નર્મદા બચાઓ આંદોલનની યાત્રા પર જુલમ

સંજય શ્રીપાદ ભાવે
06-07-2017

‘નર્મદા બચાઓ’ આંદોલને ૦૫ જૂનથી ત્રણ દિવસ ‘એક રેલી ફોર ધ વૅલી’ નામની યાત્રા  યોજી હતી. નર્મદાયોજનામાં કેટલાંક ગામો અન્યાયકારક રીતે ડુબાડવામાં આવી રહ્યાં છે. મધ્યપ્રદેશ સરકારે  તેમના નિવાસીઓને પૂરું અને ન્યાયી પુનર્વસન પૂરું પાડ્યું નથી. હવે જુલાઈમાં આ ગામોને જબરદસ્તીથી ખાલી કરાવવાનું મધ્ય પ્રદેશ સરકારે આયોજન કર્યું છે. યાત્રાનો હેતુ  આ બાબતોને ખુલ્લો પાડવાનો હતો. કાલાઘાટથી શરૂ થયેલી યાત્રા ધરમપુરી, સેમલદા, છોટા બરડા, પિપરી, નિસારપુર અને કોટેશ્વર ગામોમાં ગઈ. આ યાત્રામાં નર્મદાખીણના હજારો રહીશો ઉપરાંત આખા દેશમાંથી સેંકડો ટેકેદારો જોડાયા હતા. તેમાં દિલ્હી, જામિયામિલિયા, હૈદરાબાદ સેન્ટ્રલ, જવાહરલાલ નેહરુ, અઝીમ પ્રેમજી જેવી યુનિવર્સિટીઓ તેમ જ શિવાજી વિદ્યાપીઠ, ટાટા સમાજવિજ્ઞાન સંસ્થા અને આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હતા.

યાત્રામાં સામેલ કર્મશીલોમાં હતાં : મેધા પાટકર, ઓડિશાના પ્રફુલ્લ સામન્તરા, અખિલ ભારતીય કિસાનસભાના જસવિંદરસિંગ કૌર, ગુજરાત લોકસમિતિનાં નીતા મહાદેવ, જનસંઘર્ષ વાહિનીના ભૂપેન્દ્રસિંહ રાવત, કિસાન સંઘર્ષ સમિતિનાં આરાધના ભાર્ગવ તેમ જ નૅશનલ અલાયન્સ ફૉર પીપલ્સ મૂવમેન્ટ(એન.એ.પી.એમ.)ના સુનિલમ, રાજેન્દ્ર રવિ, નન્હુ પ્રસાદ, સુનીતિ સુ.ર., મધુરેશ કુમાર અને અન્ય.

