PROFILE

જયપુર અત્રૌલી ઘરાનાનાં કિશોરીતાઈ શાસ્રીય સંગીતના કલાકાર, ગુરુ અને ચિંતક હતાં

ગાનસરસ્વતી તરીકે આદર પામેલાં શાસ્ત્રીય કંઠ્ય સંગીતનાં જાજરમાન કલાકાર કિશોરી આમોણકરનું ત્રીજી એપ્રિલે રાત્રે ચોર્યાશી વર્ષની વયે મુંબઈના પ્રભાદેવી ખાતે તેમનાં નિવાસસ્થાને નિદ્રાવસ્થામાં અવસાન થયું. આ પ્રજ્ઞાવાન પ્રતિભાશાલિનીએ અરધી સદીથી વધુ સમય અસલ રાગદારી અને ખ્યાલ  ગાયકી ઉપરાંત  ઠુમરી, મરાઠી સંતોનાં અભંગો અને મીરાં-કબીરનાં ભજનોનાં ગાયન દ્વારા રસિકોનાં જીવન સમૃદ્ધ કર્યાં હતાં. ‘સાહેલા રે, આ મિલ આએ’ જેવી બંદિશ કે  ‘મ્હારો પ્રણામ’  જેવું ભજન સામાન્ય શ્રોતાઓમાં પણ જાણીતાં છે. એક ગુરુ તરીકે તેમણે દેવકી પંડિત, રઘુનંદન પણશીકર, પદ્મા તળવલકર જેવાં અનેક કલાકારોનું ઘડતર કર્યું. આરતી અંકલીકર-ટિકેકર તો એમને ‘સાક્ષાત્‌ સરસ્વતી’ ગણે છે. વળી, કિશોરીજીએ વ્યાખ્યાનો અને નિદર્શનોમાં શાસ્ત્રીય સંગીતની સિદ્ધાન્તચર્ચા પણ કરી. સર્જન પાછળના વિચારવૈભવને કલાત્મક રીતે સમજાવવાનું કૌશલ પણ એમની પાસે હતું. સંગીતશાસ્ત્ર પરનાં તેમનાં મૌલિક ચિંતનનો અંદાજ તેમનાં ‘સ્વરાર્થરમણી રાગરસસિદ્ધાંત’ નામના મરાઠી પુસ્તકમાં મળે છે. વી. શાન્તારામના ‘ગીત ગાયા પથ્થરોંને’ (1961) ફિલ્મમાં તેમણે કંઠ આપ્યો છે, અને ‘દૃષ્ટિ’ (1991) ફિલ્મનું સંગીત દિગ્દર્શન કર્યું છે.

આ સ્વરયોગિનીએ યમન, ભૂપ અને કેટલાક અનવટ રાગોનાં, લગભગ અપાર્થિવ અનુભૂતિ કરાવે તેવાં રૂપો સંભળાવ્યાં તે જ રીતે અસધારણ સ્તરે પહોંચેલા કલાકારનાં આત્મભાન, સ્વમાન અને અભિમાનનાં રૂપો પણ રસિકોને કિશોરીતાઈ સાથે સંકળાયેલાં અનેક પ્રસંગોમાં જોવાં મળ્યાં. તેમના કાર્યક્રમમાં કલાકારનાં દોરદમામ અને દબદબો કોને કહેવાય એ સહુને સમજાતું. કિશોરીજીનાં યોગદાનના અભિવાદન માટે પુનામાં દર વર્ષે ‘ગાનસરસ્વતી મહોત્સવ’ થાય છે. તેમના પર અમોલ પાલેકર અને સંધ્યા ગોખલે ‘ભિન્ન ષડજ’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી છે.

