SAMANTAR GUJARAT

વતન કી ખાક મેં મિટ જાને કો જી કરે / સિંધુ ઔ બ્રહ્મપુત્રમેં ઘુલ જાને કો જી કરે

વિમલાતાઈ ગયાં. છયાસી વરસનું પૂણાર્યુષ, ક્ષણેક્ષણમાં જીવન ભરીને એમણે જીવી જાણ્યું અને સત્યાસીમે વરસે ધુળેટીને દિવસે હિમાલયજૂના આબુજીની ગોદમાં એ અનંતમાં લય પામ્યાં. શરીર સહજક્રમે સંકેલાતું આવતું હતું. હજુ નવેમ્બરમાં ‘ચેતના’ની વૈજ્ઞાનિક ગવેષણાના ઉપક્રમ સાથે એમના સૂચનથી દેશપરદેશના મિત્રો આબુમાં મળ્યા ત્યારે પણ એમને સારુ એમાં પ્રત્યક્ષ ભળવું શકય નહોતું. અંતેવાસીઓને સમજાવા લાગ્યું હતું કે તરતના મહિનાઓમાં, કહો કે શિવરાત્રિ- રામનવમીના અરસામાં તાઈ દેહ મૂકશે, અને ધુળેટીએ તો...

કેવી રીતે ઓળખાવીશું વિમલાતાઈને? ભાઈ, વિમલાતાઈ એટલે વિમલાતાઈ. આપણી સગવડ માટે વિશેષણો તો પ્રયોજી શકીએ. વિદૂષી કહીએ, જીવનસાધક કહીએ,મરમી ચિંતકથી માંડીને ભૂદાનકાળનાં ઝંઝાવાતી ઝુંબેશકાર સહિતની ઓળખો પ્રયોજીએ. પણ આ એકોએક શબ્દને અને વિશેષણને ખુદને ઓળખાવે એવાં એ હતાં. માટે કહ્યું કે વિમલાતાઈ એટલે વિમલાતાઈ.

નાનપણમાં મિત્રો સાથે મળીને વિવેકાનંદ મંડળ જેવી પ્રવૃત્તિઓ ચલાવતી આ મેધાવી છોકરીના રંગઢંગ એવા બિનદુનિયાદારી હતા કે કોઈ કુટુંબીજનોના કહ્યાથી એ કોઈ મનોરોગી તો નથી ને એવી દાકતરી તપાસ કરાવાયાનુંયે સાંભળ્યું છે. હતીયે ફાંટાબાજ. આંતરકોલેજ વકતૃત્વ સ્પર્ધામાં છોકરીને નહીં મોકલવાનો વણલખ્યો નિયમ ચાલ્યો આવતો હતો એના વિરોધમાં કોલેજ છોડી દીધેલી! રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ અને સર્વોદયચિંતક દાદા ધર્માધિકારી બેઉ સાથેનો નિકટનાતો, દરમિયાન, એના ભાવજગતનું ઘડતર જરૂર કરતો રાો હશે. પણ કુમારી વિમલા ઠકાર એકદમ ઊંચકાયાં અને પોંખાયાં તે ૧૯૫૧-૫૨ આસપાસ. ફિલસૂફીમાં એમ.એ. થયેલાં અને વર્લ્ડ એસેમ્બલી ઓફ યૂથ (વે) પ્રકારનાં આયોજનોમાં ભાગ લેવા પરદેશ ગયાં ત્યારે એવા કોઈક પ્રસંગે વિજયાલક્ષ્મી પંડિતની નજરમાં એવાં વસી ગયાં કે એમણે ભાઈને (જવાહરલાલ નેહરુને) તાર કર્યો: આ તરુણીને ઝડપી લેવા જેવી છે!

જોકે દેશના ઘટનાક્રમ બાબતે દાદા ધર્માધિકારી સાથેના પત્રવ્યવહારથી વાકેફ વિમલાને ભૂદાન આંદોલનનાં ખેંચાણ હતાં. ઝંઝાવાતી ઝુંબેશનાં એ વર્ષોમાં વિમલા જયપ્રકાશનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર તરીકે, સ્વતંત્ર વકતા તરીકે, નશામાં ધૂત જમીનદારને ‘ભાઈ’ના સંબોધને જીતી લઈ ભૂદાન મેળવનાર તરીકે એમ અનેકધા ઝળકયાં. પણ મોટી વાત જે બની તે ચાલુ પદયાત્રાએ ભારતની સમસ્યાઓ અને વિશ્વની વિચારધારાઓના અભ્યાસની. ધર્માધિકારીએ, જયપ્રકાશે, અરયુત પટવર્ધને બનાવેલી પુસ્ત સૂચિને અનુસરતાં વિમલા એમને જાગતા સવાલોના જવાબ વિનોબાજીથી માંડીને આ ત્રણે ઉપરાંત ક્રિવાલાણી, લોહિયા, કાલેલકર પાસે મેળવતાં ગયાં અને એમ આંદોલન યુનિવર્સિટીના નિંભાડામાં પાકતાં ચાલ્યાં.

