વાસ્તવિક્તા

મનીષી જાની
16-05-2017

વાસ્તવિકતા
એટલે વાસ્તવિકતા.
વાસ્તવિકતા નગ્ન હોય છે,
એકદમ.
તમે આંખો બંધ રાખીને
બેસી રહ્યા છો,
એ વાસ્તવિકતા છે.
તમે કહો છો કે
તમારી આંખો દુઃખે છે,
ખુલ્લી આંખો વધુ દુઃખે છે,
બધું ઝાંખું દેખાય છે.
તમે કહો છો એ
તમારે માટે વાસ્તવિકતા છે.
તમારે બજારમાં તો
જવું જ પડશે,
નહીં જાવ, તો
કૂલે લાત મારીને
તમને
ઘરમાંથી બહાર
તગેડી મૂકશે,
એ ય વાસ્તવિકતા છે.
બજારમાં તો
જવું જ પડશે.
બજારમાં
દવાની દુકાને જઈ
તમે
આંખમાં નાંખવાનાં ટીપાં માંગશો
ને
તમારા ખિસ્સામાંથી
બે હજાર રૂપિયાની
ભીની નોટ
આપશો દુકાનદારને
એ ય વાસ્તવિકતા છે.
બધી ય
બે હજારની નોટો
ફક્ત પરસેવાથી જ
ભીની થાય એવું નથી હોતું,
એ ય વાસ્તવિકતા છે.
તમને પેશાબ કરવા
પથારીમાંથી ઊભા
થવાનોય કાંટાળો કંટાળો છે,
એ ય વાસ્તવિકતા છે.
ઠેઠ
હિમાલયમાં આવેલી
આયુર્વેદિક ભારતીય સાંસ્કૃિતક જડીબુટ્ટી
રિસર્ચ લૅબોરેટરીમાં માન્ય થયેલી
દવાનાં ટીપાંની
નાનકડી શીશી
તમારા હાથમાં પકડાવી
તમારાં પૅન્ટનાં તમામ ખિસ્સાઓમાં
બાકીના રૂપિયાના
દસ-દસનાં સિક્કા
ફટાફટ
ખોબલે-ખોબલે
દુકાનદારે
ભરી દીધા,
એ ય વાસ્તવિકતા છે.
બજારમાં
તમે કશું ય બોલી નથી શકતાં
એ ય વાસ્તવિકતા
અને
પૅન્ટને
ઊતરતું
રોકવાના
વાસ્તવિક પ્રયત્નોમાં
તમે ચાલવા માંડો છો ...
તમે
નીચે ઊતરતાં
પૅન્ટને પકડી રાખી ચાલી
શકતાં નથી,
તમારાં ચપ્પલમાં
નીચે ઊતરતાં પૅન્ટની મોરી
અટવાયા કરે છે,
એ ય વાસ્તવિકતા ..
અને
પાસેની દુકાનમાં જઈ
ઊતરતા પૅન્ટને
રોકવા માટેનો,
બાંધવા માટેનો,
બેલ્ટ ખરીદવાની
ને
બેલ્ટ બાંધવાની
તમને હિમ્મત થતી નથી,
એ ય વાસ્તવિકતા ..
તમને ઘરે પહોંચવા સિવાય
કોઈ રસ્તો
નથી દેખાતો,
એ ય વાસ્તવિકતા ! 
ને
વાસ્તવિકતા તો
નગ્ન હોય છે,
તમારી આંખે ઝાંખું
દેખાય છે
અને
ઝાંખી દેખાતી
નગ્નતા
એ ય વાસ્તવિકતા છે.
ઊતરી ગયેલાં પૅન્ટ સાથે
તમે
ઘરે પહોંચશો
એ ય વાસ્તવિકતા!
વાસ્તવિકતા
સ્વીકારવી કે
ન સ્વીકારવી
એ ય
વાસ્તવિકતા
પણ
નગ્ન વાસ્તવિકતા
સ્વીકારી
તમે
આંખો
બંધ રાખશો
એ ય
નગ્ન વાસ્તવિકતા !

૮ મે, ૨૦૧૭   

(ફ્રૅન્ચ પ્રમુખ-ચૂંટણી પરિણામ દિવસ)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 19

Category :- Poetry