SAMANTAR GUJARAT

તેઓ મુંબઈ ઘટનાને કારણે એક રીતે નવેસર કેન્દ્રમાં આવ્યા હતા, અને હવે લાહોર ઘટના સાથે તત્ક્ષણ નવેસર પ્રકાશ્યા છે : અમારો સંકેત અલબત્ત કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમની એ પ્રારંભિક પ્રતિક્રિયા પરત્વે છે કે લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટપટુઓ પર થયેલા આતંકી હુમલા સાથે, આપણે ત્યાં એપ્રિલ ૧૦થી મે ૨૪ના ગાળામાં ઇન્ડિયન પ્રિમિયર લીગનો ક્રિકેટોત્સવ યોજવાનો તો સવાલ જ નથી; કેમકે લોકસભાની ચૂંટણીમાં રોકાયેલ અર્ધલશ્કરી બળો અને બીજાને આ ક્રિકેટપટુઓની સુરક્ષા માટે ફાળવવાનું નથી સહેલું કે નથી સલાહભર્યું.
અને આ વાત ઊંચકાઈ છે પણ એકદમ... કેન્દ્ર સરકારે, કેમકે 'કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે', રાજ્ય સરકારોને પુછાવ્યું છે કે આઈપીએલ મેચો વખતે સલામતી બંદોબસ્ત જાળવવા માટે તમારી અનુકૂળતા અને તૈયારી છે કે કેમ.
કદાચ, પહેલો જ ઉત્તર કોલકાતાથી આવ્યો છે - ૧૩મી મેના દિવસે અમારે ત્યાં મતદાન છે, અને એ જ દિવસે આઈપીએલ મેચ ખેલાવાની છે. બંદોબસ્તની દૃષ્ટિએ અમારે માટે એક જ દિવસે આ બેવડી જવાબદારીઓ નભાવવાનું શક્ય નથી એમ પોલીસ કમિશનર ગૌતમ ચક્રવર્તીએ કહ્યું છે.
દરમ્યાન, માધ્યમોનો એક વગદાર વર્ગ લગભગ વૃંદવાદનની પેઠે મચી પડ્યો છે કે આઈપીએલ મેચો દેશમાં પૂર્વનિર્ધારિત સમયગાળામાં ખેલાવી જ જોઈએ. હિંદી ફિલ્મના હીરોની પેઠે એણે કેન્દ્રસરકારના 'વજૂદ' અને 'ઝમીર' ને લલકાર્યાં છે : ફાટીમુઆઓ, દુનિયાનું છઠ્ઠું મોટું લશ્કર લઈને બેઠા છો અને આટલી જવાબદારી લઈ શકતા નથી? ઢાંકણીમાં પાણી લઈને બૂડી મરો, હાથે કરીને તમારે તમને પોપાભાઈ જાહેર કરવા છે - અ 'ફેઈલ્ડ સ્ટેટ' ઈનડીડ ! ૨૬/૧૧ પછી મુંબઈ જો રાબેતા મુજબનું થઈ શકતું હોય અને 'બિઝનેસ ઍઝ યુઝ્વલ'ને કારણે એનો ને દેશનો સિક્કો પડતો હોય તો એક અમથો આઈપીએલ ઓચ્છવ ન મનાવી શકીએ - તમે તે 'રાજ' છો કે શું છો.
વસ્તુત: આખી ચર્ચા આરંભથી જ આડે પાટે ચડી ગઈ છે અગર ચડાવી દેવાઈ છે. આઈપીએલ ઓચ્છવ સાથે ચોવીસ કલાકની ચેનલો અને અખબારોને જે જાહેર ખબરી તડાકો પડે છે એને કારણે કે અન્યથા પણ તેઓ આટલો શોરબકોર મચાવવામાં મંડી નહીં પડ્યા હોય ને, એવોયે વહેમ પડે છે.
માત્ર, વહેમની જ નહીં, ફાળ અને ફિકરનીયે વાત આ તો છે. કારણ, સાદો હિસાબ છે કે એપ્રિલ અને મે દરમ્યાન ભારતવર્ષ ભાગ્યનિર્ણયના સમરમાં હશે. આવનારા પડકાર દિવસોમાં દેશનું સુકાન કોના અને કેવા હાથોમાં હશે, એનાં લેખાંજોખાં સમેતનો લેખ દેશજનતાએ ત્યારે લખવો રહેશે. એવે વખતે 'બિઝનેસ એઝ યુઝ્વલ'ને નામે અને પોપાભાઈ નહીં પણ બહાદુરખાનજી છીએ એવી તીસમારખાં મુદ્રા ઉપસાવવાની ફિરાકમાં પ્રજામતને સ્પષ્ટ અને સક્રિય થવાનો મોકો નહીં આવતાં ધ્યાન બીજે દોરવાની ચેષ્ટા રૂપ ઓચ્છવવાળી સૂઝે છે. મીડિયા માસ્તરો, તમે કદાચ ચિયરાંગનાઓ સાથે આગોતરા તાલકદમ કે સૂરસરગમ મિલાવવા ઇચ્છતા હશો - પણ લોકો અને લોકસભાની ચૂંટણીનેય તમારે આઈપીએલ ઓચ્છવિયા સારુ કંચની દાવમાં જોતરવાં છે ?
દેશમાં અને માધ્યમોમાં અમે ખરા મુદ્દાઓની ને પૂરા કદની બહસ ઇચ્છીએ છીએ ત્યારે આઈપીએલ ઓચ્છવવાળી વાસ્તે કોરસબદ્ધ મચી પડવું એનો અર્થ સીધોસાદો એ છે કે અણી ટાંકણે લોકમાનસને બેધ્યાન અને બધિર બનાવવાના આયોજનમાં સહભાગી થવું.
મિસ્ટર હોમ મિનિસ્ટર, તમે જે સુરક્ષા બંદોબસ્તની દુહાઈ આપો છો એની બધિર ને બેધ્યાન બનાવતા આયોજન વચ્ચેનો સંબંધ સમજાય છે ?

