લોકશાહીગત મોકળાશની લડાઈ

પ્રકાશ ન. શાહ
05-10-2017

પક્ષકારોની રીતે જોઈએ તો આ મામલો રાજસૂય એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રજાસૂય અક્ષરકર્મીઓ વચ્ચેનો છે

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા લોકશાહી રાહે ચાલી રહી છે ત્યારે જ સરકારી સાહિત્ય અકાદમીના નિયુક્ત અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ ‘આભાસી સ્વાયત્તતાના નામે શરૂ કરાયેલો વિતંડાવાદ છોડી દેવો જોઈએ’ એવી દેખીતી સદભિલાષી વાત સાથે કહ્યું છે કે ‘પરિષદ-પ્રમુખ સંવાદની નીતિ રાખશે તો અકાદમી સ્વાગત કરશે.’ સરાજાહેર છે તેમ આ નિવેદન પરિષદ પ્રમુખની ચૂંટણી પર સરકારી રાહે પ્રભાવ પાડવાની ચેષ્ટારૂપ છે. એક રીતે, અકાદમી સ્વાયત્ત નથી એનું પ્રત્યક્ષ પ્રમાણ પણ તમે આ ચેષ્ટામાં ચાહો તો વાંચી શકો.

ગમે તેમ પણ, પહેલાં તો એક ટૂંકી તવારીખ ઉતાવળે ઉકેલી લઇએ જેથી સપ્ટેમ્બર 2017ની પૃષ્ઠભૂ પ્રત્યક્ષ થઈ શકે. દેશની કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા અધ્યક્ષ ઉમાશંકર જોશીએ ગુજરાતની સરકારનીમી અકાદમીનું માન સ્વીકારવાનો ઈન્‌કાર કરી અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એ લોકશાહી મુદ્દો ગુજરાતના જાહેર વિમર્શમાં રમતો મૂક્યો અને આગળ ચાલતાં એવા જ એક સ્વતંત્રતા સેનાની દર્શકે સરકાર સાથે મૂલ્યનિષ્ઠ ચર્ચાવિચારણાપૂર્વક સ્વાયત્ત અકાદમીનો પથ પ્રશસ્ત કર્યો.

નાનાવિધ સંસ્થાકીય પ્રતિનિધિત્વની શ્રેણી શૃંખલા ઉપરાંત, સવિશેષ તો, લેખકોના મતદાર મંડળમાંથી ચુંટાયેલા પ્રતિનિધિત્વનો પણ નોંધપાત્ર હિસ્સો આ નવરચનામાં હતો. એ રીતે બીજાં રાજ્યોની નકરી સરકાદમી (સરકારી અકાદમી) કરતાં આ અકાદમી ગળથૂથીગત જુદી પડતી હતી. સ્વાયત્ત સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે દર્શકની મુદત પૂરી થતાં ભોળાભાઈ પટેલ ચુંટાયા. એમની મુદત 2003માં પૂરી થઈ તે પછી નવી ચુંટાયેલ રચના કરવાની પ્રક્રિયા પર સરકાર ચપ્પટ બેસી ગઈ તે બેસી જ ગઈ. આજની ઘડી ને કાલનો દા’ડો.

એ પછી અકાદમીની સ્વાયત્તતા પુનઃ સ્થાપિત કરવા રાજમાન્ય કે.કા. શાસ્ત્રી સહિતની રજૂઆતો થતી રહી. નારાયણ દેસાઈના પ્રમુખપદે ગુજરાતી સાહિત્ય પરિષદે સ્વાયત્ત અકાદમીની માંગણીનો ઠરાવ પરિષદના ખુલ્લા, તે પણ ગાંધીનગર અધિવેશનમાં - કેવળ કારોબારી કે મધ્યસ્થ સમિતિને ધોરણે નહીં પણ સમગ્ર ગૃહ તરીકે - કર્યો હતો, પણ જેઓ ‘મિસા’ના ભુક્તભોગી હતા અને તેની સામે કંઈક લડ્યા પણ હશે, તેમની સરકાર સ્વાયત્તતા સારુ ખુલ્લી નહોતી. બને કે એમની સ્પર્ધા ઇંદિરાઈથી ચડિયાતાં થવાની દિશામાં હોય. 2003થી 2014 સુધી વિનયસર રૂબરૂ રજૂઆત, લેખી માંગણી, જાહેર ટીકાટિપ્પણનો દોર ચાલ્યો પણ નમોથી આનંદીબહેન સહિતનાં મુખ્યમંત્રીઓએ ચૂંટણી પ્રક્રિયા ન થવા દીધી તે ન જ થવા દીધી.

