‘અન્નધમ્મ’ યોજનાનો ઐતિહાસિક પ્રારંભ

હરીશ મંગલમ્‌ - ડૉ. રતિલાલ રોહિત
22-06-2017

મોટા સમઢિયાળા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ(ગુજરાત)માં તારીખ ૧૧-૭-૨૦૧૬ના રોજ બનેલા અમાનુષી અત્યાચારે માનવતાની તમામ સીમાઓ ઓળંગી દીધી અને ફરી એક વાર ‘ગાયમાતાની રક્ષા’ના અંચળા હેઠળ હિંદુત્વની માનસિકતાનાં વરવાં દર્શન થયાં. રાજકીય રોટલો શેકતા ગુંડાઓએ બંધારણની ભાવનાનાં જગતચોકમાં ચીંથરાં ઉડાડ્યાં. ત્યારે ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો ઊંઘતા ઝડપાયા. હજારો વર્ષોથી થતાં અન્યાયો, યાતનાઓ, અવહેલનાઓ અને અસ્પૃશ્યતાને લીધે રફેદફે થયેલા સમાજમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો. પ્રતિકારનો પ્રતિઘોષ થયો. પ્રતિકારને દબાવી દેવા હીનકક્ષાના હિંસક પ્રયત્નો થયા, પરંતુ વિરાટ આંદોલનની જ્વાળાઓ પ્રસરી. વર્ચસ્વવાદીઓનાં સમીકરણોમાં હલચલ મચી ગઈ. મૃત પશુઓ નહીં ખેંચી જવાનો વાયરો વીંઝાયો. અસ્વચ્છ ધંધો ત્યજી દેવાનું સ્વાભિમાન-આંદોલન પ્રકટ્યું.

અત્રે યાદ રહે કે, ‘હયાતી’નો સપ્ટેમ્બર, ૨૦૧૬નો અંક ‘સ્વાભિમાન - વિશેષાંક’ તરીકે પ્રગટ કરવામાં આવ્યો હતો. મુખપૃષ્ઠ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરના ચિત્ર સાથે તેમનું અવતરણ છાપ્યું હતું : ‘વર્ણવ્યવસ્થાથી અધિક પતનશીલ બીજી કોઈ વ્યવસ્થા હોઈ શકે નહિ’. આ આંદોલન વધુ વકર્યું. કેટલીક કલેક્ટરકચેરીઓ આગળ મૃત પશુઓનો ખડકલો કરવામાં આવ્યો. ચોખલિયાપણાનો દંભ કરતો સમાજ આ ગંભીર ચૅલેન્જથી ફફડી ઊઠ્યો. કોણે કયો વ્યવસાય કરવો, તેની સ્વતંત્રતા દરેકને છે. બળજબરીથી કશું થોપી ના શકાય. હિંદુ સમાજવ્યવસ્થાએ લાદી  દીધેલી અસ્વચ્છ ધંધાની અમાનુષી, સડી ગયેલી, અવૈજ્ઞાનિક પ્રથાના લીરેલીરા ઊડી ગયા. જનચેતના પ્રસરી. મૃત પશુઓ નહીં ખેંચી જવાના નિર્ણયથી ગામડાંઓમાં વિકટ સ્થિતિ સર્જાઈ, ઠેરઠેર દુર્ગંધ ફેલાઈ. બહુમતીના જોરે અનુસૂચિત જાતિના લોકો પર પુનઃઅત્યાચારો થયા અને બહિષ્કારનું હથિયાર ઉગામ્યું. ભેદભાવ અને ઊંચ-નીચના ખ્યાલોએ પોત પ્રકાશ્યું. મૃત પશુઓ ખેંચી જાઓ તો પણ માર પડે અને મૃત પશુઓ ખેંચી જવાનું બંધ કરો, તો પણ માર!!

સદીઓ સુધી માફ ના થાય તેવા આ ગુનાને ‘વર્લ્ડબુક’માં વિચિત્ર-હીન-અમાનવીય કક્ષામાં સ્થાન મળ્યું છે કે કેમ તેની ખબર નથી! પરંતુ અમાનવિયતાનાં આવાં કારમાં કૃત્યોનો વિશ્વ આખામાં જોટો જડે તેમ નથી. આવા હાલાકીભર્યા સંજોગોમાં સહાયરૂપ થવા માટેના શુભાશયથી ગુજરાતી દલિતસાહિત્ય અકાદમી તરફથી ‘અન્નધમ્મ’ યોજના શરૂ કરવામાં આવી. સમાજજાગૃતિ, સમાજચેતના અને ક્રાંતિકારી પરિવર્તન માટે માત્ર લેખિની પર આધાર રાખી શકાય નહીં. આંબેડકરવાદી સાહિત્યકાર એ માત્ર સાહિત્યકાર નથી, સાહિત્યકાર-કમ-ઍક્ટિવિસ્ટ છે.