પણ સમાજવિજ્ઞાની અને જીવનશોધકને નાતે ભરભૂદાનેય એમને એક અજંપો હતો કે લેનાર અને આપનાર બેઉ ‘દાન’ની માનસિકતામાં જીવે છે. શંકરાચાર્યે ભલે (દાદા અને વિનોબા ટાંકતા તેમ) દાનને સંવિભાગ કહ્યું હોય, પણ આ પ્રક્રિયામાં બેઉ પક્ષે કોઈ ચિતવૃત્તિનું પરિવર્તન (માલિકીભાવનું વિસર્જન) માલૂમ પડતું નથી.

એક રીતે, જો જરીક છૂટ લઈને પેરેલલ દોરવો હોય તો શ્રીમન નથુરામ શર્માની પાટે આવી શકત એવા પ્રસાદજી (નૃસિંહપ્રસાદ કહેતાં નાનાભાઈ ભટ્ટ) જેવો આ એક કિસ્સો હોઈ શકત, કે પછી જગદગુરુ જાહેર થવાને મામલે અણી ટાંકણે ‘ઓર્ડર ઓફ ધ સ્ટાર’ વિખેરી નાખતા જે. કૃષ્ણભૂર્તિ જેવી પણ આ એક સંભાવના હોઈ શકતી હતી: વિમલાજીની વિશેષતા એ રહી કે ભૂદાનથી હટવાની મંથનપળોમાં એમને (અલબત્ત, પોતાની ગુંજાશે કરીને) કૃષ્ણમૂર્તિના સાંનિઘ્ય ને સેવનની કુમક ખાસી રહી, પણ તે સીધાં ન સંકળાયાં હોય ત્યારે પણ પ્રત્યક્ષ કર્મક્ષેત્ર સાથે આજીવન રહ્યાં. હમણાં જેમ છૂટ લીધી તેમ થોડી વધુ છૂટ લઈને કદાચ એમ પણ કહી શકીએ કે જયપ્રકાશ અને કૃષ્ણમૂર્તિની વચમાં (પોતીકી વિશેષતાઓ સાથે) કયાંક એમનું સંતુલન બની આવ્યું. નિ:શંક વિમલોપમ એવું એ સંતુલન હતું. ભૂદાનથી દેખીતાં હટયાં ત્યારે એમણે આંદોલનના મિત્રોને જે પત્ર લખેલો, જરા જુદી રીતે એનો મહિમા એવો ને એટલો છે જેવો ને જેટલો સર્વોદય આંદોલન સાથે સંકળાતાં જયપ્રકાશે સમાજવાદી સાથીઓને લખેલા પત્રનો છે.
આબુ-ડલહાઉસી વાસ અને વિશ્વપ્રવાસનાં આ વર્ષોજીવનનિષ્ઠ અઘ્યાત્મ અગર અઘ્યાત્મનિષ્ઠર જીવનની રીતે તેમ શિબિરો ને સંવાદોના દોર વચ્ચે જાહેર જીવન સાથે (એમાં સીધાં ન પડયાં હોય ત્યારે પણ) સાર્થક સંધાનનાં રહ્યાં. એમને એટલું અવશ્ય સમજાઈ રહ્યું હોવું જોઈએ કે ગંગાસતી ને પાનબાઈએ ‘નહીં વરણ, નહીં વેશ’નો ને એવાં ‘નવલા દેશ’નો સાક્ષાત્કાર મનોમય જગતમાં કર્યે નભી ગયું હશે, પણ ગાંધી પછીની દુનિયામાં આ સાક્ષાત્કાર પ્રત્યક્ષ સમાજજીવનમાં કરવો રહે છે. કટોકટી સામેના લોકસંઘર્ષમાં પોતાની રીતે સહભાગિતા, જેપી જનતા પર્વ ઓલવાતું લાગ્યું ત્યારે ‘આપે (જેપીએ) ચેતાવેલી મશાલને બુઝાવા નહીં દઈએ’ની ભૂમિકાએથી લોકજાગૃતિ- લોકશકિત અભિયાનો, ધર્મસંપ્રદાયવાદથી મુકત એવી આઘ્યાત્મિક લોકશાહીનું એમનું અધિષ્ઠાન, સાંકડા ખયાલોથી મુકત નવી દુનિયા માટેની મથામણમાં આસામના છાત્ર આંદોલનથી માંડીને વાલેસાના સોલિડારિટી આંદોલન તેમ ગ્રીન મૂવમેન્ટના મિત્રો સાથે દિલી આપલે, ગુજરાત બિરાદરી થકી નિસબત ધરાવતા નાગરિકો પેદા કરવાનો પ્રયાસ, યુનાઇટેડ નેશન્સને સ્થાને યુનાઇટેડ પીપલ્સની પરિકલ્પના, દક્ષિણ એશિયાઈ બિરાદરી... શું સંભારવું ને શું ભૂલવું. કહ્યું ને તાઈ એટલે તાઈ.

