ઈદ મુબારક કહું કોને ?

મનીષી જાની
06-07-2017

રાજધાની
દિલ્હીથી
હવે
ઘણા લાંબા સમયથી
કોઈ
ટ્રેન
મથુરા જતી નથી.

મથુરાની
ખળખળ વહેતી
જમુનાએ તો
ભરઅંધારે
ક્રૂર હત્યારાને
અંધારે રાખી
શિશુ કનૈયાને
નદી પાર કરાવેલી ..

ગોકુળમાં
બાળગોપાલો
મોરનાં ટહુકાનાં
પીંછાં
માથે બાંધી
ગાયોનાં ધણ
વચાળે
વાંસળીની વહાલપના
સૂર જમુનાને
સંભળાવતા’તાં ...

ઝેરના ફૂંફાડા
મારતા
કાળા નાગને નાથીને
માથે ચઢીને
ભૂલકાં
નાચતાકૂદતાં
મીઠેરાં
ગીત ગાતાં’તાં ...
ઘમ્મરવલોણે
ઊછળતાં હેત સાથે
જશોદામૈયાનાં
માખણ ખાતાં’તાં ....


મથુરા-ગોકુળ-વૃંદાવન
હવે
રાજધાની દિલ્હીથી
કોઈ
ટ્રેન
જતી નથી.

સૌ
નદીઓ
છેવટે સાગરને મળે,

ધારોધાર
રાજધાની દિલ્હીથી
જતી
બધી ટ્રેનો,
નફરતની આગ
ફંગોળતી
ને
જ્યાં ડબ્બે-ડબ્બે
વીંટળાયાં છે
નફરતનાં ઝેર
ઓકતા
નાગ ...
ફૂંફાડે-ફૂંફાડે
ધોલધપાટે
જબાન પર ડંખ
મારતા પૂછી રહ્યા છે

નાગ : ‘શું ખાવ છો  ?
કેમ ને કોને પૂછીને ખાવ છો ?
તારું મોઢું ગંધાય છે !
ગાય ખાય છે? બળદ ખાય છે ?
કે અમારા યમરાજનો પાડો
ખાય છે ? 
ના,
તું
ખાય જ છે, તારું મોઢું
ગંધાય છે ... ’
ક્યાંથી આવ્યો
કેમ આવ્યો ?

નફરતના નાગ દોડતા,
ટ્રેન દોડતી,
નફરતના જંકશને,
નફરતનું પ્લૅટફૉર્મ ..
પ્લૅટફૉર્મ પર ગૌમાતાની
વાતોનાં ટોળાં
ચિત્કાર્યા કરે,
નફરતની ટ્રેનો ચિત્કાર્યા કરે,
ના સિગ્નલ, ના લાલલીલી ધજાઓ,
ના કોઈ ગાર્ડ .. !

રાજધાની
દિલ્હીથી
કોઈ
ટ્રેન
મથુરા જતી હોત’તો
આજે
પંદર વર્ષનો
જુનેદ,
દિલ્હીથી ભેરુઓ સાથે
ખરીદેલાં
નવાં નકોર કપડાં
પહેરી
ભેરુઓને કહેતો હોત,
ઈદ મુબારક … !
નવાં કપડાં પહેરી
જશોદામૈયાના
હાથની
સેવૈયા
ખાતો
હોત ..
નવાં
કપડાંનાં
ખિસ્સામાં
ભેગી થયેલી
ઈદી
મલકતા ચહેરે
ગણતો
હોત.

હવે
રાજધાની દિલ્હીથી
કોઈ ટ્રેન
મથુરા
જતી
નથી.

૨૬ જૂન, ૨૦૧૭

(૨૩ જૂને દિલ્હીથી મિત્રો સાથે ઈદ નિમિત્તે નવાં કપડાં ખરીદી, દિલ્હી -મથુરા પૅસેન્જર ટ્રેનમાં બેસી પંદર વર્ષનો જુનેદ પોતાને ગામ જઈ રહ્યો હતો ત્યારે કેટલાક ઝનૂની લોકોએ તેનો ગાયના માંસ ખાવાનો વિવાદ કરી, તારી પાસે ગૌમાંસ છે, એવો આક્ષેપ કરી ચાલુ ટ્રેને રહેંસી નાંખ્યો, તેની કતલ કરી નાંખી.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 16

Category :- Poetry