પરંપરાગત વ્યવસાય પર જીવતા અને રઝળતા લોકોના અધિકારો ચૂંટણી ઢંઢેરાઓમાં આવશે ?

સંજય શ્રીપાદ ભાવે
04-11-2017

ગુજરાતમાં ચાળીસથી વધુ વિચરતી-વિમુક્ત જાતિઓના ચાળીસ લાખ લોકો વંચિત દશામાં છે

આપણી સોસાયટીઓમાં છરી-ચપ્પાની ધાર કાઢવા માટે આવનાર ભાઈઓ સરાણિયા નામની કોમના હોય છે. ચાદરો વેચનાર સલાટ અને ગધેડાં પર માટીફેરા કરનાર તે ઓડ. થોડાં વર્ષો પહેલાં સુધી સાપ લઈને આવનાર મદારી અને અને કાંસકામાં ઊતરી આવેલા વાળ વેચાતા લેનાર કાંગસિયા. શહેરમાં રસ્તાની બાજુએ નેતર કે વાંસમાંથી પડદા બનાવનાર તે વાંસફોડા,  દોરડાં પર ખેલ કરનાર તે બજાણિયા અને અને અંગકસરતના દાવ બતાવનાર નટ. રાવણહથ્થા વગાડતાં ફરનાર ભરથરી, લોબાન લઈને ફરનાર ફકીર, મૂર્તિઓ બનાવનાર કે નદીના ભાઠામાં શાકભાજી ઊગાડીને વેચનાર દેવીપૂજક. પોલીસના અમાનુષ જુલમોનો હંમેશાં વગર કારણે ભોગ બનનારા ડફેર.

આ કોમોને બંધારણ, સમાજશાસ્ત્ર અને સરકારી પરિભાષામાં તેમને  વિચરતી અને વિમુક્ત જાતિઓ અથવા ડિનોટિફાઇડ અને નૉમૅડિક ટ્રાઇબ્સ (ડી.એન.ટી.) તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહોના મહેનતકશ હુન્નર અને કામધંધાનું સ્વરૂપ એવું છે કે જે તેમને ફરતી જિંદગી જીવવા માટે મજબૂર કરે છે. આ સમૂહોના લોકો જંગલમાં કે પહાડોમાં નહીં, પણ આપણાં શહેરો અને કસબાની રોજબરોજની જિંદગીમાં પણ જોવા મળતા હોય છે. તેઓ આપણી આજુબાજુ જ હોય છે. આ સમૂહો વિશે સુરેન્દ્રનગરના સમર્પિત દિવંગત ધારાસભ્ય અરવિંદ આચાર્યે ‘સરનામાં વિનાના માનવીઓ’ નામનું પુસ્તક લખ્યું  છે. આજે  તેમની સંખ્યા ચાળીસ લાખ છે. પણ  રાજ્યની સવા છ કરોડ જનતાના હિસ્સા તરીકે  તેમનાં હોવાની દખલ ભાગ્યે જ લેવામાં આવી છે.

એમ છતાં ગયાં દસેક વર્ષથી આ સમૂહોની બેહાલી પર સમાજનું થોડુંક ધ્યાન પડવા લાગ્યું છે. તેનો કેટલોક શ્રેય ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ સંસ્થાએ મહેનતપૂર્વક કરેલી કામગીરીને  આપી શકાય. સંસ્થાએ તેના યુવા કર્મશીલ સ્થાપક મિત્તલ પટેલનાં સંવેદનશીલ નેતૃત્વ  હેઠળ,  વિચરતા સમુદાયના પાંચ હજાર પરિવારોને રેશન કાર્ડ અને હજારને ઘર અપાવવા ઉપરાંત આજીવિકા અને શિક્ષણ માટે પણ નોંધપાત્ર કામ કર્યું છે. મંચે ચૌદમી ઑક્ટોબરે વિચરતા  સમુદાયોનું સહુ પ્રથમ સંમેલન પાલનપુરના પરામાં યોજ્યું હતું. આ વિશાળ સંમેલનમાં વંચિતો માટે અન્ન, આવક, આવાસ, આરોગ્ય, અને ઓળખ સાથેના ભારતીય નાગરિકો તરીકેનું ધોરણસરનું જીવન જીવવા મળે તેને લગતી બાવીસ માગણીઓ કરવામાં આવી. સંમેલનમાં વારંવાર સંભળાતો નારો હતો – ‘અમે છીએ, અમે પણ છીએ.’

