GANDHIANA

સાહિ‌ત્યકાર મનુભાઈ પંચોલી દર્શકનું સામાજિક દર્શનમાં જો સૌથી મોટું પ્રદાન હોય તો તે ઇશ્વર વિદ્યા અને સામાજિક દર્શનને છૂટા પાડવાનું. પ‌શ્ચિ‌મમાં આ કામ ૧૬મી સદી સુધીમાં થઇ ચૂક્યું હતું.

આ વર્ષ દર્શક તરીકે ઓળખાતા મનુભાઈ પંચોલીનું જન્મશતાબ્દી વર્ષ છે. મનુભાઈ પંચોલીને કઈ રીતે ઓળખશું? સાહિ‌ત્યકાર, શિક્ષણકાર, ઇતિહાસકાર, રાજકીય નેતા, (તેઓ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા), ગ્રામ વિકાસના ભેખધારી કે પછી તત્ત્વજ્ઞ અથવા તો દર્શક. તેમની વિવિધલક્ષી ભૂમિકાઓમાં તેમણે પોતાનું તખલ્લુસ રાખ્યું હતું 'દર્શક’ અથવા તો ફિલોસોફર. આનો અર્થ એ થયો કે વિવિધલક્ષી ભૂમિકાઓમાંથી તેમને પોતાની દર્શક તરીકેની ભૂમિકા વધુ પસંદ હતી.

સામાજિક દર્શનમાં દર્શકનું જો સૌથી મોટું પ્રદાન હોય તો તે ઇશ્વર વિદ્યા અને સામાજિક દર્શનને છૂટા પાડવાનું. પ‌શ્ચિ‌મમાં આ કામ ૧૬મી સદી સુધીમાં થઈ ચૂક્યું હતું. ત્યાં પહેલાં તત્ત્વજ્ઞાન ઇશ્વર વિદ્યાનો ભાગ હતું. નવ જાગૃતિ (રેનેસા) પછી તત્ત્વજ્ઞાન ઇશ્વર વિદ્યાથી જુદું પડયું. પહેલાં માનવ અસ્તિત્વના પાયાના સવાલોની ચર્ચા ઇશ્વર-શેતાન, સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્ય, મૃત્યુ પછીનું જીવન વગેરે સંદર્ભો સિવાય નહોતી થઈ શકતી. હવે પ‌શ્ચિ‌મમાં દર્શન અથવા તો ફિલોસોફીમાં તમામ સવાલોના જવાબો માનવ (મી - me) અને અન્ય માનવો (અધર્સ - others) સાથેના તેના સંબંધોના સંદર્ભમાં જોવા મળે છે. આમ હવે સ્વર્ગ, ઇશ્વર વગેરે બાબતો ખાસ ચર્ચાનો વિષય નથી રહી. પરંતુ ભારતમાં આ સ્થિતિ હજી નથી જન્મી.

હજી આપણું તત્ત્વજ્ઞાન અતિ માનવીય તત્ત્વ સાથે જોડાયેલું છે માટે તો આપણે ત્યાં બાપુઓ, કથાકારો, સંતો વગેરેનું મહત્ત્વ ચિંતકો કરતાં વધી જાય છે. દર્શકે સામાજિક-રાજકીય દર્શનને અતિ માનવીય તત્ત્વથી અલગ કરી દીધું છે. તેમનો સામાજિક દર્શન કે લોકશાહીની ચર્ચાઓમાં ક્યાં ય અતિ માનવીય તત્ત્વનો ઉલ્લેખ નથી કર્યો. આજે પણ ગુજરાતમાં જે લોકો સામાજિક ચિંતકો ગણાય છે તે કૃષ્ણ ભક્તિથી કે રામભક્તિથી પ્રેરાઈને લખે છે ત્યારે આજથી ૬પ-૭૦ વર્ષો પહેલાં માત્ર માનવ અને સમાજ વિશે, અતિ માનવીય ઉલ્લેખ વિના લખાવું તે એક સાહસ ગણાય. અહીં મને યાદ આવે છે શાહબુદ્દીન રાઠોડ, તેમનો ભત્રીજો પ્રેમમાં નિષ્ફળ જતા કાકાને પૂછે છે કે આ ધરા ધ્રૂજી કેમ નથી ઊઠતી? કાકા જવાબ આપે છે કે પૃથ્વી તો ભૂગોળમાં લખેલાં કારણો મુજબ ધ્રૂજે, તું પ્રેમમાં નિષ્ફળ જા તો ન ધ્રૂજે. બરાબર આવી જ રીતે સામાજિક જીવન લોકો થકી સંચાલિત થયા છે, અતિ માનવીય તત્ત્વથી નહીં. આથી સામાજિક દર્શનમાં માનવીના અન્ય માનવીઓ સાથેના સંબંધોની ચર્ચા જ આવે.