સાતમી જૂને યાત્રા ગુજરાત સરહદે પહોંચી. આ વિસ્તારમાં આવેલી ચિમલખેડી જીવનશાળામાં વિદ્યાર્થીઓને મળ્યા પછી જાહેરસભા યોજાવાની હતી, પણ આ થઈ શક્યું નહીં, કારણ કે ગુજરાત પોલીસે રેલઘા ચેકપોસ્ટે યાત્રાને અટકાવી અને આગેવાનો સહિત દોઢસો શાંતિપૂર્ણ યાત્રીઓની અટકાયત કરી. આ પગલાં માટેનો લેખિત આદેશ પોલીસ અધિકારીઓએ બતાવ્યો નહીં. નાગરિકોને ભારતના જ એક રાજ્યની સરહદમાં પ્રવેશતાં અટકાવવા માટેનું કારણ પૂછવામાં આવ્યું. ત્યારે પોલીસે ઉપરી અધિકારીઓ તરફથી આદેશ છે, એમ જણાવ્યું, પણ આદેશની નકલ તેમણે ન બતાવી. યાત્રાકારીઓએ ત્યાં જ રોકાઈને ગુજરાત સરકારના ગેરકાનૂની સંચારબંધી રાજ તેમ જ તેણે કરેલા પાયાના બંધારણીય અધિકારના ઇન્કારનો વિરોધ ચાલુ રાખ્યો. ત્યાર બાદ પોલીસે હિંસક બનીને તમામ વિરોધીઓને અટકાયતમાં લઈ લીધા, મહિલાઓ સાથે ખેંચતાણ કરી. પોલીસે કામિલ અને હાસિમ નામનાં બે બળકોને પણ મારઝૂડ કરી. તેઓ કેરળના ત્રિસૂરની સાલસબીલ ગ્રીન સ્કૂલના નવમા તેમ જ આઠમા ધોરણના વિદ્યાર્થીઓ છે. તેમાંથી કામિલને ખભે પોલીસના મારથી ફ્રૅક્ચર થયું હોવાની શક્યતા છે. નર્મદા બચાઓ આંદોલનના અસ્વથી અને રોહિત નામના બે યુવાઓને વાહન નીચે કચડવાની કોશિશ પોલીસે પણ કરી. પોલીસના આ ઘાતકી કૃત્યને લીધે બંને કાર્યકર્તાઓના પગે ઈજાઓ થઈ. રોહિતના પગે ફ્રૅક્ચર થયું હોવાની શક્યતા છે અને અસ્વથીની ઘૂંટીના સ્નાયુઓ પર  ઈજા થઈ છે. ગુજરાત પોલીસે મેધા પાટકરને તેમના સાથીઓથી છૂટાં પાડવાની કોશિશ પણ કરી. મોડી સાંજે બધાંને મધ્યપ્રદેશની સરહદના કુશકી જિલ્લાના નાનપુર પોલીસ-સ્ટેશને લઈ જવામાં આવ્યાં, જે ગેરકાયદેસર બાબત હતી. અહીં કેટલાક ઈજાગ્રસ્તોની તબીબી તપાસ કરવામાં આવી. નાનપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ  ગુજરાત પોલીસના અધિકારીઓ વિરુદ્ધ એફ.આઇ.આર. કરવાનો ઇન્કાર કર્યો. પછીથી નર્મદા બચાઓ આંદોલને યાત્રીઓની ગેરકાયદે અટકાયત અને બાળકો, યુવાકાર્યકરો તેમ જ મહિલાઓ પરના જુલમોની સામે વિગતવાર ફરિયાદ દાખલ કરી. પછી રાતના સમયે અસ્પતાલમાં એક કલાક રાહ જોયા પછી જે તબીબ આવ્યો તેણે દારુ પીધેલો હતો અને એણે કોઈ પણ કારણ વિના રોહિતને લાફો માર્યો. નર્મદાબચાઓ આંદોલને ગુજરાત પોલીસનાં ગેરબંધારણીય પગલાંને વખોડ્યું છે. મંદસૌરના ખેડૂતોની હત્યા બાદ દેશના બંધારણ અને ન્યાયતંત્ર  માટે આ વધુ એક કાળો દિવસ છે. શાસકો વિરોધના અવાજ પર હિંસક હુમલો કરી રહી છે અને એના માર્ગમાં જે કોઈ આવે એને કચડી રહી છે. નર્મદા વૅલીમાંથી લોકોને બળપૂર્વક ખદેડવા માટે મધ્યપ્રદેશ સરકારે આવતા મહિને ચાળીસ હજાર પોલીસ ખડકી દેવાનું આયોજન કરી રહી છે.

બીજા એક બનાવમાં ગુજરાતના પર્યાવરણ સુરક્ષા સમિતિ નામના મંચ(જે એનએપીએમનો સભ્ય છે)ના કાર્યકર લખન મુસાફિરને ગુજરાત પોલીસે ગેરકાનૂની રીતે અટકાયતમાં રાખ્યા છે. પોલીસે તેમને ચોવીસ કલાકમાં મૅજિસ્ટ્રેટની સામે હાજર કર્યા નથી અને અજાણી જગ્યાએ રાખ્યા છે. પોલીસે દેશના કાયદાના શાસન અને બંધારણને નેવે મૂકીને લીધેલાં પગલાંને અમે વખોડીએ છીએ. ગુજરાત સરકાર બેશરમપણે લોકોના પાયાના અધિકારોનો ભંગ કરી રહી છે.

