DIASPORA

કલ્પના કરો કે મનુષ્યના મોમાં બબ્બે જુબાં હોય તો ? જુબાં એટલે જીભ, જુબાં એટલે ભાષા પણ – બબ્બે જીભ અને બબ્બે ભાષા. મોમાં એક જુબાંવાળા મનુષ્યને જુબાં આપીને ફરી જતાં વાર નથી લાગતી. અંગ્રેજીમાં મુહાવરો છે, 'ટુ ટોક વિથ ફોર્કડ ટંગ.' જેનો શબ્દાર્થ છે વહેંચાયેલી જીભે બોલવું. એટલે કે છદ્મ કરવો કે પછી 'મુખ મેં રામ બગલ મેં છૂરી.' મનુષ્યના મોમાં બબ્બે જુબાં હોય ત્યારે તો જોવા જેવી થાય. તો પછી બે નહીં પરંતુ ઘણીબધી જુબાં બોલતાં ડાયસ્પોરિક પ્રજાના શા હાલ હશે.

એક મોમાં બબ્બે જુબાંનું રૂપક ઉજળા ભવિષ્યની શોધમાં સ્વદેશ છોડીને સાત દરિયા પાર વસતા વિશ્વભરની ડાયસ્પોરિક પ્રજા માટે ઉપયુક્ત છે. આ પ્રજાઓ એક મોમાં બબ્બે જુબાં લઈને જીવી છે. આવી પ્રજાઓએ પોતે અપનાવેલ દેશની રહેણી-કરણી, સંસ્કૃિત તેમ જ ભાષા અપનાવ્યા વગર છૂટકો ન હોય તે સ્વાભાવિક છે. સુખદ ભવિષ્યના સ્વપ્ન સાથે અર્થોપાર્જનનો તથા નોકરી-ધંધાનો ગાઢ સંબંધ. અને જેની પાસેથી ધંધો મેળવવો છે તેની ભાષા ન બોલવી તે સ્થળાંતરિત થયેલ ડાયસ્પોરિક પ્રજાને ન જ પોસાય. અપનાવેલા દેશની ભાષાનો સ્વીકાર એ ડાયસ્પોરિક પ્રજાના જીવનની નક્કર વાસ્તવિકતા છે. પરંતુ પારિવારિક સંદર્ભે કે દેશી મેળાવડામાં આવી ડાયસ્પોરિક પ્રજાઓ પોતાની માતૃભાષા ટકાવી રાખતી હોય છે. આમ દરેક ડાયસ્પોરિક પ્રજા ઓછામાં ઓછી બે ભિન્ન સંસ્કૃિતઓ તેમ જ ભાષાઓને લઈને જીવી છે.

ડાયસ્પોરિક પ્રજાની ભાષાકીય વિમાસણની ચર્ચા આજે એક ગુજરાતી મૂળ ધરાવતાં ડાયસ્પોરિક કવયિત્રીની કવિતા થકી કરવી છે. કવયિત્રીનું નામ છે સુજાતા ભટ્ટ (જ. 1956) મૂળ વતન અમદાવાદ. ભાવનગરવાસી સુવિખ્યાત ગાંધીવાદી શિક્ષણકાર તથા પૂર્વ મંત્રી સ્વ. નાનાભાઈ ભટ્ટનાં તેઓ પૌત્રી. સુજાતાનું નાનપણ અમદાવાદમાં વીત્યું. ઉચ્ચ શિક્ષણ પૂનામાં તથા અમેરિકા તેમ જ ઇંગ્લેન્ડમાં. અને હવે તેઓ જર્મનીમાં વસે છે. છેલ્લા ચાર દાયકાથી તેઓએ કવિતાના માધ્ચમથી સ્વદેશ સાથે સંકળાયેલ રહ્યાં છે. હાલમાં સુજાતા ભટ્ટ હોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર ઓફ ક્રિયેટીવ રાઈટિંગ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. સાતેક કાવ્યસંગ્રહો આપનાર સુજાતા ભટ્ટ 'કોમનવેલ્થ પોએટ્રી પ્રાઈઝ' ઉપરાંત અન્ય ઘણાં ઈનામો મેળવી ચૂક્યાં છે. તેમની કવિતાની વિશેષતા, તેમનો ડાયસ્પોરિક અનુભવ તથા અંગ્રેજી અછાંદસ પદ્યમાં ગુજરાતી લિપિમાં પ્રયોજાયેલ શબ્દો, મુહાવરાઓ તેમ જ કાવ્યપંક્તિઓનું મિશ્રણ રહ્યાં છે. તેમના અંગ્રેજી કાવ્યો ગુજરાતી પ્રચૂર રહ્યાં છે. બે ભાષા તથા બે લિપિઓનું મિશ્રણ તેમને વાચકો માટે યાદગાર બનાવી દે છે. તેમની આવી ભાષાકીય પ્રયોગશીલતા વિશે વિવેચકોમાં મતમતાંતર હોવા સ્વાભાવિક છે. પરંતુ સુજાતાના પોતાના મતે તેમના વ્યક્તિત્વ તેમ જ કૃતિત્વના મૂળ તેમની માતૃભાષા ગુજરાતીમાં છે જેનો પ્રયોગ અંગ્રેજી કાવ્યોમાં કરવો તેમના માટે સ્વાભાવિક તેમ જ ગૌરવપૂર્ણ છે.

