ચાર પુત્રવધૂના સસરા ગાંધીજી

મેઘા જોશી
04-10-2017

વિશ્વનો જ્યારે છેલ્લો દિવસ હશે, ત્યારે આવનારી પેઢી માટે વિરાસત મુકવાનો એક માત્ર વિકલ્પ જો મળે તો ગાંધીજીના પત્રો સચવાઈ જાય તો ઘણું. આપણને નવી પેઢીને કૈક આપીને ગયાનો સંતોષ રહેશે, અને આવનાર એકાદ હજાર વર્ષ સુધી "માનવતા" અને 'માનવ ધર્મ" શીખવવા ખાસ મહેનત નહીં કરવી પડે.

મોહનદાસ કરમચંદ ગાંધી રાષ્ટ્ર માટે, સમાજ માટે કે રાજકારણ માટે શું હતા, છે અને રહેશે તે વિષે ચર્ચા નથી કરવી. ગુલાબબહેન (ચંચળબહેન), સુશીલાબહેન, નિર્મળાબહેન તથા લક્ષ્મીબહેનના ગાંધીજી કોણ હતા? જી,હા આ ચાર પુત્રવધૂ માટે બાપુજી સસરા તરીકે કેવા હશે? જેમનું સમગ્ર જીવન સ્વાતંત્ર્ય ચળવળ, અહિંસક લડત, કેદ અને પ્રવાસ મધ્યે રહ્યું, તો એક ગૃહસ્થ અને ઘરના મોભી તરીકે ગાંધીજી એટલા જ સફળ હશે ખરા? આ પ્રકારના કોઈ પણ પ્રશ્ન થાય તો બાપુનો તેમનાં દીકરા-વહુ સાથેનો પત્રવ્યહવાર વાંચી જવો, જે માત્ર આદર્શ સગપણ નહિ પરંતુ સામાજિક જીવનના આદર્શો સમજાવે છે.

હરિલાલનાં પત્ની ચંચળબહેનને વૈવાહિક જીવનના આરંભે લખેલ પત્રો પૈકી ૧૯૦૯માં લખેલ પત્રમાં 'તમારું મન અવ્યવસ્થિત જોઉં છું. જોઇને હું દુ:ખી થાઉં છું. છતા તમારી અંતર લાગણી પણ હંમેશાં જાણવા માંગું છું. હું દુ:ખી થઈશ એવા વિચારથી તમારી લાગણી કદી છુપાવવાની નથી. તમે પિયરથી બહાર છો એમ માનો છો એ બરોબર નથી .હું તમને વહુ તરીકે નહિ પણ દીકરી સમજુ છું. જો વહુ સમજત તો હું તમને બાળક ગણત. દીકરી સમજુ છું તેથી તમારું બાળકપણું સ્વીકારવા નથી માંગતો." હરિલાલની ભૂલો કે ચંચીબહેનની શરૂઆતની અણસમજને સમજી, સ્વીકારીને એક સમજુ બાપ કેવો હોય, તે પત્રોમાં વંચાય છે.

મણિલાલ અને પત્ની સુશીલાને વિવાહમાં સાદગી, દાગીના-કપડાંનું ક્ષુલ્લકતાથી માંડીને સમાજસેવાનો અર્થ વગેરે મહત્ત્વની બાબતો તે લખતા. ૧૯૨૮માં સુશીલાબહેનને કસુવાવડ થયા બાદ ગાંધીજી લખે છે કે, "કસુવાવડ પછીના ઈલાજો બરાબર લેવાય તો તેનાં માઠા પરિણામો હળવા કરી શકાય છે. તેમાં એક વસ્તુને પ્રબળ વસ્તુ "ક્યૂને બાથ”છે, એ જરૂર જાણજો. એ બાળ કસુવાવડની વ્યાધિને સુધારે છે ને ભવિષ્યની સુવાવડને સહેલી ને હળવી કરે છે.” પુત્રવધૂના ખોરાક, દૈનિક નિયમતતાની ચિંતા કરતા મોહનદાસ એ જ સુશીલાને રાષ્ટ્ર વિશેની વાતો પણ કરે છે.

નિર્મળાના પતિ રામદાસને બાપુ લખે છે કે, "નીમુને સાચવજે. તેનો સરદાર ન બનજે, મિત્ર બનજે. એની એટલે એના શરીર અને નીતિની રક્ષા કરજે, ને નીમુ, તારા શરીર અને નીતિની રક્ષા કરે. મૂર્છામાં આવી પતિ-પત્ની એકબીજાંનો દુરુપયોગ કરે છે. તમે બેઉ સમજો ..” જેમાં ગૃહસ્થજીવનનો પાઠ સમજાવે છે. આમરણાંત ઉપવાસ પર ઉતર્યા ત્યારે પોતાની ગેરહાજરીમાં સ્વસ્થતા જાળવે તે હેતુથી સમજાવે છે કે, 'રામદાસ જેવો વીર અને સાધુ તને સોંપ્યો છે પછી તું શું કામ ગભરાય? બાળકોને સંભાળજે, ઘી-દૂધ લેતી રહેજે."

સૌથી નાના પુત્ર દેવદાસની પત્ની લક્ષ્મીને તેમના વિવાહ પહેલાં આશ્રમમાં થયેલ એક દેહાંત બાદ મૃત્યુ વિશેનો મર્મ સમજાવતા ફિલોસોફર ગાંધી લખે છે કે, "જીવનની વચ્ચે આપણે મૃત્યુમાં જ છીએ - એ જેમ્સ બેરીનું વાક્ય એ અર્થમાં પણ સાચું છે, સ્વજનના મૃત્યુની ખબર આવે ત્યારે મૃત્યુની ધ્રુવતા વિષે જાગ્રત થઇએ છીએ. વેદમાં આત્માને મૃત્યુ અને અમૃત બંને એકસાથે કહ્યા છે. એમાં પણ આ જ વાતની પ્રતીતિ થાય છે."

આ પત્રો ક્યારેક સ્વ હસ્તે લખાયા, ક્યારેક સહયોગીની મદદ લીધી. સૂર્યોદય પહેલાં પ્રાર્થના બાદ તરત પરિવારના સભ્યોની સંભાળરૂપે એ પત્રો લખતા. આશ્રમમાં શિસ્ત અને અનુશાસનનો અમલ થાય એનું ધ્યાન રાખતાં બાપુ ઘરના દરેક સભ્યને પણ શબ્દ સ્વરૂપે મળીને કાળજી લેતા. દીકરા-વહુને વૈવાહિક જીવન, તત્કાલીન સમાજવ્યવસ્થા, લગ્નજીવનમાં શારીરિક સંબંધનું મહત્ત્વ, પુત્રવધૂના ગર્ભાધાન, સુવાવડ સમયની કાળજી, રાષ્ટ્રસેવામાં વ્યક્તિગત તેમ જ પારિવારિક યોગદાન, આવનાર બાળકોનો ઉછેર, સંતુલિત ખોરાક, કરકસર, જીવન-મૃત્યુની વાસ્તવિકતા તથા વિષમતા, વેદ-ઉપનિષદના સાર જેવા વિવિધ અને જીવનને લગતા લગભગ બધા જ આયામોને આવરી લેતા પત્રો સ્વરૂપે મહાત્મા ગાંધી આપણી વચ્ચે છે.

સત્ય અને અહિંસા નામના બે શબ્દોથી વૈશ્વિક સ્વીકૃતિ પામેલા ભારતના રાષ્ટ્રપિતા એક ગૃહસ્થ તરીકે, એક પિતા તરીકે ગાંધી આજે પણ પ્રાસંગિક છે,પ્રસ્તુત છે.

(પત્રોનો સારાંશ  - ‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’ - નીલમ પરીખ, નવજીવન પ્રકાશન)

સૌજન્ય : https://www.facebook.com/meghanimesh/posts/10210317806954882

Category :- Gandhiana