માનવના અસ્તિત્વના પ્રશ્નોની ચર્ચા દર્શક કેવો માનવી બનાવવો છે તેનાથી કરે છે. અહીં એક વાત સ્પષ્ટ કરી દેવી જોઈએ કે દર્શકનો સમય એટલી ગાંધીયુગ. આ સમયે ગાંધીની અસરમાંથી કોઈ નહોતું બચી શક્યું. દર્શક પણ જે લખે છે તે ગાંધીની અસર નીચે આવીને કેવો માનવ અને કેવો સમાજ બનાવવો છે તે લખે છે. 'સત્યનારાયણની સાક્ષીએ’માં દર્શક જણાવે છે (પા. ૧૨૦) કે સમાજ દર્શનના પાયાનો પાયો સત્ય છે. અલબત્ત, આ સત્ય એટલે વૈજ્ઞાનિક પ્રયોગ પછી સાંપડેલ સત્ય નહીં, પરંતુ આત્માનું સત્ય. દર્શક આગળ જણાવે છે કે જો દરેક વ્યક્તિ સત્ય આચરે તો સમાજ જીવનમાંથી શોષણ ચાલ્યું જાય. વળી, જો સત્ય કેળવો તો અહિંસા આપોઆપ આવે. સત્ય અને અહિંસા એક જ સિક્કાની બે બાજુઓ છે. માનવીએ સત્યનો આગ્રહ રાખવાનો, પરંતુ અહિંસાની મર્યાદામાં રહીને, એટલે સાધ્ય તો શુદ્ધ હોય, પરંતુ સાધન પણ શુદ્ધ જ હોવું જોઈએ. આથી તો સત્યાગ્રહ અહિંસક જ હોય, એટલે સમાજ દર્શનની પહેલી વાત એ છે કે એવો માણસ બનાવવો છે જેને સત્ય અને અહિંસામાં શ્રદ્ધા હોય.

અહીં ધર્મની વાત આવે છે. દર્શક કહે છે કે જે ધર્મ મને આ જીવનમાં ખપ ન લાગે તે ધર્મ મારે જોઇતો નથી. (સ.સા.પા. ૧૦) આમ હોવાથી માનવ વાદ એ જ ખરો ધર્મ. દર્શકના માટે માનવી ધર્મમાં શ્રદ્ધાવાળો નહીં, પરંતુ સત્ય અને અહિંસામાં શ્રદ્ધાવાળો હોવો જોઈએ. જો આવો માણસ હશે તો તે અન્ય સાથે વધુ સારો સમાજ બનાવી શકાશે. આવા માનવીને ગાંધીનાં અગિયાર મહાવ્રતોમાં શ્રદ્ધા હશે. દર્શક કહે છે કે જો તમારે સત્ય અને અહિંસાનું પાલન કરવું હોય તો તમે સામાન્ય માનવ જેવા થાઓ. તમારે કોઇ ચાર ફેફસાં નથી. (જુઓ હિ‌ન્દ સ્વરાજના ડોક્ટર અને વકીલ પરનાં પ્રકરણો) અહીં વાત આવે છે માનવીના અન્ય માનવી સાથેના સંબંધોની. જો દરેક વ્યક્તિ સામાન્ય વ્યક્તિની જેમ વર્તે, અને વી.આઇ.પી. તરીકે નહીં, તો સમાજમાં સમરસતા સ્થપાય. માણસે અન્ય માણસો સાથે હરીફાઈ કે સંઘર્ષ કરીને નહીં પરંતુ બંધુભાવથી રહેવાનું છે. આ વાત ગાંધી ચિંતનને (તથા દર્શક ચિંતનને) મૂડીવાદ કે સામ્યવાદથી અલગ પડે છે.

મૂડીવાદ હરીફાઈમાં માને છે, જ્યારે સામ્યવાદ સંઘર્ષમાં માને છે. જો આવો બંધુભાવ કેળવાય તો વર્ગ-વર્ગ, શહેર-ગામ, આદિવાસી-ઉજળિયાત, સવર્ણ પછાત, સ્ત્રી-પુરુષ વગેરે અનેક ભેદભાવો નાબૂદ થાય. આવો સમાજ રચવા માટે વિદ્યાર્થી જીવનથી જ સત્યાગ્રહની તાલીમ આપવી પડે આવી કેળવણી લીધેલ વ્યક્તિ સાદું જીવન જીવશે અને વિકેન્દ્રિ‌ત ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં શ્રદ્ધા ધરાવતી હશે. આવી રીતે તાલીમ પામેલ વ્યક્તિ પોતાનું જીવન રચનાત્મક કામોમાં વિતાવશે, તેને ધનસત્તા અને રાજસત્તામાં અવિશ્વાસ હશે. આ સિદ્ધાંતો થકી જે સમાજ વ્યવસ્થા રચાશે તે વિશ્વ શાંતિ (ના યુદ્ધ), એકાદશ વ્રત, ગ્રામ સમાજ, નઈ તાલીમ, દારૂબંધી અને સદ્દગુણોના સામાજીકરણવાળી હશે.