આવાં ડાયસ્પોરિક કવયિત્રી સુજાતા ભટ્ટનું એક જાણીતું કાવ્ય છે, 'ઈન સર્ચ ઓફ માય ટંગ.' અર્થાત્ 'મારી જુબાંની શોધમાં.' કવયિત્રી શ્વેત વાંચકને સંબોધીને કહે છે કે, તમે મને પૂછ્યું છે કે હું જ્યારે એમ કહું છું કે મેં મારી જુબાં ગુમાવી દીધી છે ત્યારે હું શું કહેવા માગું છું? મારે તમને સામો પ્રશ્ન કરવો છે કે જો તમારા મોમાં બબ્બે જુબાં હોય તો તમે શું કરશો.

તમે શું કરશો, જો તમને સમજાય કે
એ બે જુબાંમાંની એક, માતૃભાષા, તમે ગુમાવી ચૂક્યાં છો
અને બીજી, જે છે પરદેશી ભાષા, તે તમને આવડતી નથી ?
ઇચ્છો તો ય બંને જુબાં એકસાથે નહીં વાપરી શકો ...
તમારી માતૃભાષા મોમાં જ સડીને મરી જશે
તમારે તેને થૂંકી દેવી પડશે     

                                                   - (અનુ. રંજના હરીશ)

ઉપરોક્ત પંક્તિઓ કવયિત્રી અંગ્રેજીમાં લખે છે અને ત્યારબાદ તે ગુજરાતી લિપિમાં ગુજરાતી ભાષા સાથે આગળ વધે છે. અને પોતાની વાત કરે છે. તે કહે છે,

'મેં કદાચ મારી માતૃભાષા રાત્રિના સ્વપ્નમાં જ થૂંકી નાખી છે
પરંતુ રાત્રે સ્વપ્નમાં મારી ભાષા પાછી આવે છે
ફૂલની જેમ મારી ભાષા, મારી જીભ મહોરી ઉઠે છે.
ફૂલની જેમ મારી ભાષા, મારી જીભ
મોંઢામાં પાકે છે.
એ ફરી ઊગે છે કૂંપળ થઈને.
વધે છે લાંબી, ભીનાશ સાથે સશક્ત
અને તે અન્ય જુબાંને બાંધે છે ગાંઠની જેમ.
કળી ખીલે તેમ ખીલે છે મારા મોમાં
અને પેલી બીજી જુબાંને બહાર હડસેલે છે.
જ્યારે જ્યારે મને લાગે છે કે હું તેને ભૂલી ગઈ છું
જ્યારે જ્યારે હું અનુભવું છું કે મેં તેને ગુમાવી દીધી છે
ત્યારે ત્યારે મારી માતૃભાષા મારા મોંમાં પાંગરી ઉઠે છે.

