PROFILE

નિરંજન ભગત

વિનોદ ભટ્ટ
17-02-2018

લગભગ દોઢ-બે વર્ષ અગાઉ, રાતના આઠ-નવના સુમારે તમે ટાઉન હૉલની ‘હૅવમોર’ હોટેલમાં ગયા હોત - અંદર નહિ, બહાર લૉનમાં પથરાયેલી ખુરશીઓ તરફ, તો ત્યાં એક મોટો અવાજ સતત તમારું ધ્યાન ખેંચ્યાં કરત. એ મોટા અવાજ સામે કાનથી જોતાં ઘડીભર તમે વિચારત કે  માણસ કાં તો માઈક ગળી ગયો છે કે પછી બાળપણમાં તેની માતાએ ગ્રાઇપવૉટરને બદલે ભૂલમાં માઇકવૉટર પાઈ દીધું છે. પછી તમે વેઇટરને બોલાવીને કૂતુહલથી ‘આ માણસ હંમેશાં તત્પર હોય છે. શાણા માણસો નિરંજન સાથે દલીલમાં ભાગ્યે જ ઊતરે છે, કેમ કે તેમની સાથે દલીલમાં ઊતરનાર શરૂઆતમાં ભલે તેમની સાથે સંમત ના થાય, પણ છેવટે તો નિરંજન સાથે સંમત થયે જ છૂટકો. દલીલોથી (ને ખાસ તો તેમના પેલા મોટા અવાજથી) થાકી-હારીને ય સંમત થવું જ પડે.’

મારા પ્રોફેસર હોવાનું સદ્‌ભાગ્ય જ થોડાકને સાંપડેલું એમાં ભગતસાહેબનો સમાવેશ પણ થાય છે. ભગતસાહેબ દલીલોથી ભલભલાને થકવી નાખે છે એટલું જ નહિ સામો માણસ કાચોપોચો હોય તો તેને રડાવી પણ નાંખે છે. એલ.એ. શાહ લૉ કૉલેજના આટ્‌ર્સ વિભાગમાં અમે સીનિયર બી.એ.માં ભણીએ. લાઇબ્રેરીમાં હું ને જાની ઊભેલા. ભગતસાહેબ પણ ત્યાં હતા. લાઇબ્રેરિયનને તે લાઈબ્રેરી એટલે શું એ વિષય પર ભાષણ આપતા હતા. મારી બાજુની ખુરશીમાં બેઠેલા એક નવા જ ભરતી થયેલા વિદ્યાર્થી સિન્ધુસાગરે મને ધીમેથી પૂછ્યું : ‘આ માણસ પોતાની જાત વિષે શું માને છે?’

‘ચાલ, એમને જ પૂછી લઈએ.’ મેં કહ્યું એટલે ભરપાઈ ગયેલા અવાજે તે બોલ્યો : ‘એવું તો પુછાતું હશે, એમને?’ હું જરા ગમ્મતના મૂડમાં હતો. ભગતસાહેબ પાસે જઈ મેં કહ્યું : ‘સાહેબ, પેલો સિન્ધુસાગર એમ પૂછે છે કે આ સાહેબ પોતાના વિશે શું માને છે?’

બસ, પત્યું ભગતસાહેબની દયા પર સિંધુસાગરને છોડીને અમે ક્લાસમાં ગયા. ઇકનૉમિક્સના બે પીરિયડ સાથે હતા. તે ભરીને દોઢ કલાક પછી લાઈબ્રેરીમાં આવ્યા. ભગતસાહેબે હજુ ય પેલાને છોડ્યો નહોતો. પેલો અધમૂઓ થઈ ગયો હતો - ભગતસાહેબના ભાષણની ઝીંકથી. તેની આંખમાં આંસુ તગતગી રહ્યાં’તા. ‘ભૂલ થઈ ગઈ... ભૂલ થઈ ગઈ’ એવું વચ્ચે વચ્ચે તે બબડતો’તો.

નિરંજન ધગધગતો લાવારસ છે. સમાજશિક્ષણકારો, પૉલિટિશિયનો તેમ જ સમગ્ર માનવજાત પ્રત્યે તે કાયમ ખિજવાયલા રહે છે. તેમના મત પ્રમાણે એંશી ટકા કરતાં વધારે પ્રજા જૂઠી ને લબાડ છે. સમાજ અસત્યના તળાવમાં ખદબદી રહ્યો છે. લોકો તેમને ‘સિનિક’ કહે છે એ ય તે જાણે છે. જે લોકો પર ગુસ્સો ચડે એમને તે અંગ્રેજી ગાળો ભાંડે છે. સ્કાઉન્ડ્રલ, રાસ્કલ, હીપોક્રીટ, બૅસ્ટાર્ડ, બગર્સ વગેરે તેમની પ્રિય ગાળો છે. કેટલીક વાર તો તેમનું આખું ય વાક્ય આ ગાળોથી જ ભરેલું હોય છે. એમની ગાળો ક્યારેક મને વાજબી લાગે છે (ખાસ કરીને મને ના દેવાતી હોય ત્યારે). પશ્ચિમની પ્રજામાં, ત્યાંના સર્જકોમાં નીતિમત્તાનું ધોરણ આપણા કરતાં ઘણું ઊંચું છે એવું દાંત પીસીને તે એક વાર બોલ્યા એટલે મેં પૂછ્યું : ‘એવું કેમ માનો છો?’

‘વિનોદ, અનુભવ વગર હું કોઈ પણ વાત નથી કરતો ... મને એનો પૂરો અનુભવ છે.’ પછી નિરંજને મને આપણા જ એક શ્રેષ્ઠ કોટિના સર્જકનો દાખલો આપ્યો. વાત કહી. વાત કંઈક આવી હતી : નિરંજન ટાઉનહૉલની હૅવમોરમાં બેઠેલા. એમને શોધતા શોધતા પેલા નવલકથાકાર હૅવમોરમાં આવ્યા. ‘ઓહો! તમે અહીં ક્યાંથી ?’ નિરંજને પૂછ્યું.

‘તમને જ મળવા આવ્યો છું. ઘેરથી બાએ કહ્યું કે નિરંજન હૅવમોરમાં છે; એટલે પછી આપણે તો અહીં આવ્યા ...’

‘સારું કર્યું ... બોલો, કંઈ કામ હતું ?’ નિરંજને પૂછ્યું.

‘હા ... કામ તો ખરુસ્તો !’

‘ફરમાવો.’

‘મારું એક નાટક તમારે વાંચવાનું છે.’

‘ભલે, તમારું નાટક વાંચવાનું તો ગમશે.’

‘ચોવીસ કલાકની અંદર અંદર વાંચી નાખીશ. પછી ?’

