સોહરાબુદ્દીન કેસનાં સ્ફોટક નવાં તથ્યો : પીંજરામાં પોપટ!

ભરત મહેતા
-1-12-2017

યુપીએ સરકાર વખતે લોકપાલબિલ માટે બણગાં ફૂંકનાર અને સી.બી.આ.ઈને સત્તાના પીંજરાનો પોપટ કહેનાર ભાજપે પણ મે-૨૦૧૪ પછી સી.બી.આઈ.ને કેવી રીતે પીંજરાનો પોપટ બનાવી દીધો છે, સોહારાબુદ્દીન કેસના નવાં સ્ફોટક તથ્યો તેની પ્રતીતિ કરાવે છે.

સોહારાબુદ્દીનના ખૂન પછી, તેની પત્ની કૌસરબી પરના બળાત્કાર અને ખૂન પછી, સોહરાબુદ્દીનના ભાઈ રબાબુદ્દીને પોલીસના આ નકલી એકાઉન્ટર સામે સુપ્રીમની મદદ માંગતા આ કેસને ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટે ‘ખાસ કેસ’નો દરજ્જો આપી સી.બી.આઈ.ને સોંપ્યો હતો. સાથોસાથ બે સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે આ કેસ પતે નહીં, ત્યાં લગી એના ન્યાયાધીશની બદલી નહીં કરવી તેમ જ આ કેસ ગુજરાતની બહાર ચલાવવામાં આવે. આ કેસમાં આરોપીઓ મોટાં માથાં હતા. તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ અને ડી.જી. વણઝારા, અભય ચુડાસમા સમેત મોટા બાર પોલીસ-અધિકારીઓ સંડોવાયેલા હતા જેના કારણે આ કેસ ઘણો જ સંવેદનશીલ ગણી શકાય.

સી.બી.આઈ. ન્યાયાધીશ શ્રી ઉટપુટે વારંવાર અમિત શાહને બોલાવ્યા છતાં એ હાજર થતાં ન હતા. અમિત શાહ સહિત બધાને ચાર્જશીટ મળી છતાં આ અનાદર કરાવ્યો. તેથી ન્યાયાધીશ ઉટપુટે ૨૬મી જૂન, ૨૦૧૪ની સુનાવણીની છેલ્લી તારીખ ફાળવી હતી. આ દરમિયાન મે ૨૦૧૪માં ભાજપ સત્તા પર આવ્યો અને આશ્ચર્ય વચ્ચે સુનાવણીના અગાઉના દિવસે ૨૫મી જૂને જ સુપ્રીમ કોર્ટની સૂચનાને બાજુ પર મૂકી શ્રી ઉટપુટની બદલી કરી દેવામાં આવી! મહારાષ્ટ્ર સરકારે ખુલાસો કર્યો કે આ બદલી શ્રી ઉટપુટની માંગણી હોવાથી કરવામાં આવી છે. આ માંગણી પાછળ ન્યાયાધીશને લાગેલો ડર નકારી શકાય તેમ નથી.

બીજી તરફ શ્રી ઉટપટની જગાએ નિમાયેલા નવા ન્યાયાધીશશ્રી વ્રજમોહન લોયા પણ ફરી ફરી અમિત શાહને હાજર થવા માટે જણાવતા રહ્યા, પરંતુ અમિત શાહ એને ટાળતા જ રહ્યા! નાનકડા સમારંભમાં નાગપુર ખાતે ગયેલા વ્રજમોહન લોયાનું અતિશંકાસ્પદ હાલતમાં પહેલી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ત્યાંના સરકીટહાઉસમાં મૃત્યુ થયું. પરિવારને જણાવવામાં આવ્યું કે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. આ વ્રજમોહન લોયાના મૃત્યુની આસપાસ વીંટળાયેલી કેટલીક હકીકતો એમનાં બહેન અનુરાધા લોયા, લોયાના પિતાજી અને પુત્રને શંકાસ્પદ લાગી છે.

આવા સંવેદનશીલ કેસ સાથે જોડાયેલા ન્યાયાધીશને બે દવાખાનાં પર રિક્સા-સ્ટેન્ડમાંથી રિક્સા લઈને લઈ જવામાં આવ્યા છે! પરિવારને પાંચ વાગે મૃત્યુનો ફોન આવ્યો છે. પોસ્ટમૉર્ટમમાં ૬ઃ૧૫નો સમય મૃત્યુનો નોંધવામાં આવ્યો છે. સરકારી દવાખાનામાં તો રાતે બાર વાગે મોત પામેલા બતાવ્યા છે. લોયાના પિતાનું કહેવું છે કે વ્રજમોહનની લાશ માથા પાછળથી ઘવાયેલી હતી. શર્ટ પર લોહીના ડાઘા હતા. હૃદયહુમલામાં આ ન હોઈ શકે. તદુપરાંત પોસ્ટમૉર્ટમ રિપોર્ટ માટે લગભગ ફરજિયાત ગણાય તેવી પરિવારજનોની પરવાનગી લેવામાં જ આવી નથી. પોસ્ટમૉર્ટમમાં રિપોર્ટમાં એક પોલીસ-કર્મચારીની સહી છે, જ્યારે બીજી સહી વ્રજમોહનના પિતરાઈ ભાઈ તરીકે કોઈએ કરી છે! વ્રજમોહન લોયાના પિતાજીએ કહ્યું કે અમારે આવો કોઈ જ પિતરાઈ ભાઈ નથી!

