સ્વાયત્તતા મુદ્દે રૂડો અવસર

ઓમપ્રકાશ ઉદાસી
05-11-2017

ગુજરાતમાં લોકશાહીનો ઉત્સવ છે. સમાંતર ઉત્સવ ગણીએ તો ગુજરાત વિધાનસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીનો અવસર. પરિષદની ચૂંટણીનું પરિણામ આવી ગયું. પ્રમુખ સહિત સહુને અભિનંદન. હરીફોને પણ અભિનંદન પાઠવીએ. ક્યાં ય પણ બિનહરીફ ચૂંટણી લોકશાહીનું લક્ષણ નથી.

(૧) એક અખબારે ૧૨૬૩/૩૭૦૦ના રેકૉર્ડબ્રેકનો (૩૪ ટકા) રાજીપો વ્યક્ત કર્યો છે. જીતનાર સૌને રાજીપો થાય એ પણ સાહજિક છે, પરંતુ આ લોકતંત્રનો રાજીપો નથી. લોકતંત્રમાં તો ૫૧ ટકા (એકાવન ટકા)નું મહત્ત્વ હોય છે. એટલે મૂઠી ઊંચેરો માનતા કે મનાતાઓએ અને એ થકી સંસ્થાએ સંતોષનો ઓડકાર લેવાનો ના હોય. સાહિત્ય સમાજનું દર્પણ છે કે ‘નિસબત’ જેવા શબ્દોની સાર્થકતાને આવા અવસરે પ્રતીક તરીકે ય સિદ્ધ કરવાની હોય છે. ઉમેદવારો અને મતદાતાઓની જીવંત સહભાગિતાનો અભાવ કેમ હશે? જાણ્યા-અજાણ્યાં બધા ઉમેદવારોએ પોતાની કેફિયત મતદાતાઓને પહોંચતી કરવી જરૂરી છે, પછી ભલે એવા ઉમેદવારો ગમે તેવા પ્રખ્યાત કે પ્રતિષ્ઠિત હોય! લોકશાહીની પ્રક્રિયાને સન્માન આપવાનો આ એક ભાગ છે. હું તો અંગત રીતે માનું છું કે આવા રૂડા અવસરે ઉમેદવારે માત્ર મર્યાદિત મતદાતાઓના બદલે સમગ્ર સમાજ સમક્ષ પોતાની રજૂઆત કોઈ ને કોઈ માધ્યમથી રજૂ કરવી જોઈએ. આ નિમિત્તે સાહિત્યકાર/ઉમેદવાર, આમ સમાજ/સામાન્ય માણસ (વિશિષ્ટ વર્ગ કે શ્રેષ્ઠીવર્ગ સાથે નહીં) સાથે જોડાશે. એકદંડિયા મહેલમાંથી રસ્તા ઉપર આવીને ગુજરાતી ભાષા બચાવવાનો રોડ-શો કરવાની પછી જરૂર નહીં રહે!

(૨) પરિષદની ચૂંટણી-પ્રક્રિયા સુધારવી જરૂરી છે. મતદાતાઓની નામ-સરનામાં-સંપર્કનંબર સાથેની યાદી પણ અપડેટ નથી હોતી એવી પણ વાત ચાલે છે. ગુપ્ત મતદાન આવકાર્ય છે, પરંતુ મતપત્રક જાણે એવું ભોંયરામાં ભંડારેલું હોય છે કે એને શોધી કાઢવાનું કામ હંફાવી દે છે. એક પછી બીજા, પછી ત્રીજા, પછી ચોથા પરબીડિયામાં સુરક્ષિત મતદાનફૉર્મ પામવા માટે ભારે કિલ્લબંધીને પાર કરવી પડે છે. ઉમેદવાર ક્યારેક એમાં અટવાઈ પણ જાય. પહેલી ગલીમાં બીજી ગલી, બીજી ગલીમાં ત્રીજી ગલી, ત્રીજી ગલીમાં ચોથી ગલી, આવું ટાળવું જોઈએ.

હવે પરિષદમાં નવા ચૂંટાયેલા સભ્યો છે. પરિષદ અને સમાજનાં અન્ય સજ્જનો પણ સરકાર હસ્તક સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની તરફેણમાં છે. ચૂંટણીનો રૂડો અવસર ગુજરાતમાં ચાલી રહ્યો છે. હવે સ્વાયત્તતા-આંદોલનના પ્રેરક અને પ્રણેતાઓની ફરજ બને છે કે વર્તમાન ગુજરાત સરકારકના હરીફ પક્ષ કૉંગ્રેસ સમક્ષ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની વાત મૂકીને તેમની પાસેથી લેખિત કમિટમેન્ટ લે. કૉંગ્રેસ જો સરકારમાં આવે, તો આ મુદ્દે તેની શી ભૂમિકા રહેશે, તે જાણવું જરૂરી છે. આ માટે કૉંગ્રેસ ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ સાહિત્ય માટે થોડીક ક્ષણો ‘અનામત’ રાખશે, એવી આશા અસ્થાને નથી.

મને લાગે છે, મતદાનપૂર્વે ગુજરાતી સાહિત્ય પરિષદે આ અંગે એક ઠરાવ પસાર કરવો જોઈએ. સાથે જ સમાજનાં અન્ય સુજ્ઞજનો સાહિત્યકારોએ જોડાઈને કૉંગ્રેસના મોવડીમંડળને રૂબરૂ મળવું જોઈએ.

લોકતંત્રની દુહાઈ દેતા સાહિત્યકારો અને સંસ્થાઓએ, રાજકારણમાં આપણું કામ નહીં એમ હજુ વિચારીને પલાયન કરવાનું ટાળવું રહ્યું.

૪, જયંતી ઍપાર્ટમેન્ટ, ગુરુકુળરોડ, અમદાવાદ-૩૮૦ ૦૫૨

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 05

Category :- Samantar Gujarat / Samantar