SAMANTAR GUJARAT

ન ગોધરા, ન અનુગોધરા -

પ્રકાશ ન. શાહ

અને એમાં પણ આ તો વિવેકબૃહસ્પતિ ગુજરાત, નર્મદે ગાઈ 'ઊંચી તુજ સુંદર જાત'

ગોધરા - અનુગોધરા સાતવરસીને કેવી રીતે જોશું વારુ? ઉત્તમ રસ્તો, કદાચ કોઈ દુનિયાડાહ્યા માણસો તમને કહેશે, ગઈ ગુજરી ભૂલી જાઓ. એક રીતે વાત પણ સાચી છે કે વેરઝેર સતત પંપાળ્યાં અને ઉછેર્યાં કરવા તે કોઈનેય માટે સારું નથી. પ્રજા જો જૂનું કશું ભૂલે નહીં તો નવું કશું શીખે પણ ક્યાંથી, કહો જોઉં.

આમ તો, ખરું પૂછો તો, કાયદાએ એનું કામ વેળાસર કર્યું હોત - અથવા, કહો કે કાયદાને કાયદાનું કામ કરવા દેવાયું હોત તો આટલી બધી વિગતો ઉખેળ્યા કરવાની કદાચ જરૂર પણ રહી ન હોત. બેસ્ટ બેકરીનો કેસ ગુજરાત બહાર ચલાવવાની ફરજ પડે અગર તો સાતે વરસે સર્વોચ્ચ અદાલતે નીમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની કામગીરી દરમ્યાન આગળ પડતા અધિકારીઓને કે ચુંટાયેલા હોદ્દેદારોને ફરાર જાહેર કરવાની નોબત આવે એનો અર્થ કંઈ નહીં તોપણ એટલો તો ખરો જ કે અહીં બધું સમુંનમું નથી.

એક પા ભૂલી જવાની વાત અને બીજી પા બધું સમુંનમું નથી તે ઘૂંટવાની વાત, આ બે વાનાં વચ્ચે આંતરવિરોધ નથી શું, એવું પણ કોઈ પૂછી તો શકે. પણ આ પ્રશ્નનો સીધોસાદો ઉત્તર એ છે કે લોકશાહીમાં નાગરિકમાત્રે શાસન સરખું હીંડે એની કાળજી કરવાની હોય છે. એટલે જે સમુંનમું નથી તે ચીંધવાનું, બોલી બતાવવાનું અને સૂઝે તે ઉપાય સૂચવવાનું તેમજ તે માટે લોકદબાણ આણવાનું એ કોઈપણ જાગ્રત લોકતંત્રમાં સૌ નાગરિકો પાસે અપેક્ષિત છે. પણ આ બધી હિલચાલ કાયદાના શાસનને ધોરણે હોય અને એમાં વ્યક્તિગત, વર્ણગત, વર્ગગત, કોમ - અને - સંપ્રદાય - ગત વેરઝેરની ચાલના ન હોય એટલું સમજીને ચાલીએ તો પછી   આંતરવિરોધને સારુ કોઈ ગુંજાશ રહેતી નથી.

બેલાશક, વેરઝેરની વાત નથી; અને ન જ હોવી જોઈએ. પણ ખુન્નસ અને ઝનૂન એક વાત છે, જ્યારે તીવ્રતા ને તાલાવેલી બીજી વાત છે. સાથી નાગરિક હોવાને ધોરણે સંવેદન હોવું અને નાગરિક - નાગરિક વચ્ચે તેમજ સવિશેષ તો નાગરિક અને શાસન વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધ વાસ્તે આગ્રહ હોવો, એ તીવ્રતા અને એ તાલાવેલી તો લોકશાહીનું લૂણ છે.

