નાગરિકોને હિસાબ આપવાનો સમય

પ્રકાશ ન. શાહ
04-11-2017

ગુજરાતમાં છેલ્લા બે દાયકા સુવાંગ ભા.જ.પ.ના જ રહ્યા હોય ત્યારે કેવળ કૉંગ્રેસની ટીકાને ધોરણે તે હંકારી શકે ?

મંડાતી ચૂંટણીચોપાટે સમાચાર ઉતરે છે કે સંસદની શિયાળુ બેઠક વખત છે ને પડતી પણ મૂકાય. મળે તો પણ નામ કે વાસ્તે, આઠ દિવસ માંડ. આ જ દિવસોમાં એ વિગત પણ બહાર આવી છે કે ગુજરાત વિધાનસભા છેલ્લાં પાચ વરસમાં સરેરાશ બત્રીસ દિવસને ધોરણે મળી છે. બધે થતું હશે, પણ ઘરઆંગણાની વાત કરીએ તો આ બત્રીસ દિવસમાં કોઈ પણ કાયદાને પૂરતો ન્યાય આપવાનું નથી બનતું. ઉપરાંત રાજ્ય સરકારે જે કાર્યશૈલી (ખરું જોતાં, વ્યૂહ) ઉપજાવેલ છે તે પ્રમાણે કેગનો હેવાલ ગૃહના છેલ્લા દિવસે ટેબલ પર મુકાય છે એટલે એના પર ચર્ચાને સારુ મુદ્દલ અવકાશ નથી રહેતો. આનો અર્થ એ થયો કે લોકો પાંચ વરસે એક વાર પ્રતિનિધિત્વની દિશામાં જે વ્યાયામ કરે છે એનો વસ્તુત: કોઈ મતલબ કે માયનો જ વ્યવહારમાં કદાચ રહેતો નથી.

હમણાં પાંચ વરસે કરાતા વ્યાયામની (ચૂંટણીની) જિકર કરી તે સાથે અલબત્ત એવું ચોક્કસ જ કહી શકીએ કે કમસે કમ અત્યારે તો એ બધી ચર્ચા કરવાનો અને પ્રશ્નો પૂછવાનો અવસર છે, જ્યારે બત્રીસ દિવસમાં જે કંઈ છૂટી ગયું હોય એનું સાટું વાળી શકીએ. પણ એવી ધોરણસરની ચર્ચાનો છે કોઈ અવકાશ ક્યાંયે? ચેનલચોવીસા કને જઈ તો શકીએ પણ ચર્ચાની જે ‘સંસ્કૃિત’ રંગ રંગ ચેનલિયાંએ વિકસાવી છે એમાં કેટલું બધું કે‌વળ અને કેવળ પ્રાયોજિત છે? ક્યાંક તો એન્કર જ એજન્ડાબદ્ધ આક્રોશ મુદ્દામાં પેશ આવે છે. ટીવી ડિબેટમાં જુદા જુદા પક્ષોના પ્રવક્તાઓ આવે છે જરૂર, પણ ચર્ચા બધી ઘોંઘાટમાં ડુબી જાય છે - અને પ્રવક્તાઓ પણ મુદ્દા કરતાં ઘાંટા પર વધુ ભાર મૂકતા માલુમ પડે છે. એમાં પણ ભા.જ.પ.ના પ્રવકતાઓ (અપવાદ માફ) ઊંચા અવાજ સાથે આક્રમક વલણને અગ્રતા આપતા જણાય છે. સામસામી જુમલે સે જુમલા શૈલી સરવાળે મતઘડતરમાં કોઈ સકારાત્મક ફાળો આપી શકે એવી ખાતરી પછી ક્યાંથી રહે.

