POETRY

અાનંદાબ્ધિ

મોહન કાછિયા
20-03-2013

વર્ષો વીત્યાં વહી જશે રહ્યાં જે ગણ્યાંગાંઠ્યાં;

જિંદાદિલીનાં ઉભય જીવને ગંગા ડૂબે સાગરે.

રહી જશે અવશેષો મૈત્રીના મધુર કડવાં;

અજાણ્યાં અટપટાં જે ભોગવ્યા સાનિધ્યે.

 

અભાવે ભાવે વા અનુભવી માત્ર પ્રેમમુદિતા;

પ્રસંગે હું − તુંનો અડિખમ પહાડ નાવ્યો વચ્ચે.

તમે વ્હારે ધાયા; અર્જુન સખા રક્ષે યુદ્ધ મધ્યે

શરણાર્થી; રક્ષ્યો, ધન્ય હું બન્યો ધરી મૂઠી ચોખા.

 

અસારે સંસારે છે નિશ્ચિત નિયતિ નિરમ્યા;

સંયોગો વિયોગો સ્નેહીજનોનાં જે ના ટળી શકે.

મળી કદી સિંધૂમાં પડે વિખૂટાં બે મહાકાષ્ટો;

ફરી ફરી જે ના મળે, જીવનની પણ અા ગતિ !

 

છલકતા યૌવન શા પ્રસંગો ભૂતના વહેંચી −

વાગોળી; દૂર રહ્યા કાં ન ડૂબીએ અાનંદાબ્ધિમાં !

(લંડન, નાતાલ 25 ડિસેમ્બર 2012)

[37 Berkley Road, Kingsbury,LONDON NW9 9D

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Category :- Poetry

અબરખ બની ગયું

પંચમ શુક્લ
20-03-2013

ઊર્મિને અશ્રુ અડક્યું ને અબરખ બની ગયું,

સ્પર્શોનું ઉરસ્રાણ કેવું નખ બની ગયું !

બારીનું જે છજું ન નીચે ઊતરી શક્યું,

જર્જર થઈ પડ્યું, પછી પાલખ બની ગયું.

વર્ષોથી પાનખર પછી જે લીલું થઈ જતું,

આ ફેર, જોઈ flat કને, ખખ બની ગયું.

છે લાગણીની જાળ ને પીડાય મીઠડી,

સારું થયું, હૃદય ભલા ! મૂરખ બની ગયું.
 

સમૃદ્ધિ- સિદ્ધિની પ્રચંડ આંચથી છળી,

સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન આ ગોરખ બની ગયું.

 

ઉરસ્રાણ : છાતીનું કવચ, બખ્તર

પાલખ : મકાનના ચણતર વગેરે કામ વખતે ઊભી ખોડેલી વળીઓ કે  વાંસડાઓ સાથે બંધાતાં પાટિયાંવાળી માંડણી

ખખ : ખોખરું, નિઃસત્ત્વ, વૃદ્ધ

3/3/2013

e.mail : spancham@yahoo.com

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Category :- Poetry