વ્યવસાયને કારણે જે કેટલીક વિચરતી જાતિઓના લોકો જોવા મળતા અને ઓળખાતાં હોય છે તેનો ઉલ્લેખ લેખની શરૂઆતમાં છે. તે સિવાયની જાતિઓ છે : વણઝારા, વાદી, વિટોળિયા, શિકલીગર. વિમુક્ત જાતિઓ આ મુજબ છે : બાફણ, સંધી, ઠેબા (ત્રણેય મુસ્લિમ), છારા, મે, મિયાણા, વાઘરી, વાઘેર, હિંગોરા, રાપર અને ભચાઉ તાલુકાના કોળી. ઘણી જાતિઓનાં  લાક્ષણિક નાનકડાં ચિત્રો અને નામ સંમેલનના મંચ પરનાં મોટા બૅનરમાં જોવા મળતાં હતાં. સંમેલનમાં જે માગણીઓ કરવામાં આવી તેમાંથી કેટલીક બધા સમુદાયો માટેની હતી. જેમ કે  : ઘર બાંધવા માટે જમીન અને આર્થિક સહાય; બી.પી.એલ./અંત્યોદય, આધાર, અમૃતમ જેવાં કાર્ડ; જાતિ તેમ જ વ્યવસાય પ્રમાણપત્ર, અનામતની જોગવાઈ, અલગ નિગમ અને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બજેટ ફાળવણી અને તેનો ઉપયોગ, પડતર કે ખરાબાની જમીનની ફાળવણી, પાક વીમા યોજનાનો લાભ. આ ઉપરાંતની કેટલીક માગણીઓ જે-તે કોમ સંબંધિત હતી. જેમ કે, શાકભાજી કે અન્ય વેચાણ કરતી કોમો માટે જગ્યા, ઓડ અને વણઝારાને નદીના પટમાં રેતી ખોદવાની મંજૂરીમાં અગ્રતા, દેવીપૂજક અને રાવળ કોમને નદીના પટમાં શાકભાજી ઊગાડવા માટેની મંજૂરી, ભવાઈ ભજવનાર તરગાળા અને અંગકસરતના ખેલ બતાવનાર નટ સમુદાયો માટે તાલીમી સંસ્થા, વાદી-મદારી લોકોને સાપનું ઝેર કાઢવા માટેનું લાયસન્સ અને તેમનું ઝેર બૅન્ક સાથે જોડાણ, ડફેર પરિવારો પોલીસ દ્વારા થતા જુલમનો કાયમી અટકાવ.

સંમેલનના વિશાળ રંગબેરંગી મંડપમાં સજાવટ હતી, લાચારી કે ગરીબીની નિશાનીઓ ન હતી. અનેક શારિરીક ક્ષતિઓને કારણે ઊભા પણ ન રહી શકનારા ગંગારામ રાવળ બનાસકાંઠાના થરા પાસેના ખાખલગામના હતા. વાલીબહેન વિકલાંગતાને ઓળંગીને વીરમગામથી આવ્યાં હતાં. સંખ્યાબંધ સ્ત્રી-પુરુષો, યુવાનો, બાળકો, આધેડો અને ઘરડેરાં મેલાંઘેલાં કે થિગડાંવાળાં કપડાંમાં હતાં. પણ તે વરણવેશમાં ક્યાંક તેમની ઓળખનો ઇશારો હતો - લાલ કે પીળી  પાઘડી, ક્યાંક છૂંદણાં તો વળી ક્યાંક બલોયાં, કોઈકની પાસે રાવણહથ્થો તો કોઈકની પાસે પુંગી. આ બંને વાદ્યો બિલકુલ તળના કલાકારો પાસેથી સાંભળવાનો મોકો સંમેલનની શરૂઆતમાં મળ્યો. ત્યારબાદ ડીજેના તાલે ગરબા થયા. મિત્તલબહેન સહિત કેટલાંક ભાઈ-બહેનો હાથમાં નાના પ્લેકાર્ડસ લઈને ગરબા કરી રહ્યાં હતાં. તેની પરનાં સૂત્રો હતાં, ‘અમે છીએ’, ‘નામ ઉમેરો’ , ‘અનાજ મળે તેવાં રેશન કાર્ડ આપો’.

