્નો માત્ર સાંપ્રત સમયના ઇરાક, અફઘાનિસ્તાન અને લિબિયાના ‘આરબ સ્પ્રિંગ’થી શરૂ નથી થયા, પણ 19/20મી સદીના પ્રારંભથી તેનાં મંડાણ થયેલા છે. જયારે યુરોપના બળુકા દેશોએ મિડલ ઇસ્ટના દેશોનું શોષણ માત્ર આર્થિક રીતે નહીં, પણ સંસ્થાનવાદ પ્રસરાવીને, તેના ધર્મને આધારે ટુકડાઓ કરીને, વિવાદાસ્પદ સીમારેખાઓ દોરીને નવા દેશોની રચના કરી તેમાં  છુપાયેલા છે. હજુ આજે દાયકાઓ વીત્યા છતાં આતંકીઓના મનમાં બદલાની જ્વાળા સળગે છે. તેઓ સંપૂર્ણ પણે નિર્દોષ પ્રજાને ઇજા પહોંચાડીને અન્યાય કે પોતાના અણગમાઓનો બદલો લેવા માગે છે. જગત હિતને મધ્ય નજર રાખે તેવો સમાજ ઊભો કરવાની ગાંધીએ પહેલ કરી દક્ષિણ આફ્રિકા અને ભારતમાં આશ્રમો સ્થાપીને. તેમણે બતાવી આપ્યું કે વ્યક્તિનું એવું ઘડતર કરીએ કે નાના કસ્બાથી માંડીને દેશ અને આખી દુનિયા ઉપર દર્શાવ્યા તે તમામ દુર્ગુણોથી મુક્ત રહે. આપણે આ પરમ સત્ય તરફ પણ દુર્લક્ષ્ય સેવ્યું અને હિંસાની આગમાં સતત સળગતા રહ્યાં. આ હકીકત જ સાબિત કરે છે કે હિંસક સાધનો એ હેતુ સિદ્ધ કરવામાં નિષ્ફ્ળ રહ્યાં છે અને એ માત્ર ને માત્ર શાંતિમય માર્ગે જ શક્ય બનશે, અને તેનો પુરાવો ગાંધી સમાણા શાંતિદૂતોએ કરેલ ક્રાંતિઓ થકી મળેલ. કાયમ ટકી શકે તેવી શાંતિ અને ન્યાયી સમાજ વ્યવસ્થા ઊભી કરવા માટે અહિંસક અસહકાર સિવાયનો કોઈ મારગ હોય તો બતાવે તેવો કોઈ  માઈનો લાલ જડશે?

ગાંધીજીનું સહુથી મોટું અને અસરકારક પ્રદાન કોમી એખલાસ અને આધ્યાત્મિક પુન:જાગરણ ક્ષેત્રે ગણી શકાય. ગાંધીજીએ કહેલું, “મારે મારા ઘરને ચાર દીવાલો વચ્ચે બંધિયાર નથી કરી દેવું, કે તેનાં બારી-બારણાં બંધ નથી કરવા. હું તો ઈચ્છું છું કે દુનિયાની તમામ સંસ્કૃિતઓની હવા મારા ઘરમાં મુક્ત પણે વહે. પરંતુ હું મારા સંસ્કાર વારસાની જડ કોઈના પણ દ્વારા હલે તેનો ઇન્કાર કરું છું.” આપણે તેમની આ વિચારધારાને સમજી ન શક્યા, ન તો તેને અનુસર્યા અને આજે આપણે શું કરી છીએ? બીજાની સંસ્કૃિત કે ધર્મ પાસેથી તેમનાં ઉત્તમ મૂલ્યો ગ્રહણ કરવા દિલ-દિમાગનાં બારણાં બંધ કરી દીધાં અને તેઓ પાસેથી અનિષ્ટ તત્ત્વોનું આંધળું અનુકરણ કરીને પોતાના સંચિત વારસાનું આમૂલ ખંડન કરવા ભણી વળ્યાં છીએ. ફરી યાદ અપાવું કે ગાંધીજીના સર્વ ધર્મ તેમ જ તમામ સંસ્કૃિતઓને સમભાવથી જોવાની દ્રષ્ટિ કેળવવાનો વિકલ્પ આપણી પાસે છે જેનાથી દરેક દેશ અને દુનિયા આખીમાં અમન ચૈન રહે. આજે તો ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિ તેમ અનેક નાના નાના એકમોમાં પણ તિરાડ પાડીને આપણા ભવ્ય સંસ્કાર વારસાની જડ મૂળ સોતી ઉખેડવા બેઠા છીએ.

