ટાગોરે યુરોપમાં આપેલાં વ્યાખ્યાનોનો ભારતે અત્યારે લેવાનો બોધ : રાષ્ટ્રવાદ

બકુલ ટેલર
20-10-2017

રાષ્ટૃવાદ (રવીન્દ્રનાથના રાષ્ટૃવાદ પરનાં ત્રણ વ્યાખ્યાનો) : અનુવાદ - ત્રિદીપ સુહૃદ : પ્રકાશક - નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ - 380 014 : પહેલી આવૃત્તિ - 2017 : ISBN - 978-81-7229-813-5 : પાનાં - 80 : કિમ્મત રૂ. 100/-

ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન કદાચ પહેલી વાર ભારતવાસીઓ એક સંગઠિત સ્વરૂપે પ્રગટતા થયા અને આજે પણ એ પ્રક્રિયા નિરંતર ચાલુ છે. ભારતમાં રહેલું સામાજિક વૈવિધ્ય, તેમાં રહેલી અનેક જીવનરીતો અને જીવનને ધારણ કરતી આસ્થાઓ પ્રચંડ પડકાર ઊભી કરનારી છે. અન્ય રાષ્ટ્રોથી બહુ વિલક્ષણ છે તેનું આ માળખું, પણ તેથી તે રાષ્ટ્રની એકતાને તોડનારું છે એવું માની ન શકાય. અલબત્ત, ગરજ હોય છે તેના રાષ્ટ્રવાદના મર્મને પામવાની.

ગાંધીજી ૧૯૧૫માં ભારત પાછા વળ્યા અને તેમનામાં રહેલો સ્વતંત્રતા આંદોલનનો ખ્યાલ દેશવ્યાપ ધરતો ગયો. તેમના આ આંદોલન પહેલાં આપણે ત્યાં સરસ્વતીચંદ્ર પ્રગટ થઈ ચૂકી હતી અને બંગાળમાં ગોરા (૧૯૧૦) અને ઘરેબાહિરે (૧૯૧૬) જેવી નવલકથા પ્રગટ થઈ હતી. ગોરા, ઘરેબાહિરેના સર્જક રવીન્દ્રનાથ ટાગોર હતા. પછીનાં વર્ષોમાં જે વધુ સ્પષ્ટ રીતે સમજાયું તેની ઘણી વિચારઘન સામગ્રી આ બે નવલકથામાં વણાયેલી છે. ગાંધીજીના આંદોલનથી રાષ્ટ્ર તેની સ્વતંત્રતા માટે ઉદ્યુત થયું. તેની સમાંતર, પણ સાવ પોતીકી રીતે રવીન્દ્રનાથ ટાગોરે જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રવાદને વ્યાખ્યાતિ કર્યો હતો. ૧૯૧૬નાં તે વ્યાખ્યાનો છે. પ્રથમ વિશ્વયુદ્ધ(જુલાઈ ૧૯૧૪થી નવેમ્બર ૧૯૧૮)ના દારુણ ઘટનાક્રમો વચ્ચે તેમણે જાપાન અને અમેરિકાના લોકોને અને પછી ‘હિંદમાં રાષ્ટ્રવાદ’ હેઠળ ભારતના લોકોને સંબોધ્યા છે. જાપાન અને અમેરિકાને સંબોધતી વેળા તેઓ વિશ્વયુદ્ધની વિગતો આપી તેની છણાવટ કરવામાં પોતાના ચિંતનને અને રાષ્ટ્રવાદના વિચારને રોકતા નથી. તેઓ સરહદોમાં બંધાઈ જતાં રાષ્ટ્રવાદના પુરસ્કર્તા નથી, બલકે વૈશ્વિક માનવતા અને સમાજને સમાવતા રાષ્ટ્રવાદના પુરસ્કર્તા છે. આ સમય જ યાંત્રિકીકરણ આધારિત ઔદ્યોગિક અને સામાજિક ક્રાન્તિનાં પગરણનો હતો. એ સમય યુરોપની ભૂમિથી પ્રસરતી બેકાબૂ રાજકીય સંસ્કૃિતનો હતો. આ બંને વાના માનવ અને માનવસમાજને કેવા આઘાતક પડાવો તરફ લઈ જઈ શકે તેની તીવ્ર માનવકરુણાસભર ચિંતા ટાગોર કરે છે.