વીતેલાં સાત વરસના ગુજરાતના રાજકારણ અને જાહેર જીવન પર એક નજર નાખીએ ત્યારે સમજાય છે કે પ્રજાને પક્ષે જો આ તીવ્રતા અને તાલાવેલીનું તો સરકારને પક્ષે એને અંગેની કદરબૂજનું ટાંચું પડેલું છે. એનું કારણ કદાચ એ છે કે એક પ્રજા તરીકે આપણે કંઈક વિભાજિત, કંઈક ધ્રુવીકૃત છીએ. નાતજાતકોમથી ચાતરીને સમસંવેદન અને ન્યાયભાવનાને ધોરણે સમગ્ર સમાજની વાત રહીરહીને છૂટી જાય છે.

જો ભારતીય ઇતિહાસના કોઈ એક પેરેલલને સંભારીને આજના ગુજરાત વિશે વાત કરવી હોય તો તત્કાળ હાથવગું દૃષ્ટાંત કલિંગ ઘટનાનું છે. કલિંગના વિજય પછી સમ્રાટ અશોકને થયું કે અરે આ મેં શો વિનાશ વેર્યો ! એમના શાસનમાં તે સાથે એક ગુણાત્મક પરિવર્તન આવ્યું. ગુજરાતમાં ન તો પ્રજાપક્ષે, ન તો શાસકીય સત્તાપક્ષે, આવો કોઈ કલિંગબોધ વરતાય છે.

વસમું લાગે એવી વાત તો કદાચ એ પણ છે કે અહીં કોઈ કલિંગ ઇફેક્ટ નથી તે બોલી બતાવવાનું ઇતિહાસકર્તવ્ય બીજા કોઈના નહીં અને ગિલના હિસ્સે આવ્યું હતું. કેપીએસ ગિલ એ દિવસોમાં અહીં સુરક્ષા સલાહકાર તરીકે આવ્યા હતા, અને પૂર્વે જેમ રિબરોને તેમ આ કિસ્સામાં એમનેય કંઈક યશ મળ્યો હતો. તેઓ અહીં આવ્યા ત્યારે શરૂઆતના દિવસોમાં એમનું એક અવલોકન એ હતું કે બીજે જ્યાં પણ હું આવી કામગીરીસર ગયો છું ત્યાં મેં જોયું છે કે હિંસ્ર ઉત્પાતના આઠદસવીસ દિવસમાં તો માણસોને લાગવા માંડે છે કે જે પણ થયું, ભૂંડું થયું. અહીં જોઉં છું તો એવો કોઈ ચચરાટ અગર અરેરાટ નથી. એટલું જ નહીં, ગિલ એમની ગુજરાતની કામગીરીમાં 'સફળ' રહી પરત ફરવાના હતા એના આગલા દિવસે એક શુભેચ્છામિલનમાં પણ એમણે અમારી સાથે આ વાત દોહરાવી હતી કે અહીં કોઈ કલિંગબોધ નથી.

જોવાનું એ છે કે આપણને - મને અને તમને - આ એક એવી શખ્સિયત કહી જાય છે જે પોતે ઍન્કાઉન્ટર માર્તંડ લેખે અતિપ્રતિષ્ઠ છે. માનવ અધિકાર ચળવળ સાથે એમનો સંબંધ સદૈવ છત્રીસનો રહ્યો છે. માર બુધું ને કર સીધું, એ શૈલીએ પેશ આવતી ધોકાપંથી પ્રતિભા એ હંમેશ એમનો 'વિશેષ' લેખાયો છે. છતાં, કે પછી કદાચ એથી જ, એમને કલિંગબોધની ચિંતા છે. આ કલિંગબોધ એટલે શું? આપણા સમયમાં તો એની સાદી વ્યાખ્યા હમણાં કહ્યું તેમ એવી અને એટલી જ હોય કે સાથી નાગરિકને  નાતે પરસ્પર સમસંવેદન અનુભવીએ અને નાગરિક તેમજ શાસન વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધ વાસ્તે આગ્રહ સેવીએ.

