સ્ત્રી-સશક્તીકરણ અભરાઈ પર?

નેહા શાહ
01-12-2017

રાજકારણમાં સ્ત્રીની ભાગીદારી એટલે દેશ અને સમાજ અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગીદારી

રાજ્યમાં ચૂંટણીની મોસમ છવાઈ છે. બંને મોટા પક્ષોની ઠેર ઠેર રેલીઓ અને સભાઓ થઇ રહી છે. આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલુ છે. ધર્મના રાજકારણે ડ્રાઈવિંગ સીટ લઇ લીધી છે. જ્ઞાતિનાં સમીકરણ ગણાઈ રહ્યાં છે, જેમાં વિકાસના બાકીના બધા એજન્ડા પાછલી સીટ પર જતાં દેખાય છે. મતદારોને રીઝવવા નવા વાયદા કરવાની પરંપરા ચાલુ જ છે.

દરેક બેઠકના ઉમેદવારનાં નામો જાહેર થઇ ચૂક્યાં છે, પણ, તેમાં સ્ત્રીઓ ક્યાં ને કેટલી? ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ચૂંટણી માટે બંને પક્ષો તરફથી સ્ત્રીઓની ઉમેદવારી લગભગ પાંચ ટકા જેટલી જ છે. ભાજપે 12 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે 10. 2012ની  ચૂંટણીમાં ભાજપ તરફથી 19 મહિલા ઉમેદવાર હતાં, એની સરખામણીમાં 39 ટકા ઘટાડો! જ્યારે 2012માં કોંગ્રેસ તરફથી 12 મહિલા ઉમેદવાર હતાં. એમાં પણ 17 ટકાનો ઘટાડો!

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત થઇ ત્યારે બંને પક્ષોએ સ્ત્રીઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની વાત કરી હતી. સુષમા સ્વરાજે ઓક્ટોબર મહિનામાં કરેલી મહિલા ટાઉન હોલ મિટિંગમાં ભાજપની નીતિ કઈ રીતે મહિલા સશક્તીકરણ માટે વધુ યોગ્ય છે એ સમજાવ્યું, તો રાહુલ ગાંધીએ ભાજપને સ્ત્રીવિરોધી પક્ષને કહ્યો અને કોંગ્રેસ સત્તામાં આવતાં સ્ત્રીઓના પ્રશ્નોને પ્રાધાન્ય આપશે એવું કહેતા રહ્યા છે. પણ જેમ હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા હોય એમ, ચૂંટણીનાં જંગમાં પ્રતિનિધિત્વ સોંપવાનો સમય આવ્યો ત્યારે બંને પક્ષોએ પાછી પાની કરી છે.  માત્ર ગણીગાંઠી મહિલાઓને ચૂંટણી લડવાની તક આપી છે.

વિડંબણા એ છે કે મહિલા અનામત ખરડાને ભાજપ અને કોંગ્રેસ, બંને ટેકો આપે છે. એટલે કે લોકસભામાં અને વિધાનસભામાં સ્ત્રીઓનું 33 ટકા પ્રતિનિધત્વ હોવું જોઈએ એ વૈચારિક સ્તરે સ્વીકારે છે, પણ સ્વૈચ્છિક રીતે આ સિદ્ધાંતને અમલમાં મૂકતા નથી. મહિલા ઉમેદવાર એવી જ બેઠક પર મુકાય છે જ્યાં તેમની જીત લગભગ નિશ્ચિત હોય અથવા તો હાર નિશ્ચિત હોય.

જે બેઠક પર ખરાખરીનો જંગ હોય ત્યાં મહિલાને ઉમેદવારી આપવાનું જોખમ બંનેમાંથી એક પણ પક્ષે ઉઠાવ્યું નથી. બન્ને પક્ષના વલણથી મહિલા અનામતની જરૂરિયાત વધુ પ્રસ્તુત બને છે. અસમાનતા સમાજના માળખામાં જ હોય તો એ માત્ર સદભાવથી નથી બદલાતી. એને માટે કાયદાનો  સહારો જોઈએ અને નિયમોનાં બંધન ઊભાં કરવાં જ પડે. બાકી પક્ષના નેતાઓ જાહેરમાં ગમે તે વાત કરતાં હોય, પણ વિચારને અમલમાં મૂકતી વખતે તો સદીઓ જૂના પૂર્વગ્રહો જ કામ કરી જાય છે.

ચૂંટણી લડનાર દરેક મહિલા ચૂંટાવાની નથી. એટલે વિધાનસભામાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ તો હજુ ઓછું થશે. 2012ની ચૂંટણીમાં માત્ર 16 મહિલાઓ ચૂંટાઈ હતી, એટલે કે સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ માત્ર 8.7 ટકા હતું. દેશનાં બધાં રાજ્યોમાં સ્ત્રીના પ્રતિનિધત્વની સરેરાશ પણ 9 ટકા જ છે, લોકસભામાં 12 ટકા અને રાજ્યસભામાં 10 ટકા. 1952માં ચૂંટાયેલી પહેલી લોકસભામાં સ્ત્રીઓના પ્રતિનિધિત્વનું પ્રમાણ 5 ટકા હતું, જે અતિશય ધીમી ગતિએ વધતાં આઝાદીના સિત્તેર વર્ષે માંડ 12 ટકાએ પહોંચ્યું છે!

