સદ્ગત દિલીપ પડગાંવકર

પ્રકાશ ન. શાહ
16-12-2016

પત્રકાર દિલીપ પડગાંવકર ગયા. બોંતેર વરસનું, હવેના જમાનામાં ભાગ્યે જ પૂર્ણાયુષ કહી શકાય એવું જીવીને ગયા. જો કે એમણે જે તીવ્રતાથી, સઘનતાથી આ વરસોનો હિસાબ આપ્યો તે જોતાં ભરપૂર જીવીને ગયા.

મળવાનું તો મોડેથી, ખાસે મોડેથી થયું, ને તે પણ ગણીને ત્રણચાર વાર. પણ ઘણાબધા રસિક વાચકોની જેમ એમને વણમળ્યે વાંચ્યાચાહ્યાનો તો એક લાંઆઆબો સિલસિલો રહ્યો. હવે તરતમાં પાંચ દાયકા થશે એ વાતને જ્યારે યુવા દિલીપે (હજુ તો સ્નાતકવર્ષોમાં હશે) પૅરિસથી યુવજનોના અજંપાના સુરેખ રિપોર્તાજ વાટે ‘ટાઇમ્સ’ના વાચકોને મોહી લીધા હતા. એ વર્ષોમાં મારા પ્રિય વિદેશવૃત્તાંત લેખકો બે હતા - પ્રાહા વસંત (પ્રાગ સ્પ્રિંગ) સબબ નિર્મલ વર્મા અને યુવજન આંધીઅજંપા સબબ દિલીપ પડગાંવકર.

આગળ ચાલતાં બૅંગકોક-પૅરિસ ખાતેની યુનેસ્કો કામગીરી પછી દેશમાં એ ‘ટાઇમ્સ’ના તંત્રીપદે પહોંચ્યાં અને ગિરિલાલ જૈન પછી, ખાસ કરીને ૧૯૯૨ના દોરમાં એમનું એ પદે કાર્યરત હોવું - કોમવાદની પૂરા કદની રાજકીય વિચારધારાની રાષ્ટ્રીય પ્રતિષ્ઠા વચ્ચે-નિરક્ષીરવિવેકની દૃષ્ટિએ આશ્વસ્તકારી હતું. (તે દિવસોમાં હું ભવન્સમાં પત્રકારત્વના વર્ગો લેતો. મને યાદ છે, કંઈક ચર્ચા નીકળી ત્યારે નોંધપાત્ર તંત્રીલેખ લેખે વર્ગમાં શિલ્પા ભટ્ટે ‘રિપબ્લિક બિર્સ્મ્ચડ’ એ મતલબના મથાળે પડગાંવકરે લખેલું એની જિકર કરી હતી.)

ગિરિલાલને યાદ કર્યા તે સાથે ઉમેરવું જોઈએ કે દિલીપમાં બે સમર્થ પુરોગામી - અદિબ કહેતાં શામલાલ અને ગિરિલાલ-નું અજબ જેવું રસાયણ હતું. શામલાલનો અક્ષરસૃષ્ટિ ને વિચારલોક વિશેનો જે ચાવ અને લગાવ તેમ જ ગિરિલાલની રાજકીય પ્રવાહો વિશેની જે ઝીણી નજર, બેઉ દિલીપ કને હતાં. શામલાલના સહૃદય સંસ્કારનો મારે મતે દિલીપને લાભ એ થયો કે એ ગિરિલાલની પેઠે ગોથું ખાતા બચી ગયા. ફિરોજશાહ મહેતાએ જેની બોરીબંદરનાં ડાહી ફોઈ (ઑલ્ડ લેડી ઑફ વિક્ટોરિયા ટર્મિનસ) તરીકે કલાસિક ઓળખાણ આપી હતી ને ‘ટાઈમ્સ’ની તંત્રી પરંપરા (અલબત્ત, માલિકી ઝોક સાથે) રાજ્યસંસ્થા પરના ભારની રહી છે. એમાં જેમ સાંસ્થાનિક દબાણો તેમ સ્વાતંત્ર્યોત્તર સરકારસંધાનનો હિસ્સો હશે તેમ મજબૂત રાજ્ય વગર લોકશાહી વેરણછેરણ થઈ જાય એવી ધોરણસરની નાગરિક ચિંતાનો પણ હશે. કટોકટી વખતે ગિરિલાલ મ્યાન જેેેેેેેેવા થઈ ગયા અને જેવી તે હળવી થઈ કે ‘નાઉ ઇટ કેન બી ટોલ્ડ’ કહેતાંકને પડમાં પધાર્યા એ અનુભવ પછી ૧૯૯૦-૯૨માં નવા ઓથારદોરમાં તંત્રીપદે દિલીપનું હોવું એક અચ્છો અનુભવ હતો. ક્યારેક રોયવિચારમાં રમેલા મનાતા ગિરિલાલ મજબૂત રાજ્યસંસ્થાની બાલાશ જાણે એમાં કશું ખોટું નહોતું. માત્ર, આ ચિંતા એમને સંઘ પરિવારના રાષ્ટ્રરાજ્યવાદની અનુમોદના સુધી ખેંચી જાય તેને કંઈ નહીં તો પણ ગરબડગોથું તો કહેવું જ જોઈએ. પડગાંવકરે  આવું ગોથું ન ખાધું એ એમનો વિશેષ.