સંગઠનના બહુ સક્રિય ટેકેદાર અને રાજ્યના પૂર્વ મુખ્ય સચીવ પ્રવીણ લહેરીએ વિચરતા સમુદાયના લોકો સામે પાંચ મહત્ત્વનાં ધ્યેયો મૂકી આપ્યાં : મળવાપત્ર  અધિકાર ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં મેળવીને જંપવું, બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા પાકી કરવી, રોજગારલક્ષી કૌશલની તાલીમ મેળવવી, વ્યસનો તેમ જ  અન્ય બદીઓમાંથી મુક્ત થવું અને કાર્યકર્તાઓનું વ્યવસ્થિત માળખું ગોઠવવું.

સમુદાયોની માગણીઓ મિત્તલબહેને તેમનાં હંમેશ મુજબનાં જુસ્સાદાર ભાષણમાં વર્ણવી. ‘માથેથી આ કાળા કલરનું પ્લાસ્ટિક ક્યારે જશે ?’, એમ પૂછીને એમણે જણાવ્યું કે ઘર માટેનો ઠરાવ સરકારમાં થઈ ચૂક્યો છે. ચોકાવનારી માહિતી પણ તેમના ભાષણમાં હતી. જેમ કે, ધાર કાઢવાનું કામ કરતાં કરતાં સરાણિયાઓના અંગુઠા એવા થઈ ગયા છે કે આધાર કાર્ડ માટે પાંચ-પાંચ વાર લાઈનમાં ઊભા રહેવા છતાં તેમની છાપ જ નથી આવતી. ચાળીસ જાતિઓ સરકારની યાદીમાં છે, અને હજુ બેતાળીસ સમાવાઈ નથી ! વિમુક્ત જાતિઓ માટે 2003 સુધી અનામત હતી. વિચરતા સમુદાયો માટે વિજાપુર પાસે બનેલી વસાહતમાં આઠેક વર્ષથી વીજળી અને પાણી નથી. સરાણિયાઓના એક જૂથને માગણીઓ માટે મહેસાણા કલેક્ટરને મળવા લઈ ગયેલા એક કાર્યકર્તાને અધિકારીના મદદનીશે છણકો કર્યો : ‘તમે ઉકરડો લઈને આવી ગયા!’ મિત્તલબહેને કહ્યું કે અધિકારીઓને મળીએ ત્યારે તેઓ કહે છે કે ‘મંચની માગણીઓમાંથી ૭૦% માગણીઓ તો એવી છે કે જે ચપટીમાં પૂરી થઈ જાય’. પ્રમાણપત્ર આપવા માટે જાતિ અને પરંપરાગત વ્યવસાય પિછાણવા માટે તંત્રએ કેવી પદ્ધતિ અપનાવવી જોઈએ તેના માટેનાં, અનુભવ અધારિત સૂચનો પણ મિત્તલબહેને જણાવ્યાં. સંગઠનનાં નિષ્ઠાવાન કાર્યકરો વર્ષોથી રખડપટ્ટી અને લખાપટ્ટી કરતાં રહ્યાં છે.  છતાં પણ તંત્ર ખાસ હલતું નથી. આવાં જડ તંત્રને સક્રિય કરવા, ગમે તેટલી મુશ્કેલીઓની વચ્ચે પણ ગાંધીનગર અને દિલ્હી તરફ આગળ વધવાનો નિર્ધાર પણ તેમણે પ્રકટ કર્યો.

‘જે પક્ષ આપણું કામ કરશે તેને આપણે ટેકો આપીશું … અમે પણ છીએ એ સમજીને રાજકીય પક્ષોએ અમારા અધિકારોને ચૂંટણી ઢંઢેરામાં સમાવવા જોઈએ ... ’ મિત્તલબહેનની તાજેતરની ફેઇસબુક પોસ્ટ જણાવે છે કે એક પક્ષે ચોથી તારીખ પછીનો સમય આપ્યો છે. બીજાએ હજુ ધ્યાન આપ્યું નથી. જોઈએ આ સરનામાં વિનાના માનવીઓનાં મતોની કોને પડી છે ?

+++++++

૦૧ નવેમ્બર  ૨૦૧૭

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 03 નવેમ્બર 2017

છબિ સૌજન્ય : મિત્તલબહેન પટેલની ફેઇસબૂક વૉલથી સાભાર

Category :- Samantar Gujarat / Samantar