એમ. કે. ગાંધીની ઝાંખી

ઉમા ગોહિલ
06-05-2017

મગનલાલભાઈના જીવન વિશે ઘણી ઓછી વિગતો મળે છે, પરંતુ જેટલી પણ મળી છે, તે સચોટ કહી શકાય. આ લેખન મગનલાલભાઈ પર થયેલી કામગીરી તેમ જ ગાંધી આશ્રમના ડાયરેક્ટર ત્રિદીપ સુહૃદની સહાયક માર્ગદર્શક ભૂમિકા તેમ જ અમૃતદાદાને આભારી છે.

− ઉ.ગો.

શ્રાવણ સુદ બીજના દિવસે ગાંધીપરિવારમાં બીજો એક ઝગમગતો તારલો ચમક્યો. ખુશાલચંદ અને દેવકુંવર ગાંધીના પારણે પોઢેલો એમ.કે. ગાંધી. આ તારલાએ મહાત્માને ગગનચુંબી બનાવવામાં ધ્રુવતારક રૂપી યોગદાન આપ્યું.

આ એમ.કે. ગાંધી અર્થાત્ મગનલાલ ખુશાલચંદ ગાંધી. (જન્મઃ ૦૫-૦૮-૧૮૮૩, શ્રાવણ સુદ બીજ • અવસાન : ૨૩-૦૪-૧૯૨૮, વૈશાખ સુદ ત્રીજ) મોહનદાસ કરમચંદ ગાંધીની પ્રતિકૃતિ બની રહીને માત્ર ‘આશ્રમનો પ્રાણ’ બન્યો બલકે સ્વાતંત્ર્યચળવળમાં પણ અનેરું યોગદાન આપ્યું છે.

અઢાર વર્ષના ફૂટડો યુવાને યુવાનીની પગદંડીમાં પ્રથમ ડગ જ માંડ્યું છે. આ તરવરિયાને પૂરી દુનિયા અને પરિવારનાં મન જીતવાની હામ છે, જે ૧૯૦૧માં મૅટ્રિકની પરીક્ષામાં નિષ્ફળ નીવડતાં ફરી ૧૯૦૨ના નવેમ્બરમાં અમદાવાદ મૅટ્રિકની પરીક્ષા પસાર કરી સીધો મુંબઈ પહોંચે છે. ભવિષ્યમાં આગળ શું ધંધો કરવો, તે ચર્ચા અર્થે મુંબઈ જાય છે. એ જ સમય દરમિયાન ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવા અંગેનો સંદેશો મળે છે. મગનલાલ પોતે શું કામ કરશે, તેની હજુ કલ્પના સુધ્ધાં પણ ન હતી, અને અચાનક જ કાકા મોહનદાસ દક્ષિણ આફ્રિકા પોતાની સાથે આવવાનો પ્રસ્તાવ આપતાં કહે છે, “ચાલો મારી સાથે આવતા હો તો લઈ જાઉં.”(પ્રભુદાસ ગાંધી, ‘જીવનનું પરોઢ’) દુનિયાદારી અને વ્યવહારિક જ્ઞાનથી અપરિચિત મગન પિતાજી અને પરિણામ વિશે જણાવતાં કહે છે, “પણ હજુ તો મારું પરીક્ષાનું પરિણામ નથી આવ્યુંને? ‘રિઝલ્ટ’ જાણવાની આતુરતા રહે; બાકી મને આપની સાથે આવવું બહુ ગમે. હું તૈયાર છું. રાજકોટ જઈ આવવા જેટલો વખત છે?” ગાંધીજીએ કહ્યું, “ના. હું ખુશાલભાઈની રજા મંગાવી લઉં છું.” (પ્રભુદાસ ગાંધી, જીવનનું પરોઢ)

આ આખરી શૈક્ષણિક પરીક્ષા જીવનઘડતરની પ્રથમ પરીક્ષા બનતાં કદાચ અહીંથી જ આજ્ઞાંકિત પ્રતિકૃતિ બનવાનો જાણતા-અજાણતા પ્રારંભ પણ થઈ ચૂક્યો હતો. મુંબઈનો કિનારો તા.૧૪-૧૧-૧૯૦૨ના રોજ છોડ્યો. આખરે તા. ૨૫ નવેમ્બર, ૧૯૦૨ના રોજ તેઓ દક્ષિણ આફ્રિકા ગયા, મગનલાલ ગાંધી અને આણંદલાલને પણ સાથે લઈ ગયા. જ્યારે દેશ છોડી વિદેશ ગમન કરી રહ્યા હતા, ત્યારે જ તેમના ચિત્તમાં દરિયાનાં મોજાં માફક ઉત્સાહ અને ઉચાટ પણ ઊછળી રહ્યાં હતાં. તો બીજી તરફ કશું કરી છૂટવાની અને શું કરીશ, તેવા ભરતી-ઓટ રૂપી પ્રશ્નો પણ મૂંઝવી રહ્યા હતા. આખરે ગાંધીજીની છત્રછાયા હેઠળ પોતાના વતનના બીજા છેડાની ભૂમિ અર્થાત્ દક્ષિણ આફ્રિકાના નાનકડા ટોંગાટમાં આવી પહોંચે છે.

