દરવાજા થયા પરંતુ નહેરોનું શું

ગૌતમ ઠાકર
04-07-2017

સુપ્રીમ કૉર્ટની મંજૂરી બાદ નર્મદાડેમ ઉપર ૩૦ દરવાજા બંધ કરવામાં આવ્યા. સરદાર સરોવર નર્મદા બંધની હાલની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટર છે, તે વધીને ૧૩૮ મીટરે પહોંચશે, જેનાથી જળસંગ્રહશક્તિ ૭૪ ટકા અને વધારાની વીજળી ૪૦ ટકા વધશે. બંધની પાણીસંગ્રહની સ્થિતિ સુધરીને ૪.૭૩ મિલિયન એકર ફૂટ સુધી પહોંચશે. વીજળીનું ઉત્પાદન ૧૪૫૦ મેગાવૉટ થશે. પાણીનો લાભ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છને મળશે. આ બધી ‘કહાની’ ગુજરાત સરકાર કરી રહી છે, ત્યારે વાસ્તવિકતા તદ્દન જુદી જ છે.

ગુજરાતનો શાસકપક્ષ એમ કહે છે કે દરવાજા બેસાડ્યા બાદ રાજ્યના દરેક ખૂણામાં પીવાનું પાણી, સિંચાઈ અને ઉદ્યોગો માટે પાણી પહોંચી જશે. આગામી વર્ષોમાં ગુજરાતભરમાંથી પાણીની તંગી નાબૂદ થઈ જશે. સાથોસાથ સારી વાત એ છે કે શાસકો સ્વીકારે છે કે, કૅનાલનેટવર્કનું કામ બાકી હોવાથી આનો સંપૂર્ણ લાભ મળતા હજુ થોડો સમય લાગશે. માઇનોર કૅનાલનાં કામોમાં નેટવર્કનું કામ બાકી હોવાથી આનો સંપૂર્ણ લાભ મળતાં હજુ થોડો સમય લાગશે. માઇનોર કૅનાલનાં કામોમાં ૩૪૧૯.૪૮ કિ.મી. લંબાઈમાં બાકી છે, જ્યારે સબ માઈનોર કેનાલમાં ૨૨૫૭૭.૩૫ કિ.મી. લંબાઈમાં બાકી છે, જ્યારે નહેરો જ બાકી છે ત્યારે પાણી કેવી રીતે પહોંચાડાશે? સાથોસાથ આ આખીયે યોજના નહેરો આધારિત છે, પાઇપલાઇન કે લિફ્ટ ઇરિગેશનથી પાણી પહોંચાડવાનું નથી, તે સરકારને કોણ સમજાવશે? વીજળીના ખર્ચની કોઈ ગણતરી કરી છે ખરી ? હમણાં રાજકોટનો આજી ડેમ ભરવાની વાત ચાલી રહી છે અને તેમાં વડાપ્રધાન હાજરી આપે, ત્યારે નવ ફૂટ પાણી કરવાનું છે, પાણી લાવવાનું છે, મચ્છુડેમથી ૩૧ કિ.મી. પાઇપલાઇન દ્વારા! ૬૦ દિવસે આજીડેમ ઓવરફ્‌લો થશે. આમાં કેટલી બધી વીજળીનો દુરુપયોગ થશે, તે કહેવું અત્યારને તબક્કે અઘરું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈનું પાણી પણ પૂરું પાડતા નથી અને સાથોસાથ વીજળી પણ પૂરી પાડતા નથી તેવું ‘સુશાસન’ અત્યારે ચાલી રહ્યું છે.