આ બધાં વર્ષો એકંદરે પરિષદ અને બીજાઓની નીતિ સંવાદની જ રહી, અને બાર બાર વરસને છેડે રાજ્ય સરકારે પેરેશુટ પ્રમુખ ઉતારીને સંવાદ પર વિધિવત્‌ ચેકો મૂક્યો. હવે બીજા ક્રમે આવેલા પેરેશુટ પ્રમુખે, કશી દુરસ્તી કરવાને બદલે શાસક પક્ષના ‘ખીસાવાસ્યમ્‌’ને ધોરણે ટાઢે કોઠે કહ્યું છે કે ‘પરિષદ-પ્રમુખ સંવાદની નીતિ રાખશે તો અકાદમી સ્વાગત કરશે.’ એમના પુરોગામી અકાદમી અધ્યક્ષના કાળમાં પણ પરિષદ-શ્રેષ્ઠીઓએ સંવાદકોશિશ નથી કીધી એમ નથી. પણ જે સરકારી પ્રક્રિયા હેઠળ એપ્રિલ ’17માં નવા અકાદમી પ્રમુખ આવ્યા છે એ જ માનસિક પ્રક્રિયા હેઠળ સઘળી સંવાદકોશિશ નાકામ રહી છે.

નવા અકાદમી અધ્યક્ષને ઇષ્ટસંવાદ કોશિશ તે શું એ એમણે જ્યારે સાહિત્યરસિકોની ખુલ્લી બેઠક, સહવિચાર ને સલાહસૂચનને વાસ્તે બોલાવી ત્યારે ‘સ્વાયત્તતા’નો મુદ્દો બહાર રાખવાની સ્પષ્ટતા સાથે નિકળેલ નિમંત્રણપત્રથી સમજાઈ રહે છે. સ્વાભાવિક જ સાહિત્ય પરિષદના હોદ્દેદારોથી માંડીને સિતાંશુ યશશ્ચંદ્ર સહિતના અનેકે આ પ્રકારની ફરમાયશી બેઠકથી પરહેજ કરવામાં ધર્મ જોયો હતો. જે પ્રકારનું નિમંત્રણ અકાદમી અધ્યક્ષે સદરહુ બેઠક માટે પાઠવ્યું હતું એને એમને અને સરકારને અભિમત ‘સંવાદની નીતિ’ તે શું એની એક સમજૂતી તરીકે કોઈ વાંચે તો એમાં એનો શો વાંક, કોઈ તો બોલો.

આટલી પ્રાસ્તાવિક ચર્ચા પછી અને છતાં એક વાનું ઉતાવળે પણ આધોરેખિત કરી લેવું જોઈએ. આ પ્રશ્ન, આ ક્ષણે, અકાદમી અને પરિષદ વચ્ચેનો લાગતો હોય કે પછી એક પા વિષ્ણુ પંડ્યા, ભાગ્યેશ ઝા અને બીજા તો બીજી પા નેવું નાબાદ નિરંજન ભગત, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર વગેરે વચ્ચેનો લાગતો હોય તો તે એક અધૂરું ને અદૂકડું આકલન બની રહેશે. જો પક્ષકારોની રીતે જોઈએ તો આ મામલો રાજસૂય એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રજાસૂય અક્ષરકર્મીઓ વચ્ચેનો છે. કેટલાકને મન ઘરગથ્થુ એવી આ નાનકડી લડાઈ, લોકશાહીમાં અભીષ્ટ મોકળાશની રીતે પાયાની લડાઈ પણ હોઈ શકે છે.