Category :- Samantar Gujarat / Samantar

વળી ત્રીજો મોરચો ?

પ્રકાશ ન. શાહ

એક સાથે જ, આ બે વાતો બની : ચૂંટણી પંચે મતદાન માટેનું સમયપત્રક જાહેર કર્યું અને સુદૂર બેંગલોરથી દેવે ગૌડાએ પોતે 'વન્સ-અપોન-અ-ટાઇમ' નથી એની ખાતરી આપતા હોય તેંમ હયાતીના પ્રમાણપત્ર રૂપે ત્રીજા મોરચાની જાહેરાત કરી.

ચર્ચાની રીતે, બને કે, આ મુદ્દો જરી ખેંચાયેલો, કંઈક દૂરાકૃષ્ટ લાગે. પણ દેવે ગૌડાએ આપવા ધાર્યું તે હયાતીનું પ્રમાણપત્ર માત્ર નથી. તેઓ રાજકીય જીવન માટે વિધિવત્ પરવાનો આગળ ધરી રહ્યા છે. એક પેરેલલ સંભારું તો મારું કહેવું કદાચ વધુ સ્પષ્ટ થશે. ૧૯૮૯માં દેશે વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર જોઈ હતી ; ૧૯૯૬માં સંયુક્ત મોરચાની દેવે ગૌડા અને ગુજરાલની. મતલબ, જેમ ૧૯૮૯માં અને ૧૯૯૬માં તેમ એક અંતરાલ પછી વળી બાર-તેર વરસે બિનકૉંગ્રેસ-બિનભાજપ વિકલ્પ દિલ્હીને તખતે એક સ્પર્ધક તરીકે ઉભરી શકે છે.

અલબત્ત, પરિસ્થિતિ પ્રવાહી છે અને ચિત્ર તરતમાં પૂરું સ્પષ્ટ થવાનું પણ નથી. દેવે ગૌડા જેની જિકર કરે છે તે મોરચામાં હરાવલ દસ્તા તરીકે બેશક ડાબેરી પક્ષો છે, પણ ૧૯૯૬માં આ મોરચાની વિશેષતા પ્રાદેશિક પક્ષોની ગૂંથણીની હતી. ૧૯૮૯નો વીપી વ્યૂહ સંભારીએ તો એ પ્રક્રિયામાં રાષ્ટ્રીય મોરચો અને સમવાયી મોરચો, એમ બે ઘટકો હતા. દેવે ગૌડા (જનતા-એસ) અને માર્ક્સવાદી પક્ષ તેમજ સામ્યવાદી પક્ષ અત્યારે જે મોરચા વ્યૂહ ભણી જઈ રહ્યા જણાય છે તેવો પ્રયાસ એમ તો તાજેતરના ભૂતકાળમાં પણ થયો હતો. પણ એમાં મુખ્ય બળ પૈકી સમાજવાદી પક્ષે અમેરિકા સાથેની સમજૂતીને મુદ્દે કૉંગ્રેસ સાથે જવું પસંદ કર્યું તે સાથે ડાબેરીઓની મનની મનમાં રહી ગઈ હતી. હવે જોકે તેઓ માયાવતી, ચૂંટણીપરિણામો પછી જોડે હોઈ શકે એવી ગણતરી પર જરૂર મદાર રાખે છે. બેશક તેઓ માયાવતી જોડે હશે, કે માયાવતી એમની જોડે, એ જુદી વાત થઈ !