આશ્ચર્યની વાત એ છે કે આ વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે રજૂ કરેલા વાર્ષિક વૈશ્વિક જાતીય ભેદના સૂચકાંકમાં રાજકીય ક્ષેત્રમાં ભેદભાવમાં ભારતનો ક્રમ પંદરમો છે. કુલ 144 દેશની સરખામણીમાં ભારતમાં વધુ સ્ત્રીઓ રાજકીય પદ સુધી પહોંચે છે. એટલે કે રાજકારણમાં સ્ત્રીઓની ભાગીદારી સમસ્ત વિશ્વમાં ઓછી જ છે. રાજકારણમાં ભાગીદારી એટલે દેશ અને સમાજ અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગીદારી. નિર્ણયાત્મક હોદ્દા પર સ્ત્રીઓની હાજરી હજી વિશ્વભરના પુરુષપ્રધાન માનસને ખપતી નથી.

આ જ રિપોર્ટ પ્રમાણે આર્થિક, શૈક્ષણિક અને આરોગ્યના ક્ષેત્રે ભારતમાં જાતિભેદ ચિંતાજનક રહ્યો છે અને એમાં આપણે વિશ્વમાં દસ ક્રમાંક પાછળ પટકાઈ 108મા ક્રમે પહોંચ્યા છીએ. સૌથી વધુ ચિંતાજનક દેખાવ આરોગ્ય ક્ષેત્રે છે, જેમાં ભારતનો ક્રમ 141મો છે - છેલ્લેથી ચોથો! શિક્ષણમાં 139મો ક્રમ- છેલ્લેથી છઠ્ઠો અને આર્થિક ભાગીદારીમાં 112મો ક્રમ! એટલે કે પુરુષની સરખામણીએ સ્ત્રીઓનું આરોગ્ય સ્તર ઘણું નીચું છે, શિક્ષણની તક ઓછી મળે છે અને આર્થિક ભાગીદારી પણ નબળી છે. સ્ત્રીઓનું 66 ટકા કામ એવું છે, જે માટે નાણાકીય ચૂકવણી થતી જ નથી. એટલે તેમની આર્થિક ભાગીદારી નબળી જ દેખાવાની.

સ્ત્રીઓનું વિધાનસભા કે સંસદ સુધી પહોંચવું એક વાત છે અને ત્યાં સ્ત્રીઓને સ્પર્શતા પ્રશ્નોને વાચા આપી આપીને, સાચા અર્થમાં પ્રતિનિધિત્વ કરવું એ બીજી વાત છે. સંસદ કે વિધાનસભામાં પહોંચતી મહિલા રાજકારણી સ્ત્રીઓના પ્રશ્નોને વાચા આપશે જ એવું માની ના લેવાય. સ્ત્રી ધારાસભ્યોએ સ્ત્રીઓને લગતા કેટલા મુદ્દા ઉઠાવ્યા અને કેટલા પ્રશ્નોના ઉકેલ સુધી લઈ ગયા એ અલગ અભ્યાસ માગી લે એવો મુદ્દો છે. ‘વિકાસ’ના મોડેલ તરીકે રજૂ કરાતાં ગુજરાતમાં આજની તારીખે કેટલા ય પ્રશ્નો એવા છે જેનો ગુજરાતની વિકાસગાથા સાથે મેળ નથી બેસતો. તે માટે કોઈ સ્ત્રી ધારાસભ્યે અસરકારક કામ કર્યાંનું સાંભળ્યું નથી.

માતાનો મૃત્યુઆંક છેલ્લાં પાંચ વર્ષમાં ઊંચો ગયો છે. 2013-14માં દર એક લાખ પ્રસૂતિમાં 72 માતા મૃત્યુ પામતી હતી, જેનું પ્રમાણ 2015-16 સુધી વધીને 85 થયું હોવાનું કેગનો (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા) રિપોર્ટ નોધે છે. હજી પણ 56 ટકા પ્રસૂતિ તાલીમ પામેલી નર્સ કે દાયણના અભાવે ઘરમાં જ થાય છે. લોહતત્ત્વની ઊણપ અને ઉંમર પ્રમાણે ઓછા વજનનું પ્રમાણ એટલું વધારે છે કે એ સમસ્યા લાગતી જ નથી.

ઝડપથી થઈ રહેલા શિક્ષણના ખાનગીકરણને કારણે શિક્ષણ મોંઘુ બન્યું છે. ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકતી છોકરીઓનું પ્રમાણ ઓછું છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતી છોકરીઓની સંખ્યા વધી છે, તો પણ બીજાં રાજ્યોની સરખામણીમાં આપણે ઘણા પાછળ છીએ.

ગુજરાતમાં સેક્સ રેશિયો ઘટતો જાય છે, 2001માં દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા 920 હતી, તે 2011માં ઘટીને 919 થઈ છે. કાયદા હોવા છતાં ભ્રૂણનું જાતિ પરીક્ષણ થાય છે અને સ્ત્રીભ્રૂણની હત્યા પણ થાય છે.

પ્રમાણમાં સલામત મનાતા ગુજરાતમાં સ્ત્રીવિરોધી હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. છેડતી અને બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે. નલિયાકાંડ જેવી ઘટનામાં ન્યાયની પ્રક્રિયાને તોડવા મરોડવામાં મહિલા નેતાઓએ પણ સાથ આપ્યો છે અને પીડિતા પ્રત્યેની સ્ત્રી સહજ સંવેદનશીલતાનો અભાવ જ જણાયો છે.

આવા પ્રશ્નોની યાદી બનાવીએ તો આ જગ્યા ઓછી પડે. આ ચૂંટણીમાં સ્ત્રીઓના મત નિર્ણાયક ગણાય છે, ત્યારે આપણા ઉમેદવારનો સ્ત્રીઓના પ્રશ્નો અંગનો અભિગમ શું છે એ જરા તપાસવું રહ્યું.

e.mail : nehakabir00@gmail.com

સૌજન્ય : ‘ખટકતી ગેરહાજરી’, “દિવ્ય ભાસ્કર”, 01 ડિસેમ્બર 2017

Category :- Samantar Gujarat / Samantar