દર્શક માત્ર અસ્તિત્વના સવાલોની ચર્ચા જ નથી કરતા, તેમને માનવીય મૂલ્યો ઉપર આધારિત સમાજ પણ રચવો છે. મૂડીવાદ અને સામ્યવાદ એમ બંને પ્રયોગોથી નાસીપાસ થયેલા માટે એક ત્રીજો વિકલ્પ અહીં ઉપલબ્ધ છે.  અલબત્ત, આ વિકલ્પ ઉપર વધુ વૈજ્ઞાનિક કામ કરવું બાકી છે. જેને દર્શકનાં સામાજિક દર્શનમાં રસ પડે તેમણે સત્યનારાયણની સાક્ષીએ, બે વિચારધારા, સોક્રેટિસ, શાંતિના પાયા, અમૃત્વલ્લી, રાજરંગ તથા શીલ અને સમાજ પુસ્તકો વાંચવાં.'

2 -

દર્શક માનવવાદના પાયા સાથે, બંધુભાવ કેળવી, સત્ય અને અહિંસામાં શ્રદ્ધા હોય તેવો માનવી હોય અને તેને માનવતાના ધર્મમાં શ્રદ્ધા હોય તેવી વાત કરે છે. જો માનવી આવો હોય તો દર્શકને કેવા સમાજની રચના કરવી છે તે સવાલ અગત્યનો બની રહે છે.

ગયા રવિવારે (15 જૂન 2014) દર્શકનાં દર્શનના પાયાઓ જોયા હતા. દર્શક માનવવાદના પાયા સાથે, બંધુભાવ કેળવી, સત્ય અને અહિંસામાં શ્રદ્ધા હોય તેવો માનવી હોય અને આવા માનવીને પરલોકના ધર્મમાં નહીં, પરંતુ માનવતાના ધર્મમાં શ્રદ્ધા હોય તેવી વાત કરે છે. જો માનવી આવો હોય તો દર્શકને કેવા સમાજની રચના કરવી છે તે સવાલ અગત્યનો બની રહે છે. અત્યારે આપણો સમાજ હરીફાઈ (સ્પર્ધા) પર આધારિત છે. દર્શક માનતા હતા કે સ્પર્ધા કે સંઘર્ષ પર નહીં પરંતુ બંધુભાવ એટલે કે સહકારના પાયા પર સમાજનું ઘડતર થવું જોઈએ, એટલે કે માનવ-માનવ વચ્ચેનો સંબંધ સહકાર પર આધારિત હોવો જોઈએ. જો માનવ સંબંધો સહકાર પર આધારિત હોય, તો તે એવો સહકારી અર્થકારણ પર આધારિત સમાજ હોઈ શકે જ્યાં કોઈ કોઈનું શોષણ ન કરે.

આવો સમાજ રચવા માટે લોકોને તાલીમ આપવી પડે અને આવા મૂલ્યોવાળો માનવી બનાવવો પડે. આ માટે (૧) સત્યાગ્રહ અને (૨) વિકેન્દ્રીકરણ અને સાદું જીવન એમ બે બાબતો માટેની તાલીમ આપવી પડે. સત્યાગ્રહની તાલીમ એટલે દર્શક જે સમાજને યોગ્ય માને છે તે સમાજનું સત્ય ધરતી પર ઉતારવાની તાલીમ. માનવી સત્ય બોલે, આચરે તથા અન્ય તંત્રો સત્ય પર આધારિત હોય તેવો આગ્રહ રાખે (અહીં સત્યને સામાજિક ન્યાય સાથે જોડવું પડે). જો અન્ય તંત્રો આવા સત્ય પર આધારિત ન હોય તો તેવાં તંત્રો સામે સત્યાગ્રહની લડત ઉપાડે અને આવી લડત અહિંસક હોય તથા તેમાં દ્વેષભાવને સ્થાન ન હોય. આવો આગ્રહ રાખનારો માનવ પોતે પણ આર્થિ‌ક વિકેન્દ્રીકરણમાં માનતો હોય અને સાદું જીવન જીવતો હોય. સાદું જીવન એટલે પોતાની જરૂરિયાત પોતે પૂરી કરી શકે તેવું જીવન જો આમ થાય તો કોઈ કોઈનો નોકર ન થાય. જો દરેક વ્યક્તિ પોતે પોતાનું કામ કરી શકે એટલું સાદું જીવન જીવતો હોય તો શોષણવિહીન સમાજરચના થાય.