કિશોરીતાઈ ખુદને સંગીતમાં ‘ગર્ભશ્રીમંત’ ગણાવતાં, એ અર્થમાં કે તે વિખ્યાત શાત્રીય ગાયક મોગુબાઇ કુર્ડીકરના પેટે એ જન્મ્યા હતાં. છ વર્ષની ઉંમરે પિતા ગુમાવનાર કિશોરીને માતાએ કઠોર સાધના અને કડક શિસ્ત હેઠળ વર્ષો લગી સંગીતની તાલીમ આપી હતી. મોગુબાઈએ એમની પીઠ માત્ર એક જ વખત થાબડી હોવાનું કિશોરીજી યાદ કરતાં. દીકરીએ  શાન્તારામની ફિલ્મમાં ગાવાનું કહ્યું એટલે ‘હવે મારા તાનપુરાને અડતી નહીં’ એવો છણકો માતુશ્રીએ કર્યો હતો. અલબત્ત, શિક્ષકનાં પત્ની અને બે દીકરાની માતા એવા કિશોરીતાઈએ કલાકાર, ગૃહિણી અને ગુરુ તરીકે બજાવેલી બધી ભૂમિકાઓ પર માતા મોગુબાઈનો પ્રભાવ હતો. મહિલા સંગીતકારોનું સ્થાન ગૌણ ગણાતું એ જમાનામાં મોગુબાઈ સંગીતની બેઠકો કરતાં અને કિશોરી તેમની સંગત કરવા જતાં. ત્રીજા વર્ગમાં તાનપુરો સંભાળીને મુસાફરી કરતાં. મોગુબાઈ જેવા નિવડેલાં કલાકારની આવવા-જવાની, રહેવા-જમવાની, મહેનતાણા-પુરસ્કારની બાબતમાં આયોજકો દ્વારા અપમાનનાં અનુભવો થતા રહેતા. ગાનસામ્રાજ્ઞી કિશોરી જે ઊંચાં દરનાં આતિથ્ય, વ્યવસ્થા અને પુરસ્કારની માગણી  કરતાં તેની પાછળ આ વાત હતી.

જયપુર-અત્રૌલી ઘરાનાના માતા મોગુબાઈ ઉપરાંત કિશોરીજીએ આગ્રા ઘરાનાના અનવર હુસેન ખાં, ભેંડી બજાર ઘરાનાના અંજનીબાઈ માલપેકર અને ગ્વાલિયેર ઘરાનાના શરદચન્દ્ર આરોળકર પાસે પણ તાલીમ લીધી હતી. જો કે ઘરાનાપરસ્તી અંગે કિશોરીતાઈના ક્રાન્તિકારી વિચારોએ સંગીતાચાર્યોને આઘાત આપ્યો હતો. ‘સંગીતમાં ઘરાના જેવું કંઈ હોતું નથી, હોય છે કેવળ સંગીત. સંગીતને જુદાં જુદાં ઘરાનામાં વહેંચવું એટલે એમને જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચવા બરાબર છે’, આ મતલબની વાત તેમણે અનેક જગ્યાએ કરી છે. એક અભ્યાસી અરવિંદ ગજેન્દ્રગડકરને તો એમણે એટલે  સુધી કહ્યું છે કે ‘… મારો સ્પષ્ટ મત છે કે ઘરાના નષ્ટ ન થાય ત્યાં સુધી આપણા સંગીતની પ્રગતિ શક્ય નથી.’ એ ભાવુકતાથી એમ પણ કહેતાં: ‘ધારો કે બધાં ઘરાનાના ગાયકો એક બનીને દાખલા તરીકે ‘યમન’ ગાય તો એનું કેટલું મોટું વૃક્ષ દેખાવા લાગે.’

