SAMANTAR GUJARAT

કેટલાક નાના પક્ષોના કે અપક્ષ ઉમેદવારો મૂળભૂત રીતે તો કર્મશીલો હોય છે

તાજેતરમાં અસોસિએશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ (એ.ડી.આર.) નામના નાગરિક મંચે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોનાં શિક્ષણ, આવક અને ગુનેગારીની માહિતી બહાર પાડી છે. આવી માહિતી સંઘર્ષ, નવરચના અને પ્રામાણિકતાનાં કાર્યો કરનાર ઉમેદવારો અંગે આપવામાં આવે તો તે મતદાનની તરેહ પર જુદા પ્રકારે અસર પાડી શકે. એ વિશ્લેષણ પરથી એવું પણ ધ્યાનમાં આવવાની સંભાવના છે કે સંઘર્ષ અને નવરચનાનાં કામ મોટાં પક્ષોના ઉમેદવારો કરતાં નાના, ઓછા જાણીતા પક્ષોના કે અપક્ષ ઉમેદવારોએ કર્યાં છે. તેમના માટે લોક-ઉમેદવાર એવો શબ્દ વાપરી શકાય. આવા ઉમેદવારો પાસે પૈસા નહીંવત હોય છે, કાર્યકર્તાઓ ઓછા હોય છે. લાંબા સમયથી તેઓ કર્મશીલતામાં ડૂબેલા હોય છે, પણ તેમનાં નામે ય મતદારોએ સાંભળ્યા નથી હોતાં.

આવાં એક ઉમેદવાર છે તે મીનાક્ષી જોશી. તે અમદાવાદના એલિસબ્રિજ મતવિસ્તારમાંથી સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયા-કમ્યુિનસ્ટ(એસ.યુ.સી.આઈ.-સી.)નામના પક્ષના ઉમેદવાર છે. રાજ્યશાસ્ત્રનાં ગ્રૅજ્યુએટ મીનાક્ષીબહેન ગુજરાત યુનિવર્સિટીની માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુિનકેશનની પદવી માટેની પહેલી બૅચમાં ભણેલાં છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પબ્લિક રિલેશન ઑફિસર તરીકે ગુજરાતમાં અને તેમાં ય કચ્છમાં ખાસ ઘૂમેલાં મીનાક્ષીબહેન તેમના પગારનો અરધો હિસ્સો પક્ષને આપતાં. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તે હવે પક્ષનાં પૂરાં સમયના કાર્યકર છે. તાજેતરમાં મહિલાઓ પરના અત્યાચારના નલિયા કાંડ અને તે પૂર્વે નિર્ભયાકાંડ તેમ જ પાટણકાંડમાં વિરોધ અને ઝડપી ન્યાયની માગણી માટે તન-મન-ધનથી લડતાં રહેનારમાં મીનાક્ષીબહેન મોખરે હતાં. જાહેર જીવનની દરેક હિલચાલ પર ચોંપ રાખીને અને આમ આદમીને  કેન્દ્રમાં રાખીને અભ્યાસપૂર્ણ રીતે જાહેર પ્રતિક્રિયા આપવી કે જગવવી એ મીનાક્ષીબહેનની ખાસિયત છે. તેની અભિવ્યક્તિ અલગ અલગ  કામોમાં મળે છે. જેમ કે, મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસીની ૨૦૦૨નાં રમખાણોના પીડિતો માટેની ન્યાયની લડતથી લઈને તેની દર ગુરુવારની બેઠકો સુધીના અનેક ઉપક્રમો; પક્ષના  મહિલા સંગઠનનાં ધરણાં-દેખાવો, તેની વિદ્યાર્થી પાંખની ચળવળો કે પછી કલ્ચરલ એજ્યુકેશન ફોરમના કાર્યક્રમો. ગવર્નન્સ, પૉલિટીક્સ, પબ્લિક અ‍ૅડમિનિસ્ટ્રેશન, સંસદીય રાજકારણને લગતી વિવિધ બાબતોના તેઓ નિષ્ણાત છે. મીનાક્ષીબહેન અખબારો સહિતના માધ્યમોના નિરીક્ષક, સહિત્ય ઉપરાંત પણ અનેક વિષયોના વાચક અને દેશકાળના બહુવિધ પાસાંના અભ્યાસી છે. તેમની રજૂઆત હંમેશાં ઊંડાણવાળી છતાં સામાન્ય માણસને સમજાય તેવી રીતે થયેલી હોય છે. એ તેમણે વિચારપત્રોમાં લખેલા થોડાક લેખોમાં, સંગઠનના સભ્ય તરીકે ગયાં પચીસેક વર્ષમાં લખેલી સંખ્યાબંધ પત્રિકાઓ તેમ જ અખબારી યાદીઓમાં અને રણકા સાથેના અવાજે તેમણે કરેલાં બધાં જ પ્રાસંગિક વક્તવ્યોમાં અચૂક જોવા મળે છે. કાર્યઊર્જા, નિર્ભયતા અને સમાજ માટેની પારાવાર નિસબતથી છલકાતાં મીનાક્ષીબહેન પ્રબુદ્ધ અને પ્રબળ નારીશક્તિનું પ્રતીક છે.