‘પછી શું ?’ કોઈ  છાપા-બાપામાં એના વિષે તમારે લખવાનું છે. એટલું જ નહિ ભૈ, એની પ્રશંસા કરવાની છે. એક ઉત્તમ નાટક તરીકે એને બિરદાવાનું છે,’  સાંભળીને નિરંજન ડઘાઈ ગયા. પણ તમ્મર ચડી જાય એવો છેલ્લો ફટકો તો હજી બાકી હતોઃ ‘આ નાટક મેં આઈ.એન.ટી.ની હરીફાઈમાં મોકલ્યું છે. એને રૂપિયા પાંચ હજારનું ઇનામ મળે એ માટે તમારે તમારા મિત્ર ભાઈ દામુ ઝવેરીને દબાણ કરવાનું છે.’

નિરંજન લગભગ બેભાન જવા થઈ ગયા. સહેજ કળ વળતાં તેમણે આ લેખકને કહ્યંું : ‘તમારું ચસ્કી તો નથી ગયું ને ?’ નિરંજન આ વાક્ય ના આટલા બોલ્યા હોત તો તેમનું જ ચસ્કી જાત!

ફેવરીટીઝમ, ઘાલમેલ, ચશમપોષી - એ બધાં તરફ નિરંજનને ભારે સૂગ છે. કીર્તિની ભૂખ, પૈસાનો મોહ, ચંદ્રકો, પરિષદની વ્યાસપીઠ, શાલદુશાલા, સાંસ્કૃિતક પ્રવાસ - આ બધી માયાથી તે સદા અળગા રહ્યા છે. આમાંનું કશું જ તેમને સ્પર્શી શક્યું નથી. સારું લખવું એ જેટલું કપરું કામ છે એટલું જ એથી ય વધુ કપરું કામ ઉપર જણાવેલી માયાથી દૂર રહેવાનું છે. આ બધાથી તે કાયમ દૂર ભાગતા રહ્યા છે. નિરંજન સાચા અર્થમાં ભગત છે. દાદાએ વારસામાં આપેલી અટક તેમણે યથાર્થ કરી છે. કદાચ એટલે જ પેલા સર્જકનો બનાવ ભગતને હલબલાવી નાખે એ સ્વાભાવિક છે. એ લોકોને પોતાના જેવા ભગત કરવા માગે છે ને લોકો એવા નથી થતા એટલે એ વધારે દુઃખી થાય છે.

અત્યારે તો એ થોડા ય બહાર નીકળે છે. કોઈ સમજાવી પટાવીને લઈ જાય ત્યારે એ બહાર જાય છે. પણ ઘણાં વર્ષ તેમણે એકાંત સેવ્યું. લખવાનું યે છોડ્યું. ઘણાં વર્ષો સુધી નહીં લખવા છતાં કવિ તરીકે એ ભુલાયા નહીં.

આ કવિ નિરંજન માટે કેટલાંક વર્ષો અગાઉ એક સમારંભ યોજવામાં આવેલો - એમની કવિતાના સંદર્ભમાં. કદાચ ‘છંદોલય’ માટે ય હોય, બરાબર યાદ નથી. હૉલ ખીચોખીચ ભરાઈ ગયેલો. પ્રેક્ષકો સમયસર આવી ગયેલા. વ્યાસપીઠ પર બેસનારા એથી ય થોડા વહેલા આવીને વ્યાસપીઠ પર ગોઠવાઈ ગયેલા. જેને અનુલક્ષીને આ કાર્યક્રમ યોજાયેલો એ નિરંજન થોડા મોડા પડ્યા, એટલે પ્રેક્ષકોએ કાઢેલાં પગરખાં પર તે બેસી ગયા કોઈનું ધ્યાન ન પડે એમ, પ્લૅટફૉર્મ પર બેઠેલા એક મહાનુભાવની નજર નિરંજન પર પડી. કોઈને રીમાન્ડ પર લેવાનો હોય એ રીતે તેમને પ્લૅટફૉર્મ પર તાણી જવાયા. થોડી વાર માઈક પરથી જાહેરાત થઈ : ‘હવે શ્રી નિરંજન ભગત પોતાની કવિતા વિષે કંઈક કહેશે.’

બસ થઈ રહ્યું, કવિનો મિજાજ બગડી ગયો! કવિએ તરત જ કહી દીધું : ‘એટલે એનો અર્થ એ જ કે મારી કવિતા કશું બોલી શકી નથી. તો પછી એ કવિતા વિષે આટલો બધો તાયફો મારવાની જરૂર જ શી હતી?’

નિરંજન સાચુકલો માણસ છે. ખોટું કશું તે સાંખી શકતો નથી. પ્રેમમાં યે નહિ, ઉમાશંકર પ્રત્યે અનન્ય પ્રેમભવ હોવા છતાં એમને ય સુણાવી દેતા આ જણ લાંબો વિચાર નથી કરતો. ઉમાશંકર તેમ જ અન્ય મિત્રો જાણે છે કે નિરંજન સાચો છે એટલે એની વાતનું માઠું યે નથી લગાડતા. રાજકારણમાં પ્રવેશ્યા પછી ઉમાશંકર અસત્યના (એટલે કે અસત્ય આચરનારાઓના) સંપર્કમાં વધુ હોવાથી સત્યને કદાચ તે નિરંજન કરતાં ય વધારે સારી રીતે સમજતા હશે; એટલે ક્યારેક તેમને વારવા કહેતા ય હશે : ‘નિરંજન સત્યનો દેખાડો ના હોય.’

જેટલો ગુસ્સો કરી શકે છે એટલો પ્રેમ પણ કરી શકે છે. નિરંજન સામેના માણસનો ખ્યાલ પણ એટલો જ કરે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ‘લ્યુકેિમયા’ની ચિંતા ય કરે છે. અનિરુદ્ધને શ્રમ ના લેવા વિનવે છે, અચ્યુત જેવા મિત્ર માટે મકાન શોધવા ય રખડે છે. ઘણા લાં...બા પ્રવાસે જતા મડિયાને વળાવવા જનાર દોસ્તોમાં તે એક જ હતાને!

નાના બાળકની જેમ વાતવાતમાં તે વંકાઈ જાય છે. નાની અમથી વાતમાં ય દાઝી ઊઠે છે; કેમ કે મન સાથે તે સમાધાન નથી કરી શકતા. બસમાં કોઈ વિદ્યાર્થી ભૂલચૂકે ય એમની ટિકિટ કઢાવવા પ્રયત્ન કરે તો તેને - તે સાથે આખી ય બસના પૅસેન્જરોને - લાંબુ ભાષણ સાંભળવું પડે છે. એક દિવસ કોઈ વિદ્યાર્થીએ ‘કામા’ (હવે ‘બીઝી બી’) હોટેલમાં નાસ્તો કરતા ભગતસાહેબનું બિલ ચૂકવવાની ચેષ્ટા કરી. ભગતસાહેબે ખિજાઈને કાઉન્ટર પર બેઠેલા મૅનેજરને ધમકી આપી : ‘જો એની પાસેથી મારા બિલના પૈસા લેશો તો આ ડિશ તમારા પર છુટ્ટી ફેંકીશ!’

