પૂર્વ સંધ્યા

નવ્યાદર્શ
08-11-2017

જ્યારે જ્યારે હું બહાર જાઉં છું
ત્યારે ત્યારે મારા વાળને બાંધીને જાઉં છું.
મારી ઊડતી લટોને પીનો દ્વારા ચપોચપ જોડી દઉં છું.
ખુલ્લા વાળને હાથથી ઉલાળી બાંધીને 
મારી જૂની પેન્સિલ ખોસી દઉં છું.
અને પછી હું બહાર નીકળું છું.
ગમે તેવો પવન હોય 
તે ચપોચપ જ રહે છે
અને 
મને શાંતિ ...
હા, 
જ્યારે રવિવાર આવે છે
હું મને ચાહવા લાગું છું,
મારા બાંધેલા વાળમાંની પેન્સિલને બાજુ પર રાખું છું,
વાળમાં ખોસેલી પીનોને એક એક કરી ને જુદી પાડું છું
મારા વાળ ધીરે ધીરે 
રવિવારની પૂર્વ સંધ્યા પર આઝાદીનો શ્વાસ લે છે
અને હું પણ.
અહીં હું ખુદને જોઉં છું, 
દુનિયાની નજરથી દૂર
મારા પોતામાં હું ખોવાયેલી રહું છું
લહેરાતા, ઊડતા આઝાદ વાળની સાથે ...

Email : navyadarsh67@outlook.com

Category :- Poetry