અજાણી જગ્યા, અજાણ્યા લોકો, ત્યાંની વિચિત્ર બોલી, અને સાવ અલગ જ રહેણીકરણી વચ્ચે પોતાની પ્રિય પત્ની સંતોક અને પરિવારના સ્મરણો વાગોળતાં આખરે મનને પરિશ્રમમાં પરોવતાં ધંધો જમાવવાનાં સ્વપ્ના સાકાર કરવામાં લાગી જાય છે. ટોંગાટમાં છેલ્લાં ચાર-પાંચ વરસથી પોતાના કુટુંબીજન અભેચંદ ગાંધી  સાથે એ.એ. કંપનીના ભાગીદાર બને છે. જે કંપનીના આ બંને ઉપરાંત કાળાભાઈ અને રેવાશંકરભાઈ મળીને ચાર ભાગીદાર છે. એ.એ. ગાંધી કંપની હેઠળ દિવસો, મહિનાઓ પસાર થવા લાગ્યા. બીજી તરફ પોતાને પણ ધંધામાં સૂઝ બૂઝ સાથે ધંધો જમાવતાં અને ત્યાંના પૂરા પરિવેશનો સંપૂર્ણ ખ્યાલ આવવા લાગ્યો છે. તેવા સંદેશાઓ દ્વારા પરિવારને પણ  ચિંતા ન કરવા જણાવે છે.

સમય જતાં પરિવારના અન્ય સભ્યો, જેમાં પત્ની સંતોક, જ્યેષ્ઠ ભાઈ છગનલાલ, ભાભી કાશીબહેન તેમ જ નાનકડો ભત્રીજો પ્રભુદાસ સાથે પરિવાર ટોંગાટ આવી વસવાટ કરે છે. ગાંધીજીની શાબ્દિક બાદ વૈચારિક છત્રછાયા નીચે દક્ષિણ આફ્રિકામાં ‘ફિનિક્સ’ આશ્રમની સ્થાપના કરવામાં આવે છે. સમયાંતરે સંપૂર્ણ જવાબદારી મગનલાલભાઈના શિરે આવે છે. આમ, આશ્રમનો પ્રાણ બની રહેવાનું બીજ રોપાઈ ચૂક્યું હતું જે અંકુર સાબરમતી આશ્રમમાં કૂંપળ બાદ અંતિમ શ્વાસ સુધી વધસ્તંભ માફક વટવૃક્ષ બની રહે છે.

આમ, વારંવાર આશ્રમની સંપૂર્ણ જવાબદારી નિભાવતાં નિભાવતાં આખરે આશ્રમનો સંપૂર્ણ કારભાર  તેમના પર જ આવી ચૂક્યો. પુસ્તકોનાં વાચન દરમિયાન કઠોર, કર્મનિષ્ઠ, આત્મવિશ્વાસુ આશ્રમ મૅનેજર અને આશ્રમના પ્રાણ તેવી જ છબી મનમસ્તિષ્કમાં કંડારાયેલી હતી. તેઓ પોતે પણ તે વાતનો સ્વીકાર સંતોક ગાંધી પરના એક પત્રમાં કરે છે. એક યુવા વેપારી, જે સ્વદેશ છોડી એક અજાણ્યા પ્રદેશમાં અનેક મુશ્કેલીઓ વેઠ્યા બાદ પણ આત્મવિશ્વાસરૂપી આકાશમાં આકાંક્ષાઓને અંકિત કરતો વેપારક્ષેત્રમાં પ્રથમ ડગ માંડી રહ્યો છે, જે અમુક વર્ષો વિતાવ્યા બાદ વેપારવાણિજ્ય જ નહીં, બલકે જીવનમર્મ પણ સમજવા લાગે છે. વિદેશની ભૂમિ પર કુટુંબથી જોજનો દૂર હોવા છતાં પ્રત્યક્ષતાની પૂર્તિ અર્થે કલમ દ્વારા લાગણીને વાચા આપી પરિવાર સાથે પત્રોના માધ્યમથી સંકળાયેલ રહે છે. એક તરફ વેપારની ચિંતા છે, તો બીજી તરફ પરિવારનો અસહ્ય વિરહ છે.