કિશોરીતાઈની સિદ્ધિઓ સહજસાધ્ય ન હતી. ‘ભિન્ન ષડજ’ ફિલ્મમાં એ કહે છે : ‘બિભાસ રાગનો છ મહિના અને ભૂપનો છ વર્ષ દરરોજ ત્રણ-ત્રણ કલાક અભ્યાસ કર્યો.’ વળી સંવાદિની, સિતાર, તબલા જેવાં વાદ્યોની પણ એમણે સાધના કરી હતી. દરરોજ કલાકો રિયાઝ કરનાર કિશોરીએ 1968ના અરસામાં બે-એક વર્ષ તેમણે અકળ કારણોસર અવાજ ગુમાવ્યો હતો. તે પુનાના એક ‘સરદેશમુખ મહારાજ’ની આયુર્વેદિક સારવાર અને કિશોરીજીના પોતાની અફર આશાના બળે પાછો આવ્યો હતો. વળી આ તબક્કામાં તેમણે  સંગીત પર સતત વાચન-ચિંતન-લેખન કર્યું. એલફિ ન્સ્ટન્સનાં સ્નાતક કિશોરી સંગીતનાં મૂળમાં જઈને તેનું વિજ્ઞાન સમજવાની એમની ખેવના પૂરી કરવા મથ્યાં. એ માટે એમણે સ્વરોના ઇતિહાસ પરના ગ્રંથો વાંચ્યા. રસસિદ્ધાન્તનો ગહન અભ્યાસ કર્યો. સાહિત્યશાસ્ત્રમાં જે રસસિદ્ધાન્ત છે તે સંગીત માટે પણ પોષક છે એવું તે માનતાં. એ કહેતાં : ‘મારા બિલ્ડિંગના ચોકીદારને હું એમ નથી પૂછતી કે તમને કયો રાગ ગમે છે, હું એમને પૂછું છું કે તમને સંગીતમાં રસ છે કે કેમ ?’ ભારતીય સંગીત રસભાવપરિપોષક પણ છે એમ એમણે સાબિત કર્યું. પહેલાં એમ માનવામાં આવતું કે આપણું સંગીત માત્ર બુદ્ધિ કે જ્ઞાનને ચાલના આપનારું છે. શાસ્ત્રીય સંગીતમાં ભાવનાપ્રધાન ગાયકીને તેમણે નવું જીવન આપ્યું એવો નિષ્ણાતોનો મત છે. મહેફિલમાં દરેક ક્ષણે રાગનું નવું અસ્તિત્વ બતાવી શકતાં. તબલા વાદક ઝાકીર હુસેન કહે છે કે કિશોરીતાઈનો ભૂપ એ સો વર્ષે એકાદ વખત સાંભળવા મળતાં મળે !

કિશોરીતાઈ જલદ અને આગ્રહી સ્વભાવ માટે જાણીતાં હતાં. ‘રિયાઝનો મૂલ્યવાન સમય’ ન બગડે તે માટે તે ઇન્ટર્વ્યૂઝ ટાળતાં, મુલાકાતીઓને ટટળાવતાં. સત્તાવાળા કે સેલિબ્રિટિઝ સહિત કોઈપણ શ્રોતાને તે કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માટે તતડાવી નાખતાં, એટલું જ નહીં પણ મહેફિલ છોડીને ચાલ્યાં પણ જતાં. એ કહેતાં: ‘મારે ચિત્ત એકાગ્ર કરીને અમૂર્ત સાથે સંવાદ સાધવાનો હોય છે. એના માટે મારે શ્રોતાઓનો સહકાર જોઈએ, લોકોએ સમજવું જોઈએ કે સંગીત એ મનોરંજન નથી. એ પ્રેક્ષકોને આકર્ષવા માટે ગવાતું નથી … શ્રોતાઓએ કલાકારના એકાંતમાં અવરોધ ન લાવવો જોઈએ.’ બેઠક પહેલાં તે સભાગૃહનાં ગ્રીનરૂમમાં ચિંતન, રિયાઝ કરતાં. એ દરમિયાન તે કોઈ ખલેલ બરદાશ્ત ન કરી શકતાં. કિશોરીતાઈ લગભગ હંમેશાં અંધારામાં ગાતાં. મંચ પર હોય ત્યારે ખુદની પર પ્રકાશ નાખવાની એ મનાઈ ફરમાવતાં. એ કહેતાં : ‘માણસ પર પ્રકાશ ફેંકાતો હોય તો એ ટ્રાન્સમાં - તંદ્રાવસ્થામાં જઈ ન શકે.’ વ્યવહાર-વર્તનની આ બધી અરુઢતા કિશોરી આમોણકરનો સૂર લાગી જાય એટલે પછી ભૂલાઈ જતી. એમનું સંગીત સાંભળતાં કહેવાતું : ‘… સમઝો ભગવાન કે દર્શન હો ગયે.’ 