મૂળ અંગ્રેજીમાં જે ઉપલબ્ધ હતું તે પુસ્તક ઠેઠ હમણાં ત્રિદીપ સુહૃદ વડે અનુવાદ પામ્યું છે. તેઓ તેમના નિવેદનમાં જે સવાલ કરે છે તેનો જવાબ કોણ આપે, કોણ આપી શકે તેનો જવાબ મેળવવો અધૂરો રાખીએ. તેમનો સવાલ છે. ‘જેમ અનુવાદ કરવો તે સાંસ્કૃિતક વિકલ્પ છે તેમ અનુવાદ ન કરવો તે પણ એક સાંસ્કૃિતક પસંદ છે. ગુજરાતે શા કારણે રાષ્ટ્રવાદનો અનુવાદ ન કર્યો તેની ચર્ચા કરવાનો અહીં અવકાશ નથી, પણ તેની નોંધ લેવાય તે પૂરતું છે.’ અનુવાદક જે કહી રહ્યા છે તે વર્તમાન સંદર્ભમાં આ પુસ્તક વાંચતાં તેમની પણ એક પ્રકારની ‘વાચના’ બની રહે તેમ છે.

આ ત્રણ વ્યાખ્યાનો દરમિયાન તેઓ રાષ્ટ્રવાદને જાણે એક મૂળ કેન્દ્ર ધારી ત્યાંથી વર્તુળો સુધી વિસ્તરી પાછા વળે છે, ધરી રૂપ બોધ માટે ‘પૂર્વ એશિયાનો આગવો પથ’ રહ્યો છે. તે પોતાની સંસ્કૃિતનું ઘડતર કરી રહી છે. આ સંસ્કૃિત રાજકીય નહીં પણ સામાજિક છે, ભક્ષણ કરનારી અને યાંત્રિકપણે કાર્યદક્ષ નહીં પણ આધ્યાત્મિક છે. તેનાં મૂળ માનવજાતનાં ઊંડા અને ભાતીગળ સંબંધોની ભૂમિમાં છે.’

તેઓ હિંદમાં રાષ્ટ્રવાદ વિશે બોલતા હોય ત્યારે ય તેના વિચારકોની મર્યાદા વિશે આકરા છે. ‘આપણા રાષ્ટ્રવાદીઓ આદર્શની વાત કરતી વખતે વિસરી જાય છે કે રાષ્ટ્રવાદનો પાયો કાચો છે.’ કેમ છે કાચો? ‘આ આદર્શોનો ઝંડો ઉઠાવનાર લોકોના સામાજિક આચાર અત્યંત રૂઢિવાદી છે.’ આટલું કહી તેને વધુ તર્કબદ્ધ બનાવતાં તેઓ સ્વિટ્‌ઝર્લેન્ડમાં જે ભિન્ન જાતિ છે તે અને હિંદમાં આ અંગે જે દશા છે તેનું નિરીક્ષણ પ્રગટ કરે છે, ‘કોઈ પણ પાશ્ચાત્ય રાષ્ટ્રોની ચર્ચા કરતી વખતે અમો વિસરી જઈએ છીએ કે ત્યાંની પ્રજાઓમાં, અમારી જ્ઞાતિઓ વચ્ચે જે શારીરિક આભડછેટ છે તેનો સદંતર અભાવ છે. તેઓ કહે છે કે, ‘અમારાં સામાજિક બંધનો કુંઠિત કરનારાં છે, એટલી હદે કે તે માણસને બાયલો બનાવી દે છે.’ તેઓ પોતાનાં વિધાનોને સ્થાપવા એકથી વધુ દૃષ્ટિ-માર્ગ અપનાવે છે અને જાણે ૨૦૧૭ સુધી તેઓ આવી પહોંચે છે? ‘આપણાથી જુદા પ્રકારનો ખોરાક લેતી વ્યક્તિઓનું જીવન બોજરૂપ બનાવવા પ્રેરતી આપણા મનની સામાજિક વૃત્તિઓ આપણી રાજકીય સંસ્થાઓમાં પણ જડ ઘાલશે અને જીવન હોવાના ચિહ્‌નરૂપ એવા તાર્કિક ભેદને કચડવા માટેનાં દમનકારી યંત્રોમાં પરિણમશે. આ દમન આપણા રાજકીય જીવનનાં અસત્યો અને પાખંડમાં અનિવાર્યપણે વધારો કરશે.’