મગનલાલભાઈ પર લખાયેલા પુસ્તકના વાચન દરમિયાન ઘણાં પ્રકારના પ્રશ્નો સહજ રીતે ઊપજતા હતા, પરંતુ ધીરે-ધીરે વાચનની ગતિ પકડાતા મનમાં ઊઠતા સહજ પ્રશ્નોનો હલ પણ આપમેળે જ મળતો ગયો. અમુક વર્ષોમાં તો તે એક કુશળ વેપારી તરફની આગેકૂચ કરે છે. પત્ની સંતોકને પ્રેમભર્યા પત્રોમાં ‘વહાલી સંતી’ના પ્રિય સંબોધન સાથે રોમાંચિત પત્રો લખતા, તો બીજી તરફ એ જ પ્રાણપ્રિય પત્નીને એવી તે પ્રશ્નોની વણજારમાં કેદ કરતા આશ્ચર્ય સાથે વિચારોની સરવાણીઓ સ્ફુરવા લાગે છે. મિત્ર કનૈયાલાલને મિત્રતાભર્યા પત્રોમાં મૈત્રીની સુવાસ સાથે પત્નીની સાચી માહિતી પણ મેળવવાનો પ્રયત્ન કરે છે. મગનલાલભાઈને મન વિદેશની ભૂમિ પર રહેવું એટલે જિંદગી ખરાબ કરવી. પરિવાર કે દેશનાં સંસ્મરણોની સતામણી જ નથી, બલકે સદંતર તેમને ત્યાં ગમતું જ નથી. કોઈ પત્ર દ્વારા ત્યાં આવવાની ઇચ્છા વ્યક્ત કરે છે, તો તેઓ ઘસીને ના પાડી દે છે. એક પત્રમાં સાતેક વર્ષ વિતાવવાની વાત છે, પરંતુ તેઓ માટે તો એક-એક દિવસ વર્ષ સમાન છે, તેવું લાગી રહ્યું છે. મગનલાલભાઈએ તા.૨૬-૦૨-૧૯૦૪ના રોજ તેમના પિતા ખુશાલદાસ ગાંધી પર લખેલા પત્ર દ્વારા જાણી શકાય છે કે ગાંધીજીને તે સમય દરમિયાન ટ્રાન્સવાલમાં ભારતીયોના હક માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે!

૧૯૨૫ના ઑગસ્ટ માસમાં પટણાથી પોતાની નાની દીકરી રૂખીબહેનને પત્ર દ્વારા પત્રોનું મહત્ત્વ સમજાવતાં મગનલાલભાઈ પોતે જ કહે છે, “હું સાત અંગ્રેજી ભણી ઊતર્યો, ત્યાં સુધી લખવાની ને વિચાર પ્રગટ કરવાની શક્તિ મારામાં જાગી નહોતી. પછી પૂ. બાપુ સાથે દક્ષિણ આફ્રિકા ગયો અને ત્યાં તેમણે બહુ હેતુપૂર્વક કાગળ લખવા માંડ્યા અને દર અઠવાડિયે ટોંગાટથી જોહાનિસબર્ગ મારે તેમને એક કાગળ લખવો એવી આજ્ઞા કરી. તેમના સિવાય મારું કોઈ નહોતું. આથી આજ્ઞાને બરાબર નિખાલસભાવે પાળતાં હર્ષ, શોક, અભિલાષા, મહત્ત્વાકાંક્ષા વગેરે જેવા ઉમળકાઓ મારા બાળકમનમાં ઊઠતા તેવાં હું લાંબા-લાંબા કાગળો દ્વારા તેમને જણાવતો. તેઓ પણ દર અઠવાડિયે પ્રત્યુત્તરમાં દિલાસો, ઉત્સાહ, શિખામણો આપી એકલો નથી એવો આભાસ આપતા. આમ, વાંચનની સલાહ, પુસ્તકોની પત્રો દ્વારા ચર્ચા વગેરે સમય જતાં બાપુનો ભક્ત બની ગયો. અને આ એક જંગલી ઉન્મત્ત જુવાન હતો તેમાંથી વિચાર કરતો અને પોતાની દશાનું તથા આસપાસની દુનિયાની સમજણનું ભાન કરતો તેમણે મને પત્રવ્યવહારથી જ બનાવ્યો.” (આશ્રમનો પ્રાણ, પા.૯૫) આમ, આપણે પણ જાણી શકીએ છીએ કે જીવનઘડતરમાં શૈક્ષણિક પાઠોમાંથી એક પાઠ પત્રો પણ હોઈ શકે છે.

જે આગળ જતાં વણાટશાસ્ત્ર, ચરખાશાસ્ત્ર,  The Taklis Teacher વગેરે પુસ્તકોના પણ સાપ છે.

ખાદીભક્ત, વણાટશાસ્ત્રના તજ્જ્ઞ, કઠોર પારિશ્રમિક, આશ્રમનો પ્રાણ, આશ્રમ વધસ્તંભ આવાં અનેક શિરમોર બિરુદ વચ્ચે એક ખડતલ, આત્મવિશ્વાસથી સજ્જ વિરલ વ્યક્તિ આખરે સૌ કોઈના દિલમાં ધ્રુવ- તારો બની રહી છે. જેઓ ૪૪ વર્ષ, ૮ માસ, ૧૮ દિવસનું આયુ પૂર્ણ કરી ૨૩ એપ્રિલ, ૧૯૨૮ના રોજ વિદાય લે છે.

E-mail : ukgohil222@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 16 અને 15

Category :- Gandhiana