આ ઉપરાંત અર્થકારણ વિકેન્દ્રિ‌ત હોવું જોઈએ, સામાન્ય રીતે એક સમુદાય પોતાની જરૂરિયાત પોતાની રીતે ઉત્પન્ન કરી લે તેવું હોય તો પણ મોટા ઉદ્યોગો ન થાય અને શોષણવિહીન સમાજ રચના થાય. આ બંને બાબતો રાજ્યસત્તા અને ધનસત્તા તરફ અવિશ્વાસ અને નાગરિક સમાજમાં શ્રદ્ધા દર્શાવે છે. (સ.સા. ૩૦) ધનસત્તા અને રાજ્યસત્તા બંને શોષણના ચરખા છે અને અન્ય તરફ આધિપત્ય જમાવવાની વાત કરે છે. આમ જોવા જોઈએ તો દર્શકનો ભાવિ સમાજ એટલે સર્વોદયી સમાજ. આવા સમાજમાં દરેક વ્યક્તિ પોતાનું કામ પોતે કરતો હશે અને વિકેન્દ્રિ‌ત અર્થકારણ હશે એટલે ભેદભાવ નહીં હોય. રંગભેદ, ઊંચ-નીચના ભેદ, કોમી ભેદભાવ, જ્ઞાતિ ભેદભાવો, વર્ગભેદ વગેરે નહીં હોય. વર્ગો હશે, તે તો કામ અલગ હોય એટલે હોય, પરંતુ વર્ગ ભેદભાવ નહીં હોય. દર્શક કહે છે કે આવા પરિવર્તન માટેનો શંખનાદ આપણે ફૂંકવાનો છે. (સ.સા. ૮૯).

આવી નવી સમાજરચનાની વિગતો શું હશે? કેટલીક વિગતો જોઈએ.

(૧) આવો સમાજ અહિંસક સમાજ હશે. તેમાં શસ્ત્ર અને ધિક્કારનો ત્યાગ કરવામાં આવશે. આથી વિશ્વશાંતિ શક્ય બનશે.

(૨) આ સમાજની વ્યક્તિ એકાદશ વ્રતમાં શ્રદ્ધા ધરાવતી હશે. એટલે કે સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ (સંગ્રહ ન કરવો), શરીર શ્રમ, આસ્વાદ (સાદું ભોજન), ભેદભાવ નાબૂદી, અભય, સ્વદેશી તથા સર્વધર્મ સમાનતા.

(૩) આવો સમાજ ગ્રામ સ્વરાજ હશે, એટલે કે ગામડું પોતાની જરૂરિયાતો જાતે ઉત્પન્ન કરી લેતું હશે તથા નિર્ણયો પણ ગામ લોકો લેતા હશે.

(૪) આવો સમાજ બનાવવા માટે આશ્રમી, સત્યાગ્રહી અને ઉદ્યોગ તાલીમ વાલી શિક્ષણ અપાશે.

(પ) આવા સમાજમાં દારૂબંધી હશે (સ.સા. ૩-૪૧) તથા

(૬) આવા સમાજમાં સદ્દગુણોનું સામાજિકકરણ થયું હશે. (સ.સા. પપ)

આ સદ્દગુણોનું સામાજિકકરણ એટલે શું તે વિગતે જોવા માટે ગાંધીજીનાં સાત સામાજિક પાપોની વાત કરવી પડે. ગાંધીજીએ આવાં પાપોની વાત કરી છે. શ્રમ વિનાની મૂડી એ પાપ છે. ચેતના વિનાનો આનંદ પાપ છે. ચારિત્ર્ય વિનાનું જ્ઞાન પણ સામાજિક પાપ છે. નીતિ વિનાનો ધંધો પાપ છે. માનવતા વિનાનું વિજ્ઞાન પણ સામાજિક પાપ છે. ત્યાગ વિનાનો ધર્મ એક સામાજિક પાપ છે તથા સિદ્ધાંત વિનાનું રાજકારણ પણ એક સામાજિક પાપ છે. દર્શક જેને સદ્દગુણોનું સામાજિકકરણ કહે છે તે માનવીય ગુણોને ધર્મ-પાપપુણ્યના વ્યક્તિગત દાયરામાંથી બહાર કાઢીને તેને નવો સામાજિક અર્થ આપે છે. સામાન્ય રીતે દાન-પુણ્ય કરીને લોકોનું શોષણ કરનાર, અન્યને ત્રાસ આપીને કથા બેસાડનાર પોતાને સારા માણસો માને છે, પરંતુ જે ગુણો સમાજ માટે નકામાં છે તે સદ્દગુણો નથી તેમ દર્શક સ્પષ્ટ કહે છે.