સારાયે વિશ્વને ચિંતિત કરી દેતો એક મુદ્દો છે, આર્થિક અને સામાજિક વિષમતાઓનો. 2015માં ઓક્સફામનો સંપત્તિ વિશેનો એક હેવાલ કહે છે; દરેકને તમામ સંપત્તિના ધણી થવું છે અને હજુ વધારે મેળવવાની લાલસા રહે છે જેને પરિણામે દુનિયાના સહુથી વધુ ધનવાન એવા 1% લોકો પાસે દુનિયાની કુલ સંપત્તિના 50% મિલ્કત છે અને બાકીના 99% લોકો પાસે બાકી રહેલ 45-48% ધન છે. કેવી ભયાનક અસમાનતા? અને આ હકીકતની જાણ ગાંધીને છેક તેમણે ‘હિન્દ સ્વરાજ’ લખ્યું ત્યારે ઈ.સ. 1909માં હતી અને છતાં આપણે તેમની વાત ન સાંભળી! ગાંધીની ફિલોસોફીમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને હતી, આજે કોર્પોરેટ જગત અને તેના લાભાર્થી ઉદ્યોગપતિઓને કેન્દ્રમાં રાખીને ઘડાતી અર્થવ્યવસ્થાનું પરિણામ જુઓ. આંતરરાષ્ટ્રીય મોનિટરી ફન્ડ પાસે પુરાવા છે કે અતિશય અસમાનતા માત્ર નૈતિક રીતે ખોટી છે એટલું જ પૂરતું નથી, તેનાથી આર્થિક વિકાસ અસરકારક નથી બનતો અને ખાનગી ક્ષેત્રોને પણ ખતરા રૂપ બને છે. ગાંધીએ તો દાયકાઓ પહેલાં કહેલું, “આર્થિક સમાનતા જ અહિંસક માર્ગે સ્વતંત્રતા મેળવવાની ચાવી છે.” પણ એમનું સાંભળ્યું કોણે? ‘સર્વોદય’નો પાયો, ‘દરેકે એવા જગત માટે દરકાર કરવાની છે જેને તે જોઈ નથી શકતો‘ તે છે. તેમની આ વાતને ય કાને ન ધરી અને આજે માનવીને પિશાચથી ય બદતર બનાવી મૂકે તેવી અસમાનતાની ભીંસમાં લોક પીસાય છે. તેનો ઉકેલ ગ્રામ કેન્દ્રી અર્થવ્યવસ્થા સિવાય ક્યાં ય જડે તો બતાવી આપે તેને વીરલો કહું.

એવી જ રીતે પર્યાવરણ સુરક્ષા મુદ્દો લઈએ. જરૂરિયાતોનો ગુણાકાર કરવો તેવા ભૌતિકવાદને ગાંધીજીએ ‘પૃથ્વી માતા બધા માનવોની જરૂરિયાત પૂરી કરી શકે પણ તેના લોભને પોષવા માટે તેની પાસે પૂરતાં સંસાધનો નથી’ તેમ કહીને પર્યાવરણની સંપોષિતા વિષે ટૂંકમાં ઘણું સમજાવી દીધેલું, પણ તે સમજ્યું કોણ? અને તેનું પરિણામ શું ભોગવીએ છીએ? જો એ વિચારને અનુસર્યાં હોત તો પેઢી દર પેઢી પર્યાવરણ અને કુદરતની સાથે તાલ મેળવીને પ્રગતિ જરૂર કરી હોત તે નિર્વિવાદ છે. આ ક્લાઈમેટ ચેન્જનો સિક્કો ચલણમાં આવ્યો તે પહેલાં ગાંધીજીએ ‘ટ્રસ્ટીશીપ’નો સિદ્ધાંત આપેલો જેમાં આજની પેઢીને ભાવિ પેઢીના ટ્રસ્ટી તરીકે વર્તીને કુદરતી સંપત્તિને ડહાપણપૂર્વક વાપરવાની સલાહ આપેલી. તે પણ આપણે કાને ન ધરી. જો પર્યાવરણને સર્વ માર્ગેથી  વાળવાની બીજી કોઈ તરકીબ કોઈ શોધી કાઢે તો તે મોટા ઈલકાબને પાત્ર ઠરે.