ગિરિલાલ-દિલીપ સંક્રાન્તિ વર્ષોમાં મારે એમને મળવાનું થયું તે ‘ટાઈમ્સ’ના ગુજરાતી આવિષ્કાર સંદર્ભે, ૧૯૯૦માં. તે પૂર્વે, આગલે વરસે અશોકકુમાર જૈન સાથે (એમના નિમંત્રણથી) મુલાકાતને અંતે મેં વિધાયક પ્રતિસાદ નહોતો આપ્યો. દરમ્યાન, સહજ ક્રમે ‘જનસત્તા’ છૂટ્યું અને હું છડો હતો ત્યારે વળી) નિમંત્રણ તાજું થયું (હવે સમીર જૈનનો દોર હતો) અને વાત આગળ વધતાં પડગાંવકરને મળવાનું પણ થયું. હરીશ ખેર અને તુષાર ભટ્ટ બંને ઇચ્છતા હતા કે હું ‘ટાઇમ્સ’માં જોડાઉં. એમને અને દિલીપને મારે વિશે જે પણ વાત થઈ હશે, ભોંય તૈયાર હતી. પણ તે સવારે દિલ્હી દફતરમાં જે વાતો થઈ, અદૂકડા લન્ચ લગી લંબાઈ, એમનાં સ્નાતક (મારાં અસ્નાતક) વર્ષોથી માંડીને જેપી આંદોલન, દલિત સાહિત્ય, નવ્ય સિનેમા ... થયું કે ઠીક જામશે, પણ -

મેં લગભગ તરત જ ‘ટાઇમ્સ’ છોડ્યું ત્યારે પડગાંવકરે કોઈને કહેલું કે શાહ મને મળવા રોકાયા હોત તો મેં એમને સમજાવી લીધા હોત. મેં કહ્યું કે બચાડા જીવ દેશમાં બીજે નંબરે હશે, પણ ‘ટાઇમ્સ’માં નવમા નંબરે છે, એમને કાં પજવું. વસ્તુતઃ રામનાથ ગોયન્કા, જ્યોર્જ વર્ઘીઝ અને પ્રભાષ જોશીથી સેવાયેલ એક્સપ્રેસ સંસ્કાર સામે મને સમજાવું જોઈતું હતું કે ટાઇમ્સ ઉત્તરોત્તર વધુ માલિક છાપ બજારવસ્તુ બની રહ્યું છે અને હવે એને તંત્રીઓની નહીં પણ ‘બ્રાન્ડ મૅનેજર’ની જરૂર હોવાની છે. દેખીતા સમીરાના અંદાજમાં પૂરા કદના તંત્રીની કોઈ ભૂમિકા રહેવાની નહોતી, બાગે બહાર બ્રાન્ડ મૅનેજર તરેહનો નવો અવતાર થવાનો હતો જે! (સુરેન્દ્ર પ્રતાપ સિંહ ‘ટાઇમ્સ’માંથી નીકળી ગયા અને ‘આજ તક’ એ આરંભિક સમાચારબુલેટિનનો જે ચમત્કાર થયો એ માટે આપણે બાળ સમીરના ઋણી રહીશું.)

