ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી સંદર્ભે પરિષદના સર્વ માનવંતા મતદારોને એક નમ્ર વિનંતી

05-10-2017

સ્નેહી સાહિત્યસર્જકો અને સાહિત્યપ્રેમીઓ,

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની ચૂંટણી હવે નજીકના દિવસોમાં આવી રહી છે. અત્યાર સુધીના પ્રમુખોની નામાવલિમાંથી પસાર થનાર કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવશે કે પ્રમુખોએ પરિષદનાં ગૌરવ અને પ્રતિષ્ઠા જાળવવાનો, તેને સંવર્ધવાનો પુરુષાર્થ કર્યો છે.

એ તો સૌ કબૂલ કરશે કે સાંપ્રતકાળમાં મૂલ્યોની કટોકટી એકેએક ક્ષેત્રમાં ઊભી થઈ છે. આ કટોકટી સામે ઝઝૂમી શકાય એ માટે આપણે બધાએ શક્ય તેટલા પ્રયત્નો કરવા જોઈએ. આપણી સાહિત્યિક સંસ્થાઓએ પણ આ દિશામાં નક્કર પગલાં ભરવાં જોઈએ. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા બીજાં કશાં બાહ્ય પરિબળોથી ઘેરાયા વિના સ્વતંત્ર રીતે કાર્ય કરતી રહે, એ વધુ મહત્ત્વનું છે. આપણે આશા રાખીએ કે આપણા સૌના સહકારથી સાહિત્યિક સમાજને નિરામય બનાવી શકીશું.

પરિષદપ્રમુખની આ વખતની ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોમાં સિતાંશુ યશશ્ચંદ્રની સર્જકતા અને સજ્જતા સવિશેષ નોંધપાત્ર છે. એકીઅવાજે ગુજરાતી ભાષાના એક સર્જક તરીકે આપણે સૌ એમને સ્વીકાર્યા છે. સિતાંશુ યશશ્ચંદ્રની કવિ, વિવેચક તરીકેની ખ્યાતિ ભારતીય કક્ષાએ તેમ જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસરેલી છે, એ આપણે માટે ગૌરવની ઘટના છે. સાહિત્યિક સંસ્થાઓમાં આવા એક ઉત્તમ સર્જક પ્રમુખ તરીકે હોય, તો તે ઘટના અત્યંત આવકારદાયક છે. આપણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે એમને વધાવી લઈશું એવી આશા છે, શ્રદ્ધા છે. તેઓ ફાર્બસ સભા, દિલ્હીસ્થિત સાહિત્ય અકાદમી, બળવંત પારેખ સેન્ટર, સ્પાસ્ટિક સોસાયટી વગેરે સંસ્થાઓના સંચાલનમાં મહત્ત્વની કામગીરી બજાવે છે, એ પણ આપણે નજર સમક્ષ રાખવુું જોઈએ.

સાહિત્ય અને સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશેષ ઊજળી અને ઉત્કૃષ્ટ બને એ માટે આપ સિતાંશુ યશશ્ચંદ્રને મત આપો એ સર્વથા યોગ્ય હશે.

લિખિતંગ અમે સૌ

ગુલામમોહમ્મદ શેખ, શિરીષ પંચાલ, રમણ સોની, જયદેવ શુક્લ, હિમાંશી શેલત, મધુ રાય હરિકૃષ્ણ પાઠક, રમણીક સોમેશ્વર, પ્રકાશ ન. શાહ, હર્ષદ ત્રિવેદી, બિંદુ ભટ્ટ, નરોત્તમ પલાણ, લાભશંકર પુરોહિત, માય ડિયર જયુ, દિલીપ ઝવેરી, જિતેન્દ્ર શાહ, કાંતિ પટેલ, સતીશ વ્યાસ, ડંકેશ ઓઝા, મણિભાઈ પ્રજાપતિ, પ્રબોધ પરીખ, કમલ વોરા, કાનજી પટેલ, દલપત પઢિયાર, નૌશિલ મહેતા, ઉદયન ઠક્કર, હેમંત ધોરડાં, હેમંત શાહ, ચંદુ મહેરિયા, નીરવ પટેલ, મનીષી જાની, દલપત ચૌહાણ, કિરીટ દૂધાત, બિપીન પટેલ, પરેશ નાયક, યોગેશ જોશી પ્રવીણ પંડ્યા, બારીન મહેતા, મહેન્દ્રસિંહ પરમાર, રાજેશ પંડ્યા, મહેશ ચંપકલાલ, શરીફા વીજળીવાળા, બકુલ ટેલર, મીનળ દવે, પુરુરાજ જોશી, સમીર ભટ્ટ, હસિત મહેતા, કિશોર વ્યાસ, વસંદ જોશી, હેમંત દવે, અજય રાવલ, મનીષા દવે, મૂકેશ વૈદ્ય, સેજલ શાહ, કેતન શેલત, આશા વીરેન્દ્ર, બકુલા ઘાસવાલા, ભીમજી ખાચરિયા, અભિજિત વ્યાસ, કાન્તિ માલસત્તર, આનંદ વસાવા, અશોક ચાવડા, યજ્ઞેશ દવે, ચીમનભાઈ પટેલ, પન્ના નાયક, નટવર ગાંધી, મધુસૂદન કાપડિયા, સૂચિ વ્યાસ, મહેન્દ્ર મહેતા, વિજય ભટ્ટ, ગિરીશ વ્યાસ, સુષમા દોશી, વિજય દોશી, નયના ડેલીવાલા, મુદિતા મહેતા, અખ્તરખાન પઠાણ, નિખિલ મોરી, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, વિપુલ કલ્યાણી, ભદ્રા વડગામા, અનિલ વ્યાસ, અદમ ટંકારવી, અતુલ રાવલ.

