દરેક ક્ષેત્રમાં સામાજિક આંદોલનો શરૂ કરવાનો સમય આવ્યો છે

ધવલ મહેતા
15-05-2017

ભારતમાં રાજ્યો અને કેન્દ્રની સરકારો ચૂંટણીમાં લોકપ્રિયતા મેળવવા લોકોને અનેક પ્રકારનાં વચનો આપે છે. મતદારો આ વચનોમાં ભોળવાઈને લોકરંજક નેતાઓને ખોબલે ખોબલે મત આપે છે, પરંતુ સરકારો તેમનાં વચનોનું પાલન નહીં કરતી હોવાથી નિરાશ થાય છે. પાંચ વર્ષ પછી આ જ પ્રક્રિયા રિપીટ થાય છે. તે ઉપરાંત રાજ્યો અને કેન્દ્રિય સરકારો લોભામણાં બજેટ બનાવીને લોકો સમક્ષ રજૂ કરે છે. બજેટમાં ફાળવેલી રકમ હોવા છતાં સરકાર તેનો પૂરેપૂરો ઉપયોગ કરતી નથી અથવા ઘણાં નાણાં ભ્રષ્ટાચારમાં વેડફાઈ જાય છે. આ બંને કારણોસર સમાજમાંથી સરકાર સામે લોકોનો અસંતોષ વધે છે, પંરતુ ન્યાય માટે ક્યાં જવું તે ખબર પડતી નથી. દેશની હજારો સ્વૈચ્છિક સંસ્થાઓ શરૂઆતના જુસ્સા પછી તેમના ધ્યેયોમાં વિચલિત થઈ જાય છે. તેઓએ કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ, પરંતુ સમાજમાંથી નવા લોહીવાળા યુવાનોએ હજારો સામાજિક આંદોલનો શરૂ કરવાં જોઈએ. આ આંદોલનો સેક્યુલર અને પ્રજાતરફી હોવાં જોઈએ. આ આંદોલનો શરૂ કરવા નવાં સંગઠનો જોઈએ. આ સંગઠનો ઊભાં કરવાનું કામ કઠિન નથી અને આ સંગઠનોનું ધ્યેય સ્થાનિક પણ હોઈ શકે છે, દાખલા તરીકે શહેરના કે ગામના કોઈ વિસ્તારમાં પાણી ના મળતું હોય, તો તે માટે સંગઠન થઈ શકે. વીજળી પુરવઠા ના મળતો હોય કે શિક્ષણની સુવિધા અપૂરતી હોય, તો શિક્ષણસુધારણાનાં સંગઠન જોઈએ. સરકારી વિકાસનાં કામોમાં લાંચ લઈને જ લોકોનાં કામ થતાં હોય, તો તેનાં વિરુદ્ધનાં સંગઠનો હોય, સરકારી હૉસ્પિટલમાં તબીબી સારવાર ના મળતી હોય કે તે માટે સાધનો અપૂરતા હોય, તો તે માટે સંગઠન હોય. આપણાં મંદિરો ભક્તો પાસેથી અખૂટ દાન મેળવે છે. તે દાનનો ઉપયોગ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે થાય તે માટેની મંદિરના સ્થાપકોને ફરજ પાડનારી સંસ્થાઓ પણ સ્થાપી શકાય. લોકો, સરકારી રાહતો ભ્રષ્ટાચાર વિના મળે તે માટે પણ હજારો સ્થાનિક સંસ્થાઓ તાલુકે-તાલુકે સ્થાપી શકાય. રેશનિંગની દુકાનેથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગામડે ગામડે સંગઠનો સ્થાપી શકાય. એ માટે શું કરી શકાય ...