ગુજરાતના અક્ષરજીવનમાં ‘સરસ્વતીચંદ્ર’કાર ગોમાત્રિની શતાબ્દીએ મળેલા સાહિત્ય પરિષદના અધિવેશન પછીનોે આ એક નિર્ણાયક તબક્કો છે. નડિયાદ અધિવેશન વખતે ઉમાશંકર જોશી, જયન્તિ દલાલ અન બીજાઓએ દેશને પ્રજાસત્તાક બંધારણ આપનારાઓ પૈકી એક એવા સર્જક ને સ્વતંત્રતા સેનાની મુનશીજીના એકાધિપત્યમાંથી પરિષદમુક્તિનો નેજો સાહ્યો હતો. પરિષદ મુનશીની આજ્ઞાંકિતા મટી ઉમાશંકર આદિના સખીકૃત્ય ભણી ગઈ, એવો એ એક નિર્ણાયક મોડ હતો. સોરાબને પંડે રાજી થવાપણું લાગે એવી સોરાબરુસ્તમીનો - રુસ્તમ પેઢી ભણી ઢળતો એ મોડ હતો. દર્શક હસ્તક નવપ્રારંભિત સાહિત્ય અકાદમી પણ સ્વાયત્તતાને રાહે એ પ્રક્રિયાનું એક અગ્રચરણ હતું.

એક સાથે વિષાદ અને નવસંચાર બેઉ જગવી શકે એવી આ સીમાઘટનાઓ છે. મુનશી, કેમ કે તેઓ મુનશી હતા, ઇતિહાસની પળ પારખી નવાં બળોને સારુ પથ પ્રશસ્ત કરવાની એક સૂઝ, કંઈક અસ્મિતાબોધ એમને હોઈ શકતો હતો. હાલના ધુરીણો અને એમના સાહિત્યસેવી ઉપગ્રહો ઈચ્છે તો આ ઘટનાક્રમમાં રહેલો ઈતિહાસબોધ બેલાશક ગ્રહણ કરી શકે છે.

આ ચર્ચા, જે દિવસો આવી લાગ્યા ન હોય તો પણ આવી રહ્યા છે એના ઉજાસમાં જોતાં વિપળવાર પણ વહેલી નથી. સામ્યવાદી મુલકોમાં જે અનુભવ રહ્યો છે, કૉંગ્રેસહસ્તક કટોકટી શાસનનો જે અનુભવ રહ્યો છે, હવે કથિત રાષ્ટ્રવાદ હસ્તક એ જ તરજ પર, એ જ તરાહ પર એક નવો દોર આવી ગયો છે ... યુ હેવ ટુ ફૉલ ઈન લાઈન - સમજાય છે, સાહેબો ? શોલોખોવ જેવા શીર્ષસ્થ સાહિત્યકારે પણ પણ કમ્યુિનસ્ટ વાજું વગાડ્યું હતું કે લશ્કર કૂચ કરતું હોય ત્યારે કતારબંધ જ હોઈ શકે. બીજા શબ્દોમાં, ખબરદાર, જો આઘાપાછા થયા તો! એકતરફી સંવાદહિમાયત વસ્તુતઃ આ જ ફ્રિક્‌વન્સી પર બીના છે. પરિષદ-પ્રમુખની ચૂંટણી બાબતે અકાદમી અધ્યક્ષનાં ‘હિતવચનો’ જોવાં મૂલવવાની દૃષ્ટિએ વ્યાપક સંદર્ભમાં આટલી નુક્તેચીની.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘ખીસાવાસ્યમ્‌’, “દિવ્ય ભાસ્કર”, 30 સપ્ટેમ્બર 2017

Category :- Samantar Gujarat / Samantar