Category :- Samantar Gujarat / Samantar

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ જો પાટણની પીડિતાને - મેઘાણીની ચારણ કન્યાની યાદ અપાવે એમ સડેલા શિક્ષણસમાજ સામે કાનૂનની કડિયાળી સાથે ફરી વળેલી પીડિતાને - સલામ કરવાનું બન્યું હતું તો બરાબર મહિલા દિવસે જ, ઘડી બે ઘડી કે એકાદ દિવસ પૂરતી 'મુક્ત' બનેલી ઇરોમ શર્મિલાને સલામ પાઠવવાનો ખયાલ છે.

સાતમી માર્ચે છૂટેલી અને નવમી માર્ચે વળી પકડાયેલી (પાલીસદાર પોલીસ ભાષામાં 'પ્રોટેક્ટિવ કસ્ટડી'માં લેવાયેલી) આ મણિપુરી કન્યાનો ઉપવાસ-સિલસિલો સાત કરતાં વધુ વરસથી જારી છે. એનો આ પ્રતિકાર મણિપુરમાં વિવાદાસ્પદ આર્મ્ડ ફોર્સિઝ (સ્પેશિયલ પાવર્સ) ઍક્ટ અન્વયે અઘોષિત કટોકટીરાજ સરખી મનમુરાદ સત્તા સામે છે. આ કાયદાને ધોરણે લશ્કરને અપાયેલ અધિકારનો કોઈ સુમાર નથી. વગર વૉરન્ટે અટકાયતથી માંડીને સહેજ અમથી શંકા પડી કે શુટ લગીનાં વાનાંની સોઈ (બલકે પરવાનો) એમાં છે.

આસામ રાઈફલ્સે આ જોગવાઈ બાબતે કેવી અમાનવીય મનમાની ચલાવી હશે એનો અંદાજ જુલાઈ ૨૦૦૪માં મણિપુરની મહિલાઓએ યોજેલા એક ઐતિહાસિક વિરોધ નિદર્શનથી મળી રહે છે. બાર જેટલી મણિપુરી મહિલાઓ ત્યારે આસામ રાઈફલ્સના મથક સમક્ષ નિર્વસ્ત્ર થઈને 'રેઈપ અસ' ('અમારા પર બળાત્કાર ગુજારો')ના બૅનર સાથે ઊભી રહી ગઈ હતી. મનોરમા નામની એક તરુણીને આસામ રાઈફલ્સના જવાનોએ હવસથી ચૂંથી કાઢી મારી નાખી, તેની સામેનો એ વિરોધ દેખાવ હતો.

આ બાર નિર્વસ્ત્રાઓ પૈકીની એક, ઈમા આજે કેટલોયે માર ખમી ઘોડીથી ચાલે છે; પણ લડતને ઘોડેથી ઊતરવાનું અઠ્ઠાવન વરસની આ ઈમાને બહાલ નથી. 'મણિપુર આખું અંદેશા અને અજંપાની જિંદગી બસર કરતું હોય ત્યારે હું કેવી રીતે જંપીને બેસી શકું?' એ કહે છે. આજકાલ ઈમાની ઝુંબેશ મણિપુરમાં છેલ્લાં વરસોમાં નકલી ઍન્કાઉન્ટરોએ જે ઉપાડો લીધો છે એની સામે છે. મારો તો એકોએક દિવસ, મહિલા દિવસ, ઈમા કહે છે.