એક જ વ્યક્તિની પહેલવૃત્તિ જરૂરી :  આ સંગઠનોની શરૂઆત કોઈ એક સમાજસુધારણાની ધગશ ધરાવતી વ્યક્તિને ઘેરથી થઈ શકે. શરૂઆતમાં સમાન દૃષ્ટિ ધરાવતી પાંચ-છ વ્યક્તિઓ દર અઠવાડિયે કોઈ એક વ્યક્તિને ત્યાં મળે અને સુધારણાના મુદ્દાની કલાક કે બે કલાક ચર્ચા કરે. આ પ્રક્રિયા આઠથી દસ અઠવાડિયાં થાય, ત્યારે એમાં ભાગ લેનાર વ્યક્તિઓમાં બિરાદરી (કોમરેડશિપ) ઊભી થાય છે. આ કોમરેડશિપ જ્ઞાતિ અને ધર્મના વાડાને વટાવી દે છે, અને ભવિષ્યમાં તે સંગઠનનો પાયો બને છે. અહીં  યાદ રહે કે અહીં આપણે જ્ઞાતિ કે ધર્મના હિતોનું સંરક્ષણ કરવાની વાત કરતા નથી, પણ અહીં આપણે શરૂઆતમાં જે લોકોને અનાજ પાણી, વીજળી, શિક્ષણ જેવાં પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય, તેની વાત કરીએ છીએ. આ સંગઠનોને સફળ થવા પ્રથમ બહુ નાના મુદ્દા પર ફોક્સ કરવું પડે. દાખલા તરીકે અમદાવાદના અમુક વિસ્તારોમાં કૅમિકલયુક્ત કેમ પાણી આવે છે અથવા જે આવે છે તે કેમ પૂરું આવતું નથી, અમદાવાદની ખાનગી શાળાઓ કેમ આટલી બધી ઊંચી ફી લે છે, ગામની ભાગોળ કેમ ચોખ્ખી થતી નથી, કૉલેજમાં કેમ આટલા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે છોકરા-છોકરીને કેમ આંતરજ્ઞાતિય લગ્ન કરવા દેવામાં આવતા નથી, સરકાર દરેક ડિસ્ટ્રિક્ટ અને તાલુકામાં પોતાના શિક્ષણ અને સ્વાસ્થ્યનાં લક્ષ્યાંકો કેમ પૂરાં કરતી નથી? અહીં ખાસ અગત્યનો મુદ્દો એ છે કે આ આંદોલનોમાં જેને લાભ થતો હોય, તેવા લાભાર્થીઓએ કરવાની જરૂર નથી. જેને લાભ ના મળતો હોય તેવા લોકોનો આંદોલનોમાં વિશેષ ફાળો જોઈએ. અન્યને લાભ કરતાં સંગઠનો વધુ ચાલે છે. તેઓ વધુ વિશ્વસનીય  હોય છે.

સંગઠનનો મુખ્ય મુદ્દો - મોબિલાઇઝેશન : ભારતમાં સામાજિક આંદોલનોનો યુગ બેસી ગયો છે. ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન કે ૧૯૫૬માં ગુજરાતના અલગ રાજ્ય માટેનું આંદોલન કે અધ્યાપકોને ખાનગી સંચાલકોની ચુંગાલમાંથી મુક્ત કરવાનાં વગેરે આંદોલનો સફળ રહ્યાં છે. નવનિર્માણનું કે ગુજરાતના અલગ રાજ્ય માટેનાં આંદોલનો રાજકીય ગણી શકાય, પરંતુ પર્યાવરણ-સુધારણા, દલિતમુક્તિ, સ્ત્રીમુક્તિ, ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ વગેરેનાં આંદોલનો સામાજિક ગણી શકાય. આંદોલનો શરૂ થાય ત્યારે આપણને એમ જ લાગે છે કે તે કદાપી સફળ નહીં થાય. પરંતુ તેવો નિરાશાવાદ સેવવાની જરૂર નથી. ભૂતકાળમાં ઘણાં સામાજિક આંદોલનો સફળ થયાં છે અને તેની માંગણીઓને કાયદામાં સમાવી લેવામાં આવી છે. દા.