નિરંજનને પચાસ વરસ પૂરાં થવા આવ્યાં છતાં એમનાં બાને નાના બાળકની જેમ એમની કાળજી લેવી પડે છે. બધું યાદ રાખવું પડે છે ને છતાં કશું યાદ અપાવવા જતાં નિરંજન છેડાઈ પડે છે. એક વખત તેમની સાથે મેં નક્કી કરેલું કે રવિવારે સવારે દસથી સાડા દસની વચ્ચે મારે એમને ત્યાં જવું. ત્યાંથી અમારે સાથે હૅવમોર પર જવાનું હતું. નિરંજને બાને કહી રાખેલું કે રવિવારે સવારે લગભગ સવા દસે એમને ત્યાં હું પહોંચી ગયો. ત્યાં મોહનભાઈ પટેલ (વિદ્યાપીઠ ફેઇમ) બેઠેલા. અંગ્રેજી પાંચમાથી કે આઠમાથી એના પર ચર્ચા ચાલતી’તી. ભગત તેમના ઓરિજિનલ લહેજામાં બૂમો પાડતા’તા. રસોડામાંથી બાએ ડોકું બહાર કાઢતાં નિરંજનને વારતાં કહ્યું : ‘તું અહીં બેઠો બેઠો વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરે એમાં કંઈ ના વળે. એ તો વાલીઓ દંડો લઈને શિક્ષણકારોની પાછળ પડે તો જ કંઈ થાય ... સાડા દસે તારે વિનોદ સાથે ટાઉનહૉલ જવાનું છે એ યાદ છે ને?’ નિરંજને એ ક્ષણે એક અણગમતો શ્વાસ છોડ્યો. થોડી વારે મોહનભાઈ ગયા પછી નિરંજન બા પર ગુસ્સે થઈ ગયા :

‘આમ કેમ કર્યું, તમે?’... મહેમાનની હાજરીમાં ટાઉનહૉલ જવાનું કેમ યાદ કરાવ્યું? મહેમાનને માઠું ના લાગે?’ બા જેટલા નીચા જવાબ આપે એટલા ઊંચા અવાજે નિરંજન પ્રશ્નો મૂક્યા કરે. ખીજમાં નિરંજન શાક લેવા માટેની થેલી લીધા વગર જ બહાર નીકળવા માંડ્યાં. શાકવાળાઓમાં, પૈસા લીધા વગર શાક નહીં આપવાનો દૃષ્ટ રિવાજ હોય છે એ બા જાણે, એટલે તેમણે રૂપિયા પાંચની નોટ નિરંજનના હાથમાં મૂકી; જે લઈને બાને ‘જાઉં છું’ યે કહ્યા વગર તેમણે મારી સાથે ચાલવા માંડ્યું.

અમે શાકવાળાની દુકાને ગયા. ગુસ્સામાં ને ગુસ્સામાં, કયું શાક લાવવાનું છે એ બાને પૂછવાનું જ તે ભૂલી ગયેલા. ભીંડા પર આંગળી મૂકતાં તેમણે શાકવાળાને કહ્યું : ‘આ ભીંડા આપો’ ... પછી હાથ પરવળના ટોપલા પર મૂક્યો; પણ પરવળ નામ (નહીં આવડતું હોય એમ તો ના કહેવાય) મોઢે ચડે નહીં. મેં મદદ કરી (પરણેલા માણસને આવું બધું ઝટ યાદ આવી જતું હોય છે). શાકવાળાને તેમણે કહ્યું : ‘આ બે શાક આપો.’

‘કેટલાં? પેલાએ પૂછ્યું.’

‘ગયે વખતે કેટલાં આપેલા?’

‘યાદ નથી ...’

‘હું એકલો જ છું ... એકલા માણસને કટલાં જોઈએ?’

‘બસો ગ્રામ ચાલે ...’

‘બસ, એટલાં જ આપો.’

તેમનું ‘હું એકલો જ છું’ વાક્ય મને સ્પર્શી ગયું. લગ્નની વાત નીકળી. નિરંજન કહે : ‘કુંવારાઓ અંગ્રજીમાં ‘ગેબૅચલર’ કહેવાય છે.’

‘તમને શું લાગે છે?- કુંવારા રહેવું સારું કે પરણેલો?’

‘આમ તો બંને ...’ નિરંજન બોલ્યા : ‘પણ કુંવારા રહેવામાં’ વધારે મઝા છે; જો કે મોટા ભાગનાઓ આ વાત સ્વીકારતા નથી.’

‘સ્વીકારે છે -’ મેં કહ્યું : ‘- પરણી ગયા પછી.’

‘મારા જેવો બેજવાદાર માણસ કુંવારો જ રહે ... આવા માણસને શું પરણવું’તું મને માનીને ય મને કુંવારો રાખ્યો હશે.’ કહી તે હસી પડ્યા, મોટેથી - બાળકો હસે છે એવું ખિલ ખિલ ...

નિરંજનમાં ‘સેન્સ ઑવ હ્યુમર’ પણ ઊંચા પ્રકારની. તેમનામાં રહેલી રમૂજીવૃત્તિનો લાભ કૉલેજમેળામાં અમને ઘણો મળતો. કોઈ અડફેટે ચડવો જોઈએ. કૉલેજના પહેલા જ વર્ષમાં, પહેલા દિવસે ભગતસાહેબના પીરિયડમાં (નામ જાણવાની ઉત્કંઠથી જ કાં તો) ‘સાહેબ નામ કહો ... નામ કહો’ એવી બૂમો પડવા માંડી, ભગતસાહેબ એ બધાની સામે બે મિનિટ જોઈ રહ્યા. એક વિદ્યાર્થી જરા વધારે હિંમતવાળો નીકળ્યો. ઊભા થઈને તેણે પૂછ્યું : ‘સાહેબ, તમારું નામ શું?’

‘તમે પોલીસ છો? ભગતસાહેબે સામે પૂછ્યું.’

જે માણસ પાસેથી નામ કઢાવવું આટલું અઘરું હોય તેની પાસેથી જ્ઞાન કઢાવવું કેટલું અઘરું પડે? (ત્રિરાશી મૂકો જો!) ... પણ હું ને વિનોદ જાની ભગતસાહેબની નાડ પારખી ગયેલા.

એક વખત વિનોદ જાનીને રવીન્દ્રનાથ ટાગોર વિષેના એક પરિસંવાદમાં બોલવા જવાનું હતું. બહારનું (અરે અભ્યાસક્રમનું ય) વાંચવાની કુટેવ જાનીએ પહેલેથી જ નહીં પાડેલી, એટલે તેની પાસે ટાગોર વિષે ખાસ સામગ્રી નહીં. તે મૂંઝાતો હતો. અમે બંને લાયબ્રેરીમાં ગયા - ટગોરનાં પુસ્તકો માટે. ત્યાં ભગતસાહેબને બેઠેલા જોયા. ભગતસાહેબ એટલે મોબાઇલ લાઈબ્રેરી. ટાગોર વિષે જાણવા જેવું બધું જ તેમની પાસેથી મળી શકે. પણ પૂછવું કઈ ભાષામાં? એ ભાષા મેં ને જાનીએ સંકેતથી નક્કી કરી નાખી. તેમની પાસે ગયા. સલામ કરી. પછી જાનીએ શરૂ કર્યું : સાહેબ, તમે જ ટાગોરને ચડાવી માર્યા છે. ટાગોર મહાન છે એવું એક તમે કહો છો - કહ્યા કરો છો.’

