રાષ્ટ્રધ્વજ, સ્કોર અંકે કર્યાની વાત પતતી નથી

પ્રકાશ ન. શાહ
01-12-2017

જેમ ક્રિકેટના મેદાનમાં તેમ ચૂંટણીજંગમાં પણ ‘મેન ઑફ ધ મેચ’ અગર તો મૅચપુરુષ કોણ એવી ચર્ચા વખતોવખત થતી રહે છે. ગુજરાતમાં નમોની સ્વાભાવિક સંડોવણી અને રાહુલ ગાંધીની સક્રિયતા, આ બેમાંથી કોને મૅચપુરુષનું માન આપવું એવો સવાલ જગવે છે. પરિણામથી નિરપેક્ષપણે રાહુલ ગાંધીનું પલ્લું આ સંદર્ભમાં કદાચ ઝૂકતું ગણાય તો એનું કારણ એ ખુદ પોતે જ છે, તે એ અર્થમાં કે હમણાં સુધીની એમની આબરુ પ્રસંગોપાત પ્રગટ્યા ન પ્રગટ્યા અને છૂમંતર એવી ‘કોમિયો’ના કુળની રહી છે. પરંતુ ગુજરાતની એમની ઝુંબેશ કેમિયોની વંડી ઠેકીને કાયમી જેવી હાજરી પૂરી શકાય એ બરની છે. પણ આ ક્ષણે ‘મૅન ઑફ ધ મૅચ’ની ચર્ચા લગરીક જુદેસર કરવાનું મન થઈ આવે છે : ૨૪ નવેમ્બરને શુક્રવારે આખું ફોક્સ નમો-રાહુલ દ્વંદ્વને કંઈક લાંધીને ૧૨૫ x ૮૩.૩ ફૂટના રાષ્ટ્રધ્વજની ફરતે જાણે કે આભામંડળમાં ફેરવાઈ ગયું હતું ... મૅચપુરુષ કોઈ વ્યક્તિ નહીં પણ ધ્વજ!

નાની દેવતી મુકામે દલિત શક્તિ કેન્દ્રે રાહુલ ગાંધીને દેશજનતા વતી જે ધ્વજ સ્વીકારવા કહ્યું એની પૂંઠે એક નાનો પણ રાઈના દાણા સરખો ઇતિહાસ પડેલો છે. દલિત ભાઈબહેનોએ શુદ્ધ હાથવણાટની ખાદીનો, આશરે ૨૪ કિલો આસપાસ વજનનો થવા જતો આ ધ્વજ જ્યારે તૈયાર કર્યો ત્યારે ગણતરી તો હમણાં જ પસાર થયેલ એકોતેરમા આઝાદી પર્વે તે માનનીય મુખ્યમંત્રીને સુપરત કરવાની હતી. પણ આ સોંપણી સાથે એક કૅવિયટ હતી અને તે એ કે ગુજરાતમાં આપ કોઈક એક જ ગામને, રિપીટ, એક જ ગામને જ્યાં દલિતો સાથે સ્થૂળ કે સૂક્ષ્મ એકે અર્થમાં આભડછેટ ન પળાતી હોય એવું એટલે કે સો ટકા અસ્પૃશ્યતામુક્ત ગામ જાહેર કરો. એક રીતે, સ્વરાજનાં સિત્તેર સિત્તેર વરસોમાં ચાલેલ રાજવટ સમસ્તની સામે અવિશ્વાસની નહીં તો પણ ઠપકાની દરખાસ્ત જેવી આ વાત હતી. એમાં પણ ખાતેપીતે સૂતે બેસતે જેમના હોઠ પરથી ‘રાષ્ટ્ર’ સતત જપાતું રહે છે એ પક્ષપરિવારની સરકાર સબબ આ એક આમૂલાગ્ર કેવિયટ હતી : અમે દલિતો રાષ્ટ્રના અંગભૂત છીએ કે નહીં?

મુખ્યમંત્રી તો સુલભ ન થયા, પણ એમની વતી ગાંધીનગરના કલેક્ટરે આ વિશાળકાય ધ્વજ સ્વીકાર્યો ખરો; પણ રાખ્યો નહીં. (‘અમારી પાસે માટે જગ્યા નથી.’) નાની દેવતી(સાણંદ)ની દલિત સ્વાભિમાન રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ આ જવાબ બાબત અચ્છી મરોડમાસ્તરી કરી જાણી. એમના સ્વિત એ હતો કે પ્રશ્ન તો દિલમાં જગ્યાનો છે.

