POETRY

દીનદયાળ ચૂર્ણ

રાજુ સોલંકી
10-04-2014


લઘુમતી આહારવિહારને કારણે
બિનસાંપ્રદાયિકતાની કબજિયાત થાય, તો
અમારી કંપનીનું
દીનદયાળ ચૂર્ણ ખાવ.
હિન્દુત્વનો સરસ મજાનો રેચ થશે.
સર્વ રોગહર, સર્વ દુ:ખહર
પરમહિતકારી આ ચૂર્ણ
વેદ પ્રમાણિત છે,
શ્રુતિ, સ્મૃિત, ઉપનિષદ આધારિત છે.
અમારી કંપનીએ
આ યોગ
સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી
હજાર મણ માનવરક્તનો પુટ આપીને
તૈયાર કર્યો છે.
આમ તો
આ અનુભૂત યોગ
વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં
નરણે કોઠે વિશેષ ફળદાયી છે.
પરંતુ તેને ઓછી માત્રામાં લેવાથી
જાતિભેદના જીવાણું અને
વર્ગીય અસમાનતાના વિષાણું
મરતાં નથી
એટલે એનો પુષ્કળ માત્રામાં પ્રયોગ કરવો.
તેના સેવન સમયે
રક્તપાત, બોમ્બ ધડાકા, શિયળભંગ
જેવા ક્ષણિક ઉત્પાતો થશે.

પરંતુ અંતે સિસ્ટમ નિરામય થશે.
ગરીબી, બેકારી, ભૂખમરો જેવાં
વ્યાધિ ભૂલાઈ જશે.
મારી વાત સાંભળીને તમે હસો છો?
આ કોઈ પક્ષનો ચૂંટણી ઢંઢેરો નથી.
અમારી સદીઓ જૂની
અને હવે તો વૈશ્વિક બનેલી
કંપનીના આક્રમક માર્કેટીંગની
આ ફળશ્રુતિ છે.
અમારી કંપની ભલે નાસ્ડાકમાં લિસ્ટેડ નથી.
ભારતીય શેર બજારની રૂખ
અમારા હાથમાં છે.

Category :- Poetry

હું ન ડોશી

નીરવ પટેલ
08-04-2014

હું ન ડોશી

(૧)

હાળા, ચાલી પચ્ચા વરહથી બખાળા કર સ
પણ કશો ભલીવાર લાવતા નથી એમનાં કાંમમ.
બે-પાંચ વરહ થયાં નથી
ક આ આયા મત માગવા!
માળી કશી ગતાગમ પડતી નથી -
આતાત્લા મત જાય સ ચ્યાં ?
કે’સ ક આ વખતે તો વાલો નાંમેરી ઊભા સ ..
હૌં કે’સ માંણહ હારો સ.
કે’વાય સ ક ભલો આદમી બાબાસાયેબના વખતથી
ગરીબ-ગુરબાંનાં કાંમ કર સ ...
બોલ ડોશી, ચ્યમ કરવું સ ?

તમે તો જનમના ભોળિયા, ડોહા -
વૈતરાં કૂટી ખાવ.
હાંભર્યું સ માથાદીઠ દાહ મલ સ ?
અન ગાંઠિયાનું પડીકું સોગામ,
મોટર મેલી જાય ન લઈ જાય
ઘૈડે-ઘૈડ્પણ જીવી લો બે ઘડી –
પોટલી પોણી પીવું હોય તો પી લો.
વાલા નાંમેરીનું ભગવાંન ભલું કર –
પણ મત તો મનુભઈ ન.
જાવ, જઈ ન ભાવતાલ કરી આવો.

(૨)

ભઈ, હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ
તમાર બાર આલવા હોય તોબે સ :
હું ન ડોશી ...
ઝાઝા નથી,
બે દહાડીનાં મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરામાંથી,
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં’તર કોથળે પાંચ આલ સ,
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.
ભઈ તમન હોંપ્યા રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ ..
પાપમાં પડવાનું સ
પણ બોલ્યું પાળવાનું સ
એટલે મત તો પાકો મનુભઈન
બોલો, આલવા સ માથાદીઠ બાર?
બે સ :
હું ન ડોશી.

Category :- Poetry