આમ જે રચના બની રહી છે - કૉંગ્રેસ અને સાથીઓ, ભાજપ અને સાથીઓ તેમજ ડાબેરીઓ અને સાથીઓ - એ દરેકમાં નાના પક્ષો કે પ્રાદેશિક પક્ષો ચૂંટણી પહેલાં કે પછી આઘાપાછી કરશે એ વળી જુદો જ મુદ્દો છે, કેમ કે હાલનો મુકાબલો એમાં દેખીતી અને જરૂર ચર્ચવા લાયક સૈદ્ધાંતિક ભૂમિકા છતાં બહુધા સત્તાના અંકગણિત આસપાસ એક પછી એક દિવસ સાથે વધુ ને વધુ ગંઠાતો ગૂંથાતો જશે.

તેમ છતાં, મહાસંગ્રામના પહેલા પહેલા દિવસોમાં જ એક અવલોકન તો ૧૯૮૯, ૧૯૯૬, ૨૦૦૯ની આ સહોપરિસ્થિતિઓ વચ્ચે રજૂ કરી જ દેવું જોઈએ. ૧૯૮૯નો ઘટનાક્રમ ૧૯૯૬ અને ૨૦૦૯ કરતાં ગુણાત્મકપણે જુદો હતો. વીપી પરિબળ અને એનું પ્રભામંડળ એક લોકઆંદોલન અથવા તો વ્યાપક જનઝુંબેશને આભારી હતાં. ૧૯૯૬નો ઘટનાક્રમ અને ૨૦૦૯નો ઘટનાક્રમ બહુધા અંકગણિત આસપાસનો છે. એમાં એવું કોઈ લોકતત્ત્વ અથવા પ્રજાકીય પરિમાણ નાખી નજરે દેખાતું નથી.

૨૦૦૪ અને ૨૦૦૯ની વચ્ચેનું એક અત્યંત નોંધપાત્ર ચૂંટણીપરિણામ ઉત્તરપ્રદેશમાં માયાવતીના સર્વજનવ્યૂહની બહુજન ફતેહનું હતું. એમાં પણ દલિતશક્તિ ગઠનની મૂળ ચાલના હતી તે બાદ કરતાં નાતજાતના સમીકરણની ફોર્મ્યુલા જ મુખ્ય હતી. એ ખોટું હતું એમ સાગમટે અહીં કહેવાનો ખયાલ નથી, કેમકે રાજકાજની ચાલક વાહિનીઓમાં સમાજના સર્વ વર્ગોનું પ્રતિબિંબ ને પ્રતિનિધિત્વ હોવું તો જોઈએ જ. મંડલ-મંદિર (અને હવે 'વિકાસ')ની મેળવણીથી સત્તા ટકાવી રહેલા નરેન્દ્ર મોદીએ પણ આચાર સંહિતા અમલમાં આવે એના થોડાક જ કલાક પહેલાં જે છ નવા સંસદીય સચિવો જોતર્યા તે પૈકી પાંચ બહોળી રીતે જેને આદિવાસી-ઓબીસી કહીએ એમાંના છે. વિશ્વનાથ પ્રતાપ સિંહ પર ભલે મંડલાસ્ત્ર નિમિત્તે જ્ઞાતિવાદનું તહોમત મુકાતું હોય, નમો એનો પણ કસ કાઢે તો છે જ.

મુદ્દે, નવાં નવાં બળોને છેવાડેથી મધ્ય પ્રવાહમાં લાવવા સારુ સામાજિક ઇજનેરીનો ખયાલ ખોટો નથી. માત્ર, ફૂલે - ગાંધી પરંપરામાં કોઈ સમાજમંથન (સોશિયલ ચર્નિંગ) નથી. એટલે આમૂલ પરિવર્તન કેવળ અંકગણિતમાં સમેટાઈને રહી જાય છે.

મહાસંગ્રામના બીજાં પણ પાસાં, લાંબા અને ટૂંકા ગાળાની રીતે યથા પ્રસંગ જોતાં રહીશું. 

Category :- Samantar Gujarat / Samantar