ચાર ચાર દાયકા વિત્યાં તો ય સુજાતા ભટ્ટની માતૃભાષા આજે ય કૂંપળ થઈને તેમના મોમાં ફૂટે છે. 'નાનાભાઈ ઈન પ્રિઝન' તથા 'અ ડિફરન્ટ હિસ્ટરી' જેવાં તેમનાં કાવ્યોમાં પણ કવયિત્રી પોતાની ભાષાકીય સભાનતા અભિવ્યક્ત કરે છે. બ્રિટિશરાજ સામેની લડતના ભાગરૂપે જેલમાં જનાર તેમના દાદા નાનાભાઈ ભલે માતૃભાષાના સમર્થક હતા, પરંતુ જ્યારે તેઓને જેલમાં લઈ જવા પોલીસ આવી ત્યારે તેઓ અંગ્રેજી કવિ ટેનિસનનું કાવ્ય વાંચી રહ્યા હતા ! તો વળી શાસકોની ભાષા તેવી અંગ્રેજી પ્રત્યેના ભારતીય ડાયસ્પોરાના લગાવને કવયિત્રી અન્ય એક કાવ્યમાં છાવરે છે. અંગ્રેજી શાસકોની ભાષા થઈ તેથી શું થયું ? 'વીચ લેંગ્વેજ હેઝ નોટ બિન ધ અપ્રેસર્સ લેંગ્વેજ ?' કવયિત્રી પૂછે છે કે શાસકોને ધિક્કારનારાઓની ઓલાદો કયા અકળ કારણસર અંગ્રેજી ભાષાના પ્રેમમાં પડતી હશે ? અર્થાત્ સ્વભાષા પ્રત્યે પ્રેમ ચોક્કસ. અપનાવેલ દેશની ભાષા પ્રત્યે પ્રારંભિક રોષ, ક્રમશઃ કમને તેનો સ્વીકાર અને અંતે તે ભાષા(એટલે કે અંગ્રેજી)નું સ્વાગત એ ડાયસ્પોરિક પ્રજાની ભાષાકીય નિયતિ છે, પરંતુ આ સમગ્ર તબક્કાઓ દરમિયાન ડાયસ્પોરિક પ્રજાના મોમાં પોતાની માતૃભાષા તો અકબંધ રહે છે જ. આમ પ્રત્યેક ડાયસ્પોરિક પ્રજા મોમાં બબ્બે જુબાં લઈને જીવતી રહી છે અને જીવતી રહેશે.

તા.ક. આનું નામ છે એક મોમાં બબ્બે જુબાં - ડાયસ્પોરિક જીવનની વાસ્તવિકતા.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અંતર્મનની આરતી’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 19 જુલાઈ 2017 

Category :- Diaspora / Literature

વિસંવાદિતાનો વિનોદ

અદમ ટંકારવી
29-09-2017

રમૂજી રમખાણ (હઝલસંગ્રહ) : સૂફી મનુબરી : પ્રકાશક - પોતે : 2009

બ્રિટિશ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અરધી સદીનો ગણાય. 12મી ફેબ્રુઆરી 1977ના રોજ યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના થઈ. આ ગાળા દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમમાં જે આછુંપાતળું ગુજરાતી સાહિત્યસર્જન થયું તેનું મૂલ્યાંકન કરતાં 1993માં સુમન શાહે કહેલું કે, આજે ઇંગ્લૅન્ડમાં ગુજરાતી સાહિત્યને નામે જે લખાય / છપાય છે તેમાં એક સળવળાટથી વિશેષ દમ નથી. આ સાહિત્ય ‘પ્રાથમિક’ કક્ષાનું છે. બ્રિટિશ ગુજરાતી સાહિત્યની કોઈ વિશિષ્ટ, મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી અલગ એવી મુદ્રા ઉપસી નથી કેમ કે સુમન શાહ કહે છે તેમ, બ્રિટિશ ગુજરાતી સર્જક પોતાને પ્રાપ્ત અને સુલભ એવા તમામ સંદર્ભોમાં વિસ્તરીને વ્યક્ત થતો નથી.

આ નિરીક્ષણ મહદ્દ અંશે તાટસ્થ્યપૂર્ણ અને યથાર્થ છે. અલબત્ત, સૂફી મનુબરીની હઝલો આમાં અપવાદરૂપ ગણી શકાય. હઝલકાર સૂફી 1963માં દેશાટન કરી ભારતથી ઇંગ્લૅન્ડ આવી વસેલા. સાથે કાચીપાકી ગુજરાતી ભાષા - ભરુચી બોલી - અને હઝલસમ્રાટ બેકાર તથા શેખચલ્લીની હઝલનો વારસો. યુનાઇટેડ કિંગ્ડમમાં એમનું હઝલસર્જન મંદગતિએ પણ અવિરત ચાલતું રહ્યું.