ભા.જ.પે. સ્વરાજના સાત દાયકામાં કૉંગ્રેસે શું કર્યું (કશું કર્યું નથી) - પ્રકારના અવાજમારામાં પાછું વળીને જોવા જેવું કદાચ રાખ્યું નથી. અહીં કૉંગ્રેસની બ્રીફ ઝાલવાનો સવાલ નથી. (આમે ય, સોશિયલ મીડિયા પર વિકાસ ગાંડો થયો છે. સાથે ભા.જ.પ.ની લાંબા સમયની એક તરફી સરસાઈ તૂટી પણ છે.) પણ, જ્યાં સુધી પ્રત્યક્ષ કામગીરીનો સવાલ છે, ગુજરાતમાં છેલ્લાં બાવીસ વરસ બાબતે જવાબ આપવા સારુ એ બંધાયેલ છે.

આ બાવીસ વરસમાંથી માનો કે રા.જ.પ.-કૉંગ્રેસ અફરાતફરીનો ગાળો બાદ કરીએ તો પણ બે દાયકાથી તો એ છે જ. કેન્દ્રમાં 1996થી 2004 વાજપેયીની સરકાર હતી અને હવે મે 2014થી નવેમ્બર 2017 એટલે કે સાડા ત્રણ વરસથી મોદી સરકાર છે. એટલે રાજ્યનાં વીસ વરસ પૈકી લગભગ અડધોઅડધ સમયગાળો કેન્દ્રમાં પણ પોતાની સરકારનો છે. તે પૂર્વે 1967ના સંયુક્ત વિધાયક દળ-સંવિદ પ્રયોગમાં ભા.જ.પ. (જનસંઘ) સહિતના બિનકૉંગ્રેસ પક્ષો સત્તાસહભાગી હતા જ.

મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા સરકાર (જેમાં વાજપેયી અને અડવાણી આગળ પડતા હોદ્દે હતા) પણ, એમ તો બિનકૉંગ્રેસી સરકાર જ હતી ને? 1995ની કેશુભાઈ પટેલ સરકાર પૂર્વે ગુજરાતમાં ચિમનભાઈ પટેલની સરકારમાં ભા.જ.પ. સહિતનું મિશ્ર પ્રધાનમંડળ કાર્યરત હતું. 1975ની જનતા મોરચા સરકારમાં પણ જનસંઘ હતો જ. એટલે આગલાં વરસો બધાં કૉંગ્રેસનાં જ હતાં એમ કહેવામાં અતિશયોક્તિ નહીં છતાં કંઈક વધુ પડતું તો છે જ. (સ્વરાજના પહેલા પ્રધાનમંડળમાંં શ્યામપ્રસાદ મુખર્જી ક્યાં નહોતા?)

સાર એટલો કે ભા.જ.પે. હજુ હમણે જ અમે સત્તા પર આવ્યા એવું કહેવાનું મૂકીને - અને બધી જ કમજોરી ને અવગતિનો ટોપલો કૉંગ્રેસ કે બીજાને માથે નાખતા પહેલાં પોતાની જવાબદારીનો હિસાબ આપવાનો સમય પાકી ગયો ગણાય. ગુજરાતમાં છેલ્લા બે દાયકા સુવાંગ એના જ રહ્યા હોય ત્યારે કેવળ કૉંગ્રેસની ટીકાને ધોરણે તે હંકારી શકે? કૉંગ્રેસની ટીકા ચાહે તેટલી કરો - પણ તે કર્યાં પછી, સળંગ ચારપાંચ વિધાનસભા જિત્યા પછી - તમારી જે જવાબદારી બને છે એ તો બને જ છે. કૉંગ્રેસને તો આ પૂર્વે પ્રજાએ વાજતેગાજતે રવાના કરી છે, તેમ ભા.જ.પ.ને ઉપરાછાપરી પોંખીને પોતાની રીતે ન્યાય કરેલો જ છે. એટલે હવે કૉંગ્રેસની વહી વાંચવા કરતાં વધુ જરૂર ભા.જ.પ.ની વહી વંચાય તે છે.