(ક્રૅક્ટિવિઝમ પોર્ટલ પરની ઑનલાઇન પિટિશનને આધારે)

ચુનીભાઈ વૈદ્યનાં દીકરી અને તેમણે સ્થાપેલી ગુજરાત લોકસમિતિના કાર્યકર્તા નીતા વિદ્રોહી ચુનીકાકાની મશાલ લઈને લોકસંઘર્ષોમાં ધીમા પણ મક્કમ પગલે આગળ વધી રહ્યાં છે. કેટલીક જગ્યાએ ઔદ્યોગિક કચરો ઠાલવીને ગામોનાં જળ-જમીન બગાડતાં એકમોની સામે તેમણે લોકસમિતિ થકી ઠીક સફળ લડત ચલાવી છે. ધોળકા પાસે સરગવડા ગામ, બાલાસિનોર પાસેનું જમિયતપુરા કે બાયડ પાસેનું ખરોડ ગામ એના દાખલા છે. મહુવા તાલુકાના કરમદિયા ગામ અને પંથકને નુકસાન કરનારી પવનચક્કી યોજના સામે પણ તેમણે અને સાથીઓએ  ઝુંબેશ ચલાવી હતી. નીતાબહેન ‘રૅલી ફૉર વૅલી’ યાત્રામાં પણ હતાં એટલું જ નહીં પણ ફેઇસબુક પર રોજેરોજ તસવીરો અને નોંધો પણ મૂકતાં હતાં. સાતમી જૂને બપોરે એક વાગ્યે તેમણે હિંદીમાં મૂકેલી હિંદી અહીં આપી છે.

‘રૅલી ફૉર વૅલી યાત્રાનો આજે ત્રીજો દિવસ હતો. મધ્યપ્રદેશમાં બે દિવસ યાત્રા ચાલી, ત્યાં સુધી તેને કોઈએ રોકી ન હતી. આજે યાત્રા મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી, અને તેનો રસ્તો ગુજરાતમાં થઈને હતો. જેવી ગુજરાતની સરહદ આવી, યાત્રાને પોલીસે રોકી. ગુજરાત પોલીસે છોટા ઉદેપુર પાસે ક્વાંટ પોલીસ-સ્ટેશન હેઠળની રેણધા ચેકપોસ્ટ પર મેધાબહેન પાટકર ઉપરાંત દેશભરમાંથી આવેલાં દોઢસો જેટલાં સાથી ભાઈ-બહેનોને અટકાયતમાં લઈ લીધાં. પોલીસે કહ્યું, તેમને ઉપરથી હુકમ છે, તે સિવાય તેઓ કશું જાણતા નથી. યાત્રા અહીં રોકાઈ ન હતી, કોઈ દેખાવ કરી રહી ન હતી. કોઈને કશી મુશ્કેલી ઊભી થાય એવા કોઈ કાર્યક્રમનું આયોજન પણ ન હતું. એ માત્ર એના રસ્તે આગળ વધી રહી હતી. ગુજરાતનું આ તે કેવું શાસનતંત્ર, આ તે કેવી પોલીસ ? પિસ્તાળીસ હજાર કુટુંબોને કોઈ પણ પ્રકારના પુનર્વસન વિના ઉખાડીને ફેંકવામાં આવી રહ્યાં છે. ગામડાં, શહેર, જંગલ, મકાન, ખેતર, ઝાડ-પાન, પશુપંખી દરેકેદરેકને સરકાર ડુબાડવા જઈ રહી છે. આવા સમયે બંધારણીય રીતે કરેલું અહિંસક આંદોલન પણ સરકારને મંજૂર નથી.’            

Email : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 06

Category :- Samantar Gujarat / Samantar