એરક રીતે, નાગરિક સમાજની કદાચ આ સ્તો ઓળખ અને પરખ છે. નાગરિક - નાગરિક વચ્ચે સહૃદય સમસંવેદનાનું પ્રવર્તન અને શાસનને પક્ષે ન્યાયનું આચરણ. શાસન સરખું હીંડે અને સખણું રહે તે જોવાની ફરજ બેલાશક નાગરિક સમાજની છે. જો આ સમાજ વિભક્ત અને ધ્રુવીકૃત હોય તો તે પોતાની ફરજ નભાવવામાં એટલે અંશે ઓછો ને પાછો પજે એ સાદો હિસાબ છે.

ગોધરા - અનુગોધરા સંદર્ભમાં જેમ શાસન તરીકે તેમ પ્રજા તરીકે આપણે ઊણા ઊતર્યાં છીએ એટલું જો આત્મનિરીક્ષણને ધોરણે સ્વીકારી શકીએ તો ભલે સાત સાત વરસ પછી પણ એ એક મોટી વાત બનશે. આમ તો, જીવવિજ્ઞાનમાં પરંપરાગત સાંભળવા મળતું રહ્યું છે તેમ શરીરના સઘળા કોષ સાતે વરસે નવા થતા હોય છે. જો સભાન જ્ઞાનવિવેક વગરનું , શરીર આમ નવીકરણ સાધી શકતું હોય તો વૈદિક ઉષાનાં ગાનથી માંડી રેનેસાં અને પ્રબોધન પર્વ સરખાં અગ્નિદિવ્યોમાંથી પસાર થઈને તેમ ગઈ સદીમાં આઈન્સ્ટાઈન અને ગાંધી કે ટાગોર સરખાથી સેવાયેલી મનુષ્યજાતિ માટે જરાજીર્ણ સામંતી ઉછેરને વટી જઈ નાગરિક નવરૂપ ધરવું અઘરું ન હોવું જોઈએ - અને એમાં પણ આ તો વિવેકબૃહસ્પતિ ગુજરાત, નર્મદે ગાયા મુજબ ઊંચી તુજ સુંદર જાત.

'જય જય ગરવી ગુજરાત'માં નર્મદે પ્રગટ કરેલો ઉચ્ચ અભિલાષ એ હતો કે સધરા જેસંગ અને અણહિલવાડ પાટણના એ રંગ કરતાં પણ સત્વરે અધિક રંગ થશે. એ હેમચંદ્ર, એ સહસ્રલિંગ, એ સમય, એ લોક, કેવું હશે ! આબાદ કહ્યું હતું કે હેમચંદ્રે કે નદીસરોવર, હર્મ્ય, મહાલય, કશાંથી નહીં એટલું નગર એમાં વસતા લોકોથી રળિયાત બને છે.

સધરા જેસંગથી અધિક રંગ તે શું અને સાત સૈકે નવા બની આવવા જોઈતા પ્રજાકોષ તે શું, એ સમજવાની ચાવી હેમચંદ્રની આ ઉક્તિમાં પડેલી છે. જમાનો બદલાતો ગયો; રાજાશાહી - સામંતશાહી - ઉમરાવશાહીને સ્થાને લોકશાહીની મથામણ ચાલી; કહો કે જૂના પત્તનમાં, પાટણમાં રહેતો જે પટણી હતો તે હવે નાગરિક બનવાના નવપડકારમાં મુકાયો. શું સરકાર કે શું લોક, ૨૦૦૨માં ચુકાયેલો આ ચિરપડકાર નાગરિકતાનો હતો. ત્યારે કોક હિદું હતું તો કોક મુસ્લિમ હતું ; કોક ભાજપી હતું તો કોક કૉંગ્રેસી હતું ; અંગવસ્ત્ર તળે અવસ્ત્ર એવું આ આખું જે રાવણું હતું એમાં નાગરિક શોધ્યો જડતો નહોતો, પણ હવે સાતે વરસે -

Category :- Samantar Gujarat / Samantar

'સ્લમડૉગ મિલિયોને'ર'ની ઑસ્કર ફતેહને ઓબામા ઘટના સાથે સાંકળી, આજે બ્લૅક તો કાલે બ્રાઉન, એવો એક યુગસંકેત વાંચવાની સહજ ચેષ્ટા અહીં થઈ હતી : જોગાનુજોગ જુઓ કે અમેરિકન કૉંગ્રેસ સમક્ષના ઓબામાના અતિમહત્ત્વના સંબોધન બાબતે પ્રતિપક્ષ વતી પ્રતિભાવ આપવાનું ભારતવંશી બૉબી જિંદાલને હિસ્સે આવ્યું છે..... શું કહીશું આને? કાકતાલીય ન્યાય વિશે તો સાંભળવાનું બનતું રહ્યું છે. બને કે આ કાકતાલીય ન્યાય હોય !