શાસકપક્ષ પ્રજાને ‘નર્મદા લોકાર્પણ’, ‘નર્મદા-ઉત્સવ’ અને ‘નર્મદે સર્વદે’ની ઉજવણી કરી ક્યાં સુધી ગુમરાહ કરશે, ઉલ્લુ બનાવ્યા કરશે તે કહેવું ખૂબ અઘરું છે. આજે પણ જ્યારે ૨૨,૫૭૭.૩૫ કિ.મી.ની લંબાઈમાં કૅનાલનેટવર્ક બાકી છે, ત્યારે આ ઉત્સવો કરવાની કોઈ જરૂર  નથી. હાલમાં ભાજપ શાસિત રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર છે અને એક જ પક્ષની સરકાર હોવા છતાં કૅનાલોનું કામ કેમ અટક્યું છે, તે ખબર પડતી નથી. સાથોસાથ આ રાજ્યો પાસેથી ગુજરાત સરકારે હજ્જારો કરોડ રૂપિયાની ઉઘરાણી બાકી છે. ગુજરાત રાજ્યને માથે આશરે બે લાખ કરોડ જેટલું દેવું છે, ત્યારે પણ બાકી રકમ મેળવવા કોઈ સંનિષ્ઠ પ્રયાસ મુખ્યમંત્રી કે અધિકારીઓ કરતા નથી. વીજળીનો મોટો હિસ્સો તો અન્ય રાજ્યો લઈ જવાના છે, ત્યારે ગુજરાતના વિકાસની કયાં આવી! ત્રણ ભાજપશાસિત રાજ્યો પાસે નીચેની લેણી રકમ છે, તેવું વિધાનસભામાં ૨૦૧૭ના બજેટસત્ર ટાણે કહેવામાં આવ્યું હતું.

રાજ્ય      ૩૧-૧૨-૧૬ની સ્થિતિએ                 વિવાદિત                 બિનવિવાદિત

              ગુજરાત સરકારે લેવાની               રકમ                            રકમ

              રકમ રૂ. કરોડમાં                     રૂ. કરોડમાં                     રૂ. કરોડમાં

મધ્યપ્રદેશ   ૩,૭૯૮                                ૨,૭૦૪                        ,૦૯૩

મહારાષ્ટ્ર       ૧,૨૮૧                                  ૧,૨૮૧                               -

રાજસ્થાન    ૫૫૮                                   ૪૮૩                               ૭૪

આશરે આ ૧૦,૦૦૦ કરોડ રૂ. પત્રો લખવાથી આવે ખરાં? વડાપ્રધાન આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીને કહીને આ પૈસા ગુજરાત સરકારને અપાવી શકે ખરાં ? મનરેગા યોજનાનાં નાણાં ગુજરાત સરકાર મજૂરોને ચૂકવી શકતી નથી, સરકાર સતત આર્થિક ભીંસમાં રહે છે, ત્યારે ઉપર્યુક્ત ત્રણ રાજ્યો પાસેથી નાણાં વસૂલવામાં ઢીલ કયાં કારણોસર થાય છે, તે એક ભેદભરમ છે.

નર્મદાઅભિયાન દ્વારા સતત ચાર દાયકા સુધી નર્મદાયોજનાને કાર્યાન્વીત કરવા સરકારને સાથસહકાર આપનાર અમારા જેવા આગેવાનોને કૅનાલનેટવર્ક ન થવાથી અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત, વિસ્થાપિત પ્રજાનું પુનર્વસન, વસવાટ ન થવાથી અત્યંત દુઃખી છીએ. ગુજરાતના શાસકો નર્મદાયાત્રા, મહોત્સવોની ઉજવણી કરનાર છે, તે યોગ્ય લાગતું નથી. મધ્યપ્રદેશમાં શાસકોએ આવી યાત્રા કરી લીધી છે, આવા તાયફા-દેખાવો કરવાની જરૂરિયાત નથી જ, નથી જ ...

ગુજરાતમાં કેનાલોનું બાંધકામ પણ અધકચરું કરવામાં આવે છે. કૉન્ટ્રાક્ટરો અને સરકાર આ બાંધકામ માટે જરા પણ સંનિષ્ઠ દેખાતા નથી. વિધાનસભામાં ૨૦૧૭ના બજેટમાં સત્ર વખતે એવું જણાવવામાં આવ્યું હતું કે, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કૅનાલ તૂટવાના બનાવ ૨૦૧૧-૧૬ના પાંચ વર્ષમાં ૩૫ વખત બન્યાં છે, વરસાદને કારણે આ નહેરો તૂટી નથી, પણ બાંધકામનું કામ ઊતરતી કક્ષાનું હોવાને લીધે આમ થયું છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ૨૦૧૪-૧૫માં નહેરોના નુકસાનના બનાવ ૨૯ જેટલા બન્યા છે, તેમાં સહાય કે વળતર આપવામાં આવ્યું નથી. એટલે એક બાજુ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને ઉપર્યુક્ત જિલ્લાઓમાં નર્મદાનું પાણી નહેર તૂટવાને લીધે ફરી વળે તેનાથી ભારે આર્થિક નુકસાન પણ થાય છે.