ત., દલિતોને ગૌરવ પ્રાપ્ત થાય, સ્ત્રીઓને પુરુષ સમાન હક્કો મળે, પર્યાવરણ શુદ્ધ રહે, બાળકોનું શોષણ ન થાય, અધ્યાપકોનાં ગૌરવ અને પગાર સચવાય - બધા મુદ્દાઓ શરૂમાં તો આંદોલન તરીકે જ ‘આંદોલિત’ થયા હતા અને હવે તે પછી તે અંગેના કાયદાઓ કે ચુસ્ત નિયમો થઈ ગયા છે. માત્ર ભ્રષ્ટાચારવિરોધી આંદોલનો - ભ્રષ્ટાચારવિરોધી કાયદાઓ થયા હોવા છતાં - નિષ્ફળ ગયાં છે. અણ્ણા હજારેનું, જયપ્રકાશ નારાયણનું, કેજરીવાલનું આંદોલન ભ્રષ્ટાચાર વિરોધથી શરૂ થયું હતું. જયપ્રકાશ નારાયણના આંદોલનને પરિણામે ઇન્દિરા ગાંધીએ જવું પડ્યું હતું અને નવનિર્માણના આંદોલનને પરિણામે ચીમનભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેની સત્તા છોડવી પડી, પરંતુ ભ્રષ્ટાચારમાં જ ગયા. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને પરિણામે કેજરીવાલે ‘આપ’ની સરકાર દિલ્હીમાં બનાવી પણ અત્યારે કોઈ નક્કર પરિણામ જણાતું નથી. અમેરિકાના ન્યુયૉર્કમાં એક પર્સન્ટ ધનિકો વિરુદ્ધ ૯૯ ટકા વંચિતોનું આંદોલન શરૂ થયું હતું તે નિષ્ફળ ગયું. ભૂદાનનું આંદોલન સારી રીતે શરૂ થયું, પરંતુ વહીવટી કુશળતાના અભાવે તે બેસી પડ્યું. તે ધર્મપ્રચુર હતું. દાન દ્વારા કોઈ સંપત્તિ ગ્રહણ કરવી તે મુદ્દો ગરીબોને પણ હીણપતભર્યો લાગ્યો. દાન નહીં, ભીખ નહીં, પણ જમીન મેળવવાનો હક્ક ગરીબ લોકોને જોઈતો હતો. ગરીબોને પણ આત્મસન્માન વહાલું છે. જે આંદોલનો માત્ર રાજકીય સત્તા મેળવવા માટે જ થતાં હોય કે રાજ્યકર્તાઓને ઉઠાડી કે ભગાડી મૂકવા સિવાય કોઈ ‘એજન્ડા’ના હોય, તેને આપણે રાજકીય આંદોલન કહીએ છીએ, જ્યારે સમાજના કોઈ પણ દૂષણને કે અન્યાયને દૂર કરવાના આંદોલનને આપણે સામાજિક આંદોલન કહી શકીએ. ભારતમાં પ્રબુદ્ધતા ફેલાવવા આંદોલન કરનાર રાજા રામ મોહનરાય કે ગુજરાતમાંથી વહેમ-અંધશ્રદ્ધા દૂર કરવામાં અગ્રેસર સુરતના નર્મદાશંકર(અને પાંચ દદા)ને સામાજિક આંદોલનના પુરસ્કર્તા કહી શકાય. ધાર્મિક આંદોલનોને સામાજિક કહી શકાય કે નહીં તે ચર્ચાનો વિષય છે, પણ ધર્મ આધારિત અંધશ્રદ્ધા અને પ્રપંચ ફેલાવનારા સાધુસંતોના આંદોલન સામેના પ્રતિઆંદોલનો ચોક્કસ સામાજિક ગણી શકાય. રેશનાલિસ્ટો જાનના જોખમે તે કામ કરે છે, આ આંદોલન ગુજરાતમાં અંધશ્રદ્ધાનો સતત વિરોધ કરે છે. આ સામાજિક આંદોલન હાલમાં પણ ચાલી રહ્યું છે અને ઘણું પ્રસંશાપાત્ર છે. તેમાં ઘણાં રેશનાલિસ્ટ ચિંતકો અને રેશનાલિસ્ટ ઍક્ટિવિસ્ટો અને “વિવેકપંથી”, “નયા માર્ગ”, “વૈશ્વિક માનવવાદ” અને સુરતથી બહાર પડતા “સત્યાન્વેષણ”નો નક્કર ફાળો છે. જે કામ સરકાર કરી શકતી નથી, તે કાળ રેશનાલિસ્ટો કરે છે. કોઈ વ્યક્તિગત લાભ વિના માનવસ્વાતંત્ર્યના ક્ષેત્રમાં ગુજરાતનું પી.યુ.સી.એલ. જબરદસ્ત સારું કામ કરે છે. બધાને સલામ.