અહીં પ્રેસિડેન્ટ ઓબામાની આર્થિક દરખાસ્તો અને ગવર્નર જિંદાલની વળતી ટિપ્પણીઓ તેમજ દરખાસ્તોની કોઈ ગલીકૂંચીમાં નહીં જતાં એટલું જ માત્ર સંભારીશું કે બ્રાઉન જિંદાલ કને પણ પારકાં મૂળકૂળ અને ઘડતરકાળે જિંદગીની જદ્દોજેહદની એવી જ એક દાસ્તાં છે જેવી ઓબામા કને પણ છે. દેખીતી રીતે જ, અમેરિકી લોકશાહીએ જે નવો મિજાજ પ્રગટ કર્યો છે, અને એમાં જે તરેહની નવી સ્વીકૃતિ બનતી આવે છે એ જોતાં હવે ઇતિહાસમાં પાછા જઈ શકાય એમ નથી. ગોરી દુનિયામાં નજરબંધ અમેરિકી વિકલ્પ હવે પુન : સ્વીકૃત નયે બને. ડેમોક્રેટ ઓબામાની સામે રિપબ્લિકન પાર્ટીને પોતીકી ચહેરા ખોજમાં જિંદાલનું જડી રહેવું તે આમ એક ઇતિહાસતકાજો છે.

અલબત્ત, આ પ્રકારના ઘટનાક્રમમાં અને અભિગમવ્યૂહમાં જે બધું મળી આવતું, બની આવતું, ઊભરી રહેતું હોય છે એમાં વાસ્તવિક કેટલું ને મનોવૈજ્ઞાનિક કેટલું એ એક સવાલ રહેતો હોય છે અને રહેશે. 'રિયલ' અને 'વર્ચ્યુઅલ' વચ્ચેની એક મારામારી કે વાસ્તવને મુકાબલે મનોવાસ્તવથી રોડવવાની તૈયારી બલકે સગવડ મનુષ્યજાતિ હર જમાને શોધતી હશે, પણ હજાર નૂર મીડિયાના આ ટેકનોટ્રૉનિક કાળખંડમાં વણભોગવ્યાં લગ્ને આજીવન સુહાગરાત શી અનુભૂતિ કદાચ દુર્નિવાર બની રહી છે.

હિંદુસ્તાન, એની ગરીબી, એની ઝોંપડપટ્ટી, એની સાથે એ સરેરાશ નાગરિક તરીકે આપણે સીધા જોડાઈ શકતા નથી. આપણા વિમર્શમાં, વૃદ્ધિ દર લટકા કરે વૃદ્ધિ દર સામે - ના માહોલમાં, ગરીબ ને ગરીબી શોધ્યાં જડતાં નથી. 'સ્લમડૉગ મિલિયોને'ર'ની કૂમકે ને કૃપાએ આપણને એનો વાયા વાયા સાક્ષાત્કાર થાય છે, અને એના નાયકનું સહસા કરોડપતિ થવું તે કેમ જાણે મોક્ષસુખ આપનારું બની રહે છે.... શય્યાસુખ મળતાં મળશે, પણ સમણાંનું સુખ એ તો આપણું અને આપણું જ છે ને.

'ફીલગુડ ફીલિંગ'થી 'એચીવિંગ ઇન્ડિયા' કેટલે? 'સ્લમડૉગ મિલિયોને'ર' જુઓ  એટલે. 

Category :- Samantar Gujarat / Samantar