ભા.જ.પે. જેમ પોતાનો હિસાબ આપવો રહે છે તેમ હમણે હમણે એણે જે નવું સૂત્ર ઉપસાવવા માંડ્યું છે એને ધોરણે પણ કેટલીક સફાઈ કરવી રહે છે. ‘જાતિવાદ નહીં પણ રાષ્ટ્રવાદ’ એ તરજ પરનું આ સૂત્ર છે. ભા.જ.પ.ને (જનતા - જનસંઘને) સંજયકૃપાએ 1977માં સૂંડલા મોઢે મુસ્લિમ મતો મળ્યો હતા એ અહીં અમસ્તા જ યાદ આવ્યું. છતાં એનો પણ ચોક્કસ સંદર્ભ છે. આખો કિસ્સો કૉંગ્રેસની કથિત વોટ બૅન્કનો હતો. ભા.જ.પે. રાષ્ટ્રવાદ કે હિંદુત્વની કોકટેલ પાછળથી કરી એમાં પટેલો સાથે સમીકૃત થવાના તબક્કાથી માંડીને ઓ.બી.સી. ઓળખ વગેરે વાનાં તરત ધ્યાન ખેંચે છે. એમાં હિંદુત્વરૂપે ગોળબંદ થયા પછી અને છતાં આ બધી રેખાઓ સાફ દેખાય છે.

માધવસિંહ - ઝીણાભાઈ - સનત મહેતા વગેરેની ‘ખામ’ ફોર્મ્યૂલાનો, મુસ્લિમોને બાદ કરીને રાખેલો એ અભિગમ હતો. પણ આ બધાને દેખીતી એકત્ર અને ગોળબંદ કરવા છતાં નાગરિકતાની પાયરીએ તે એકત્ર ન કરી શક્યો એ ગુજરાતના હાર્દિક - અલ્પેશ ઉઠાવથી સાફ દેખાય છે. એટલે આજે જો એ જાતિવાદ વિ. રાષ્ટ્રવાદ એવા સૂત્ર પર આગળ જવાની વાત કરતો હોય તો ગુજરાતમાં એણે જે સામાજિક ઈજનેરીનો દાવો કર્યો હતો એમાં પડેલી તિરાડો માટેની પોતાની જવાબદારી એને સમજાવી જોઈએ. હિંદુત્વ નામના રાજકીય વિચારધારાવાદમાં કમનસીબે નાતજાતથી ઊંચે ઊઠી નરવી ને નક્કુર નાગરિક ઓળખની કીમિયાગરી નથી. કૉંગ્રેસની મતબૅન્કવાદ બદલ ટીકા કરતી વખતે વૈકલ્પિક વ્યૂહની દૃષ્ટિએ આપણે ક્યાં ઊભા છીએ તે વિચારવું રહે.

હાલની ચૂંટણીમાં ભા.જ.પ.નાં વીસબાવીસ વરસ સામે નાગરિક છેડેથી આ પ્રશ્ન પૂછવો લાજિમ એટલા માટે છે કે વિકાસ ગાંડો થયો હોય ત્યારે આ પક્ષ કોમી ગાંડપણમાં પોતાનો મોક્ષ શોધે એવું બની શકે છે. આટલું કહેવા માટે કોઈ જોશીનજૂમીની જરૂર નથી તે નથી. સોશિયલ મીડિયામાં આગળપાછળ રહેવાની કે કોઈ વનલાઇનર વાયરલ થઈ વસંતવગડે મત્ત મહાલે, એટલી સહેલી આ નથી. પ્રજાસૂય પરિબળોએ વીસ-બાવીસ વરસનાં શાસન તળે વિકાસના વાસ્તવ અને રાષ્ટ્રવાદને નામે ચાલેલ વહેવાર બાબતે સવાલો ઉઠાવવા રહે છે.

e.mail : prakash.nireekshak@gmail.com 

સૌજન્ય : ‘દર્પણ’, “દિવ્ય ભાસ્કર”, 04 નવેમ્બર 2017

Category :- Samantar Gujarat / Samantar