આંદોલનની સફળતા :  આંદોલનની સફળતાનો એક આધાર લોકોનું ‘મોબિલાઇઝેશન’ છે. આંદોલન માટે લોકોને એકત્ર કરવા પડે, લોકોને એકત્ર કરીને આંદોલનના હેતુ વિષે તેમને સાદી ભાષામાં સમજણ આપવી પડે. તે માટે ઇન્દુલાલ યાજ્ઞિક કે રતિલાલ દવે કે એસ.આર. ભટ્ટ કે  વડોદરાના હર્ષદ મહેતા કે શાંતારામ સબનીસ જેવા જોરદાર વક્તાઓ જોઈએ જેઓ આંદોલનના વિષયમાં નિષ્ણાતી જ્ઞાન ધરાવતા હોય. યશવંત શુક્લ પ્રખર વક્તા હતા, પણ આંદોલનમાં બૌદ્ધિકો માટેની યશવંતી શૈલી નહીં પણ સનત મહેતા, ઇન્દુલાલ - હરિહર ખંભોળજા - એસ.આર. ભટ્ટ, ઝીણાભાઈ દરજી, ઇન્દુભાઈ જાની જેવા વક્તાઓ જોઈએ. આ બધા વક્તાઓ સ્રોતાઓને ડોલાવી દેવાની તાકાત ધરાવતા હતા કે ધરાવે છે અને સુંદર ભાષાપ્રયોગ સાથે બુદ્ધિપૂર્વકની દલીલો કરી શ્રોતાઓને આંદોલનનો હેતુ સમજાવવામાં સફળ થયા છે. લોકોના મોબિલાઇઝેશન માટે માત્ર સભાઓ ભરવાનું પૂરતું નથી, તેમને વારંવાર સભામાં નેતાઓને સાંભળવાનું મળે તેમ જ આંદોલનનું વિપુલ પ્રચારસાહિત્ય પ્રાપ્ત થાય, તેની પણ આંદોલનકારોએ ગોઠવણ કરવાની છે. સારી રીતે ‘પૅમ્ફ્લેટિયરિંગ’ કરનારો વર્ગ ખાસ જુદો હોય છે, તે પૅમ્ફ્લેટ્‌સમાં દલીલો ઉપરાંત કટાક્ષમય કાર્ટુન અને કટાક્ષમય હાસ્યકવિતાઓનો પણ ઉમેરો કરી જાણે છે. આટલું પૂરતું નથી. સૌથી અગત્યની બાબત માસ મોબિલાઈઝેશન એ વાત ખરી પરંતુ આંદોલનના નેતાઓ અણીશુદ્ધ રીતે આંદોલનને વફાદાર (કમિટેડ) રહેવા જોઈએ. તેમનો હેતુ આંદોલનની સફળતા જ હોવો જોઈએ. પોતાનો સ્વાર્થ બિલકુલ ના જોઈએ. આંદોલનના અનુયાયીઓ મૂર્ખા હોતા નથી. તેમને પ્રામાણિક અને અપ્રામાણિક નેતાનો ભેદ ખબર પડતો હોય છે. તકસાધુઓને તે ઓળખી લે છે. કેજરીવાલ અને તેમનું ગ્રૂપ સરકારમાં ના ગયું હોત, તો તેમની વિશ્વસનીયતા હજુ વધારે હોત, અણ્ણા હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અપ્રત્યક્ષ રીતે સફળ થયું છે. ભ્રષ્ટાચારનો મુદ્દો તમામ રાજકીય પક્ષોની સત્તાપ્રાપ્તિ માટે કેન્દ્રમાં આવી ગયો છે. અત્યારે ગોરક્ષાના નામે થતાં આંદોલનો ‘કાઉન્ટર રિવૉલ્યુશનરી છે. તે સમાજને પાછળ લઈ જાય છે.’