ક્યારેક એવું લાગે છે કે જીસસને તેના માત્ર એક શિષ્યએ છેહ દીધો, ગાંધીને તો અનેકે છોડ્યા. જે પ્રજાને તેમણે ચાહી તેને સમજાવવાની કોશિશ કરી કે હું તમને અને આપણી સંસ્કૃિતને ચાહું છું અને એટલે જ એ ઉત્તમ રહે એ માટે વૈરભાવથી પ્રેરાઈને હિંસા ન કરવા કહું છું, તો ગાંધીને હિંસા જ આચરીને ગોળીએ દીધા! જીસસ અને ગાંધી બંનેએ  મારનારને માફ  કર્યા, પણ બંને એ અજ્ઞાનીઓના વર્તાવથી દુઃખી ખૂબ થયા.

રામચંદ્ર ગુહાએ તેમના યુનાઇટેડ નેશન્સની  એસેમ્બલીના સંબોધનમાં કહેલું કે, “ગાંધી સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય હસ્તી હતા અને રહેશે એ સ્વીકારવું અગત્યનું છે. તેમની વૈશ્વીક મહત્તા તેમની દેશ વિદેશમાં થયેલી અસર અને વિચારોના પ્રસારમાં રહેલી છે.”  “જે દરેક માનવી કરી શકે પણ કરતા નથી તે કરવામાં ગાંધીની મહત્તા છુપાયેલી છે” આ હતા ગાંધીનું જીવન ચરિત્ર લખનાર લુઇ ફિશરના શબ્દો. માર્ટિન લ્યુથર કિંગના શબ્દો ટાંકુ, “જો માનવ જાતે પ્રગતિ કરવી હશે તો ગાંધીની વાતને ટાળી શકાશે નહીં” અલબત્ત ગાંધી અને એમ.એલ.કે. બંને મહાન લોકોના જીવનનો અંત બંદૂકની ગોળીથી આવ્યો, પરંતુ તેમના જીવનની મહત્તાનો આપણા જીવનમાં અમલ ન કરીને આપણે જે ગુમાવ્યું છે તે સહુથી મોટી ખોટ માનવ જાતને પડી કહેવાય.

સ્વતંત્રતા મેળવવી હતી માટે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે તેમની પાછળ ડગ માંડયા અને તે પણ કરોડોની સંખ્યામાં

આઝાદી મળી કે તરત તેમના મૂળભૂત સિદ્ધાંતોને નેવે મૂકી તેમનાથી પીઠ ફેરવી લીધી અને તે પણ કરોડોની સંખ્યામાં

હજુ તેઓ ‘એકલો જાને રે ….’ ગાતા ગાતા એકલપંડે એ જ સત્ય-અહિંસાના માર્ગે ચાલ્યા કરે છે અને આપણને અનુસરવાનું આહ્વાન પણ આપે છે.

જો ગાંધીના કોઈ પણ વિચારનો વિકલ્પ મળે તો સ્વીકારવો અને બીજાને પણ સાથમાં લઇ જવામાં કોઈ હાનિ નથી. જો તેવી શોધમાં આપણે નિષ્ફળ થઈએ, તો તેમની પાછળ નહીં પણ તેમની સાથે ચાલવા સિવાય કોઈ રસ્તો નથી, એમ મને ભાસે છે.

e.mail : 71abuch@gmail.com

Category :- Opinion / Opinion