નારીશક્તિનો એક ચમકારો આશા વર્કર્સની ચળવળના આગેવાન ચન્દ્રિકાબહેન સોલંકીએ વડોદરામાં ૨૨ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બંગડીઓ ફેંકીને બતાવ્યો હતો. ચન્દ્રિકાબહેન સાંભરે છે: ‘જ્યારે એમણે ગુજરાતની બહેનોના પોતે ભાઈ છે એવી વાત શરૂ કરી ત્યારે મારું લોહી ઉકળી ઊઠ્યું, અને મેં બંગડીઓ ફેંકી.’ આવી હિમ્મત આટલાં વર્ષોમાં ભાગ્યે  કોઈએ દાખવી હતી. તેના છઠ્ઠા દિવસે તો તેમને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી ગામની શાળાના શિક્ષક તરીકેની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જો કે આ જ સરકારે ચારેક મહિના પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ઝાંઝરકા ગામમાં ચન્દ્રિકાબહેનનું ઉત્તમ શિક્ષક તરીકે મુખ્યમંત્રીને હાથે સન્માન કર્યું હતું. ચન્દ્રિકાબહેનને કારણે બેતાળીસ હજાર જેટલાં શોષિત અને ઉપેક્ષિત આશા (અ‍ૅક્રેડિટેડ સોશ્યલ હેલ્થ અ‍ૅક્ટિવિસ્ટ) વર્કર બહેનોનાં પ્રશ્નોને વાચા મળી. તેમણે ૧૯ સપ્ટેમ્બરથી લઈને ચાળીસ દિવસ સુધી વડોદરાની કલેક્ટર કચેરી સામે ધરણાં કર્યાં. તે પહેલાં ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. નૅશનલ રુરલ હેલ્થ મિશન હેઠળ આવતી  રસીકરણ, કુટુંબનિયોજન, પ્રસૂતિ, આરોગ્ય,પોષણ જેવી વિવિધ કામગીરીઓ સાથે જોડાયેલી આશા વર્કર્સ બહેનોને બહુ જ ઓછું વેતન મળે છે. ચન્દ્રિકાબહેન કહે છે: ‘આશા વર્કર્સ બહેનોનો રોષ એટલા માટે છે કે સરકાર રાજકીય હેતુઓ માટે તેમનો ઉપયોગ અને તેમનું શોષણ કરી રહી છે. તેમનો ઉપયોગ સરકારી યોજનાઓના તળપદ વિસ્તારમાં અમલીકરણ માટે અને સરકારી કાર્યક્રમોમાં પ્રેક્ષકો તરીકે થાય છે. તેમના પ્રત્યે સહાનુભૂતિ બતાવવનું તો દૂર રહ્યું, તેમની માગણીઓનું અપમાન કરવામાં આવે છે. અમે જ્યારે ભૂખ હડતાળ પર બેઠાં હતાં ત્યારે ભા.જ.પ.ના એકેય નેતાએ અમને પાણીનું સુદ્ધાં પૂછ્યું ન હતું. હાર્દિક પટેલ જેવા આગેવાનનું સરકાર તુષ્ટિકરણ કરવા જાય છે, અને અમારા પ્રશ્નોને તો સમજવા માટે કોશિશેય કરતી નથી. ભા.જ.પ.ને ખાતરી થઈ છે કે આશા વર્કર્સ પક્ષને કોઈ નુકસાન કરી શકવાનાં નથી એટલે હવે એ લોકો અમારી તરફ ધ્યાન જ આપતા નથી.’ આશા વર્કર્સનું કામ ઘરેઘરે ઠીક અંગત સ્તરે ચાલે છે. એટલે એ ધોરણે ભા.જ.પ.નો વિરોધ લોકોમાં પહોંચાડવા ચન્દ્રિકાબહેને તેમના સંગઠનને હાકલ કરી છે. ચન્દ્રિકાબહેનના કામથી પ્રભાવિત રાહુલ ગાંધી ધરમપુરની મુલાકાત દરમિયાન તેમને મળ્યાં હતાં, પણ તેમને કૉન્ગ્રેસની ટિકિટ મળી નથી. એટલે તેઓ વડોદરાના શહેરવાડી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