જ્યાં સુધી દિલમાં જગ્યાનો સવાલ છે, આ કિસ્સામાં એ જો કે બે સામસામા જોધ્ધાઓ પૈકી એક જોધ્ધાનો બીજાને પડકાર છે; પણ દિલમાં જગ્યાનો મામલો આ કે તે પક્ષને વટી જઈને સમાજ આખાને લાગુ પડે છે. દાયકાઓ પર, ગાંધીજી ગોળમેજીમાં ભાગ લેવા જતા આગમચ આંબેડકર સાથે ચર્ચા કરતા હતા ત્યારે એક તબક્કે આંબેડકરે એમને કહ્યું હતું કે દેશ, દેશ શું કરો છો - અમને ધરાર ગામ બહાર રાખતા મુલકમાં અમારે વતન કેવું ને વાત કેવી. ગાંધીના સહજ સંવેદનસિક્ત રચનાત્મક વલણે આઝાદી પછી એક તબક્કે આંબેડકરને એવું સૂચન કરવા પ્રેર્યા હતા કે એક દલિત કલ્યાણનિધિ ઊભો કરી એની સાથે આપણે ગાંધીજીનું નામ જોડીએ કેમ કે ‘ધે વેર નિયરેસ્ટ ઍન્ડ ડિયરેસ્ટ ટુ હિમ.’ (‘દલિતો-એમને સારુ દિલની લગોલગ હતા.’) પણ અહીં પ્રશ્ન ગાંધીની આત્મીય નિસબતના આદરનો નહીં એટલો એકંદર સમાજની વાસ્તવિક્તાનો છે.

આ ઝંડો, જો આજની કૉંગ્રેસ મંડળી કને પુરાણો સેવાદળ સંસ્કાર તલપુર પણ હોય તો, શો સંદેશ લઈને આવે છે? ભાજપનું તો જાણે કે સમજ્યા, ભગવા ધ્વજ અને તિરંગા ધ્વજ બાબતે પસંદગી તેમ જ વિવેક કેળવવા બાબતે એની દ્વિધા અને દુવિધા સમજી શકાય એમ છે પણ રાષ્ટ્રીય ચળવળ વખતે ગવાતાં ગીતોમાં એક જો ‘ઝંડા, વધ વધ ઊંચે આકાશે જાજે’ તરેહનું હતું તો ઝંડાવંદનની સેવાદળ પ્રણાલિમાં ગવાતા ગાનમાં આ ઝંડાનો મહિમા ‘સદા પ્રેમસુધા બરસાનેવાલા’ એવો પણ હતો. ઈશ્વરનીયે ઓળખ રવીન્દ્રનાથે (જુગતરામ દવેના યાદગાર અનુવાદમાં ગાયા પ્રમાણે) જ્યાં આઘામાં આઘું અને પાછામાં પાછું લોક હોય ત્યાં ‘આપનાં ચરણ વિરાજે’ એવી છે. તો, આઘામાં આઘા સહિત સૌ પર, રિપીટ, સૌ પર પ્રેમસુધા વરસાવતા આ ઝંડાનો સુખાનુભવ દેશમાં દલિત સમસ્ત સહિત આમ આદમીમાત્રને થયો છે ખરો? ધ્વજસ્વીકારના પ્રશ્ને આઘાપાછી અને આનાકાનીને કારણે પહેલા રાઉન્ડમાં ભાજપ પર કૉંગ્રેસ સ્કોર કરી જતી લાગે તો તે વિગત ખોટી નથી, પણ અપૂરતી ખસૂસ છે. કારણ એમાં આપણે જે એક મજલ નાગરિક સમાજ તરીકે કાપવી બાકી છે, એનોયે એકરાર કહો તો એકરાર અને પડકાર કહો તો પડકાર પડલો છે.

ગુજરાતમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જે આંદોલનોનું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ કરે છે એમાં સામાજિક કોટિક્રમમાં ઉપરના વચલા અને નીચલા એમ સૌ તબકાઓને પોતપોતાની રીતે છતે સ્વરાજે અનુભવાતા અસુખનો સ્વીકાર છે. આ અસુખના કેટલાક અંશો માનસિક (કે કાલ્પનિક પણ) હશે તો કેટલાક વાસ્તવિક પણ છે. બે દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં ગાદીનશીન - અને એમાં પણ લગભગ અરધોઅરધ સમય કેન્દ્રમાંયે ગાદીનશીન ભાજપ આ અસુખને મુદ્દે સ્વાભાવિક જ સવાલિયા દાયરામાં છે. ઝંડાની બીના તો ભલે આકર્ષક પણ એક દૃષ્ટાંત માત્ર છે. પ્રશ્ન, રાજ્યમાં બે દાયકાની હિંદુત્વ રાજવટ છતાં બોગદાને છેડે નીકળતાં ન કોઈ હિંદુ નીકળ્યા, ન કોઈ નાગરિક મળ્યા એવું કેમ એ છે. કૉંગ્રેસ જ્યારે રાષ્ટ્રધ્વજ ખુદ સાહે છે ત્યારે એ પોતે ૨૦૧૭થી ૨૦૧૯ ભણી જતાં એક જવાબદારી (દાયિત્વ) અને જવાબ-દારી (ઉત્તરદાયિત્વ) ઉઠાવે છે. અને તે એ કે સ્વરાજસંગ્રામનો છૂટેલો તાંતણો સાંધીને તમે આગળ ચાલશો કે કેમ. ચૂંટણીઝૂંબેશમાં એકબીજા પર સ્કોર અંકે કરવા જેટલી સહેલી વાત આ નથી. ગાંધીની પેઠે ક્રૉસ સાહવાનો સવાલ આ તો છે.

E-mail : editor.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 19

Category :- Samantar Gujarat / Samantar