દિલ્હીના નહેરુ પાર્કમાં ઑક્ટોબર 2016 માં  યોજાયેલી મહેફિલમાં તેમને ગાવામાં તકલીફ પડી રહી હતી. એમણે કહ્યું હતું : ‘તમને આજે મારી પાસેથી જે મળે છે તે  વર્ષો પહેલાં મારી પાસેથી મળતું તેનાથી જુદું છે. ઠહેરાવ બહુ છે. મને મારો રાહ ખબર છે અને મને  મારો મકામ ખબર છે. હું ત્યાં પહોંચી શકીશ કે નહીં એ હું જાણતી નથી.પણ હું જીવું છું ત્યાં સુધી આ કરતી રહીશ.’

6 એપ્રિલ 2017

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

Category :- Profile

અમદાવાદથી કચ્છના મોટર રસ્તે તપાસ ચોકી પાસે પોલીસ હાથ ઊંચો કરીને કવિની ગાડી રોકે છે. પોલીસ સામાન તપાસી સીટે વળગાડેલું થર્મોસ ખોલે છે: આ સૂં છે સાયેબ? કવિ કહે છે, અલ્યા મારે પરમિટ છે! /બતાવો સાયેબ./ રિન્યુ કરવા મોકલી છે./ એ ના ચાલે, સાયેબ. પોલીસ ચોકીએ ચાલો./ ચિનુ મને ધક્કો મારીને કહે છે, ચલ, જઈએ પોલીસ ચોકી! ત્યાં ઇન્સપેક્ટર સાયેબ આવે છે, સાયેબ, હવે સમજીને પતાવટ કરો ને! ચિનુ થર્મોસ ઢોળવાનો દેખાવ કરે છે, પોલીસ સફાળો થર્મોસ પકડીને મુદ્દામાલ બચાવવામાં સફળ થાય છે./તમારું નામ લખાવસો, સાયેબ?/ ચિનુ મોદી! નામ સાંભર્યું છે?/ ના ભઈ, પોલીસ અફસર ખાખી રંગના હોઠથી ખીખી મશ્કરી કરે છે, ઓલા ગઝલું લખે છે ઈ ચિનુ મોદી તો તમે નઈં ને? / હા ઈ ઈ ઈ, ચિનુ પોતાનો ચત્તો પંજો પોલીસની સામે ઘોંચીને કહે છે, ઈ ઈ ઈ. /જાવ જાવ સાયેબ, હવે, કોને ઊંઠાં ભણાવો છો– ચિનુ તેને અટકાવીને કચ્છના પ્રોગ્રામનું બ્રોશર બતાવે છે, અલ્યા વાંચતાં આવડે છે?

ઇન્સપેક્ટર ટટ્ટાર થઈને બ્રોશર હાથમાં લે છે, ચિનુનો ફોટો નથી, પણ પરિચય, સરનામું, ને ફોન નંબર છે. ઇન્સપેક્ટર નંબર જોડે છે, ચિનુના ખિસ્સામાં તેનો મોબાઇલ વાગે છે, હલો? / હલો, ઇન્સપેક્ટર ભોંઠો પડીને સલામ ભરે છે, સોરી સાયેબ. ને થર્મોસ અંકે થાય છે. લ્યો સાયેબ, આવજો સાયેબ, ઇન્સપેક્ટર ઘેલો ઘેલો થઈને જણાવે છે, ગંજીપાની રાણી આલાગ્રાન્ડ છે, હો મોદી સાયેબ! અને ગાડી ફરી હુંકાર ભરીને વછૂટે છે કચ્છડા ભણી.