વાતની શરૂઆત આપણે ઈરોમ શર્મિલાથી કરી હતી. ૨૦૦૦ની સાલમાં બીજી નવેમ્બરે આસામ રાઈફલ્સે કેટલાંક નિર્દોષ માણસોને બસ એમ જ ઢાળી દીધાં હતાં, 'શંકા પરથી શુટ' ને ધોરણે 'મુલ્કી સત્તાને સહાયરૂપ થવા' સ્તો. એ દિવસે ગુરુવાર હતો. શર્મિલા બચપણથી ગુરુવાર કરતી ને ખાવામાં અણોજો પાળતી. નિર્દોષ માણસોની કતલે એને મૂળસોતી હચમચાવી મેલી, અને ગુરુવાર અનંત બની ગયો. લાંબી ભૂખ હડતાળ અને વળી પોલીસ ધારા પરાણે પ્રાશન (ફોર્સ ફીડિંગ), આ એની નિરંતર નિયતિ એ પછી રહી છે. વચમાં પાંચેક મહિના માટે એને દિલ્હી રખાઈ હતી. હમણાં સાતમી માર્ચે એને છોડી તો છૂટતાં વેંત એનો પહેલો ઉદ્ગાર હતો, જંગ જારી છે. ઉપવાસ ચાલુ રહેશે. વળી નવમી માર્ચે એને 'પ્રોટેક્ટિવ કસ્ટડી'માં લેવાઈ છે.

શર્મિલાને ઉમેદ છે કે ક્યારેક તો એનાં આ બેમુદત અનશન સત્તાવાળાઓના અંતરાત્માને ઢંઢોળશે, કે છેવટે દેશબાંધવોને એ હદે હલાવશે કે તેઓ બગાવત પોકારશે. ભારત સરકારે ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઑન સિવિલ ઍન્ડ પોલિટિકલ રાઈટ્સ (ઈસીઓસીએપીઆર - નાગરિક અને રાજકીય અધિકારોની આંતરરાષ્ટ્રીય સમજૂતી) પર દસ્તખત કર્યા હોઈ વિશ્વમતની સક્રિયતાની પણ એને આશા છે.

વિશ્વભરમાં આર્મ્ડ ફોર્સિઝ (સ્પેશિયલ પાવર્સ) ઍક્ટ પ્રકારના કાયદાઓના અમલનો જે અભ્યાસ થયો છે એનું તારણ એ છે કે વિભિન્ન પ્રદેશોમાં હિંસ્ર ઉઠાવ (ઇન્સર્જન્સી) અને અતિઅલ્પ વિકાસ (અંડરડેવલપમેન્ટ) વચ્ચે નાભિસમ્બન્ધ રહેલો છે, અને આ ઉઠાવ સાથે કામ લેતી વખતે આમ જનતા જોડે જે મનમુરાદ બળપ્રયોગ થાય છે એથી લોકો શાસન અને શાસનપ્રથાથી ઓર વિમુખ બને છે. (મુક્ત ચૂંટણી સાથે કંઈક આશ્વસ્ત બનેલ જમ્મુ-કાશ્મીરમાં એ એફએસપીએ ના અમલને હળવો કરવાની સત્તાવાર વિચારણાના નિર્દેશો આ નોંધ લખાઈ રહી છે એ કલાકોમાં જ મળી રહ્યા છે એ બીના સૂચક એટલી જ સ્વાગતાર્હ છે.)

આપણે ત્યાં ૧૯૫૮માં સંસદે આ કાયદો પસાર કર્યો ત્યારે ચર્ચામાં ભાગ લેતાં સભ્યોએ આ કાયદાને કારણે બંધારણની કલમ ૩૨ (૧) નો છેદ ઊડી જાય છે તેની તરફ ધ્યાન દોર્યું હતું. ૩૨ (૧) અદાલતનાં દ્વાર ખટખટાવવાનો અધિકાર આપે છે, જે આ કાયદાથી હણાય છે. બંધારણ સભાની ચર્ચા દરમ્યાન આંબેડકરે કહ્યું હતું કે મારે કોઈ એક જ કલમ બંધારણના હાર્દરૂપ ગુણાવવાની હોય તો હું ૩૨ (૧)નું નામ સર્વપ્રથમ લઉં, કેમકે નાગરિકને માટે ન્યાય મેળવવાનું એ સિંહદ્વાર છે.

અનશને કરીને બરડ હાડકાની થઈ ગયેલી, પણ હાડની નક્કુર શર્મિલાનો સાદ અને આ પ્રકારના જુલમી ('એન્ટિ-ટેરર' !?) કાયદાઓનું દુર્દૈવ વાસ્તવ બેઉ આપણી સમજ અને સક્રિયતાનાં દ્વાર ખટખટાવી રહ્યાં છે.

Category :- Samantar Gujarat / Samantar