‘જાયે તો જાયે કહાં?’

સંજય શ્રીપાદ ભાવે
06-10-2017

ગામ પાણીમાં ડૂબવાની શરૂઆત થવી એટલે શું તેની, જોનારમાં આક્રોશ જન્માવે  તેવી, ઝલક મધ્ય પ્રદેશનાં ચાર ગામોની ૧૯-૨૦ તારીખે લીધેલી મુલાકાત દરમિયાન મળી.

ધાર જિલ્લાના ચિખલદા, કડમાલ, નિસારપુર અને બડવાની જિલ્લાનું પિછોડી  ગામ  સરદાર સરોવર યોજનાને પગલે પૂરેપૂરાં કે ઘણે અંશે ડૂબી જનારાં  દોઢસોથી વધુ  ગામોમાં છે. આ ગામોનો ધીમી ગતિએ આવતો અંત જોઈ શકાય. જેમ કે, નિસારપુરમાં નદીના કિનારા તરફની કેટલીક દુકાનોનાં ફક્ત છજાં અને છાપરાં પાણીમાંથી બહાર દેખાય. નદી કાંઠે આવેલાં મંદિરનો કળશ માત્ર દેખાય. સોળસો પરિવારોની પોણા નવ હજારની વસ્તી ધરાવતાં ગામનાં બજારની પાસેનાં  કેટલાંક મકાનો અરધાં ડૂબી ગયાં હોય. બજાર ઝાંખું-પાંખું ચાલુ હોય, કેટલાંક ઘરોમાં લોકો રહેતા હોય, શેરીઓમાં બહુ જ ધીમે ધીમે પાણી પેસતું હોય, સાંજના સમયે થોડી ચહલપહલ હોય. હરતાં-ફરતાં સહુને  ખાતરી હોય કે આપણાં અંજળપાણી અહીં પૂરાં થવામાં છે. કડમાલમાં ચારસો પરિવારોના અઢારસો લોકો વસે છે, જે બધા જ ટૂંક સમયમાં તબાહ થવાનાં છે. પોણાચાર હજારની વસ્તી અને ઘણાં પાકાં મકાનો ધરાવતું ચિખલદા રહેવાનું નથી. ચિખલદાથી બડવાની વચ્ચે અવરજવર માટે એક મોટો પુલ હતો. પંદરેક દિવસ પહેલાં તે આખો પાણીમાં ગયો. એટલે બે ગામો વચ્ચેનું પાંચ-સાત કિલોમીટરનું અંતર હવે ૨૫-૩૦ કિલોમીટર જેટલું થઈ ગયું.

ચિખલદાના શાંતિભાઈએ ગુજરાત લોકસમિતિના અમદાવાદના કાર્યકરો સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેનાર આ લખનારને તેમના મોટા ઘરમાં આવકારીને ચા પીવડાવી. એમનું ઘર આવતા દિવસોમાં ગમે ત્યારે ડૂબી જવાનું છે. ડૂબવા માંડેલું ગામ અમને બતાવવા શાંતિભાઈ તેમની બે વર્ષની દૌહિત્રીને તેડીને  સાથે આવ્યા. તેમના ઘરની હરોળની પાછળનાં  મકાનોનાં પગથિયાં સુધી પાણી આવી ગયાં છે. એ મકાનો સહેજ ઊંચાણ પર છે. પછી પાછાં નદીનાં પાણી, તેમાં ત્રણ ઘર, તેની બહાર બાંધેલી હોડીઓ અને એની પાછળ આખી પ્રચંડ નદી. એ ઘરોમાં એકાદ-બે વેંત પાણી છે પણ લોકો રહે છે અને હોડીઓમાં અવરજવર કરે છે. આ લોકો માછીમારો છે. હવે ધસમસતાં, ચઢતાં જતાં પાણીમાં કાં તો માછલીઓ આવતી નથી, અથવા તો મરેલી માછલીઓ ભેગી ન કરી શકાય એટલા મોટા જથ્થામાં કચરા સાથે તણાઈને આવી જાય છે. કાંઠા પરની ચીકણી માટીવાળી જમીન ડૂબી ગઈ છે. એટલે માટીનાં વાસણ અને ઈંટ ભઠ્ઠા થકી રોજી નષ્ટ પામી છે.