જ્યારે પાણીની ખેંચ પડે છે, ત્યારે ગામડાંઓની સ્થિતિ વધુ બગડે છે, દલિતો અને ગરીબોને પીવાનું પાણી મેળવવું અશક્ય બની જાય છે. શહેરમાં તો વ્યક્તિ દીઠ ૨૦૦-૩૦૦ લિટર પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે ગામડાંઓમાં ૩૦-૬૫ લિટર પાણી પહોંચાડાતું હોય છે, તેથી દલિતો અને ગરીબોને આવી પરિસ્થિતિમાં સૌથી વધુ ભોગ બનવું પડતું હોય છે. ઘણાખરાં ગામોમાં કોઈની દયા ઉપર પાણી મેળવવું પડે છે. ગ્રામીણ મહિલાઓની સ્થિતિ ખૂબ જ બદતર હોય છે. કારણ કે એમને ખૂબ લાંબું અંતર કાપીને, માથે બેડાં મૂકીને પાણી પ્રાપ્ત કરવું પડતું હોય છે.

આજ દિન સુધી રૂ. ૫૧,૦૦૦ કરોડ સરદાર સરોવર નર્મદા યોજનામાં ખર્ચાઈ ચૂક્યા હોવા છતાં, પાણી હજુ ખેડૂતોના દ્વારા સુધી પહોંચ્યાં નથી. છેલ્લાં ૧૪ વર્ષથી વિકાસની વાતો કરતી ગુજરાત સરકારે નહેરો બાંધી જ નથી, પછી પાણી કેવી રીતે પહોંચી શકે? પ્રશાખાનું કામ ૨૨,૫૭૭ કિ.મી. બાકી છે, ત્યારે સરકાર તેની ઉપર ધ્યાન આપીને સમયસર તેના બાંધકામનું કામ કરવું જોઈએ. આ દ્વારા જ ખેતરોમાં પાણી લઈ જઈ શકાય અને સિંચાઈનું પાણી જગતના તાતને પહોંચાડી શકાય. નહેરો નથી બંધાતી, તેનાં કારણો સરકાર સેવા આપે છેે કે જમીન સંપાદન થતી નથી. રેલવે ક્રૉસિંગ, ગૅસ, ઑઇલ, ટેલિફોન, ઇલેક્ટ્રિક વગેરે વિભાગોની મંજૂરી મળતી નથી, સાથોસાથ જંગલો અને અભ્યારણ્યોમાંથી પસાર થતી નહેરોની મંજૂરી પણ મળતી નથી જેને કારણે પ્રશાખાનું બાંધકામ થઈ શકતું નથી. જ્યારે રાજ્ય અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર છે,  ત્યારે આ બધી જ મંજૂરી તો રાતોરાત મળી શકે તેમ છે, પણ તેમ કરવામાં સરકાર ઊણી ઊતરી છે.

નર્મદાયોજના બનાવવામાં આવી, ત્યારે એવી સ્પષ્ટ સમજૂતી થઈ હતી કે સૌથી પહેલાં સિંચાઈ, ત્યાર બાદ આમજનતાના ઉપયોગ માટે અને છેલ્લે ઉદ્યોગો માટે પાણી આપાવાનંુ હતું, તેને બદલે અત્યારે ઊંધી સાઇકલ ચાલી રહી છે. સૌથી વધુ પાણી ઉદ્યોગો લઈ જાય છે. આંકડાઓ જોઈએ તો નહેરોમાં છોડાયેલ પાણીનો હિસાબ જ મળતો નથી. જો તેનો હિસાબ આપવામાં આવે, તો ખેડૂતોને બદલે ઉદ્યોગપતિઓને પૂરું પાડવામાં આવ્યું હોય છે !

આનો ઉપાય એક જ છે કે નહેરો સૌથી પહેલાં બાંધો, આ લિફ્‌ટ ઇરિગેશન કે પાઇપલાઇન ઇરિગેશન નથી. તે વહેલામાં વહેલી તકે શાસકો સમજે તો સારું, ઉપરાંત પાણીમંડળી ઊભી કરીને અન્ય સહકારી મંડળીની જેમ સામાજિક પ્રક્રિયા પણ કરવી જરૂરી છે.

(લેખક નર્મદા અભિયાનના મંત્રી છે)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 04-05 

Category :- Samantar Gujarat / Samantar