પ‌શ્ચિ‌મમાં મૂડીવાદ, સામ્યવાદ અને માનવવાદ એમ ત્રણ વિચારધારાઓ ઉત્પન્ન થઈ હતી. સામ્યવાદ લગભગ જવા આવ્યો. મૂડીવાદ અનેક પ્રશ્નોથી ઘેરાયેલો છે. ત્યારે માનવના માનવીય ગુણો પર આધારિત આ વિચારધારાનું ભારતમાં સર્વોદયના સ્વરૂપે અવતરણ થયું. દર્શક આ વિચારધારાના એક અગ્રણી વિચારક હતા. તેઓએ પોતાના વિચારોને વ્યવસ્થિત સ્વરૂપે રજૂ કરવાને બદલે વિવિધ પ્રવચનો રૂપે રજૂ કર્યા છે. કોઈ તે વિચારોનું સંકલન કરી તેને વ્યવસ્થિત સ્વરૂપ આપી શકે. એ ઉપરાંત આવો સમાજ લાવવા માટે નવી સંસ્થાઓ અને નવા કાયદાનું માળખું બનાવવું પડે. અત્યારે જે કાયદાઓ અને સંસ્થાઓ છે તે સ્પર્ધાત્મક સમાજ માટે અનુકૂળ છે. બંધુભાવ એટલે કે સહકાર પર આધારિત સમાજમાં ટ્રસ્ટીશિપ, સામૂહિ‌ક માલિકી, મધ્યસ્થી વગેરે. નોકર નાબૂદીવાળો વહીવટ વગેરે બનાવવા માટે ખૂબ કામ કરવાનું બાકી છે.'

e.mail : vidyutj@gmail.com

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 15 જૂન 2014 તથા 23 જૂન 2014

Category :- Gandhiana

ફિલ્મ અભિનેતા અને ડાબેરી ચળવળકાર તરીકે પ્રખ્યાત બનેલા બલરાજ સાહની તેમની ભરજુવાનીમાં, પત્ની દમયંતી સાહની સાથે ગાંધીજીના ‘સેવાગ્રામ’માં કેવી રીતે પહોંચ્યા ? અને ત્યાંનો એમનો અનુભવ કેવો રહ્યો?

કેટલીક યુતિઓ સહેલાઇથી કલ્પી શકાય એવી નથી હોતી. જેમ કે, ગાંધીજી અને ફિલ્મ. ગાંધીએ જીવનમાં બે જ ફિલ્મો જોઈ હોવાની નોંધ છે. એક અંગ્રેજી ફિલ્મ ‘મિશન ટુ મોસ્કો’, જે ગાંધીજીને બતાવવા માટે મીરાંબહેનને કોઈએ સમજાવી-પટાવી લીધાં અને બીજી ફિલ્મ કનુ દેસાઈનું કળા નિર્દેશન ધરાવતી, ‘પ્રકાશ પિક્ચર્સ’ની હિંદી ફિલ્મ ‘રામરાજ્ય’. બન્ને ફિલ્મો ગાંધીજીને પસંદ પડી ન હતી.

ફિલ્મી હસ્તીઓ માટે ગાંધીજી એક એવી તપમૂર્તિ હતા, જેને દૂરથી મનોમન વંદન થઈ શકે, ફિલ્મની જાહેરખબરોમાં તેમના નામ કે ચિત્રનો ઉપયોગ કરી શકાય, પણ તેમની નજીક જવાનો વિચાર ન આવે. કદાચ હિંમત પણ ન ચાલે. પરંતુ બલરાજ સાહની જુદી માટીના બનેલા હતા. ગાંધીજી સાથેનો તેમનો સંસર્ગ અલબત્ત તેમની ફિલ્મી કારકિર્દી પહેલાં થયો, પરંતુ ફિલ્મોમાં સફળ થયા પછી પણ બલરાજ સાહની કદી ‘ફિલમવાળા’ ન થયા. વિચારશીલ અને નિસબત ધરાવતા નાગરિક તરીકેની તેમની મથામણ ચાલુ રહી.

બલરાજ સાહની (મૂળ નામ ઃ યુધિષ્ઠિર સાહની, જન્મ : 1 મે, 1913) 1930ના દાયકામાં અંગ્રેજી સાથે એમ.એ. થયેલા. એ પણ ‘ગવર્ન્મેન્ટ કૉલેજ ઑફ લાહોર’ જેવી પ્રતિષ્ઠિત જગ્યાએથી. ત્યાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાર્થીઓને બાંહેધરી આપવી પડતી કે એ કોઈ રાજકીય ચળવળમાં (એટલે કે આઝાદીના આંદોલનમાં) ભાગ નહીં લે.  આર્યસમાજી સંસ્કાર અને ગાંધી-ભગતસિંઘને બદલે કળા-સાહિત્ય પ્રત્યે ઊંડું ખેંચાણ ધરાવતા બલરાજને આ વાતનો વાંધો પણ ન હતો. ભણી લીધા પછી પિતાના કાપડના ધંધામાં બહુ રસ ન પડતાં, બલરાજ ફિલ્મોમાં કામ મેળવવાના આશયથી કલકત્તા પહોંચ્યા. દરમિયાન એક જૂના મિત્રની બહેન દમયંતી સાથે તેમનું લગ્ન થઈ ચૂક્યું હતું. કલકત્તામાં કંઇ ઠેકાણું ન પડ્યું. એવામાં ‘શાંતિનિકેતન’માં હિંદીના શિક્ષકની જગ્યા ખાલી પડતાં રૂ.40ના માસિક પગારે તે પત્ની સાથે ‘શાંતિનિકેતન’ ઉપડ્યા.

