સંબંધ

નવ્યાદર્શ
30-11-2017

‘જે સબંધોનું ભવિષ્ય ન હોય
તે સંબંધોને બાંધવા જ ન જોઈએ.’
હું જ્યારે પણ અરીસામાં મને ખુદને જોતી
ત્યારે હંમેશાં આ વિધાન કહેતી
મને ખુદને.
પણ
મન આઝાદ છે, દીવાલોને ઓળંગીને બધું જોઈ લે છે.
કેટલી ય વાર ખુદને રોકવાનો પ્રયત્ન કર્યો,
કેટલી ય વાર એમની આંખોથી બચવાનો પ્રયત્ન કર્યો
અને કેટલી ય વાર
રસ્તાઓ બદલાવ્યા,
એમની સામે જવાનું જ બંધ કર્યું
તેમનો અવાજ સાંભળવાનું બંધ,
યાદ કરવાનું બંધ,
એના સિવાય બધા સાથે વાત કરી
એના વગર બધું જ શક્ય કર્યું
એના માટે.
આમ છતાં,
એક દિવસ એમની આંખોમાં જોવાઈ ગયું,
એમનો અવાજ હૃદય સુધી પહોંચી ગયો,
એમના શ્વાસ મારા શ્વાસમાં ભળી ગયો ...
મારી ધારણાઓ, બંધનો મીણની માફક ઓગળી ગયા
માત્ર એક પ્રેમના આલિંગનમાં.

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry