લોકશાહીને ‘વાઇરલ’ થયો છે?

ઉર્વીશ કોઠારી
26-09-2017

કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે …

સોશિયલ મીડિયા પરથી ઉછળેલો, પ્રસાર માધ્યમોમાં ચગેલો ને સત્તાધારી પક્ષને બરાબર ચચરેલો મુદ્દો છેઃ ‘વિકાસ ગાંડો થયો છે’. સરકારના ટીકાકારો એ વાતે રાજી થયા છે કે બહુ વખતે ભાજપની નેતાગીરી ઘાંઘી થઈ છે. આ ઝુંબેશ કોંગ્રેસે ચલાવી હોત (કાશ, કોંગ્રેસ આટલી અસરકારક ઝુંબેશ ચલાવી શકે એવું દૈવત ધરાવતી હોત) તો તેને કદાચ સહેલાઈથી તોડી પડાઈ હોત. પણ એ કોંગ્રેસની ઝુંબેશ ન હોવાથી તેનો પ્રતિકાર કરવાનું ભાજપને અઘરું પડી ગયું છે. ચપ્પુથી પાકાં કેળાં કાપવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને પછી એક દિવસ એ જ ચપ્પુથી લીલું નારિયેળ છોલવાનું આવે, એવી દશા ગુજરાત ભાજપની થઈ છે.

શિકારી અને શિકાર વચ્ચેનું સમીકરણ સોશિયલ મીડિયામાં સદાકાળ એકધારું રહેતું નથી. સોશિયલ મીડિયાની આસુરી તાકાતના જોરે દિગ્વિજયનો ફાંકો રાખનારા — મૂછે લીંબું લટકાવીને ફરનારા — ‘વિકાસ ગાંડો થયો છે’ - જેવા કોઈ મુદ્દે તારક મહેતાના જેઠાલાલની માફક નવર્સ થઈને મૂછો ચાવવા માંડે, તે આવકાર્ય અને ઇચ્છનીય છે, પણ પૂરતું નથી. નાગરિક તરીકે ફક્ત એટલાથી રાજી થઈને બેસી રહેવાય નહીં. આ પ્રકારના ‘વાઈરલ’ પ્રચારને વાસ્તવિક દુનિયામાં કશો નક્કર આધાર નથી, તે આટલો વાઇરલ કેમ થયો તેની સંતોષકારક સમજૂતી નથી અને તેની આવરદા કેટલી તેનો કશો ભરોસો નથી. પોતાની વિચારશક્તિ ગાંધી કે સંઘ — એકેય પરિવારના કે પક્ષના કે નેતાના ચરણે ન મૂકી હોય તે સૌ માટે આ વિચારવાનો મુદ્દો છે.

ભાજપે સોશિયલ મીડિયા પર, મહાભારતના અંદાજમાં કહીએ તો, ‘અઢાર અક્ષૌહિણી સેના’ ઉતારી દીધી. છતાં ‘વિકાસ ગાંડો છે’ના એક તીરે ભાજપની છાવણીમાં ખળભળાટ મચાવ્યો. પછી ભાજપે શું કર્યું? લોકોનાં કામ શરૂ કરી દીધાં? તેમની શી ફરિયાદ છે એ જાણવાના પ્રયાસ આરંભ્યા?  મહત્ત્વની પડતર સમસ્યાઓ ઉકેલવાની શરૂ કરી દીધી? ના, તેમણે સોશિયલ મીડિયા પરના પ્રચાર સામે વળતા પ્રહાર માટે વ્યૂહરચનાઓ આરંભી દીધી. કારણ કે હવે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. હવેનું યુદ્ધમેદાન વાસ્તવિક નહીં, વર્ચ્યુઅલ છે. તેની પર છાશવારે ખેલાતી લડાઈઓના વાઇરલ થયા કરતા મુદ્દા ‘હોવા’ પર નહીં, ‘લાગવા’ પર (હકીકતો પર નહીં, માન્યતા પર) આધારિત હોય છે. તેમાં ઘણી વાર ઉપરીના ઇશારે કાગનો વાઘ કરી શકાય છે ને વાઘનો કાગ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા તેમાં બાજુ પર રહી જાય છે અને પ્રચારપુરુષો ઇચ્છે તે મુદ્દા મુખ્ય બની જાય છે.

અગાઉ સરકારનો વિકાસપ્રચાર જેટલો ‘ગાંડો’ (અધ્ધરતાલ, મુખ્યત્વે આક્રમક પ્રચારની પેદાશ) હતો, એટલો જ તેનો સોશિયલ મીડિયા પરનો વિરોધ પણ ‘ગાંડો’ છે. સોશિયલ મીડિયા પર ઓચિંતા વાઈરલ થઈ જતા કોઈ મુદ્દા પાસેથી લોકશાહીની ટકાઉ તંદુરસ્તીની આશા ન રાખી શકાય. તાવ શાના કારણે છે તેનો ખ્યાલ ન આવે તો કેટલાક ડોક્ટર કહી દેતા હોય છે કે આ તો ‘વાઇરલ’ છે. એમ લોકશાહી સોશિયલ મીડિયા પરના ‘વાઇરલ’ના ભરોસે હોય, તો લોકશાહીને પણ વાઇરલ (તાવ) છે કે શું, એવી શંકા થાય.