દિલીપનું ‘ટાઇમ્સ’થી છૂટા થવું, છેટા અને છડા રહેવું (છેવટે વળી ટાઇમ્સ સાથે ‘કન્સલ્ટિંગ એડિટર’ તરીકે હોવું) આ ઘટનાક્રમ દરમ્યાન એક વાર એક-બે મિનિટ માટે મળવાનું થયું તે પછીથી અભયઘાટ તરીકે ઓળખાવાયેલ પરિસરમાં - મોરારજી દેસાઈની અંતિમ યાત્રામાં એ અંગ્રેજી કોમેન્ટેટરો પૈકી હતા, હું ગુજરાતી પૈકી. અમે સહેજસાજ સ્મિતની આપલે કરી ન કરી, ને એમણે કહ્યું - સો વી આર ઓન ધ સેઈમ પ્લેનેટ, નો? (પછીના દસકામાં કદાચ ‘ઑન ધ સેઈમ પેજ’ કહ્યું હોત - ખબર નથી). પણ ૨૦૦૨માં એ જ્યારે એડિટર્સ ગિલ્ડ તરફે આવ્યા ત્યારે સાઇડલાઇન્સમાં થોડી મિનિટ ઠીક આપલે થયાનું સાંભરે છે. એમણે દેશની બંધારણીય સમજૂત પર ભાર મૂક્યો અને કહ્યું કે બંધારણમાં કેટલુંક અર્ધસ્ફુટ લાગે છે તે સાભિપ્રાય છે કેમ કે એમાં રાજકારભારીઓ અને નાગરિક સમાજના વહેવારિયાઓને એક વિધાયક મોકળાશ મળી રહે છે. એમની સાથે થયેલી વાત સંભારું છું ત્યારે સમજાય છે કે રાષ્ટ્રવાદની પ્રજાસૂય વ્યાખ્યા તરફનો મારો (મારા જેવાઓનો) ઝોક ૧૯૯૨/૨૦૦૨ પછી શી વાતે સ્પષ્ટ થવા લાગ્યો હશે. હકીકતમાં મારી સ્મૃિતમાં આ પ્રજાસૂય સંસ્કારના સગડ જવાહરલાલ નેહરુના આઠેક દાયકા પરના એ યાદગાર ભાષણ લગી જાય છે જેમાં એમણે ગ્રામીણ શ્રોતા સમૂહને તમારી આંખના આંસુ તે ભારતમાતાની આંખનાં આંસુ ને તમારા ચહેરા પરનું સ્મિત તે ભારતમાતાનું સ્મિત, એવી પ્રજાપરક વ્યાખ્યાને ધોરણે રાષ્ટ્રવાદની નિરૂપણા કીધી હતી. બેનેડિકટ એન્ડરસન અને માર્થા નૂસબોમ તો પછીથી, હમણે હમણે, વાંચવાનાં બન્યા હશે.

પડગાંવકર અને રાધા કુમારે કાશ્મીર પ્રશ્ને ઇન્ટરલૉક્યુટર તરીકે સેવા આપી, એનુંયે આ ક્ષણે સ્મરણ થાય છે. છેવટનાં વરસો, દોમ દોમ દિલ્લી છાંડી એમણે પુણેનો વિદ્યાવિલાસ-વાસ પસંદ કર્યો તેમાં એમના જીવનનાં વલણોનો પરિચય મળી રહે છે. ચીફ એડિટરથી કન્સલ્ટિંગ એડિટર તરીકેની એમની સંક્રાન્તિ પ્રકારાન્તરે બજારનાં બળો મુક્ત પત્રકારત્વને કઈ હદે ગ્રસી શકે છે એનું એક ચિત્ર આપી રહે છે. એક રીતે, આવું આવું પોસ્ટ ટ્રુથ સોસાઈટીની એ નાંદી ઘટના હતી. દેશમાં ભલે બીજા ક્રમે હોય, ટાઇમ્સમાં તો એ નવમા ક્રમે છે, એવું મેં ક્યારેક કરેલું સ્માર્ટિંગ આ ક્ષણે મ્યાન કરું છું, અને તંત્રી હોવું તે ક્યારેક અધિપતિ હોવું હોઈ શકતું હતું એ યુટોપિયાઈ લાગતા અતીત વાસ્તે બે આંસુ પાડી પડગાંવકરને સફરની સલામ પાઠવું છું.

નવેમ્બર ૨૭, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 15 અને 02

Category :- Profile