ઑફિસ જરૂરી : આંદોલનને લાંબા સમય સુધી ચલાવવા એક ઑફિસ જોઈએ. ભલે તે ભાંગલી-તૂટલી હોય અને તેના ટેબલ પર ચાના ડાઘા પડ્યા હોય, તો પણ ઑફિસ જોઈએ જ. સાંજ પડે ત્યાં આંદોલનમાં રસ ધરાવનારાઓનું ગ્રૂપ ચાના પ્યાલા પર (ટેબલ પર બીડી બુઝાવવી નહીં) ચર્ચા કરતું અને પ્રોગ્રામ ઘડતું નજરે પડવું જોઈએ. બહારગામના લોકો જેમને આંદોલનમાં રસ હોય, તે પણ નવરા પડે, સાંજે આંદોલનની ઑફિસે આંટો મારી જાય’ તેવું વાતાવરણ ઊભું થવું જોઈએ. આંદોલન માટે પૈસા જરૂરી છે. બહુ પૈસા નહીં, પણ બીજરૂપ, ફાઇનાન્સ તો જોઈએ જ. આ માટે એક ખાસ ટુકડી જોઈએ અને તેનો વ્યવહાર તદ્દન પારદર્શક હોવો જોઈએ. આંદોલન જો સાચું હોય અને તેના નેતાઓ ‘કમિટેડ’ હોય, તો સમાજમાં એટલા બધા પરગજુ લોકો છે કે પૈસાની બહુ ખેંચ ના રહે. આંદોલન લાંબું ચાલે, તો તેની અઠવાડિક કે પખવાડિક કે માસિક પત્રિકા ચલાવવા માટે નાણાકીય સગવડ જોઈએ. યાદ રહે કે પરગજુ લોકો ત્યારે જ પૈસા આપે, જ્યારે આ આંદોલનથી આંદોલનકારીઓને ફાયદો થતો ના હોય. આંદોલન-નેતાઓ - ડિવિઝન ઑફ વર્ક - કામની વહેંચણી ચુસ્ત રીતે કરી તેનું નિયમિત ફોલોઅપ કરવું પડે. સ્વયંસેવકોની ફોજનું ગૌરવ અને માન સાચવાવાં જોઈએ. કારણ કે તેઓ આંદોલન માટેના ફૂટસોલ્જર્સ છે અને આંદોલન માટે નિઃશુલ્ક કામ કરે છે. નેતાએ ટીમવર્ક ઊભું કરવું પડે, પણ સ્વયંસેવકોને તો ખૂબ માન આપવું જોઈએ. જે આંદોલનોથી આંદોલનકારીઓને જ લાભ થતો હોય, તેને આપણે અંગ્રેજીમાં ‘ઇન્ટરનેટ ગ્રુપ્સ’ કે બેનિફિશિયરી ગ્રૂપ કહે છે. ટ્રેડયુનિયનની પ્રવૃત્તિ ઇન્ટરનેટ ગ્રુપમાં આવે.

પ્રતિ આંદોલનો : દરેક આંદોલન સામે પ્રતિ આંદોલન મોટે ભાગે થાય જ છે. નકસલવાદીઓ સામે એક ઝનૂની સલવા-જુડમ જૂથ ઊભું થયું હતું. ગુજરાતમાં નર્મદાબંધની વિરુદ્ધમાં અને તરફેણમાં જૂથો ઊભાં થયાં હતાં. ગુજરાતમાં જડ સરકાર અને ખાનગી સંચાલકોની જોહુકમી સામે અધ્યાપકમંડળ ઊભું થયું હતું, જે તેનાં ઘણાં ધ્યેયોમાં સફળ થયું. તે અધ્યાપકોના ગૌરવ માટે લડતું સંગઠન હતું. હવે તે લગભગ ઓગળી ગયું છે અને માત્ર પરચૂરણ પ્રશ્નો માટે લડે છે. આનું મુખ્ય કારણ એ કે તે ઇન્ટરનેટ ગ્રૂપ હતું અને છે. શોષિત લોકો પોતાના શોષણને દૂર કરવા આંદોલનો કરે તે ભલે ‘ઇન્ટરેસ્ટ ગ્રૂપ્સ’ હોય તોપણ તેમાં કાંઈ ખોટું નથી. દા.ત., સ્ત્રીઓ દ્વારા થતા સ્ત્રીયુક્ત કે દલિતમુક્તિનાં આંદોલનો પ્રોગ્રેસિવ છે.