Damyanti & Balraj Sahni / દમયંતી - બલરાજ સાહની

થોડા સમય પછી યોગાનુયોગ એવો બન્યો કલકત્તામાં કોંગ્રેસનું મોટું અધિવેશન હતું અને તેમાં ‘શાંતિનિકેતન’નો સ્ટૉલ સંભાળવા માટે બલરાજને મોકલવામાં આવ્યા હતા. એ અરસામાં ગાંધીજીના આશીર્વાદથી ડૉ. ઝાકીર હુસૈને ‘વર્ધા શિક્ષણ યોજના’ શરૂ કરી હતી. તેના હિંદી સામયિક “નઇ તાલીમ” માટે માણસની જરૂર હતી. બલરાજ સમક્ષ એ પ્રસ્તાવ મુકાતાં તેમણે સ્વીકારી લીધો અને નાટક-સિનેમા-કળા-સાહિત્યમાં ઊંડી રૂચિ ધરાવતું આ દંપતિ ઉપડ્યું સેગાંવ. (તેનું નામ ‘સેવાગ્રામ’ 1940માં પડ્યું. કારણ કે, ગાંધીજીએ કરેલી સ્પષ્ટતા પ્રમાણે મહારાષ્ટ્રમાં જ સેગાંવ નામનું બીજું સ્ટેશન હોવાથી, ટપાલો-તારો પહોંચવામાં ગોટાળા થતા હતા.)

બલરાજ સાહનીએ આત્મકથામાં સેવાગ્રામ વિશે એકાદ ફકરાથી વધારે લખ્યું નથી. મુખ્યત્વે એટલું જ કે ત્યાં સરદાર, નેહરુ, મૌલાના જેવા રાષ્ટ્રીય નેતાઓ વારંવાર જોવા મળી જતા હતા અને એક વાર દમયંતીએ ગાંધીજીને મળવા આવેલા સ્ટેફર્ડ ક્રિપ્સ અને જવાહરલાલ નેહરુને પોતાના હાથેથી ચા બનાવીને પીવડાવી હતી. દંપતિના સેવાગ્રામના દિવસોનું વિસ્તૃત વર્ણન બલરાજના ભાઈ અને ‘તમસ’ સહિત અનેક નામી કૃતિઓના લેખક ભીષ્મ સાહનીએ કર્યું છે. ‘બલરાજ, માય બ્રધર’ નામના પુસ્તકમાં ભીષ્મે પોતે ભાઈ-ભાભીને મળવા સેવાગ્રામ ગયા તેનાં સંભારણાં ચિત્રાત્મક ભાષામાં આલેખ્યાં છે.

Bhisham & Balraj Sahmi / ભીષ્મ અને બલરાજ સાહની

સ્ટેશનેથી ઉતરીને કાચા રોડ પર ચાલતી ઘોડાગાડીમાં બીડી સળગાવતા બલરાજને જોઈને ભીષ્મ સાહનીએ પૂછ્‌યું હતું, ‘બીડી ક્યારથી શરૂ કરી?’ બલરાજનો જવાબ, ‘અહીં બધા બીડી પીએ છે.’

ભીષ્મની બીજી જિજ્ઞાસા : ‘રોજ ગાંધીજી જોવા મળે?’  બલરાજે કહ્યું, ‘ના. ક્યારેક જ. તે આશ્રમમાં રહે છે. આપણે આશ્રમના વિસ્તારની બહાર રહીએ છીએ. તને જોવા મળશે. થોડા દિવસ પહેલાં રાજાજી (રાજગોપાલાચારી) અહીં આવ્યા હતા. તને ખબર છે? ગાંધીજી સમયના એવા પાકા છે કે તેમણે રાજાજીને પણ પાંચ મિનિટથી વધારે સમય ન આપ્યો. ઘડિયાળ બતાવીને મિટિંગ પૂરી થયાનો ઇશારો કરી દીધો.’ બલરાજ સાહની ગાંધીભક્ત ન હતા. પણ સેવાગ્રામમાં ગાંધીજીની વાત કરતી વખતે તેમના અવાજમાં ભળી જતો કંપ અને ક્યારેક ઉમેરાતો આવેશ ભીષ્મ સાહનીએ નોંઘ્યો હતો.