અપક્ષ ઉમેદવાર હોવા છતાં મોટા પક્ષના નીવડેલા ઉમેદવાર જેટલા જ જાણીતા જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠાના વડગામ વિસ્તારની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર વિરુદ્ધ મોટી ચળવળ ઊભી કર્યા પછી જિજ્ઞેશ દેશના એક મોખરાના યુવા આગેવાન તરીકે ખ્યાતિ પામ્યા છે. પ્રભાવશાળી અને અભ્યાસી વક્તા જિજ્ઞેશ તેમના ભાષણોમાં ફાસીવાદ-કોમવાદ-મૂડીવાદના વિરોધમાં કોઈ મણા રાખતા નથી. દેશમાં તેમને જેટલી પ્રસિદ્ધિ મળી છે તે કન્હૈયાકુમાર સિવાય બહુ ઓછાને મળી છે. જિજ્ઞેશ તેના નેતૃત્વક્ષેત્રમાં મુસ્લિમો, મહિલાઓ, શ્રમજીવીઓ અને આદિવાસીઓને આવરી લે છે. વકીલની સનદ મેળવીને દલિતો માટેની જમીનની ફાળવણી માટે તેમણે સરકાર વિરુદ્ધ કાનૂની સ્તરે  સફળ લડત આપી છે. તે મુજબ દલિતોને કાગળ પર મળેલી જમીનનો હકીકતમાં કબજો સોંપાય તે માટે તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ લડી રહ્યા છે.

સદભાવના ફોરમના નેજા હેઠળ મહુવામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા વ્યવસાયી ડૉક્ટર કનુભાઈ કલસરિયા ગામડાંના લોકોની નિ:સ્વાર્થ તબીબી સેવા અને મહુવા લોક આંદોલનનો પર્યાય છે. અત્યારે તેઓ એક સિમેન્ટ કંપનીના સૂચિત પ્લાન્ટ સામે  આંદોલન ચલાવી રહ્યા છે. આ કંપની દ્વારા થનારાં ખોદાણના આક્રમણથી મહુવા-તળાજા પંથકના ખેડૂતોની જમીનને બચાવવા માટે કનુભાઈએ આ લડત ઊપાડી છે. ઉપર્યુક્ત કાર્યરત ઉમેદવારો તો માત્ર દાખલા છે. જે તે મતવિસ્તારોમાં તેમની જેમ સક્રિય રાજકારણમાં પડવા માગતા કર્મશીલો હોવાનાં.

નાનાં રાજકીય પક્ષોના કે અપક્ષ ઉમેદવારોની રાજકીય નિયત અંગે ઘણાં શક અને આરોપો ઊભા થતા હોય છે. પરિણામ આવતાં તેમાંથી કેટલાક સાચા પણ હોય છે. પણ સૂકા ભેગું લીલું બળવું ન જોઈએ. એક અભ્યાસ બહાર પાડી શકાય જેનું નામ હોય ‘ચૂંટણીના ઉમેદવારોના સંઘર્ષ, નવરચના અને પ્રામાણિકતાનું વિશ્લેષણ’.

