POETRY

કાશીરામકાકાની વાત

મણિલાલ હ. પટેલ
05-11-2013

(એક સાદીસીધી કવિતા)

કરમસદના કાશીરામકાકા કશે જતા નથી
એ ભલા ને ભલી એમની કેળ બાજરી
ખમતીધર ખોરડાના ધણીની ખેતીમાં
કણનું મણ થાય ને કાયા પરસેવે ન્હાય
હાથી મૂકો તો ય પાછો પડે એવી કેળ
તે લૂમો લેવા મુંબાઈનો મારવાડી અાવે …

ટૃેક્ટરનો જમાનો અાવ્યો તે એ ય લાવ્યા
પણ હળબળદ ને ગાડું : વાડામાં તૈયાર હોય
યંત્રોનું એવું તે ખરે તાકડે બગડી બતાવે
ને વીજળી તો વારે વારે પિયર જાય, એટલે
પંપ બાપડા પાંગળા, છતે ડિઝલે અોશિયાળા …

કાશીરામકાકા કહે છે કે -
‘ઋતુઅો રાજાની ય રાહ નથી જોતી
ને ધરતીમાતા બીજ નથી ખોતી
બાકી જિન્દગી અને ધોતી ઘસાય … જર્જર થાય …
અા જુવોને પંડનાં છોકરાં પરદેશ ગયાં તે
જમીન થોડી પડતર રખાય છે, હેં !
માલિકે અાપણી વેઠવા વાસ્તે વરણી કરી તે
અાપણે જાતને સાવરણી કરી −
લીલાલ્હેર તે અા સ્તો વળી … !’

કાશીરામકાકાનો સંદીપ
સીમાને પરણીને સીડની ગયો
વિનોદ વિધિને પરણીને વેનકુંઅર જઈ વસ્યો
ને બીના બોરસદના બિપિનને પરણીને
બાલ્ટીમૉરમાં, − હા બાબરી બાધા માટે બધાં
બે વર્ષે અાવે, પણ −
બાજરીનું ખેતર તો બાધરને જ સાચવવાનું … !

કાશીરામકાકા તો કશે જતા નથી, પણ −
સરદાર પટેલના વતનવાસીઅો
શિકાગોમાં ઘણા … કે ત્યાં ચરોતરની
ન્યાત મળી, અારતી અને પ્રસાદ પછી
નક્કી થયું કે વતનની સેવા કરીએ !
કાશીરામકાકાને તેડીએ ને સન્માન કરીએ …

કાકા મને કહે કે − ‘મનુ ભૈ ચાલો ત્યારે
તમે ય પેન્સિલવેનિયામાં
પરેશનાં પોતરાંને રમાડતાં અાવજો … ’
મોટા હૉલમાં મેળાવડો થયો
એકે ય થાંભલા વિના અાભલા જેવી છત …
કાશીરામકાકાને અાઈપેડ અાપ્યું ને
ઘઉંની સાથે ચીલ પાણી પીવે તેમ
મનુભૈને અાઈફોન અર્પણ કરીને
ન્યાત તો રાજી રાજી …

અરે, કાશીરામકાકાને કહો : ‘બે શબ્દો બોલે … ’
કાકાને થયું − ભલે ત્યારે ! બોલ્યા :
‘વહાલાં વતનવાસીઅો … ભગવાન ભલું કરજો !
અાપણી ભૂમિ તે અાપણી ભૂમિ ! મોતી પાકે મોતી !
મેં નાપાડના નરસીને બોલાવીને નર્સરી સોંપી, તે −
બે પાંદડે થયો ! ને એનો નીતિન
નર્સરીમાં રોપા ગણતાં ગણતાં
દાક્તરી કૉલેજમાં ગયો … બુદ્ધિ બુશના બાપની થોડી છે ?!
પણ મૂળ વાત તો ભીતર ભોંયની છે, ભાઈઅો !
માલીપાનો ખાલીપો બઉ ખખડે હાં કે !
પ્રાર્થનાઅો કરીએ કે કૂતરાં પાળી બચીઅો ભરીએ −
− બધું જ ફાંફાં અને ફોતરાં છે − !
ભીતરની ભોમકા ફળવતી જળવતી બને તો ભયો ભયો
અમેરિકાએ અાટલું શીખવાનું છે …
બાકી તો પરિશ્રમ જ પારસમણિ છે …
બહેનો અને બંધુઅો ! સુખી થજો ને સુખી કરજો … ’

દેશીઅો કાશીરામકાકાને કેટલું સમજ્યા
એની તો ખબર નથી પડી
પણ સીઅાઈઅાઈએ એ ટૂંકા પ્રવચન વિશે
લાંબો અભ્યાસ કરવા કમર કસી છે, ને −
કાશીરામકાકા કરમસદ અાવી ગયા છે.

(16.06.2013, ક્લીવલૅન્ડ, અોહાયો, યુ.એસ.એ.)

[સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2013]

Category :- Poetry

ગોડાઉન

અહમદ ‘ગુલ’
08-10-2013

 

જથ્થાબંધ તાળીઅો
ઉઘરાવાય છે.
કરોડરજ્જુ વિનાના કર્મચારીઅો પાસેથી
પોલિસો, અમલદારો પાસેથી
કૉલેજિયનો, નિશાળિયાઅો
શિક્ષકો, અબૂધ અધ્યાપકો
તાબોટા પાડતા કુટિલ કુલપતિઅો પાસેથી
જમીનોના બદલામાં
લાલચી ઉદ્યોગપતિઅો પાસેથી
પાંચપંદર રૂપરડી અાપી
અામજનતા પાસેથી
ખરીદાય છે તાળીઅો
કેસરી તાળીઅો
લીલી તાળીઅો
ત્રિરંગી તાળીઅો
પંચરંગી તાળીઅો
બહુરંગી તાળીઅો
તાળીઅોનું બજાર ગરમ છે
મારું વતન
જથ્થાબંધ તાળીઅોનું ગોડાઉન !

e.mail : ahmadlunat@yahoo.co.uk

Category :- Poetry