”નઇ તાલીમ”નું કામ આર્યનાયકમ દંપતી સંભાળતાં હતાં. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં તેમના યથાયોગ્ય ઉલ્લેખ આવે છે. (બલરાજ સાહનીનો સ્વાભાવિક રીતે જ ક્યાં ય ઉલ્લેખ નથી.) બલરાજને આર્યનાયકમ સાથે, આશ્રમની પાસે રહીને, પણ તેના ચુસ્ત નીતિનિયમોમાં સારી એવી છૂટછાટ સાથે કામ કરવાનું હતું. છતાં માહોલ તો ગાંધીનો ખરો જ. રાત્રે ઘરે પહોંચેલા ભીષ્મના ભાણામાં દમયંતીએ ભાત પીરસ્યો, દાળ રેડી અને કહ્યું, ‘અહીં કોઇ માંસાહાર કરતું નથી અને યાદ રહે, લોકો ફક્ત એક જ હાથથી- જમણા હાથે- જમે છે. પંજાબીઓની માફક બન્ને હાથે રોટી તોડતા નથી.’ ગાંધીની ભૂમિમાં આવ્યાનો પાકો અહેસાસ આપતાં દમયંતીએ કહ્યું, ‘અત્યારે હું તમારી થાળી ધોઈ નાખું છું, પણ કાલથી એ તમારે ધોવાની રહેશે. અહીંનો નિયમ છે. કોઈ નોકર હોતો નથી. તમારે સંડાસ પણ જાતે જ સાફ કરવાનું રહેશે અને ફ્‌લશ-લેટ્રિન નથી.’

સેવાગ્રામના રાતના સન્નાટામાં ઘડીકમાં હિંદી સાહિત્યની, બલરાજની વાર્તાની, હરિવંશરાય બચ્ચનના કાવ્યસંગ્રહ ‘નિશા નિમંત્રણ’ની, તો ઘડીકમાં ગાંધીજી-કસ્તૂરબાની વાતો કરતા સાહની ભાઈઓનું ચિત્ર એકદમ જીવંત અને આત્મીય લાગે એવું છે. બીજી સવારે ગાંધીજી ચાલવા નીકળે ત્યારે તેમની સાથે જોડાવાનું નક્કી થયું હતું. એ વખતે બલરાજે ભાઈને કહ્યું, ‘સવારે ગાંધીજી જોડે શ્યામ રંગના એક આશ્રમવાસી હોય છે. તેમના શરીરમાંથી ભયાનક દુર્ગંધ આવે છે. કોઈ માણસ ગાંધીજી સાથે ચીટકી પડ્યો છે એવું તેમને લાગે એટલે ચૂપચાપ એ ગાંધીજીની નજીક આવીને ચાલવા લાગે છે. એની થોડી સેકંડોમાં પેલો માણસ ગાંધીજીથી દૂર થઈ જાય છે. લોકોની વાતચીત પર અંકુશ મૂકવાની ગાંધીજીની આ અહિંસક પદ્ધતિ છે.’

‘પણ ગાંધીજીનું પોતાનું શું?’ એવી ભીષ્મની પૃચ્છાનો જવાબ આપતાં બલરાજે રજૂ કરેલું નિરીક્ષણ બીજા કેટલાકે પણ નોંઘ્યું છે : ‘ગાંધીજીની ઘ્રાણેન્દ્રિય- સુંઘવાની શક્તિ બહુ નબળી છે.’

કસ્તૂરબાને જોઈને બલરાજને પોતાનાં માતાજી યાદ આવતાં હતાં. તેમણે ભીષ્મને કહ્યું હતું, ‘એ બરાબર માતાજીની જેમ જ બેસે છે અને પ્રાર્થનામાં વચ્ચે વચ્ચે આંખો ખોલીને જુએ છે.’

બીજી સવારે બલરાજ અને ભીષ્મ ગાંધીજી સાથે જોડાયા. ગાંધીજી ચાલ્યા પછી ટી.બી.ગ્રસ્ત કોંગ્રેસ કાર્યકરને મળવા ગયા. ભીષ્મ સાહનીએ લખ્યું છે, ‘ટી.બી.નો દર્દી ગાંધીજી સાથે આનંદપૂર્વક વાતો કરી રહ્યો હતો. ગાંધીજી શું બોલતા હતા એ મારે સાંભળવું હતું, પણ બન્ને ગુજરાતીમાં વાત કરતા હતા. એટલે મને સમજાયું નહીં.’

બલરાજે ગાંધીજી સમક્ષ નાના ભાઇને રજૂ કર્યો, ‘આ મારો ભાઈ છે. કાલે રાત્રે જ આવ્યો છે.’ એ સમયનું વર્ણન કરતાં ભીષ્મ સાહનીએ લખ્યું છે, ‘ચશ્માંની પાછળ રહેલી ગાંધીજીની આંખમાં ભૂરાશ પડતી ઝાંય હતી. તેમણે સ્મિત કરીને મારી સામે જોયું અને (બલરાજને) કહ્યું, ‘તું એને પણ ખેંચી લાવ્યો.’ બલરાજે કહ્યું, ‘ના બાપુ, એ થોડા દિવસ રહેવા આવ્યો છે.’ એટલે ગાંધીજીએ કહ્યું, ‘મને એમ કે તું એને અહીં તારી સાથે કામ કરવા લઈ આવ્યો છે.’