બડવાની પાસેનાં પિછોડી ગામમાં પણ આવું બન્યું છે. માંડ સાતસો વસ્તી ધરાવતાં આ ખૂબ પછાત ગામમાં એક નાની સભામાં જવાનું થયું. તેમાં એમ જાણવા મળ્યું કે મધ્ય પ્રદેશ વિદ્યુત મંડળે તેમના ગામમાંથી સિંચાઈ માટેની વીજળી કાપવાની શરૂઆત કરી છે, કે જેથી કરીને લોકો ગામ ખાલી કરે. તેના વિરોધમાં લોકોએ મંડળની બડવાની કચેરી સામે કરેલો  વિરોધ જોવા મળ્યો.

સરકારને ગામ ખાલી કરાવવાં છે કેમ કે તે ડૂબવાનાં છે. આ ભારતનું એક બહુ મોટું વિસ્થાપન હશે. સરદાર સરોવરના વિસ્થપિતોનાં સંપૂર્ણ પુનર્વસનની માગણી સાથે નર્મદા બચાઓ આંદોલન (એન.બી.એ.)ના ઉપક્રમે જૂનમાં ‘રૅલી ફૉર ધ વૅલી’ નીકળી. ત્યારબાદ એન.બી.એ.નાં મેધા પાટકરે કેટલાંક અસરગ્રસ્ત સ્ત્રી-પુરુષોએ સાથીદારો સત્ત્યાવીસ જુલાઈથી મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ચિખલદા ગામમાં લાંબા ગાળાના ઉપવાસ કર્યા હતાં. પોણા બે મહિના નર્મદાના પાણીમાં ઊભા રહીને ચાલેલો જળસત્યાગ્રહ અઢારમી સપ્ટેમ્બરે પાછો ખેંચવામાં આવ્યો. એન.બી.એ.ના અભ્યાસ મુજબ નિમાડ પંથકમાં આવેલું ધર્મપુરી નામનું નગર અને ૧૯૧ જેટલાં ગામ ડૂબવાનાં છે. ઘરો અને ખેતરો ઉપરાંત દુકાનો, નાના-મોટા ધંધા-રોજગારની જગ્યાઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, ફળ અને શાકભાજીથી લચેલી વાડીઓ, આદિવાસીઓનાં પૂજાસ્થાનો થઈને સેંકડો ધાર્મિક સ્થળો -  એમ બધું જ ડૂબી જશે. આંદોલનના અંદાજ મુજબ આ ગામોમાં અત્યારે રહેતાં ચાલીસ હજાર જેટલા પરિવારોને હજુ પણ પુનર્વસનના હકો બિલકુલ અપાયા નથી, અથવા આંશિક જ અપાયા છે.

