POETRY

ચાર કાવ્યો

બકુલા ઘાસવાલા
23-09-2018

વિશ્વ અલ્ઝાઈમર્સ - ડિમેન્શિયા દિવસને ( 21 સપ્ટેમ્બર) ધ્યાનમાં રાખી જે કૃતિઓ [1 થી 3] રચી, તે અને એક અલગ વિષય પર [4], એમ ચારેક કાવ્યો સાદર છે

− બકુલા ઘાસવાલા

(૧)

રજોદર્શનથી રજોનિવૃત્તિ

         રજોદર્શને લઈ લીધું બાળપણ,  ભોળપણ
         ને વળગાવી દીધું શાણપણ …..
         એ  નાચકૂદ, રમતગમત ને  મજાકમસ્તી
         જાણે ઝૂંટવાઈ રહ્યાં ……….!
          મને સમજાય ન સમજાય તે પહેલાં તો
         શરૂ થઈ રહી મારા બીજાંકુરોની
         સર્જનવિસર્જન શૃંખલા.
         તનમનની તડકભડક મંશાઓ
         સામે પાબંદીઓની કૂચકદમ
          ને મા પહેરેદાર!
          આ ન કર ને પેલું ન કર
          અહીં તહીં અડક મા!
           નકાર તણી લાંબી યાદી!
          માડીના મંદિરે ન જવાય ...
          ને થાય મને સવાલ પર સવાલ …..
           કે માડીએ હશે ક્યારેક અસ્પૃશ્ય?
           ને વહી રહ્યાં વર્ષો એક બે પાંચ સાત ….
           એક, બે, ત્રણ ને ચાર ચાર દસકા …..
           ભરચક પ્રવૃત્તિઓ ને વરઘરછોકરાંની દેખભાળ
           સાથે ખેતરપાદર, વાડીવજીફા, નોકરીધંધા કેરી માયાજાળ!
           આવી રહી પ્રવૃત્તિએ નિવૃત્તિ સંગ
           રજોદર્શન કેરી નિવૃત્તિ!
           પામેલી સ્ત્રીત્વ રજોદર્શન થકી ને
           જશે એ નિવૃત્તિ થકી એમ મૂંઝાતી!
            કશું ન ગમે ને વ્યર્થ લાગે જિંદગી!
             ત્યારે …….
           એ જ ચગડોળે ઘૂમતી દીકરીએ મારી!
           પણ સ્વ -  તનમન તંત્ર પર ઝૂમતી એ ચક્રે!
            સમજતી એ હયાતીનો મર્મ
            ને કહેતી એ  હેપ્પી ટુ બ્લીડ! ( Happy To Bleed)
            ને કહેતી હું બાય બાય ટુ બ્લીડ! Bye Bye To Bleed)

(૨)

ભુલભુલામણીની  ગલીઓમાં પાપા ………..

મારા એ પાપા, મારા માટે તો રહ્યા જ  World Best …….
તરવરાટથી સભર, મનમોજી, ઝિંદાદિલ, જલસાના માણસ,
પોતાની શરતે જીવવાની જીદના માણસ,
નિરીક્ષકથી નયામાર્ગની ભૂમિ તરાસતા માણસ,
લીલાછમ વનાંચલ ને ઊછળતા ઉદધિને માણવા
સ્વથી સમષ્ટિને આંબવાની તરસના માણસ,
એવા એ હરતાફરતા એનસાઈક્લોપીડિયા જેવા.
અમારી રગેરગને નાણતા ને પગલેપગલું સૂંઘતા
રક્તચાપ ને નાડીની ધડકના પરખંદા પાપાના
હોવાની ધરપતે તો જીવાતી રહી જિંદગી.
રંગરૂપ બદલતી યાદોની કુંજગલીની રઝળપાટમાં
પાપાને હવે
દિવસરાત ભૂખતરસ, આહારવિહાર, ઊંઘઉજાગરામાં
ન ભૂતો ન ભવિષ્યતિ જેવી સખળડખળ જિંદગી !
પાપા સંગ સેવેલાં સપનાં,
માણેલો રજવાડી ઠાઠમાઠ,
વીજળી ઝબકારે કરેલા મેઘધનુષી દર્શન ને
ગાતાં બુલબુલની સુરીલી સરગમનો સંગાથ
સઘળું હવે દીવાસ્વપ્ને ગાયબ!
પહેલાં અમ બાળસ્વરૂપના જતનમાં તલ્લીન
પાપાની હવે સ્વયં બાળરૂપ લીલા!
હોશહવાસની દિશાચૂકે હાલચાલ, બોલચાલ બધે જ
પાપા તો રહી ગયા જાણે અજાણ મુસાફર જેવા!
હવે તો,
ભુલાઈ ગયું છે કે હતા એ પાપા મુજના શિરોધાર્ય ને
બની રહી છું હું આકંઠ એમની મા જેવી
World Best દીકરીનું સપનું જોતી!