અતિવિશ્વાસ અને સત્તાના મદમાં રાચતા નેતાઓને વ્યાકુળ જોઈને નાગરિકસહજ આનંદ થાય અને તેમની વ્યાકુળતાનું કારણ જાણીને ચિંતા પણ થાય. કેમ કે, ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચારનું એક મોટું કારણ ને તેનો એક મોટો આધાર રસ્તા પરના ખાડા છે. વાસ્તવમાં, સરકારની સીધી જવાબદારી ધરાવતી ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાં રસ્તાના ભયાનક ખાડાનો નંબર એકથી પાંચમાં પણ આવે તેમ નથી. ખાડાની સમસ્યા એટલી નાની નથી, બીજી સમસ્યાઓ એટલી મોટી છે. છતાં, ઘણા નાગરિકોને રસ્તાના ખાડા સરકારની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લાગે છે. આ તો ભયંકર ગુનાના આરોપીને રૂમાલ ચોરવા બદલ બદનામ કરવા જેવી વાત થઈ.

અત્યારે અચાનક ‘વિકાસ ગાંડો થયો છે’ના વાઇરલ સૂત્રથી પ્રભાવિત અને આંખ ચોળતા બેઠા થયેલા નાગરિકો જરા શાંતિથી વિચાર કરશે તો તેમને સમજાશે કે સચ્ચાઈ આવા એક અધ્ધરતાલ લાગતા સૂત્ર કરતાં ઘણી વધારે ગંભીર ને ચિંતાજનક છે. છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાત આગળ વધ્યું જ છે. સાથોસાથ, એ પંદર વર્ષ પહેલાંના ચાર દાયકામાં પણ ગુજરાત અંધારિયા ખૂણે ન હતું. તેમાં કામ થતાં જ હતાં. દરેક સરકાર આવે, તે ઓછેવત્તે અંશે પોતાનું કામ કરતી હોય છે. કોઈ અઢળક ભ્રષ્ટાચાર કરે, કોઈ થોડો ઓછો કરે. કોઈ પોતાના હાથ બગાડે, કોઈ ‘હું તો લક્ષ્મીને સ્પર્શ કરતો નથી’નો ડોળ ઘાલીને બીજાના હાથે એ કરાવે. પણ કામ થતાં રહે છે.

છેલ્લાં પંદર વર્ષમાં ફરક એ પડ્યો કે નાનામાં નાના કામને મુખ્યમંત્રીના વ્યક્તિગત પ્રચારનું નિમિત્ત બનાવવામાં આવ્યું. સરકારી નોકરીમાં અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવા જેવાં કામ પહેલાં ટપાલી કરતા હતા, તે મુખ્યમંત્રી લાખોના ખર્ચે સમારંભો યોજીને કરવા માંડ્યા. વર્ષોથી ગુજરાત ઉત્તરાયણ ને નવરાત્રિ ઉજવતું હતું. એ લોકોનો તહેવાર હતો. છેલ્લા દોઢ દાયકામાં એ સરકારી તહેવાર થઈ ગયો. નાતાલના અઠવાડિયામાં સરકાર પોતે કાર્નિવલ ઉજવવા લાગી.

એમ.ઓ.યુ.ના નામે મીંડાંની ભરતી આવી. આ બધાની વચ્ચે જે ઓછુંવત્તું કામ થતું હતું, તેને પેલી ઝાકઝમાળની પિછવાઈમાં, આકર્ષક પેકિંગ સાથે ‘વિકાસ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. જાપાનને પોતાની બુલેટ ટ્રેન વેચવામાં ‘રસ’ (ગરજ) છે, એટલે તેણે ઉદાર શરતે ભારતને લોન આપી. આ જ રીતે અગાઉ ગુજરાતે પણ તાતાને ઉદાર શરતે લોન આપી હતી - નેનો પ્લાન્ટ ફક્ત એક રૂપિયાના એસ.એમ.એસ.થી બંગાળને બદલે ગુજરાતમાં આવી ગયો, એવો ‘જુમલો’ ગબડાવ્યો ને રોજગારીનાં આંબાઆંબલી દેખાડ્યાં. અત્યારે તેની શી સ્થિતિ છે, તે સૌ જાણે છે.

આ તો એક ઉદાહરણ. સૌથી મોટું એક નુકસાન થયું તે સરકારી સ્કૂલોનો ખાત્મો, લૂંટના પરવાના ધરાવતી હોય એવી ખાનગી સ્કૂલોનો ધમધમાટ અને મોંઘીદાટ ફી પછી પણ શિક્ષણનું તળિયે ગયેલું સ્તર. સરવાળે, ગુજરાતની કિશોર-યુવા પેઢીના ભવિષ્ય સાથે રમત. કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે ન ‘જુમલા’ ઓળખતાં આવડ્યું, ન વિકાસની અસલિયત સમજાઈ.

હવે જેમની આંખો ખૂલી છે તેમનું વાસ્તવિક-હકીકતોની દુનિયામાં સ્વાગત છે અને તેમની પાસેથી એવી અપેક્ષા કે પક્ષીય વફાદારી બાજુ પર મૂકીને નાગરિક તરીકે વિચારો. સરકારની કામગીરીને આગળપાછળનું જોઈને મૂલવો. જેમને મત આપો તેમને માથે ચઢાવવાના બદલે તેમની પાસેથી જવાબ-હિસાબ માગો. નહીંતર વિકાસને ગાંડો કરવામાં આપણી જવાબદારી ઓછી નહીં ગણાય.

સૌજન્ય : ‘જાગીને જોયું તો’, “દિવ્ય ભાસ્કર”, 26 સપ્ટેમ્બર 2017

Category :- Samantar Gujarat / Samantar