નિરંજન પહેલાં તો જાની પર ખિજવાઈ ગયા. લાઈબ્રેરી ગજવી મૂકી ને પછી ટાગોર કેટલી મોટી હસ્તી છે એની વાત બે કલાક સુધી કરી. ટાગોરની ઉત્તમ રચનાઓમાં કેટલાક ટુકડાઓ સંભાળ્યા ... જાનીનું કામ પાર પડી ગયું.

આજે તો આવા શિક્ષકો ય ક્યાં છે કે જેને રસ્તા પર જોતાં જ હાથ એની મેળે ઊંચકાઈને સલામ બની જાય છે.

આ કવિ નિરંજને પોરબંદરની સાહિત્ય પરિષદમાં ‘કવિતા અને યુગધર્મ’ પરનો નિબંધ વાંચતાં વાંચતાં પ્રેક્ષકોની આંખ ભીંજવી નાખેલી. કવિ ને કવિતાની તાકાતનો પરચો બતાવી દીધેલો.

તેમણે નર્મદ અને રણજિતરામ સુવર્ણચંદ્રકો સ્વીકારીને એ બન્નેનું બહુમાન કર્યું છે એવું હું જ નહિ કદાચ પે લા બેય માનતા હશે! તેમને ‘નિરંજન ભગત સુવર્ણચંદ્રક’ મેળવ્યા જેટલો આનંદ થતો હશે. સ્વર્ગમાં ય એ બંને ધન્યતા અનુભવતા હશે.

(વિનોદની નજરે, ૧૯૭૯) (ડિસેમ્બર, ૧૯૭૬)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 05-07 

Category :- Profile

સ્વામી આનંદ ગુજરી ગયા ત્યારે મારા મનમાં એમણે રચેલાં અનેક અમર શબ્દચિત્રો ચડી આવ્યાં. મને થયું કે આ શબ્દચિત્રકારને પોતાની તસવીર દોરવાની હોય તો શું લખે ? સ્વામી આનંદ એટલે નરવા ઉદ્ગારોનો ફુવારો. શબ્દ એમના ચિત્તમાંથી ચળાઈને આવે ત્યારે એવો નવો નક્કોર લાગે કે અનાયાસે ચિત્તમાં આનંદ આનંદ થઈ જાય, સ્વામીદાદાનું શબ્દચિત્ર મારી પાંખી કલમે હું આમ દોરું.

ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો. જિંદગીના વાવાઝોડામાં હિમાલયની ટોચ સુધી ઊછળેલું અને વસઈની ખાડીમાં પછડાયેલું પણ સારી પેઠે સાચવેલું રિટાયર્ડ રાજવી જેવું બાધી દડીનું સોહામણું શરીર. એક ચાંપ દાબે તો મોંમાંથી ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ દાબે તો જીભમાંથી ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે નહીં. ટીકીટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા બેઠા હોય તો ય લાગે કે આ તે કયા મલકની માયા ! બોલે ત્યારે લોકડિક્સનેરીના શબ્દો ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડે. માણહ એકલો; પણ સ્ટેઈજ વિના, લાઈટ વિના, ડ્રેસ વિના અને બીજા ક્ટર – ક્ટ્રેસો વિના ગાંધી મહાત્માના નાટકનાં દૃશ્યો દેખાડતો જાય. કામ પતાવી વિદાય થાય તે પછી પણ ઓરડામાં બાંયો ચડાવેલી ચેતનાના લિસોટા મેલતો જાય.”

સ્વામી આનંદનો પરોક્ષ પરિચય મને પંડિત સુખલાલજીએ અનેક વાર કરાવેલો. આપણી લોકબોલીના શબ્દોની થોડા ટ્રંકો ભરાય એટલી નોટો એમણે તૈયાર કરી હતી એવું સાંભળેલું. 1959માં એમને હું પહેલીવાર મળ્યો ત્યારે તેમની પાસે જવા માટે મને સહેજ અનિચ્છા થયેલી. એ અરસામાં ‘સંસ્કૃિત’, માસિકમાં વિનોબાજીના લોકશાહી વિશેના વિચારો પર મારું જરા આકરું વિવેચન છપાયેલું. અંધ વિનોબાભક્તો વિચારસાધના વીસરી જઈ અપ્રસન્ન થયેલા. આ અરસામાં ઉમાશંકરભાઈ જોશીનો પત્ર આવ્યો કે મારે ઑપરેશનમાંથી ઊઠેલા સ્વામી આનંદના તેમના વતી ખબર પૂછવા જવું. હું તેમને મળ્યો ત્યારે હેતપૂર્વક વાત કરી. ઔપચારિક વિધિ પૂરી થયા પછી તેમણે એકાએક કહ્યું : “તમે લોકશાહી વિશે સારી ચર્ચા ઉપાડી છે.” આ સાંભળીને હું ડઘાઈ ગયો, તે દિવસોમાં ભૂદાનયાત્રાનો રથ ધરતીથી એક આંગળ ઊંચો ચાલતો હતો. તે દિવસોમાં વિચારશુદ્ધિના આગ્રહી વિનોબાજી સાથે પણ અણગમતી ચર્ચા કરે તે કાફર કહેવાતો. સ્વામીદાદાને જ્યારે મેં કહ્યું કે હું ભૂદાનના પ્રચારમાં મદદ કરું છું પણ લોકશાહીની બાબતમાં વિનોબાથી જુદો પડું છું ત્યારે તેમણે ફરીવાર એટલું જ કહ્યું : “ચર્ચા સારી કરી છે.” મને લાગે છે કે વિચારની દુનિયામાં જે અવજ્ઞાનો હુંકાર કરે તે સ્વામી આનંદના સગા થઈ જતા. ત્યાર પછી હું એમને વર્ષોથી ઓળખતો હોઉં એમ વાત કરતાં એક સરકારી સામયિકનું પાનું બતાવ્યું. કહે : “આવા નઘરોળ લોકો દારૂબંધીનો શો પ્રચાર કરી શકવાના હતા ? આ એક પાનામાં અઠ્યોતેર પ્રૂફની ભૂલો છે.”

મેં પાના સામું જોયું તો મને લાગ્યું કે આ છાપકામ છે કે ટાગોરનું કોઈ ચિત્ર છે ? સ્વામીદાદાએ એટલી ઝીણવટથી ભૂલો કાઢેલી કે આખુંયે પાનું એમના પરિશ્રમની કલાકૃતિ બની ગયું હતું.