ટાગોર ત્રણે વ્યાખ્યાનમાં કેટલાક મુદ્દાને સતત ઘૂંટતા રહે છે. હિંદના સંદર્ભે તો તેઓ પ્રથમ માનસના સ્વતંત્ર હોવાની જિકર કરે છે. ‘જ્યારે આપણું માનસ આઝાદ ન હોય ત્યારે રાજકીય સ્વાતંત્ર્ય આપણને મુક્તિ નથી આપતું.’ તેઓ મર્યાદિત રાષ્ટ્રવાદના પુરસ્કર્તા નથી અને ભવ્ય પરંપરાના ગાનમાં વર્તમાનની વાસ્તવિકતા ચૂકે તેવા ય નથી. (ફરી વર્તમાન સમયમાં વાંચી શકાય તેવું તેઓ કહે છે.)—‘સાંપ્રત હિંદમાં મોટા ભાગના રાષ્ટ્રવાદીઓનું સામાન્ય મંતવ્ય છે કે અમો સામાજિક અને આધ્યાત્મિક આદર્શોની પરિપૂર્ણતાને આરે આવી પહોંચ્યા છીએ, સમાજઘડતરનું કાર્ય તો અમારા જન્મનાં હજારો વરસ પહેલાં થઈ ચૂક્યું છે અને હવે અમો તમામ કાર્યશક્તિને રાજકીય દિશામાં પ્રવૃત્ત કરવા મુક્ત છીએ. અમારી સાંપ્રત નિઃસહાય હાલત માટે અમારી સામાજિક ક્ષતિઓ ઉપર આળ મૂકવાનું સ્વપ્ને પણ ખ્યાલ નથી આવતો. કારણ કે, રાષ્ટ્રવાદની વિચારધારાનો સ્વીકાર કરી માનતા થયા છીએ કે સામાજિક વ્યવસ્થાને તો અમારા પૂર્વજોએ સર્વકાળ માટે આદર્શ અવસ્થા ઘડી છે.’

ટાગોરનાં આ વ્યાખ્યાનોમાં રહેલો વર્તમાન બોધ આ અનુવાદને વધુ સાર્થક કરે છે. ત્રિદીપ સુહૃદ ટાગોરના કાકુઓ, ભાષાના લયને પકડી અનુવાદભાષા રચે છે. જો ભાષાનું ગોત્ર પામ્યા વિના અનુવાદ થાય તો મૂળ પાઠમાં આઘાત સર્જાય, અહીં તેવું થયું નથી. ટાગોરનાં એ ત્રણ વ્યાખ્યાનો વર્તમાન સંદર્ભે ફરી આખા જગતને યાદ કરાવવા જેવાં છે. અત્યારના ઉન્માદી સમયમાં ટાગોર જે રાષ્ટ્રવાદની વ્યાખ્યા કરે છે તેને પુનઃ પામવી જોઈએ. પ્રસન્નતા એ પણ હોવી જોઈએ કે ગાંધીજીના સ્વતંત્રતા આંદોલન વડે જે કાર્ય-રૂપ સર્જાયું તેમાં પણ કોઈ મર્યાદિત રાષ્ટ્રવાદ નહોતો. ટાગોર અને ગાંધી પુનઃ પુનઃ પામવા-સમજવા જેવા છે તે આ પુસ્તક સંદર્ભે વાચતા થશે. અત્યારે જે રાષ્ટ્રવાદ પ્રવર્તાવવાના પ્રયાસો ચાલે છે તેના પ્રર્વતકોને સમજાવું જોઈએ કે ટાગોરનો રાષ્ટ્રવાદ તેમને વાંચી રહ્યો છે!                   

Email: bakultailor19@gmail.com

[‘नवजीवन’નો અક્ષરદેહ’, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૭માંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 18-19 

Category :- Gandhiana