મીઠીવીરડી લોકઆંદોલન

કૃષ્ણકાંત ચૌહાણ, રોહિત પ્રજાપતિ, શક્તિસિંહ ગોહિલ (જસપરા)
24-09-2017

આનંદોત્સવ

મીઠીવીરડી-જસપરાના ગ્રામજનો

તારીખ ૯/૧૦ સપ્ટેમ્બર ’૧૭ના રોજ મીઠીવીરડી મુકામે, સૂચિત અણુ વીજ મથક સામેના વિજયનો ‘આનંદોત્સવ’ અનોખી રીતે ઉજવાયો. કાર્યક્રમમાં ઠેક ઠેકાણેથી જન સંગઠનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા.

તા. ૧૮/૦૫/૨૦૧૭ના રોજ નૅશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ કેસની સુનાવણી દરમ્યાન કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયે અંતે એ વાતનો સ્વીકાર કરવો પડ્યો હતો કે મીઠી વીરડી-જસપરા ખાતે સૂચિત ન્યુિક્લયર પાવર પ્લાન્ટ પડતો મુકવો. આમ, લોકોની આ સૂચિત ન્યુિક્લયર પાવર પ્લાન્ટ સામેની લડતનો ભવ્ય વિજય થયો. લોકોએ ૧૦ વર્ષના અધિકારની લડત પછી રાહતનો શ્વાસ લીધો છે. આ પ્રસંગ ગ્રામજનો માટે આનંદનો પ્રસંગ હોઈ સૌ ટેકેદારો સાથે મળીને અનોખી રીતે ઉજવ્યો.

પ્રથમ દિવસે મીઠીવીરડી ખાતે પ્રાથમિક શાળાના મેદાનમાં મીઠીવીરડી અને જસપરા બન્ને ગામના પ્રતિનિધિઓ, ગામની શાળા અને હાઇ સ્કૂલનાં બાળકો સહિત ગામ સફાઈ કરી સ્વચ્છતા સંદેશ આપ્યો. શાળાનાં બાળકો સાથે તેમના ભવિષ્યની કારકિર્દી તથા સામાજિક રીતરીવાજ જરૂરી ફેરફાર અંગે ચર્ચા સહિયરના કાર્યકરો દ્વારા રમતો, ગીતો તથા ફિ્લપચાર્ટ દ્વારા કરાઈ. ભૂમિપ્રસાદ રૂપે બન્ને ગામના દરેક નાનામાં નાના ઘર સહિત અનાજરૂપી પ્રસાદ ઉઘરાવીને યોગદાન લીધું.

દરેકે ધર્મ/જાતિ/જ્ઞાતિના બંધનો બાજુ પર મુકીને બન્ને ગામની ૩૫૦ જેટલી ગામની બહેનોએ સામૂહિક રીતે વૃક્ષરોપણ અને ભૂમિપૂજન કરીને પેઢીઓથી માનવીને પોષનાર ધરતી માતા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ પણ આપ્યો. સાથે પોતાના ગામમાં સ્ત્રીઓના દૃષ્ટિકોણથી સ્ત્રીઓને આગળ લાવવા માટે જે બદલાવની જરૂર છે તે અંગે સૂચનો પણ કર્યાં. સંઘર્ષની આ પ્રક્રિયામાં નારીવાદી દૃષ્ટિકોણ વણાયેલો રહે તે માટે ‘સહિયર’(સ્ત્રી સંગઠન) દ્વારા વારંવાર બંને ગામની સ્ત્રીઓ સાથે વિચાર વિમર્શ ચાલુ જ રહ્યા છે. રૂઢિઓની સાંકળ તોડવા માટે આ બહેનોએ નારી સાંકળ વચ્ચે હાથમાં હાથ પકડી એકતાને દૃઢ કરી. પછી સૌ કુદરતના ખોળે દરિયા કિનારે એકઠા થયાં. કેટલીક બહેનો વર્ષોથી અહીં રહેતી હોવા છતાં, આ ઉત્સવને કારણે પહેલી જ વખત ગામના દરિયાકિનારે આવી. કાર્યક્રમમાં પત્રકાર ગૌરી લંકેશને ક્રાંતિકારી સલામી અપાઈ. પિતૃસત્તાક માળખાની ઘરેડને (પરંપરા) તોડી તેમાંથી નારીમુક્તિના પગલાં પાડવાની શરૂઆત પ્રતીકાત્મક રીતે બહેનોએ ક્રિકેટ રમીને કરી. સામાન્ય રીતે ઘૂંઘટમાં રહેતી બહેનો આ દિવસે ઘૂંઘટ વગર બહાર નીકળી, બહેનોએ જીવનમાં પહેલી જ વખત ક્રિકેટનું સાચું બેટ હાથમાં લઇ, દરિયાની લહેરો સાથે મુક્ત મને ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. બહેનોની આ લોકસંઘર્ષ આગેવાની અને ભાગીદારીને ઇતિહાસ ભૂલી ન જાય તે આજે વર્તમાનની જવાબદારી છે તે અંગે પણ વાત કરી. સામાજિક બંધનમાંથી મુક્ત થઇ દરિયાકિનારે વિવિધ રમતો રમીને આનંદ એકબીજા સાથે વહેંચ્યો. પોતાના વિચાર પ્રગટ કરતા બુલંદ અવાજે જસપરાની યુવતી આરતીએ છોકરીઓ માટે ધોરણ ૧૧ અને ૧૨ની માંગણી કરતા જણાવ્યું કે જો આ સગવડતા મળશે તો જ સ્ત્રીઓમાં ઉચ્ચ શિક્ષણ ચાલુ રહેશે.