આ પછી સોળેક વર્ષ દરમિયાન આવરનવાર મળવાનું થતું ત્યારે છાપ એ ઊઠતી કે આ એક રંગીલો કવિ છે. સ્વભાવે નખશિખ રોમાન્ટિક, જીવનમાં એમણે જેટલી દુનિયા જોઈ તેટલી દુનિયા બહુ ઓછા લેખકોએ જોઈ હશે. આમાં ગાંધીસમાગમની અનુકંપા ભળી. રંગીન જીવ, ચિત્રવિચિત્ર અનુભવો, દયાથી ઊભરાતું હૈયું, સ્વભાવગત અવજ્ઞાના સૂત્રમાં આ અનુભવ, આ રંગીની અને આ અનુકંપા પરોવાઈ ગયાં ત્યારે પ્રજાને એકીસાથે સદ્ગુણના ભગતની માળા અને જૂઈનાં ફૂલ મળ્યાં.

સ્વામીદાદા સૌથી પહેલા કલાકાર, પછી ગુણના ભક્ત અને ત્યાર બાદ અવ્વલ નંબરના લોકસેવક. ગાંધીજીના અંતેવાસીઓમાં સ્વામીદાદા જેવું કોઈ વ્યક્તિત્વ હોય તો તે મહાદેવભાઈ હતા. ફેર એટલો કે મહાદેવભાઈ કદાચ વધુ મોટા ભક્ત અને જરા વધુ એકધારી કુમાશવાળા. સ્વામીદાદા ગાંધીજીના પ્રખર સાથી, પણ એમના ગમાઅણગમા તીવ્ર. પ્રકૃતિએ સાવ એકલવીર આથી જ તેમની શબ્દસાધનાએ અજાણ્યાં ઊંચાણો છતાં કર્યાં. આજથી સો વરસ પછી ગાંધીજીના સાથીઓનું સાહિત્યને અર્પણ મૂલવાશે ત્યારે સ્વામી આનંદનું નામ કદાચ મોખરે હશે. સ્વામી આનંદના જીવન અને સાહિત્યમાં જે સચ્ચાઈની ધૂણી ધખે છે તે કાળને માત કરશે.

સ્વામી આનંદ આમ તો સંતમતના રામકૃષ્ણના અનુયાયી બાળબ્રહ્મચારી સાધુ. એમનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે. પિતામહનું નામ મહાશંકર દવે. એમનો જન્મ 1887માં ઝાલાવાડના શિયાણી ગામમાં થયો. તેમણે પોતાની પૂર્વાવસ્થા વિશે આમ લખ્યું છે : “છેક બચપણે કોઈ ભટકુ બાવાનો ભોળવ્યો ભગવાનને જોવાની ધૂનમાં હું સાધુબાવાની દુનિયામાં ખોવાઈ ગયેલો. તેર વરસની ઉંમરે ઠાકુર રામકૃષ્ણના સાધુએ ઉગાર્યો.” સ્વામી આનંદનું બચપણ મુંબઈના ગીરગામ લત્તામાં વીત્યું. આઠ વર્ષની ઉંમર સુધીના એમના બાળપણનાં સ્મરણો એમની વિખ્યાત કૃતિ ‘કુળકથાઓ’નો પાયો છે. એમના મામા ગોકળદાસ મોરારજીને ત્યાં ઘરમહેતાજીની નોકરી કરતા ત્યારે તેમણે જાજવલ્યમાન ધનીમાને જોયેલાં. તેર વર્ષની ઉંમરે તે સાધુ થયા. પછી પોતાની વીસીમાં લોકમાન્ય તિલકના પરિચયમાં આવ્યા. 1914માં તિલક મહારાજનું ‘ગીતા રહસ્ય’ છપાતું હતું ત્યારે તેના મુદ્રણમાં તે મદદ કરતા હતા. આ વર્ષો દરમિયાન તેમણે સંસાર અને ધર્મ બંને એકીસાથે જોયા લાગે છે, કેમ કે આ અરસામાં જ તે મુદ્રણકળામાં પારંગત થયા. 1915માં 28 વર્ષની ઉંમરે તે ગાંધીજીને પહેલીવાર મળ્યા અને તેમના જીવનનો ત્રીજો તબક્કો શરૂ થયો.

ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવનમાંથી છૂટા થયા ત્યારે સ્વામી આનંદે નવજીવન સાપ્તાહિક તથા તેના છાપખાનાની વ્યવસ્થા હાથમાં લીધી અને ગુજરાતી મુદ્રણકળાએ પડખું બદલ્યું. શુદ્ધ – અણિશુદ્ધ મુદ્રણની પરિપાટી સ્વામીદાદાએ પાડી તે આજે પણ નવજીવનમાં ચાલે છે અને એનો ચેપ ઠેર ઠેર ફેલાયો છે. સ્વામી આનંદ ગાંધીજીના પત્રોના કેવળ મુદ્રક નહોતા, એ તો ગાંધી-પત્રકારત્વના વહાણના કૂવાથંભ હતા. ગાંધીજીએ સ્વામી આનંદના અર્પણને આ શબ્દોમાં અંજલિ આપી છે : ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ (નવજીવનની) જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.”

ગાંધીજીનાં બે સૌથી મહત્ત્વનાં પુસ્તકો : આત્મકથા અને અનાસક્તિયોગ. આ બંને પુસ્તકો સ્વામી આનંદના તકાદાથી તેમણે લખ્યાં. આત્મકથા ‘નવજીવન’માં હપ્તાવાર છપાયેલી. 1922માં નવજીવનના મુદ્રક તરીકે વાંધાભર્યું લખાણ છાપવા માટે પહેલી વાર જેલમાં ગયા. આ સમય દરમિયાન મહાદેવભાઈ અને સરદાર સાથેનો સંબંધ ધનિષ્ઠ થયો. 1928ના બારડોલીના સત્યાગ્રહ વખતે સ્વામી આનંદ સરદારના મંત્રી બન્યા. સરદારનાં વિરલ ભાષણો ગુજરાતી ભાષામાં ટકી રહ્યાં છે તેનો જશ સ્વામી આનંદને જવો જોઈએ. 1930ના મીઠાના સત્યાગ્રહમાં સ્વામી ફરીવાર જેલમાં ગયા. 1932માં ત્રીજી વાર. પછીનાં વર્ષો દરમિયાન સ્વામી આનંદે હરિજનમંદિરપ્રવેશ ચળવળના મુખી કાર્યકર્તા તરીકે કામ કર્યું અને બિહાર ધરતીકંપમાં ગાંધીજીના પ્રતિનિધિ તરીકે સેવા આપી.