નર્મદા યોજનાને કારણે વિસ્થાપિત થનાર પરિવારોનાં પુનર્વસન અંગે સર્વોચ્ચ અદાલતે ૨૦૦૦ અને ૨૦૦૫નાં વર્ષોમાં બે આદેશ આપ્યા છે. તેમાં એ સાફ કહેવામાં આવ્યું છે કે જમીન ગુમાવનાર દરેક અસરગ્રસ્ત પરિવારનું ‘જમીન માટે જમીન’ એવા સિદ્ધાન્ત મુજબ પુનર્વસન થવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે સરકારે આ પુનર્વસન વિસ્થાપનનાં છ મહિના પહેલાં, વિકાસ માટેના ઓછામાં ઓછા સત્તર નિયત માપદંડો અનુસાર પૂરેપૂરા વિકસિત હોય તેવા વિસ્તારમાં ઘર માટેના પ્લૉટ આપીને કરવાનું છે. આ માપદંડોમાં પીવાનું પાણી, ગટર, પાકા રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત શાળા, ધાર્મિક સ્થળ અને સાંસ્કૃિતક કેન્દ્ર સહિત અનેક સગવડોનો સમાવેશ થાય છે. જેમની જમીન ગઈ નથી પણ આજીવિકા ગઈ છે તેવા અન્ય વિસ્થાપિતોનું પુનર્વસન આજીવિકાને થયેલા નુકસાનની ભરપાઈની રીતે કરવાનું છે. આ બધી બાબતો નર્મદા વૉટર ડિસ્પ્યુટસ ટ્રિબ્યુનલે તેના ૧૯૭૯ના આદેશમાં પણ જણાવી છે. એન.બી.એ.ના જણાવ્યા મુજબ સર્વોચ્ચ અદાલતનો આઠમી ફેબ્રુઆરી ૨૦૧૭નો આદેશ આ મતલબનો છે : જેમની માલિકીની જમીનના પચીસ ટકા જેટલી જમીન પણ ડૂબમાં જઈ રહી હોય અને જેમણે હજુ સુધી કોઈ વળતર લીધું ન હોય તેમને સરકારે સાઠ લાખ રૂપિયાનું (ખેતીની પાંચ એકર જમીનની એ વિસ્તારમાંની અંદાજિત કિંમતનું) વળતર આપવું. પહેલાં જેમણે ૫.૫૮ લાખ રૂપિયાનું નજીવું વળતર લીધું છે,  પણ જે સરકારી  અધિકારીઓ અને જમીનના દલાલોની સાંઠગાંઠથી છેતરાયા છે તેમને કુટુંબ દીઠ પંદર લાખ રૂપિયા આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે. આ કૌભાંડોની તપાસ માટે મધ્ય પ્રદેશની વડી અદાલતે ઝા કમિશન નીમ્યું હતું. આ કમિશને  ઝીણવટભરી તપાસ કરીને અહેવાલ આપ્યો છે.

મધ્ય પ્રદેશની સરકારે અને કેન્દ્રની સરકારે વારંવાર કહ્યું છે કે દરેકનું પુનર્વસન થઈ ચૂક્યું છે. પણ સંખ્યાબંધ લોકોને સીધા મળતાં જોવા-જાણવા મળેલી હકીકતો બતાવે છે કે પુનર્વસન હજુ ઘણું છેટું છે, ઘણા કિસ્સામાં તો એ નિષ્ઠાપૂર્વક શરૂ પણ થયું નથી. નવા વસવાટ માટે નક્કી કરેલી મોટા ભાગની જગ્યાઓ (સાઇટ્સ) પર માત્ર વાદળી રંગનાં પતરાંનાં એવાં શેડ્સની હરોળો જોવા મળે છે કે જેમાં ભાગ્યે જ રહી શકાય. અદાલતના આદેશ મુજબની સત્તર બાબતોમાંથી ભાગ્યે જ કોઈ ત્યાં છે. ગામ ખાલી કરીને જવાનું ક્યાં? અત્યારે નવા વસવાટ માટેનાં દાવા અને કાગળોમાં ઘરવિહોણાં આદિવાસીઓ, કિસાનો અને શ્રમજીવીઓ અટવાયેલા છે. સરદાર સરોવરને કારણે વિકાસને વેગ મળ્યો એમ અભ્યાસીઓ ચોક્કસ સાબિત કરી શકે.

પણ મધ્ય પ્રદેશની બાબતમાં સવાલ રહે છે કે વિકાસ કોને ભોગે અને કોને માટે? માનવતાહીન રાજકારણનો ભોગ બનીને  ડૂબી રહેલાં ગામોનાં લોકો પૂછી રહ્યા છે : ‘જાયે તો જાયે કહાં ?’

૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭

Email : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 08-09

છબિ સૌજન્ય : નીતાબહેન મહાદેવનું ફેઇસબુક પાન 

Category :- Samantar Gujarat / Samantar