સાહનીબંઘુઓ ગાંધીજીની સાથે ચાલવા લાગ્યા. ભીષ્મે ગાંધીજીની રાવલપિંડીની મુલાકાત યાદ કરી, એટલે તેમણે અઢાર વર્ષ પહેલાંની ઝીણામાં ઝીણી વિગતો અને થોડા લોકોનાં નામ પણ યાદ કર્યાં. પાછળ ચાલતા મહાદેવભાઈએ કહ્યું, ‘હું ધારું છું, એ જ મુલાકાત વખતે કોહાટથી પાછા ફરતી વખતે રસ્તે ચાલતી કારનો દરવાજો ઉડી ગયો હતો અને ગાંધીજી રસ્તા પર ફેંકાઈ ગયા હતા.’

આ વાત 1938-40ની છે. ભીષ્મ સાહનીએ નોંઘ્યું છે તેમ, પચીસ-સત્યાવીસ વર્ષની ઉંમરે બલરાજ સાહનીને એ સમજાતું હતું કે તેમને રાજકારણમાં જવું નથી. કરવું છે તો સાંસ્કૃિતક પ્રકારનું કામ. લેખક બનવું છે, પણ લેખક બનવા માટે શાંતિનિકેતનમાં રહેવું જરૂરી નથી. લેખકે સંસારની વાસ્તવિકતાઓથી દૂર પોતાના એકદંડિયા મહેલમાં ન રહેવાનું હોય.

‘ગાંધી કે ટાગોર બેમાંથી કોઈ એકની સાથે રહેવાનું હોય તો?’ એવા ભીષ્મના સવાલને પહેલાં તો બલરાજે ટાળી દીધો હતો, પણ ભીષ્મે આગ્રહ કરતાં બલરાજે કહ્યું, ‘ગાંધીજી સાથે જ વળી.’

‘ગાંધીજીની સાદગી ને ખાદી ને એવા બધા તરંગતુક્કા(ફેડ્‌સ)માં શ્રદ્ધા નથી તો પણ?’ બલરાજ સાહનીએ આપેલો તેનો જવાબ સાત દાયકા પછી પણ ટકે એવો અને યાદ રાખવા જેવો છે. તેમણે કહ્યું હતું, ‘ગાંધીજીના તરંગો અગત્યના નથી. તેમને તરંગોની રીતે ન જોવાય ... તને ખબર છે? ગોળમેજી પરિષદ વખતે બ્રિટિશ વડાપ્રધાને તેમને દાટી આપવા કહ્યું કે ‘તમારી આખી ચળવળને એક દિવસમાં ખતમ કરી શકાય એટલો દારૂગોળો અમારી પાસે છે.’ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું, ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, અમારા લોકો તમારા દારૂગોળાને દિવાળીના ફટાકડા ગણીને તેની સાથે રમશે.’ બલરાજ સાહની માટે આ ગાંધીનું વિરાટ દર્શન હતું. આ માણસે જનસમુદાયમાંથી ભય ખંખેરીને તેમને બેઠા અને ઊભા કર્યા હતા.

ઓલ ઇન્ડિયા રેડિયોના અંગ્રેજ ડાયરેક્ટર લાયોનલ ફિલ્ડનના પ્રસ્તાવથી અને ગાંધીજીની સંમતિથી બલરાજ સાહની બ્રિટન ગયા અને ચાર વર્ષ સુધી બી.બી.સી. પર ઉદ્‌ઘોષક તરીકે સેવાઓ આપી. 1944માં ભારત પાછા આવ્યા પછી તે ‘ઇન્ડિયન પીપલ્સ થિએટર એસોસિયેશન’ અને સામ્યવાદી પક્ષ સાથે જોડાયા. નૈસર્ગીક, ભાવવાહી અભિનેતા તરીકે ખ્યાતિ પામ્યા. એ પછી પણ 1972માં (મૃત્યુના આગલા વર્ષે) જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પદવીઅર્પણ સમારંભના પ્રવચનમાં તેમણે ગાંધીજી અને બ્રિટિશ વડાપ્રધાન વચ્ચેનો સંવાદ યાદ કરીને, દેશ ગાંધીના માર્ગેથી કેટલો ફંટાઈ ગયો છે તેની પીડા વ્યક્ત કરી હતી.

Sunday, March 02, 2014

http://www.urvishkothari-gujarati.blogspot.co.uk/2014/03/blog-post.html

Category :- Gandhiana