1935થી તેમણે દરિદ્રનારાયણની વચ્ચે જઈ બેસવાનું નક્કી કર્યું, અને થાણા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગાંધી આશ્રમ સ્થાપ્યો. ગ્રામોદ્યોગોની દૃષ્ટિએ સ્વામી આનંદે 734 ગામોની પગપાળા ચાલીને તપાસ કરેલી. કસ્તૂરબાના મૃત્યુ પછી જે રાષ્ટ્રીય સ્મારક ફાળો ઊભો થયો તેના સ્વામી આનંદ મૂળ સંસ્થાપક અને એક મંત્રી બન્યા. સ્વરાજ મળ્યું ત્યાં સુધી સ્વામી આનંદ આદિવાસીઓ વચ્ચે ગાંધી આશ્રમમાં રહ્યા. ભારત આઝાદ થયું ત્યારે 1947માં પંજાબ, દહેરાદૂન અને હરદ્વારમાં નિરાશ્રિતો વચ્ચે કામ કરેલું. સ્વામી આનંદનું પહેલું વતન મહારાષ્ટ્ર અને બીજું હિમાલય. કાકાસાહેબે હિમાલયનો પ્રવાસ અલમોડામાં સ્વામી આનંદને મળવા ગયા તે પછી તેમની સાથે શરૂ કર્યો. આમ, સ્વામી જેટલા ગાંધીભક્ત તેટલા હિમાલયભક્ત હતા. એ એક અકસ્માત નથી કે ગાંધીજીના મૃત્યુ પછી સ્વામી ફરી પાછા હિમાલયના પહાડોમાં રહેવા ચાલ્યા ગયા. પાછલાં વર્ષોમાં સ્વામી ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા કોસબાડમાં આવીને રહ્યા. સાઠી વટાવ્યા પછી તેમણે ગુજરાતીમાં ફરીવાર વ્યવસ્થિત લખવા માંડ્યું. એમનો મુદ્રણ અંગેનો આગ્રહ એટલો ઉગ્ર કે પોતાનું લખાણ પુસ્તકરૂપે છપાવવા માટે કોઈ પ્રેસ નજરમાં જ ન વસે. તેવામાં તેમણે મહાદેવભાઈની ડાયરીઓ છાપવા તથા આદિવાસી અને દૂબળાના છોકરાઓ મુદ્રણકામ શીખે તે માટે ‘સુરુચિ’ છાપશાળા ઊભી કરી.

એંસી વર્ષ થવા આવ્યાં ત્યારે મિત્રોએ એમનાં લખાણો ગ્રંથસ્થ કરવા સમજાવ્યા અને વડોદરાની યજ્ઞ મુદ્રિકા એમના નીંભાડામાં તપીને અણીશુદ્ધ બહાર આવી.

સ્વામીને માટે પણ આ વર્ષો અત્યંત વિષાદનાં હતાં. મહાદેવભાઈના મૃત્યુએ તેમને ભાંગી નાખ્યા હતા ગાંધીજીના મૃત્યુ પછી એમનો દુનિયા બદલવાનો રસ ઓછો થયો હતો. એમણે પોતે આ વર્ષોમાં પુસ્તકપ્રકાશન કરવાનું નક્કી કર્યું તે વખતની તેમની સ્થિતિનું વર્ણન આ શબ્દોમાં કર્યું છે : “વર્ષો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જિવલગ સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઉદ્ધાર કરવાના લહાવા આરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વર્ષોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું પણ મારી ગાડી જ કમબખત આવતી નથી.”

એમની ગાડી લગભગ નવ વરસ પછી આવી. અચાનક 1976ના જાન્યુઆરીની પચીસમી તારીખે 89 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું.

સ્વામી આનંદે લગભગ એંશી વર્ષની ઉંમરે પોતાનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવાની મંજૂરી આપી. હા-ના હા-ના કરતાં તેમણે પણ લાક્ષણિક જુસ્સાથી પુસ્તકો માટે વધતું ઘટતું લખાણ લખી આપ્યું. લગભગ આઠેક ગ્રંથો નવ વર્ષમાં આપ્યા. 1969માં તેમની કૃતિ ‘કુળકથાઓ’ માટે સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમને એનાયત થયું. તેમણે આ માનનો આભારપૂર્વક અસ્વીકાર કરતાં કહેલું કે સાધુ તરીકે તેમનાથી કોઈ કાર્યનું વળતર લઈ શકાય નહીં. એમનાં બધાં પુસ્તકોની ગણતરી કરીએ તો એમણે અઢારેક પુસ્તકો લખ્યાં છે અને બીજાં સાત-આઠ પાઈપ લાઇનમાં છે. આમાં સૌથી મહત્ત્વનાં બે પુસ્તકો એમને આત્મકથાનાં થશે. જીવનભર અંગત જીવન વિશે જડબેસલાક મૌન સેવનાર સ્વામીએ પોતાની આત્મકથા મરણોત્તર પ્રકાશન બને એવી ઇચ્છા રાખી હતી. આમ સ્વામી આનંદના સાહિત્યઅર્પણનો સંખ્યામાં આંકડો પચીસ જેટલાં પુસ્તકોનો થશે. જેને અંગ્રેજીમાં બાયોગ્રાફિકલ એસે કહે છે તે ચરિત્ર નિબંધના સ્વામી આનંદ ઉત્તમ કસબી હતા. આપણે ત્યાં ચરિત્રનિબંધો મોટા પ્રમાણમાં લખાયા નથી અને એના વિશે જૂજ ચર્ચા થઈ છે. ચરિત્રનિબંધ એ અંગત નિબંધ અને બીબાઢાળ જીવનચરિત્ર વચ્ચે આવેલો સાહિત્યપ્રદેશ છે. એક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ વિશે અંગત દૃષ્ટિએ લખે ત્યારે ચરિત્રનિબંધનો ઉપાડ થાય છે. સ્વામી આનંદના ચરિત્રનિબંધો મોટા ભાગે આત્મકથાત્મક હોઈ તેમાં ઉત્તમ અંગત નિબંધનાં તત્ત્વો સામેલ થયાં છે.

વળી સ્વામી આનંદની શૈલી એવી આગવી અને ચલચિત્રાત્મક છે કે આપણે કોઈ કલાચિત્ર (આર્ટ મૂવી) જોતા હોઈએ એટલો આનંદ થાય. એમના ગદ્યનું પોત એટલું બળકટ અને કુમાશવાળું  છે કે આપણું મન પહેલી જ કંડિકાથી તેમાં તણાવા માંડે. એમના ગદ્યનું સૌથી પહેલું લક્ષણ એ છે કે એનું કોઈ અનુકરણ ન કરી શકે. નામ ન લખ્યું હોય તોપણ વાક્યે-વાક્યે સ્વામી આનંદની છાપ ઊઠેલી દેખાય. લોક-ગુજરાતી અને તળપદા શબ્દોનું જોમ એમના ગદ્યમાં જે રીતે પ્રગટ થયું છે તે જોઈ કોઈ ને લાગે કે આ કોઈ આધુનિક ચરિત્રનિબંધ છે કે અમર લોકકથા છે ? એમની પીંછીમાં ચિત્રો ઉપસાવવાની જેટલી કળાશક્તિ છે તેટલો જ વેગ છે. આથી તેમની કથાશૈલીમાં મુનશી અને પન્નાલાલનું મિલન જોવા મળે છે.