+++++++++

૦૬ ડિસેમ્બર ૨૦૧૭

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 08 ડિસેમ્બર 2017

Category :- Samantar Gujarat / Samantar

ભા.જ.પ.ની અસલિયત

ચંદુ મહેરિયા
08-12-2017

ગુજરાતમાં ભા.જ.પ.ને સવા બે દાયકા જૂની સત્તા ટકાવવી આ વખતે થોડી કઠિન લાગી રહી છે. એટલે પોતાના જૂના વિકાસના નારાને બદલે તે હવે “ન જાતિવાદ, ન ધર્મવાદ, હવે ફક્ત રાષ્ટ્રવાદ”નો રાગ આલાપી રહ્યો છે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પણ ગુજરાતના ચૂંટણી મુદ્દા તરીકે ‘યુવાનોને કામ સાથે અયોધ્યામાં રામ અને કલમ ૩૭૦’ની વાતો કરી છે. જો કે આ જ તો ભા.જ.પ.ની અસલિયત છે.

આઝાદી આંદોલન દરમિયાન જ કોમી ધોરણે સંગઠનો અને રાજકીય પક્ષો સ્થપાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ તેના નમૂના છે. હિંદુ મહાસભાના પ્રમુખ ડો. શ્યામાપ્રસાદ મુખરજી, ભારતને મહાન રાષ્ટ્ર બનાવવા, કોમી પૂર્વગ્રહો ત્યજવાના આગ્રહી હતા. પરંતુ હિંદુ મહાસભામાં હિંદુઓ સિવાયના અન્યનો પ્રવેશ પ્રતિબંધિત હતો. પાકિસ્તાન પ્રત્યેના અતિ ઉદાર વલણને કારણે નહેરુનું કામચલાઉ મંત્રીમંડળ છોડી ચૂકેલા શ્યામાપ્રસાદને તમામ ભારતીયો માટે ખુલ્લા અને ભારતનું  રાષ્ટ્ર તરીકે ઘડતર કરી શકે એવા રાજકીય પક્ષની જરૂરિયાત લાગી હતી. હિંદુ મહાસભામાં આ શક્ય નહોતું તેથી ૨૧મી ઓકટોબર ૧૯૫૧ના રોજ તેમણે ભારતીય જનસંઘની રચના કરી. આજનો ભારતીય જનતા પક્ષ તેની સંવર્ધિત આવૃત્તિ છે.

ભારતીય જનસંઘ આર.એસ.એસ.ની રાજકીય પાંખરૂપે જન્મેલું સંગઠન હતું. ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જનસંઘે ભારતીયતાના ખ્યાલને પોતાની રાજકીય વિચારધારા માની હતી. ભારતીય સરહદો અને રાષ્ટ્રીય એકતાનું રક્ષણ, સમવાયતંત્રને બદલે એકતંત્રી રાજ્યવ્યવસ્થા, પાયાના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી આર્થિક સમાનતા આણવી, માત્રુભાષામાં શિક્ષણ, ગ્રામોદ્યોગને પ્રોત્સાહન અને અણુબોંબનું સર્જન જેવી બાબતો આ પક્ષના મુખ્ય ઉદ્દેશો હતા. સામ્યવાદ અને લઘુમતીના અધિકારોનો વિરોધ તથા ગોહત્યા જેવા મુદ્દાઓ આ પક્ષના અગ્રતાક્રમે હોઈ તેની કટ્ટર હિંદુવાદી પક્ષની છાપ હતી. ચૂંટણીઓમાં આરંભે તેનો દેખાવ નબળો હતો. ૧૯૬૭માં ‘ભવ્ય જોડાણ’નો ભાગ બન્યા પછી તેનો પ્રભાવ વધ્યો અને તે સાથે દેશમાં જમણેરી બળનો ઉભાર થયો તે ઘટનાને હવે અડધી સદી થઈ છે. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં જનસંઘ વિપક્ષોની સાથે હતો.