ચિનુ ટોટલ ગુજરાતનો, ગુજરાતની પુલીસનો અને ઓવરસીઝ ગુજરાતીઓનો, સૌનો ‘બેસ્ટ ફ્રેન્ડ’ હતો. ગુજરાતના દરેક સર્કિટ હાઉસમાં તેને સર્વદા આવકાર હતો. નવા ગઝલખોરોનો તે આરાધ્ય હતો. ગુજરાતનાં નાનામાં નાનાં કેન્દ્રોમાં તેનાં પીણીનાં ‘થાણા’ હતાં ને ગુજરાતની મોટામાં મોટી સંસ્થાઓમાં તેની ચાંચનાં નિશાન હતાં. અઠવાડિયાના સાતે દિવસ તેને સાત કાવ્યપ્રેમી પરિવારોમાં દ્રાવણસેવનનું નિમંત્રણ હતું અને હું જ્યારે જ્યારે અમદાવાદ હાજર હોઉં ત્યારે ચિનુ ફીંગડી પકડીને મને તે તે પરિવારો પાસે લઈ જતો. જેમનાં સંતાનો પણ ચિનુકાકાને બેસ્ટ ફ્રેન્ડ માનતાં.

મારા નિજના ઘરમાં પણ સુવર્ણા સાથે અને સુવર્ણાની બહેનો સાથે ચિનુકુમારનો નાતો હતો જે અમારા લગ્નવિચ્છેદ પછી વિકસેલો અને સુવર્ણાના ખબર મને ચિનુ દ્વારા જાણવા મળતા. મારા ભાઈ અરુણને ચિનુભાઈ સાથે મારા કરતાં વધુ ફાવતું. ઠાકોરભાઈ પટેલની ઓળખાણ તો મારા નિમિત્તે ચિનુને થયેલી પણ તે પછી ચિનુ તેમના ઘરનું રાચરચીલું બની ગયેલો. તે જ રીતે દિલીપ, સુચીબહેન, અને મારાં બીજાં મિત્રો ધરાર ચિનુનાં સગલાં બની ગયેલાં.

મારી ગુજરાતની મુલાકાતો દરમિયાન વરસોવરસ ચિનુ ઠેર ઠેર મારાં વ્યાખ્યાન ગોઠવતો. એ ક્રમે તે એક વાર તે મને અસ્મિતાપર્વમાં લઈ ગયેલો. બીજી વાર રાજકોટની એક કોલેજમાં તેને આવેલું ચાર દિવસની નાટ્ય વર્કશોપ ચલાવવાનું આમંત્રણ તેણે મારી તરફ સેરવેલું જે અનુભવ મારા માટે ભારે સંતર્પક હતો. ચિનુને ફરિયાદ હતી, સાલા, તું બે મિનિટ બોલીને તું બેસી જાય છે! પણ આવા પ્રોગ્રામો ગોઠવી ગોઠવીને તેણે મને ‘બોલતો’ કરી દીધેલો.

ચિનુની, આદિલની, મનોજ, મનહર અને અમારી વયના તે સમયના અન્ય શાયરો રમેશ, અનિલની ગઝલો મને ભમરાની સૂંઢ ઉપર ચોંટેલા મધ જેવી તાજી લાગતી. તે પછીથી ગઝલના નામે જે હુલ્લડ ચાલ્યું અને જરી જામા સાથે ગઝલના વિત્ત–નિરપેક્ષ પરસ્પરને વાહવાહ કહીને ચગાવવાનો જે ચાગલો રિશ્તો શિરસ્તો લાગુ થયો તે માટે હું ગઝલઉદ્યોગને ફ્રોડ કહેતો થયો. ચિનુ મને તેનો પેટેન્ટ ચત્તો પંજો ભોંકીને કહેતો, સાલા સૌથી વધુ વાહ તો તારી આવે છે. પણ જાહેરમાં તે મને ‘ગઝલશત્રુ’ કહેતો. હું તેને ‘અમદાવાદનું ઘરેણું’ કહેતો.