સ્વામી હતા બાળબ્રહ્મચારી સાધુ, પણ ગાંધીજીના સમાગમ પછી તેમના મનમાં એ વાત નક્કી થઈ કે સંસારમાં રહી અનાસક્ત સેવા કરે તેના જેવો બીજો કોઈ સાધુ નથી. એમના પુસ્તક ‘સંતોના અનુજ’માં આ જીવનફિલસૂફી તેમણે આમ વ્યક્ત કરી છે :

“સાધુ એટલે સાધનાવન્તા, જીવનને સાધના ગણીને જીવનારા, જિંદગીના તમામ ઝીણામોટા વહેવાર ‘मय्यर्वितमनोबुद्धि:’ વાળી પ્રભુ સમર્પણ ભાવનાથી કરનારા ભક્ત માણસો પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને મધ્યયુગીન સંતો કે આધુનિક કાળના ગાંધીજી સમા જગમાન્ય, અગર તો સ્વ. મશરૂવાળા કે નાનાભાઈ ભટ્ટ સુધીના ઘણા ખરા મહાનુભાવો ગૃહસ્થજીવન જીવ્યા. સંસારના લાખો કરોડો દુન્યવી માનવીઓની જેમ જ એમણે પોતપોતાનાં કામકાજ વહેવાર માનવધર્મ અદા કર્યાં. તેમ કરતાં કરતાં અસંખ્ય માટીપગા દુન્યવી માણસોની જેમ એમણે પણ ભૂલો કરી. નબળાઈઓ બતાવી. પડ્યા-આખડ્યા, ગાફેલગીરી કીધી. છક્કડો ખાધી, વેદિયો-બાવળાય ઠર્યા. પણ દરેક વેળા જાગી સમજીને પાછા ઊઠ્યા, ઊભા થયા અને નમ્રપણે પોતાની ભૂલથાપ પોતાની આગળ, પોતાના મિત્ર પરિવાર સમક્ષ કે દુનિયા સમક્ષ કબૂલીને આગળ ધપ્યા. અને અંતે જિંદગીની બાજી જીતીને પ્રભુચરણે વિરમ્યા.’

સ્વામી આનંદને મન ખરા સાધુ કિશોરલાલ મશરૂવાળા છે, મહાદેવભાઈ દેસાઈ છે, વૈકુંઠભાઈ છે, મૉનજી રૂદર છે, જેઠુભાઈ છે, નાનાભાઈ ભટ્ટ છે અને મહાદેવથી મોટેરા છોટુભાઈ બાપુભાઈ દેસાઈ છે. છોટુભાઈ દેસાઈનું રેખાચિત્ર ‘ધરતીના લૂણ’નું હાર્દ છે. સ્વામી છોટુભાઈ અને તેમના પિતરાઈ મહાદેવભાઈ દેસાઈની સરખામણી આ શબ્દોમાં કરે છે :

“...આમ છતાં બેઉની કેળવણી, સ્વભાવ અને વ્યક્તિત્વ બહુ જુદાં. એક મોગલ ગાર્ડનનું ગુલાબ; બીજો ઉનઈ જંગલનો વાંસ. એક તાજમહેલનું શિલ્પ; બીજા દખ્ખણના ગોમટેશ્વર. એક ઢાકાની શબનમ; બીજી ઘાટીની ધોંગડી-ઓઢનાર પાથરનાર હરકોઈને ખૂંચે, અને છતાં ટાઢ શરદી, વરસાદ વાવાઝોડા હેઠળ જ્યારે કીમતી શાલદુશાલા હવાઈ જાય ત્યારે એ જ કાળી ધોંગડી મીઠી હૂંફ આપીને ન્યૂમોનિયાથી બચાવી લે.”

છોટુભાઈ જેવું જ એક મૉનજી રૂદરનું પાત્ર ‘ધરતીના લૂણ’માં આવે છે. મૉનજી રૂદર અનાવલા જ્ઞાતિવાદની સામે જે પ્રંચડ આંતરબળથી લડે છે તેનું વર્ણન સ્વામી આનંદ જ કરી શકે. મારી દૃષ્ટિએ ‘મૉનજી રૂદર’ તેમનો ઉત્તમ ચરિત્રનિબંધ છે. મૉનજી રૂદરનો અમાનુષી બૉયકૉટ કરનારી અનાવિલ કોમનું ચિત્ર સ્વામીની કલમે આવું દોર્યું છે :

“કુળની એંટ એવી જ. સુરત બાજુના તેટલા દેસાઈ, પારડી – વલસાડ બાજુનાને ભાઠેલા કહે. પાર(નદી)ની પેલી મેર દીકરી ન દે. વાંકડાની દૉલત પર જીવવામાં નાનમ નહિ. બલ્કે વધુમાં વધુ વાંકડો ઑકાવવામાં ખાનદાની સમજે ! વેવાઈ-વાંકડાની વાટાઘાટો, ઘારીદૂધપાકનાં જમણ, કે પૉક-ઊંધિયાની મિજલસોમાંથી કદી પરવારે નહિ. નનામી અરજીઓ કરવાના વ્યસની, બાખાબોલા ને આખા.

“ચડાઉ ધનેડું. જીભ બારેવાટ; સાંકળ મિજાગરું કશું ન મળે. પિતરાઈ-પાડોશીની ખેંધે પડ્યો મેલે નહીં.”

સ્વામીને સંત અને લડાયક જીવો બહુ ગમતા. છોટુભાઈ દેસાઈની લડાઈઓ દરિદ્રનારાયણ માટે હતી. સચ્ચાઈ માટે હતી. પણ ‘હંફાવ્યો’ અને ‘ભોંય ભેગો કર્યો’ એ એમના પ્રિય શબ્દપ્રયોગો હતા. ‘મોતને હંફાવનારામાં’ કરનલ કરડાનું શબ્દચિત્ર જુઓ :

“ફોજી આદમી. રોમેરોમ કરડા, ટેકીલા અને ગજબ હિમ્મતવાળા. ઠેઠલગણની લડાકુ વૃત્તિ. લડાઈ ચડાઈને ધીંગાણે હોય, લશ્કરી છાવણીનાં બરાક મેસ બંગલામાં હોય, કે રજાછુટ્ટી પર ઘરઆંગણે ગયા હોય, લડાઈ, લડાઈ ને લડાઈ સિવાઈ બીજી વાત ભાગ્યે હોય. ‘આંટ્યો’, ‘મારી પાડ્યો’, ‘હંફાવ્યો’, ‘ઊંધો લાખ્યો’, ‘ભોંય કીધો’,  ‘લગાવ જંગ’, ‘પડપોબાર’, ‘એક બે ને સાડાતણે કીધો લીલામ !’ની જ ભાષા દિવસ રાત બત્રીસીએ બેઠેલી ! જૂના અડીખમ જોધારમલોનો નખશિખ નમૂનો.”