જે ગામમાં સ્વેચ્છાએ મૃત પશુ ખેંચી જવાનું બંધ કરવામાં આવે, તેવા તમામ કુટુંબોને સહાયભૂત થવા તેમ જ તાત્કાલિક મનોબળ મજબૂત રહે તે માટે વિના મૂલ્યે અનાજની સહાય પહોંચાડવાનો દૃઢ નિર્ધાર છે, જેથી આ ક્રાંતિકારી આંદોલનમાં જોમ અને જુસ્સો ટકી રહે. આ યોજનાનો વ્યાપ ગુજરાતસ્તરે જ નહી બલકે, રાષ્ટ્રીય લઈ જવાની નેમ છે. આ યોજના પાછળનો બૃહદ્‌ અને મૂળ હેતુ તો અનુસૂચિત સમાજમાં ‘સ્વાભિમાન’ જગવવાનો છે. તદુપરાંત, જ્ઞાતિઓના ભેદવાડા, અસ્પૃશ્યતા, ઊંચ-નીચની બોદી. અવિચારી અને અવૈજ્ઞાનિક પ્રથાનો ભુક્કો બોલાવવાની પ્રચંડ પ્રતિકારશક્તિનો ધસમસતો  ધોધ છે એમાં.

‘અન્નધમ્મ’ યોજનાનો સૌ પ્રથમ ઐતિહાસિક પ્રારંભ ગુજરાતી દલિત - સાહિત્ય અકાદમીના સલાહકાર, સમ્યક્સાહિત્ય-અધ્યાપકસંઘના પ્રમુખ અને મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. રતિલાલ રોહિતના વતન ગામ અભોર, તાલુકા પાદરા, જિલ્લો વડોદરા ખાતેથી તારીખ ૮-૫-૨૦૧૭ના રોજ કરવામાં આવ્યો. ડૉ. રતિલાલ રોહિતની પ્રતિબદ્ધતા અને અડગ મનોબળથી મૃત પશુઓ ખેંચી જવાની લાદી દીધેલી પ્રથાનો વિરોધ કરી સદંતર ત્યાગ કરી દીધો. આ કાર્યક્રમમાં અભોર ગામના વાલ્મીકિ કંચનભાઈ મેલાભાઈએ અસ્વચ્છ ધંધો અને રાત્રે વાળું માગવાની પ્રથાનો વિરોધ કરી સદંતર ત્યાગ કરી દીધો અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની ‘સ્વમાન અને સ્વાભિમાનપૂર્વક’ જિંદગી જીવવાની વિચારધારા અપનાવી. સમગ્ર ભારતના સામાજિક ઇતિહાસમાં આ અપૂર્વ અને વિરલ ઘટના ગણાય. કંચનભાઈ મેલાભાઈને પણ અનાજ વિતરણ કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ લોકોએ હર્ષોલ્લાસથી કંચનભાઈને બિરદાવ્યા. હિંદુ ધર્મપ્રેરિત આ અમાનવીય પરંપરાને ત્યજીને તથાગત ગૌતમ બુદ્ધ અને સંવિધાનનિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને આત્મસાત્‌ કરી પોતાના જીવનમાં અક્ષરસઃ અમલમાં મૂકનાર અભોર ગામના કુલ ૧૭ પરિવારોને આ યોજનાના ભાગ રૂપે ઘઉં, ચોખા અને દાળનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાતી દલિતસાહિત્ય અકાદમીની આ યોજનાના મૂળ અન્વેષક ડૉ. પી.ડી. વાઘેલાસાહેબની ‘પહેલ’ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ.

તારીખ ૮-૫-૨૦૧૭ના રોજ ગામ અભોર મુકામે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભંતે સદાનંદ મહાથેરો (અધ્યક્ષ, ઑલ ઇન્ડિયા ભિખ્ખુસંઘ ) ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના પ્રમુખ પ્રવીણ ગઢવીએ ‘અન્નધમ્મ’ યોજનાની વિસ્તારથી માહિતી આપી હતી. મહામંત્રી હરીશ મંગલમે સામાજિક એકતા પર ભાર મૂકી ગામના અનુસૂચિત જાતિના લોકોને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અપનાવીને સંગઠિત થવાની હાકલ કરી હતી. કોમવાદીઓ તરફથી વધતા જતા અત્યાચારોનો પ્રતિકાર કરવા પ્રેર્યા હતા. જે કુટુંબો આ અમાનવીય પ્રથાનો ત્યાગ કરશે તે સૌને ‘અન્નધમ્મ’- યોજનાનો લાભ આપવાવામાં આવશે, એવી જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં સર્વશ્રી ચંદુ મહેરિયા, અરવિંદ વેગડા, નારાયણભાઈ મકવાણા, પથિક પરમાર, સુનીલ જાદવ, શકીલ કાદરી, ગિરીશ રોહિત, હેમલતા ચૌહાણ સહિત જાણીતા સાહિત્યકારો કર્મશીલો વગેરેએ ઉપસ્થિત રહ્યાં હતાં અને ‘અન્નધમ્મ’ યોજનાને આગળ ધપાવવા, વધુ સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું કવરેજ ‘આવાજ ઇન્ડિયા’ દ્વારા કરવામાં આવ્યું હતું.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2017; પૃ. 15

Category :- Samantar Gujarat / Samantar