મુંબઈના પાર્લામાં ભરાયેલી સાહિત્ય પરિષદમાં હું પહેલી વાર મારી ઉમરના વીસની આસપાસના રે મઠના કવિઓના કાફલા ઉપરાંત સિતાંશુ, મણિલાલ દેસાઈને મળ્યો. એ અડ્ડામાં હું એકલો વાર્તાકાર હતો છતાં આદિલ, ચિનુ, સિતાંશુ અને મણિલાલ એ ચારેય સાથે તત્કાળ જડબાતોડ યારી બંધાઈ ગઈ જે આજીવન ચાલી છે. ચિનુ જલસાનો માણસ હતો. આજીવન ભરપેટ તેણે સુંદરી, સુરા, માંસ અને મસ્તી ભોગવ્યાં. લાભશંકરનો ગોઠિયો હોવા છતાં તે તેના લોખંડી પ્રભુત્વના પરિઘમાં નહોતો. બેધડક કહેતો કે લાભશંકર કરતાં સિતાંશુની કવિતા ‘સ્ટ્રીટ્સ અહેડ’ છે.

વારે તહેવારે છેક અમેરિકા ફોન કરીને મારા ખબર પૂછતો, હું પૂછતો, નાટક લખ્યું? ને સાલા નાટક તો તારા વાદે હું લખું છું, મારો સાચો પ્રેમ છે કવિતા, કહીને તરત ફોન મૂકી દેતો. ચિનુ અમેરિકાના બીજા મિત્રો રોહિત, આરપી, આદિલ વગેરે સાથે સંપર્ક જાળવી રાખતો. અમારી ઉંમરનાં, અમારાથી મોટી વયનાં, ને અમારા પછીના નવયુવાન સાહિત્યકારોને અને પોલીસોને સમાનભાવે ચિનુ પોતાનો લાગતો. એક ઉગ્ર ચર્ચા બાદ ચિનુએ યુવાન વાર્તાકારોને શીખ આપેલી કે કોઈ વાર્તાનો એક જ અર્થ નથી હોતો. શબ્દો તો મીટિંગ પ્લેસ છે, શબ્દો પછી શરૂ થાય છે વાચકે વાચકે સાચી વાર્તા.

મણિલાલની જેમ તે મસ્તીખોર નહોતો, આદિલ જેવો અટકચાળો નહોતો. સિતાંશુ જેવો અલિપ્ત નહોતો. મારા જેવો અતડો પણ નહોતો. સ્થિરતા ચિનુનો સ્થાયીભાવ હતો. તે જાતે ટીખળ કદી ન કરતો પણ બીજાની રમૂજ તત્કાળ ઓળખી શકતો. અન્ય મિત્રો સાથે મારે સંબંધોમાં ચડઊતર થતી પણ ચિનુની મૈત્રી રેવાલ રહેલી. ચિનુની મિત્ર તરીકેની આભા પાસે તેની કવિ તરીકેની પ્રતિભા ઝાંખી પડે છે. મણિલાલ, રાવજી, બક્ષી, મનહર, મનોજ, ભૂપેન, અશ્વિનીભાઈ, મૃત્યુ આપણી સૌની નિયતિ છે, ભગવાનના ઘર પાસે કોઈનું ચાલતું નથી અને ચિનુદાદા લીલી વાડી મૂકીને ગયા છે,

તેના સ્મરણમાં ભીની ભીની વાતો કહેવાનો અર્થ નથી. સિવાય કે ચિનુને ચત્તો પંજો ભોંકીને કઈંક કહેવું છે, કહેવું છે––પણ ગળેથી ‘શબ્દો’ નીકળતા નથી.

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 29 માર્ચ 2017

Category :- Profile