સ્વામીનો પશુઓ પ્રત્યે પ્રેમ પણ એમના નિબંધોમાં જોવા મળે છે. ‘કુળ-કથાઓ’માં ચીના બાગનો ઘરડો ઘોડો ‘મોરુ’એ બાગનું ‘મહામોલું મૉન્યુમેન્ટ’ અને એમના ‘બચપણનો એક સૌથી વડો રોમાન્સ હતો. કેવો હતો એ મોરુ ?

“ધોળો ઈંડા જેવો વાન લથબથ ડિલ, મખમલ જેવી સુંવાળી રૂંવાટી જ્યાંથી જુઓ, ઝગારા મારે. હાથ મૂકો તેવો લપસી જાય. હું તો જે કોઈ સઈસ-બરદાસી એને દાણોપાણી કરવા આવે તેને, મને ઊંચકીને મોરુને ડિલે હાથ ફેરવવા દેવા કહું.”

કોઈએ એવી ફરિયાદ કરી કે “મેં મારાં ચરિત્રોમાં કલ્પનાનો વઘાર દઈને ગુણ જ ગાયા છે; દોશ ખામી બતાવ્યા નથી.” સ્વામીએ આનો જવાબ આપતાં કહ્યું કે જેમનાં ચરિત્ર અને ગુણોથી એ વીંધાયા એવી વ્યક્તિઓ કે વિભૂતિઓનાં રેખાચિત્રો જ તેમણે કલ્પનાનો મુદ્દલ આશરો લીધા વિના દોર્યાં છે. આ ટીકાનો જવાબ દેતા હોય તેમ તેમણે માણસના હીણા અંશોથી ઊભરાતાં ચરિત્રોનો સંગ્રહ આપ્યો. તેનું નામ છે ‘નઘરોળ’. 1975માં બહાર પડેલું આ પુસ્તક તેમનું છેલ્લું પુસ્તક છે. આ પુસ્તકમાં દુનિયાભરના ચિત્રવિચિત્ર નઘરોળો એકઠા કરવામાં આવ્યા છે, નઘરોળ એટલે ? સ્વામી આનંદના શબ્દોમાં “... અર્થ છે, ફૂવડિયો, ડઠ્ઠર, નીંભર, હાડોહાડનો બેપરવા, નઠોર, રીઢો, અઘોરી, ઓઘરાળો, દીર્ઘસૂત્રી.”

આ ગ્રંથમાં ગુણશોધક સ્વામીની કલમ જરાયે ઓછી ઊતરતી નથી. સંસારના એંઠવાડ જેવા મનુષ્યોને જ્યારે સ્વામીની ભાષા આપણી સમક્ષ રજૂ કરે છે ત્યારે તેમના કલુષિત ચિત્તને આપણે ભૂલી જઈએ છીએ અને ચોટદાર રેખાચિત્રોની કળા ચિત્તમાં મઘમઘે છે. અહીં સંગીતનો મેલોઘેલો ‘મૂર્શિદ’ છે ઈશુલખી સૃષ્ટિની ઉત્પત્તિ સામે બળવો કરનાર ધૂની શિક્ષક છે, ગાંડા દર્દીઓ પર ‘હથોડા ઉપચાર’ કરનાર દાક્તર છે, હિરોશિમા ઉપર બૉંબ ફેંકનાર મેજર ઇથરલી છે, આદિવાસીઓનું લોહી ચૂસતો કંત્રાટી ધાણિયામો છે, કૌસાનીનો મખ્ખીચૂસ બ્રાહ્મણ સાવકાર છે, સફાઈથી પાઉં ચોરતો મરાઠાનો છોકરો છે. પોતાના ટટ્ટુનું લોહી પીતો આગ્રાનો ગાડીવાળો છે. હિમાલયમાં નગ્ન ફરતી ઘેલી અમેરિકન બાઈ છે, સ્વામીના બે લુચ્ચા ઘરધણીઓ અમદાવાદના મિસ્ત્રી અને હિમાલયની તળેટીના મેજર મારકણા છે અને છેલ્લે જાણીતા ભરાડી પત્રકાર સેન્ટ નિહાલસિંગ છે. માત્ર પાંચ જ વાક્યોમાં સેન્ટ નિહાલસિંગનું અદ્ભુત શબ્દચિત્ર સ્વામીએ દોરી આપ્યું છે :

“ભરાડી ઉર્ફે એડવેન્ચરર નંબર એક. હુકમનો એક્કો પાંચ મિનિટની પાનાની રમતનો. આભ ઊંચું સ્કાયસ્કેપર, નરાં ભાડા કમાવા બાંધેલું. શક્તિ પારાવાર, પણ આયોજન પ્રયોજન વિના ગમે તે દિશામાં નકરી છૂટેદોર આમતેમ દોડતી; જેને ગાંધીજી હૂડબળ કહેતા.”

પણ કથાનો ખરો નઘરોળ તો અઘોરી મૂર્શિદ છે. ગુજરાતી ગદ્યની કેટલી ક્ષમતા છે તે સ્વામીએ દોરેલા આ શબ્દચિત્ર પરથી પ્રતીત થશે :

“મુરશદજી પગથી માથા લગી ભેંકાર માણસ. ઠીંગણું કદ. બાવળની ગંડેરી જેવી કાયા. મોઢાનું મૉરું જાણે થાપેલ છાણું. ભમ્મર શાહુડીના સીસોળિયા જેવી. બોડકા માથાને તાળવે કરોળિયા જેવા પાંખા વાળવાળી બે બાબરીઓ ચોંટી રહેલી. ને ગરદન તો મળે જ નહીં ! કોઈના ભણી જુએ ત્યારે આખી કોઠી જ આંચકો દઈને ફેરવે. એના વહેવાર એટલે રુગા ધૉલધપ્પા, આંચકા ને વડચકાં.’

‘નઘરોળ’માં આપણે સ્વામી આનંદના ગદ્યનાં બધાં જ ઉત્તમ શિખરો ચડીએ છીએ. સ્વામી આનંદનું ‘નઘરોળ’ વાંચીએ ત્યારે આપણે આ દુનિયા ભૂલી માનવનર્કમાં ફરીએ છીએ. પણ આપણે આ નર્કમાં સ્વામી આનંદના શબ્દની આંગળીએ ફરીએ છીએ એટલે સૌંદર્યસભર આહ્લાદ અનુભવીએ છીએ.

સ્વામી આનંદનું અંતરંગ ગાંધીમાર્ગી, પણ એમનું બહિરંગ છલોછલ રોમાન્ટિક. એમના જેવા લોકસેવક અને ત્યાગી જીવ કલમ ઉપાડે ત્યારે કલમ ભારે થઈ જવાનો ભય રહે છે. પણ સ્વામી આનંદ જ્યારે કલમ પકડે છે ત્યારે તે કેવળ કળાના બંદા બને છે. આથી એમનું સાહિત્ય એમના જીવન કરતાંયે વધુ મોટી હિમાલયી ભવ્યતા છતી કરે છે.

[“ગ્રંથ”, ફેબ્રુઆરી 1976] 

સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક 53, સપ્ટેમ્બર 2017; પૃ. 22-27   

Category :- Profile