••

(૩)

નામરૂપ

      જન્મ લીધો ત્યારે કયાં કોઈ નામ હતું?
      પછી નામ મળ્યું.
      નામની નામના ખાતર જિંદગીભર
      મથામણ થતી રહી.
      ફક્ત નામ જ કયાં હતું?
      સાથે કુળ હતું, જ્ઞાતિ હતી, સમાજ હતો,
      ગામઘર, ખેતરપાદર, શહેર ને સોસાયટીયે હતી!
       સગાંસંબંધીઓ, સંતાનો ને પૂરો સંસાર હતો,
       પાસપડોશીઓ ને મિત્રોયે હતાં.
       દેશ હતો ને દેશપ્રેમ હતો ……..
       કામ હતું ને કમાણી હતી!
       ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય પણ હતું.
        યાદો હતી, યાદોનું ઘોડાપૂર હતું.
        એટલે આશાનિરાશા, આનંદપ્રમોદ, ગમાઅણગમા ને સુખદુખ પણ હતું.
         હવે?
         ભુલભુલામણીનું જંગલ છે,
         વિસ્મૃિતની ગલીકૂંચી છે,
         યાદોની બારાત સખળડખળ છે.
         જાતને જ ભૂલી જવાયું છે.
         નામ જ યાદ નથી તો નામનાની શી વિસાત? 
          સ્વથી સમષ્ટિનું વર્તુળ પૂરું થઈ ગયું છે ને
          રહી ગઈ છે એક અવસ્થા!
           જન્મીને પણ નામ કયાં હતું?
           ને હવે નામ તો  છે પણ એની સોઈ ક્યાં રહી છે?
            તો પછી નામરૂપ જૂજવાં
            અંતે તો
            ખોવાઈ રહ્યાંનું સત્ય હોયે!

•••

(૪)

માડી

               માડી,
               ક્યારેક,
               હું તારા અસ્તિત્વનો હિસ્સો હતી ને
               અજબગજબનો કિસ્સો હતી!
               તારો અદ્વિતીય પ્રેમ, કાળજી, નિસબત
               મારી અણમોલ વિરાસતની નોળવેલ હતી.
               હું તારામાં વસતી હતી ને તું મારામાં,
               તારી હરક્ષણ જીવાતી હતી મારા માટે.
               બસ,
               લગ્ન નામની એક ઘટનાએ આકાર લીધો ને
               તારો આ જિગરનો ટૂકડો થઈ ગયો તારા માટે પરાયો?
               તનમનધનથી નખશિખ આમૂલ બદલાવની સ્વીકૃતિ
               તો જાણે
               આકંઠ પરંપરાગત માનસચિંતનનો જ આવિષ્કાર!
               ભૂલવું ને ભુલાવવાનું જ લક્ષ્ય …..
               ને એ ભુલભુલામણીની ગલીકૂંચીઓમાં
               ખોવાઈ જવાની દડમજલે
               માડી, તું તો સાચે જ ખોવાઈ ગઈ,
               યાદોની અલગારી રખડપટ્ટીમાં!
               હવે કેવી રીતે યાદ અપાવું? કે
                હું તો તારો જ અંશ હતી !
                જ્યારે માડી,
               તું જ અજબગજબનો કિસ્સો બની રહી છે !

••••

૨૦/૯/૨૦૧૮

Category :- Poetry

હસનના વ્યસનીને

વિરાફ કાપડિયા
23-09-2018

(હરનિશ જાની સ્મૃિતકાવ્ય)


અહો દિલોજાની ! હસમુખ સખા મુક્ત મનના !
પિતા, નેતા, કિસ્સા અમરિકનની વાત કરતા !   
હસું છું, રોઉં છું ક્ષણ સકલને યાદ કરતાં
વીતી જે મ્હેિફલે, અવર મિલને, સૌ સ્વપનમાં.

આમારા સૌયેમાં શું હરનિશ, વાચાલ તું જ છે?
અરે, સ્કંધે મંડ્યો અનવરત વેતાલ તું જ છે;
બધી તાળીઓમાં ભીતર ભરિયો તાલ, તું જ છે; 
ન કે વર્ષે વર્ષે, અહરનિશ નાતાલ તું જ છે.

દિનોનાં દૈન્યોથી મીત, સભર પ્રત્યે તું લઈ જા,  
અને ‘છેને, છેને’ કહી અવનવી વાત કહી જા.
ભલે જાવાનો હો અગમ જ ભણી, તો તું ભઈ જા;
તું-હીણો હું છું તો તુજ હસનનાં દાન દઈ જા.

જનોની ચર્ચા તો જગત વીંટતી ચોગમ રહે,
અને વેગે વાણી સકલ જીભની તે ગમ વહે,
વહો એવી નિત્યે અમ જીભનીયે શુદ્ધ ઝરણી,
ખુશીના, હાસોના રસબસ મહાસાગર ભણી.

*     *     *

(વાતોડિયા હાસ્યલેખક હરનિશના મૃત્યુ પછીનું આ સ્મૃિતકાવ્ય ન્હાનાલાલના ‘પ્રભો! અંતર્યામી!’ સ્તુિતકાવ્યની પંક્તિઓનો પડઘો પાડે છે, જે વાચક વરતી જશે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 09

Category :- Poetry