૧૯૭૫ના માર્ચમાં દિલ્હીમાં જનસંઘના રાષ્ટ્રીય અધિવેશનને જયપ્રકાશ નારાયણે સંબોધ્યું હતું. જનસંઘના અધિવેશનમાં જેપીની ઉપસ્થિતિ અને સંબોધન તેના માટે મહત્ત્વનો વળાંક હતો. આ સંમેલનમાં અટલબિહારી વાજપાઈએ કહ્યું હતું, “અમારા મોટાભાગના કાર્યકર્તા મધ્યમવર્ગી ઉછેરવાળા છે. પણ જ્યારે તેઓ આમજનતાના આંદોલનો સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે એમનો અત્યાર લગીનો ઉછેર નવરૂપાંતર પામી રહ્યો છે. હમારા ચરિત્ર બદલ રહા હૈ.” કટોકટી પછીની લોકસભા ચૂંટણી, નવા રચાયેલા જનતા પક્ષના નામે લડાઈ-જીતાઈ. જનસંઘનું પણ તેમાં વિઘટન થયું હોઈ તે મોરારજી સરકારનો ભાગ બન્યા. પરંતુ બેવડા સભ્યપદના મુદ્દે ૧૯૭૯માં જનતાપક્ષ તૂટ્યો. તેથી ભારતીય જનસંઘનો ભારતીય જનતા પક્ષના નવા નામે ભારતની રાજકીય ક્ષિતિજ પર જન્મ થયો.

૬ઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ના રોજ મહાનગર મુંબઈમાં ભારતીય જનતા પક્ષનું સ્થાપના અધિવેશન યોજાયું હતું. ભા.જ.પે. જનસંઘ કરતાં પોતાનો એજન્ડા થોડો બદલ્યો હતો. ‘ગાંધીવાદી સમાજવાદ’ને પક્ષે પોતાનો રાજકીય આર્થિક-એજન્ડા બનાવ્યો હતો. મુંબઈ અધિવેશનમાં પક્ષે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય ઐક્ય, લોકશાહી, વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા અને મૂલ્ય આધારિત રાજનીતિ જેવી બાબતો પર પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જો કે બી.જે.પી.ને ગાંધીવાદી સમાજવાદ બહુ માફક ન આવ્યો. ૧૯૮૫ના ગાંધીનગર અધિવેશનમાં ગાંધીવાદી સમાજવાદને ફગાવી દિનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ને અપનાવી લીધો. ભા.જ.પ.ના બંધારણની કલમ-૩માં એકાત્મ માનવવાદ પાર્ટીનું મૂળ દર્શન હોવાનું જણાવ્યું છે. બંધારણમાં પક્ષનો ઉદ્દેશ, ‘પ્રાચીન ભારતીય સંસ્કૃિત અને મૂલ્યોની સગર્વ પ્રેરણા ગ્રહણ કરતા ભારતના નિર્માણ’નું દર્શાવ્યું છે.

૧૯૮૪માં લોકસભામાં માંડ ૨ બેઠકો અને ૭.૭૪ ટકા મત મેળવનાર ભા.જ.પે. ૨૦૧૪માં ૩૧ ટકા મત અને ૨૭૨ બેઠકો મેળવી તેમાં તેની હિંદુત્વ રાજનીતિનો સિંહફાળો છે. લાલકૃષ્ણ આડવાણીએ રામ મંદિર મુદ્દાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી પાર્ટીનો જનાધાર વ્યાપક બનાવ્યો. ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી પક્ષમાં થોડા ચડાવ ઊતાર જોવા મળ્યા. બાબરી ધ્વંસ પછી પક્ષે ઉત્તર પ્રદેશની સત્તા ગુમાવી એટલે પક્ષમાં આત્મમંથનનો દોર શરૂ થયો. ગોવિંદાચાર્યે સોશ્યલ એન્જિનિયરિંગ તો ઊમા ભારતીએ ચહેરા, ચરિત્ર અને ચાલમાં બદલાવનો મુદ્દો ચર્ચાના ચોકમાં મુક્યો. ગોંવિંદાચાર્યે તો પક્ષે રામમંદિરનો નહીં રામરાજ્યનો માર્ગ લેવો જોઈતો હતો તેમ પણ કહ્યું હતું. રામમંદિરની સમાંતરે વી.પી. સિંઘે મંડલ રાજનીતિ શરૂ કરી. મુલાયમ, લાલુ, નીતિશ જેવું પછાત વર્ગના નેતાઓનું નેતૃત્વ દેશને મળ્યું.

