POETRY

અગમનિગમ કૈં ઝળકે રે!

પંચમ શુક્લ
19-08-2017

લખતર, લખપત કે હો લંડન, અલખ-લખણ કૈં ઝળકે રે!
ફજરફાળકે રીડિયારમણે ગવન કવન કૈં ઝળકે રે!

સરળ, સહજ સહુ સૂણીસૂણીને ચીકટ રસાનુભવમાં રસબસ,
સાક્ષર એવમ્ સ્વાંત નિરક્ષર ઇસમ કિસમ કૈં ઝળકે રે!

ભાવકોષથી ભર્યાંભાદર્યાં વિશ્વનિવાસીને વરવા
ભોજન, જલસા અને ડાયરા પળ પ્રતિપળ કૈં ઝળકે રે!

શુકરાજ, દેવસચ, મુસાભાઈના ઉરમાં અપરંપાર કરુણા,
પંચકોટિનું દ્રવ્યસમર્પણ, કરમ ધરમ કૈં ઝળકે રે!

તક્રમંથને નવનીત, ઘૃત, દીપજ્યોત તમસને અજવાળે,
નવ્ય, પુરાતન નીંગઠ ગઠતાં અગમનિગમ કૈં ઝળકે રે!

19/8/2017

Category :- Poetry

આવાસો

અનુવાદક : જયંત મેઘાણી
27-07-2017

નગરની અંદર ઘર બનાવો પહેલાં વનાંચલમાં 

તમારી કલ્પનાની એક કુંજ જરૂર રચજો

કારણ, જેમ સાંજ ઢળ્યે તમારાં પગલાં ઘર ભણી વળે છે,
તેમ સુદૂરે વસતો તમારો એકાકી રઝળુ આતમ પણ પંથે પળે છે.
તમારું ઘર તમારા આત્માનો આવાસ છે.
ઘર સૂરજ-મંડપની છાયામાં વિકસે છે,
અને નીરવ રાત્રિખોળે પોઢી જાય છે.
નિદ્રા સ્વપ્નવિહોણી નથી હોતી;
તમારું ઘર પણ સ્વપ્નશૂન્ય થોડું હોય છે?
અને સ્વપ્નમાં નગર ત્યજીને વનાંચલે વિહરવા નીકળતું નથી?
ગિરિશિખરનાં આરોહણ કરતું નથી?
ઉમ્મીદ તો એવી ઊગે છે કે હું બધાં ઘરને મુઠ્ઠીમાં ભરી લઉં,
વાવનાર વનમાં ને વાડીમાં બીજ વેરતો જતો હોય છે તેમ
ઘરોની પણ, લાવ ને, વાવણી કરું!
અહો! પહાડોની કંદરાઓ તમારા વસવાટના રસ્તા હોત તો!
હરિયાળી પગદંડીઓ નગરની શેરીઓ હોત તો!
સહુ લોક દ્રાક્ષ-મંડપની છાંયમાં એકબીજાને શોધતા હોત તો!
પછી ઘેર પાછાં ફરતાં તમારાં વસ્ત્રોમાંથી
માટીની સુગંધ ફોરતી હોત તો!
પૂર્વજોએ સલામતી ખાતર તમને સહુને ભેગાં વસાવ્યાં.
ભીતિવિવશ રસમ હજુ ચાલવાની.
હજુ પણ તમારાં ઘર વસ્તીમોઝાર રહેવાનાં અને
તમારી વાડીઓ ગામસીમાડે રહેવાની.
અને, કહો, તમારાં ઘરોમાં શું ભંડાર્યું છે,
એવી તે કઇ જણસનું જતન કરવાનું છે કે
ઘરનાં બારણાં તમારે ભીડેલાં રાખવાં પડે છે?

તમારે મનડે શાંતિનો આવાસ છે

ચિત્તના ઝળહળ શિખરે પહોંચાડે એવી સ્મરણસંપદા છે

કેવળ દુન્યવી વસ્તુઓની સૃષ્ટિમાંથી દેવભવન ભણી લઇ જાય 

એવું હૃદયસૌંદર્ય છે ખરું

કહો, આવુંઆવું તમારાં ઘરોમાં છે

કે પછી નરી સગવડો સગવડોથી ઘર ઊભરાય છે

જે અતિથિ બનીને ચાતુરીપૂર્વક ઘરમાં પ્રવેશે છે

પછી યજમાન બની જાય છે

ને છેવટે ઘરની સ્વામિની બની બેસે છે! – સુવિધા તે કેવી

અરે, તો પછી તમને પાળીતાં પશુ બનાવી દે છે

તમારી ઇચ્છાઓને કઠપૂતળી બનાવી દે છે

એમના હાથ મુલાયમ હોય છે, પણ હૃદયે લોઢું ધરબેલું હોય છે.

તમને નિદ્રાવશ બનાવી મૂકે છે

તમારી હસ્તીની અધિપતિ બની જાય છે

તમારી સુબુદ્ધિને હાંસી અપાવે છે

સાચે , સગવડોની તૃષ્ણા આત્માની ભાવનાઓનો ભક્ષ કરી જાય છે.

પણ, હે વિશાળ વસુધાનાં સંતાનો

નૌકાને નાંગરવાના લંગરને નહીં

પણ નિત્યપ્રયાણના સઢને તમારું ઘર બનાવજો.

જીવિતો માટે સજાવેલી કબર જેવાં ઘરો માંહી તમારો વસવાટ હજો

અને ભવ્ય અને રમ્ય હોય પણ ઘરમાં ગુપ્ત હજો.

કારણ, જે આતમરામ તમારા ઘટડામાં વિલસે છે 

તેના વસવાટ તો આકાશના ભુવનમાં છે

પ્રભાતી ઝાકળ તેનું દ્વાર છે

અને રાત્રિનાં ગાન અને નીરવતા તેની બારીઓ છે.

 

[ખલિલ જિબ્રાનના કાવ્યઑન હાઉસીઝપરથી]

Category :- Poetry