ગ્રામીણ સમુદાયના, છેવાડાના તથા શોષિત-પીડિત વર્ગના અવાજને અને તેમને થતા અન્યાયને લોકબોલીથી વાચા આપવા માટે દેશભરમાં જાણીતાં એવા ચારુલ-વિનય બેલડીએ આ કાર્યક્રમમાં ઉત્સાહનો પ્રાણ પૂર્યો. “મારી વાડીને મારે ઝેર નથી આપવું” ગવડાવીને ગદગદિત કરી દીધાં. નજીકના પાંચ ગામના લોકો અને બહારગામથી પધારેલા આમંત્રિતો સહિત ૩૦૦૦ જેટલા લોકો આનંદ વિભોર થયાં.

બીજા દિવસે આ વિસ્તારનાં ૩૫ જેટલાં ગામો તથા બહાર ગામનાં મહેમાનો સહિત ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિવાળા આ કાર્યક્રમનું સંચાલન ગામની જ બહેન રીનાબહેન દિહોરા દ્વારા કરવામાં આવ્યું. ગામની બહેનો પણ આવા કામોમાં સક્ષમ છે તે પુરવાર કરી બતાવ્યું. શિક્ષિકાએ તેમના વક્તવ્યમાં કહ્યું કે હવે જ ખરી લડત ચાલુ થાય છે. સામાજિક બંધનો, અંધશ્રદ્ધા, કુટેવો, વગેરે દૂર કરવા માટે લડત કરવા આહ્વાન કર્યું. સરકાર સામે ગામના વિકાસના, બહેનોના આરોગ્ય અને શિક્ષણના, ગ્રામીણ વંચિતો/બહેનોના હિતમાં જરૂરી કાયદામાં બદલાવ, જેવા મુદ્દાઓ માટે લડતમાં જોડાઈ જવા કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્તારના લોકોને સૂચન કર્યું. આજ ગામના અરજણ ભાઈ ડાભીએ વિસ્તારની જીવસૃષ્ટિ સાથેના પ્રાકૃતિક સંબંધોનું મહત્ત્વ બતાવીને ભૂમિ સહિતના સજીવોને બચાવવાનો પ્રકૃતિ ધર્મ બતાવ્યો. અને ખેતીમાં વપરાતા બેફામ રસાયણો ઉપયોગ બંધ કરીને પ્રકૃતિ પરના અત્યાચારને બંધ કરવા અને માનવ સહિત સજીવોને જીવલેણ રોગોથી બચવા જૈવિક ખેતી અપનાવવા તાતી જરૂરિયાત પર ભાર મુક્યો હતો. જસપરા ગામના પૂર્વ સરપંચ અને લડતના આગેવાન શક્તિસિંહ ગોહિલે પોતાના વક્તવ્યમાં આ ૧૦ વર્ષની સફરની ટૂંકી વિગતો આપી. પ્લાન્ટમાં જતી સૂચિત જમીન બચાવવા જમીન ફરતે રક્ષાબંધનથી માંડીને રાષ્ટ્રીય/આંતર રાષ્ટ્રીય કક્ષાના અધિકાર આંદોલનમાં ભાગીદારી સુધીના આપવામાં આવેલા કાર્યક્રમોની યાદી બતાવીને “અણુ મથક અહીંયા નહીં, દેશ અને દુનિયામાં ક્યાં ય નહીં”ની દૃઢતાને દોહરાવી હતી. કાર્યક્રમને વધુ અસરકારક અને સહભાગી બનાવવા માટે શાળાનાં ૪૦૦થી વધુ બાળકોને પર્યાવરણ સાચવવા અને અધિકારની લડત વિશેના તેમના વિચારો ચિત્ર રૂપે દોરાવીને પ્રદર્શિત કરવામાં આવ્યા. નિરોગી રહેવા માટે આયુર્વેદિક ઉકાળાની વ્યવસ્થાનો બધાએ લાભ લીધો.

લોક લડતના વિજયને દસ વર્ષની આ લડતના ટેકામાં ઊભા રહેલા (વિસ્તારના અને વિસ્તાર સિવાયના) લોકોનું “ધરતી(માટી)તિલક” તથા “પ્રેમસૂત્ર” (ગામની બહેનો દ્વારા સૂતરમાંથી બનાવવામાં આવેલ) હાથે બાંધીને અભિવાદન કરવામાં આવ્યું. આ આનંદ ઉત્સવ દિવસની યાદમાં લડતના પીઢ કાર્યકરો અને બહેનો તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરીને નવી પેઢીને લડતના વિજયને પર્યાવરણના રક્ષણની જીતની યાદ અપાવતું પ્રતીક ઊભું કરવામાં આવ્યું. જાહેરમાં ન દેખાતા અને જેમ ઝાડનાં મૂળ વૃક્ષને પોષે છે તેમ પોતાના પ્રાણ અને પૈસાની પરવા કર્યા વગર આ સફળ લડતમાં પ્રાણ પૂરનારા એવા ગામના જ ભાઈઓ/બહેનોને કાર્યકમના સ્ટેજ સ્થાને બેસાડીને પ્રોત્સાહિત કરવાની દૃષ્ટિનો નવો ખ્યાલ અહીં ઊભો કરવામાં આવ્યો.

ભવિષ્યમાં કોઈપણ લડતમાં આસપાસના બધા જ ગામોનો સહકાર રહેશે તેવા નિશ્ચય સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

[સૌજન્ય  : સંજય શ્રીપાદ ભાવે]

સૌજન્ય : “નિરીક્ષક”, 24 સપ્ટેમ્બર 2017; પૃ. 16 અને 15

Category :- Samantar Gujarat / Samantar