બીજી કેટલાક સવાલો પણ આ આખી માહિતી બહાર લાવનાર ‘કારવાન’ના પત્રકાર નિરાંજન ટકલે એ વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાની મુલાકાત લઈને ઊભા કર્યા છે. વ્રજમોહન લોયાની લાશ એમના પૈતૃક ગામ લઈ જવામાં આવી, જ્યાં લાશની સાથે ડ્રાઇવર સિવાય ઍમ્બ્યુલન્સમાં કોઈ જ ન હતું! આવડા મોટા કેસ સાથે સંકળાયેલા ન્યાયાધીશ સાથેનો આ વહેવાર શંકાસ્પદ નથી?

બીજું, વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાના જણાવવા અનુસાર એમને જ્યારે ભાઈના મૃત્યુની જાણ થઈ ત્યારે તેઓ પોતે શારદા હૉસ્પિટલમાં પોતાનાં બીજાં સ્વજનોની ચાકરીમાં હતાં. એમને જાણ કરવા માટે ઈશ્વર બહૈટી નામના આર.એસ.એસ. કાર્યકર્તા આવ્યા હતા. એ જ વખતે અનુરાધાબહેને એમને પૂછ્યું હતું કે ‘હું શારદા હૉસ્પિટલમાં છું એ એવા અજાણ કાર્યકર્તાને શી રીતે જાણ થઈ?’ કારવાનના પત્રકારે ઈશ્વર બહૈટીનો સંપર્ક કર્યો, પરંતુ તે કોઈ જ વાત કરવા તૈયાર નથી! આ મૃત્યુને શંકાસ્પદ બનાવતાં તમામ તથ્યો મોજૂદ છે. ન્યાયાધીશ જેવા હોદ્દાનો પ્રોટોકોલ જળવાયો નથી. સૌથી મોટી વાત એ છે કે પંચનામું પણ થયું નથી, જે સામાન્ય કાર્યવાહી છે. વ્રજમોહન લોયાનો મોબાઇલ ફોન તો પરિવારને આપવામાં આવ્યો, પરંતુ સંપૂર્ણ ડેટાબેઝ ડિલિટ કરીને આપવામાં આવ્યો છે! શું આ ડેટા પુનઃ ન મેળવી શકાય? ભારેખમ આરોપીઓ સામેના ન્યાયાધીશ માટે આવી લાપરવાહી એ વધુ એક ફેક એનકાઉન્ટરની શંકા ઊભી કરે છે. વ્રજમોહન લોયા સરકારી ગેસ્ટહાઉસમાં રોકાયા હતા અને બે વાગે રિક્સાસ્ટેન્ડ પરથી રિક્સામાં દવાખાને લઈ જવામાં આવ્યા! ત્રણ વર્ષ પછી એમની બહેને મૌન તોડ્યું છે. પત્ની-પુત્ર હજુ પણ ગભરાયેલાં જ છે.

બીજી તરફ વ્રજમોહન લોયાના સ્થાને આવેલા ન્યાયાધીશ શ્રી ગોસ્વામીએ જેમને ચાર્જશીટ અપાયેલી એવા અમિત શાહને કોર્ટમાં બોલાવ્યા વિના જ ‘નિર્દોષ’ છે નો ચુકાદો પણ આપી દીધો! લોયાના મૃત્યુ વખતે સંસદના શીતકાલીન સત્ર વખતે ટી.એમ.સી.ના સાંસદોએ દેખાવો કર્યા હતા પણ એને ગંભીરતાથી ન લેવામાં આવ્યા! સોહારાબુદ્દીનનો ભાઈ પૂરી સુપ્રીમ કોર્ટમાં ગયો પણ સુનાવણી આવતાં જ એણે પણ અપીલ પાછી ખેંચી લીધી! દસ વર્ષ સુધી ભાઈ-ભાભીનાં મોત અંગે ઝીંક ઝીલનાર પણ ડરી ગયો? ઉચ્ચ સત્તાધારી જ્યારે આરોપી હોય, ત્યારે ઘટેલી આ આખી ઘટના ન્યાયપ્રણાલીની સ્વાયત્તતા વિશે સવાલો ઊભા કરે છે. ત્રીજા જજને આવડો મોટો કેસ ચલાવવાની જરૂર ન લાગી અને અમિત શાહને ડિસ્ચાર્જ કરી દીધા? આ આખો કિસ્સો મીડિયાને એક આહ્‌વાહન છે. ત્રીજા જજ બેસતાવેંત જ ફીંડલું વળી ગયેલો આ કેસ પીંજરામાં ભાજપનો પોપટ ઝૂલે છે, તેનો સીધી પુરાવો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 07-08

Category :- Samantar Gujarat / Samantar