મંદિર અને મંડલ રાજનીતિનો ઉપયોગ કરીને જ નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં કેન્દ્રની સત્તા મેળવી હતી. લોકસભા ચૂંટણીમાં ૧૯૮૪ પછી પ્રથમવાર કોઈ એક પક્ષને બહુમતી મળી તેના મૂળમાં દલિત આદિવાસી અને પછાત વર્ગના મતદારોનું ભા.જ.પ.ને મળેલું સમર્થન હતું. ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.એ ૮૦માંથી ૭૧ લોકસભા બેઠકો મેળવી, જે પક્ષને મળેલી કુલ બેઠકોના ૨૬ ટકા જેટલી હતી. જે ભા.જ.પ. શહેરી શિક્ષિત અને ઉજળિયાતોનો પક્ષ હતો તેણે સમાજના તમામ વર્ગોનું અને ગ્રામીણ ભારતનું પણ સમર્થન મેળવ્યું હતું. ભા.જ.પ.ના જનાધારમાં થયેલા આ વધારામાં પછાતવર્ગોના, ખાસ કરીને અતિ પછાતોના મોટા પ્રમાણમાં મળેલા મત હતા. એટલે પક્ષ પ્રમુખ અમીત શાહે બી.જે.પી.માં પ્રથમવાર ઓ.બી.સી. મોરચાની રચના કરી અને નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને બી.જે.પી.એ પહેલા ઓ.બી.સી. પ્રધાનમંત્રી આપ્યા હોવાના ગાણા ઠેરઠેર ગાયા. પછાત વર્ગો માટેના બંધારણીય પંચની રચના કે ઓ.બી.સી. અનામતમાં અતિ પછાત માટે અનામતની જોગવાઈની બાબત આ જ મંડલ રાજનીતિના ઉપયોગ માટેની રણનીતિ છે.

અમીત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ માટે ૧૫૦ બેઠકોનું લક્ષ્યાંક નક્કી કરી ચૂક્યા છે. ( ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પક્ષને તમામ ૨૬ બેઠકો અને ૧૬૨ વિધાનસભા સીટ્સ પર બહુમતી મળી હતી. તે જોતાં આ લક્ષ્યાંક નાનું છે અને તે પક્ષની પીછેહઠ સૂચવે છે.) ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે તેમનું લક્ષ્ય ૩૫૦ બેઠકોનું છે. આ અગાઉ પક્ષના ૧૧ કરોડ સભ્યોની નોંધણીનો વિશ્વવિક્રમ અને હવે આ બેઠકોનું લક્ષ્યાંક અમીત શાહને સંગઠન અને સત્તામાં વિસ્તારવાદી પ્રમુખ બનાવે છે. તેમને માત્ર ‘કોંગ્રેસમુક્ત ભારત’થી ધરવ નથી, તેઓ ‘ભા.જ.પ.યુક્ત ભારત’ બનાવવા માંગે છે. ગુજરાતમાં માધવસિંહ સોલંકી વિક્રમી બેઠકો મેળવી બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા. બહુ લાંબી ન ટકેલી તેમની આ સરકારમાં પછાત વર્ગોનો દબદબો હતો ને કેબિનેટમાં એક પણ પાટીદાર મંત્રી નહોતો. એ પછી કોંગ્રેસે સત્તા ગુમાવી હતી જે હજી તેને હાથ લાગતી નથી. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પ્રવેશ પછી ભા.જ.પ.ની મંડલ-મંદિર રાજનીતિ કેવા પલટા લેશે અને સર્વસમાવેશક બનવા મથી રહેલો આ પક્ષ ફરી પોતાની અસલી વિચારધારા અને જનાધાર તરફ ચાલ્યો જશે કે કેમ તે આજે ગુજરાત અને કાલે દેશ નક્કી કરશે.

e.mail : maheriyachandu@gmail.com  

Category :- Samantar Gujarat / Samantar