ઉપસંહાર : એક બિનઇચ્છનીય વાત એ છે કે પ્રગતિશીલ આંદોલનો સફળ થાય છે, તો કેટલીક વાર બિનપ્રગતિશીલ, હિંસક, રિઍક્શન આંદોલનો પણ સફળ થાય છે. સામાજિક આંદોલનો ક્યારે શરૂ થશે અને તે સફળ જશે કે નિષ્ફળ જશે, તે આપણે અગાઉથી કહી શકતા નથી, પરંતુ ભૂતકાળમાં ઘણાં આંદોલનો સફળ થયાં છે. દા.ત., અમેરિકામાં ગુલામી સામેનું આંદોલન સફળ થયું. ગુજરાતમાં નર્મદાના ‘એનલાઇટમેન્ટ’ આંદોલને મોટી જાગૃતિ પ્રજામાં ફેલાવી. ગરીબોનાં આંદોલનો દ્વારા ભારતમાં ગરીબો સામે અનેક કલ્યાણયોજનાઓ શરૂ થઈ છે, તે બધી કાંઈ આંદોલનો વિના થઈ નથી. આંદોલનોના અભ્યાસ અને તેના ડાયનેમિક્સ માટે વધુ સંશોધનો જરૂરી છે. સમાજને બદલવામાં આંદોલનોનો મોટો ફાળો છે. તે પ્રજાના કલ્યાણ માટે ચાલવાં જ જોઈએ. દોઢસો વર્ષો પહલાં ટ્રેડ યુનિયનની સ્થાપના અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં ‘કોન્સ્પિરસી’ (કાવતરું) ગણાતી હતી. આજે ટ્રેડયુનિયન્સ સ્થાપવાનો શ્રમિકોને અધિકાર છે. આંદોલનની સામે પ્રતિ ક્રાંતિકારી આંદોલનો પણ થવાનાં. સિક્યુલારિઝમ સામે ઝનૂની, ધર્મકેન્દ્રી સંગઠનો ઊભાં થવાનાં અને હિંસા ફેલાવવાનાં જ. લગભગ દરેક વ્યક્તિ શરૂઆતમાં એમ માને છે કે આ આંદોલન તો ચાલવાનું જ નથી, પણ તે ખોટો નિરાશાવાદ છે. એક ભય એ છે કે કોઈ પણ હિંસક રિઍક્શનકારી પ્રતિ ક્રાંતિકારી આંદોલનનો (ઇસ્લામિક સ્ટેટ, નિયોનાઝીવાદ, સાલવા-જુડમ, અમેરિકામાં કુક્લક્સકલાન) પણ સફળ થતાં જણાય છે. સમાજ સીધી લાઇનમાં નહીં પણ ઊંચેનીચે જતી ઝિગઝેગ રેખા દ્વારા પ્રગતિ અને કોઈક વાર અવગતિ કરતો રહે છે. માનવસમાજમાં હિટલરો અને મુસોલિનો પાકે છે તો ગાંધીજી પણ જન્મ લે છે.

પરંતુ યાદ રહે કે દરેક સોશિયલી સેન્સિટીવ વ્યક્તિ પહેલવૃત્તિ દ્વારા કોઈ પ્રોગ્રેસિવ બાબત પર લોકોને સંગઠિત કરી આંદોલન શરૂ કરી શકે છે. કહેવાની જરૂર નથી કે તે તદ્દન અહિંસક હોવા જોઈએ, ફેબિયન સોશિયાલિઝમ રેશનાલિઝમ, પીયુસીએલ જેવાં.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 06-07

Category :- Samantar Gujarat / Samantar