*

કવિ સિતાંશુ યશશ્ચંદ્ર : સાહિત્યિક અને વિદ્યાકીય સિદ્ધિઓ

સિતાંશુ યશશ્ચંદ્ર એટલે ગુજરાતી ભાષાના એક ઉત્તમ સર્જક અને મીમાંસક. કવિ, નાટ્યકાર, અનુવાદક, સંપાદક તરીકેની એમની ઉજ્જ્વળ કારકિર્દી રહી છે. વિદ્યા અને સાહિત્યનાં ક્ષેત્રોમાં પચાસેક વર્ષથી એ સતત સક્રિય અને પ્રેરક રહ્યા છે.

અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી ભારતીય અને પાશ્ચાત્ય મીમાંસાના તુલનાત્મક સંશોધનમાં પદવી પ્રાપ્ત કરી મુંબઈ યુનિવર્સિટીની કૉલેજોમાં ગુજરાતી અધ્યાપન કર્યું. તેમ જ સાહિત્ય અકાદમી(દિલ્હી)ના એક યશસ્વી પ્રકલ્પ ‘Encyclopedia of Indian Literature’ના સંપાદક (૧૯૭૮-૧૯૮૨) તરીકે મહત્ત્વની કામગીરી બજાવી અને પછી નિવૃત્તિપર્યંત, પચીસેક વર્ષ, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ રહ્યા. ને એ પછી પણ ‘યુ.જી.સી. અમેરિટ્સ પ્રોફેસર’ તરીકે વિદ્યાપ્રવૃત્ત રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કાર્યરત રહ્યા (૧૯૯૦-૧૯૯૩). ૨૦૦૬માં એમને સાહિત્ય અને વિદ્યાનાં ક્ષેત્રો માટે પદ્મશ્રી-સન્માન મળેલું. એ ઉપરાંત ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, દિલ્હી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાત અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાની સેનેટ-સિન્ડિકેટના સભ્ય તરીકે કાર્યરત રહ્યા છે.

ગુજરાતીના આ ઉત્તમ સાહિત્યકારની કીર્તિ ભારતીય સ્તરે તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસરેલી છે. એમનાં કાવ્યો અને નાટકોના અનુવાદો  હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભારતીય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, ફ્રૅન્ચ, જર્મન, રશિયન, કોરિયન આદિ વિદેશી ભાષાઓમાં થતા રહ્યા છે ને સામયિકો, સંચયો તેમ જ વેબસાઇટ પર પ્રકાશિત થતા રહ્યા છે. ભારતીય સર્જકોના પ્રતિનિધિ તરીકે ફ્રાન્સ, જર્મની, અમેરિકાની યુનિવર્સિટીઓમાં અવારનવાર એમને કાવ્ય-નાટક-વાચન માટે નિમંત્રણો મળતાં રહ્યાં છે.

એ ઉપરાંત, મુલાકાતી અધ્યાપક (Visiting professor) તરીકે તેઓ ભારતની જાદવપુર યુનિવર્સિટી કોલકાતા; ઇન્દિરા ગાંધી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં તેમ જ વિદેશની Sorbonne Uni., Paris, L. M. University, L.A. U.S.A. તથા Uni. of Pernnsylvania, U.S.A.  નિમંત્રણો પામ્યા છે.

સાહિત્ય ક્ષેત્રે બહુવિધ પ્રદાન બદલ એમને અનેકવિધ પારિતોષિકો, ઍવૉર્ડ અને સન્માનો સાંપડ્યાં છે. તે પૈકી કેટલાંક તે સાહિત્ય અકાદૅમી(દિલ્હી)નો ઍવૉર્ડ (‘જટાયુ’ માટે, ૧૯૮૭); કવિતામાં પ્રદાન માટે રાષ્ટ્રીય કબીર-સન્માન (૧૯૯૮); ઓરિસ્સાનું ગંગાધર મહેર સન્માન (નાટક અને કવિતા માટે); મહારાષ્ટ્રનો કવિ કુસુમાગ્રજ નૅશનલ ઍવોર્ડ (૨૦૧૩) તેમ જ પદ્મશ્રી સન્માન - સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન માટે (૨૦૦૬). ઉપરાંત ગુજરાતીનાં પ્રતિષ્ઠિત સન્માનો રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ બીજા અનેક ઍવૉર્ડ એમને મળ્યા છે.

છેલ્લાં પાંચ વર્ષ (૨૦૧૩-૧૭)થી સાહિત્ય અકાદૅમી (દિલ્હી)ની Executive Councilના સભ્ય અને ગુજરાતી સલાહકાર સમિતિના સંયોજક અધ્યક્ષની કામગીરી બજાવતા સિતાંશુ યશશ્ચંદ્ર વિદેશમાં પણ જાણીતા આપણા એક તેજસ્વી અને મેધાવી ભારતીય ગુજરાતી સર્જક-મીમાંસક છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 05-06

Category :- Opinion / Literature