તળ ગુજરાતના સાંસ્કૃિતક સંસ્કારો અને ‘બ્રિટિશ કલચરલ ટૃૅડિશન્સ’ના મુકાબલાથી જે વૈચિત્ર્ય સર્જાય છે તે સૂફીની હઝલો અને મુક્તકોમાં પ્રતિબિંબિત થાય છે, અને તેથી જ મુખ્યપ્રવાહની ગુજરાતી હઝલથી નોખી  ‘ફ્લેવર’ની આ હઝલો આસ્વાદ્ય બને છે.

બ્રિટિશરાજ દરમિયાન ભારતમાં બ્રિટિશ સંસ્કૃિતના પગરણ થયાં ત્યારે આ ભેળસેળ વિશે હઝલકાર બેકારે આ મુક્તક લખેલું :

દૃષ્ટિમર્યાદાને તારી શું કહું ?
પૂર્વપશ્ચિમ એકતા તો થાય છે
દાળમાં બોળીને બિસ્કિટ ખાય છે
એમાં તારા બાપનું શું જાય છે ?

સૂફીએ આ હઝલપ્રણાલીને આગળ ધપાવી અને એમાં વિલાયતી પરિમાણ ઉમેર્યું. આ હઝલોમાં બ્રિટિશ ગુજરાતી સમાજના વ્યંગચિત્ર ઉપરાંત એનું દસ્તાવેજીકરણ પણ મળે છે.

1960-70ના ગાળામાં બ્રિટનની મિલોમાં કામદારોની અછત ઊભી થઈ તે પૂરવા સેંકડો વસાહતીઓ ગુજરાતથી યુનાઇટેડ કિંગ્ડમ આવી વસ્યા, એમાંના એક તે આ હઝલકાર સૂફી. પચીસ વર્ષની યુવા વયે પોટલાંબિસ્તરા સાથે લંડનના હિથરો અૅરપોર્ટે ઊતર્યા ત્યારે ખિસ્સામાં ભારતથી હૂંડિયામણમાં મળેલા અઢી પાઉન્ડ,

ભરયુવાનીમાં જ હું તો યુ.કે.માં આવ્યો હતો
ગોદડી સાથે અઢી પાઉન્ડ પણ લાવ્યો હતો

આ ગુજરાતી વસાહતીઓ લેંકેશાયરનાં કાપડ નગરોમાં વસ્યા અને ‘આઇરની’ એવી કે બ્રિટિશરાજ વખતે જે મિલોના વિલાયતી કાપડનો ગાંધીજીએ બહિષ્કાર કરેલો તે જ મિલોમાં મજૂરી કરતા થયા. પાઉન્ડ રળવા રાતપાળીએ કરે,

વીવીંગ એનું કામ છે ને મિલ એનું ધામ છે
જૉબ પર લાગ્યો છે એ બાંધી કફન પરદેશમાં

ભારતમાં જે દરબાર હતા તે અહીં મિલના સંચા પર દોડાદોડી કરતા કામદાર થઈ ગયા,

એક સાંધે એકવીસ તૂટે છે ડૉફીંગ ફ્રેમ પર
થઈ ગઈ હાલત કફોડી આપણા દરબારની

આ વસાહતીઓમાં થોડા ભારતથી ભણીને આવેલા ગ્રેજ્યુએટ પણ હતા,

અંતે સૂફી થઈ ગયા ડોફર ને વીવર જોઈ લ્યો
થઈ ગયું બી.એ. ને એમ.એ.નું પતન પરદેશમાં

‘વર્ક’ ઉપરાંત ‘વેધર’નો ત્રાસ. હાડ થિજાવી દે એવી ઠંડી અને બરફવર્ષા. ઠૂઠવાઈને હીટર પાસે બેસી રહેવાનું,

જરી હીટરની પાસેથી મને હટવું નથી ગમતું
તમારા સમ જીવન વિન્ટરમાં ઠંડુગાર લાગે છે

ત્રીજું ‘ડબ્લ્યુ’ તે ‘વુમન’. સોનેરી વાળ અને ભૂરી આંખોનું કામણ. માદરેવતન ભુલાવી દે એવું,

બ્રેડ ચાખીને તું સૂકો રોટલો ભૂલી ગયો
ચૂસતો’તો કેરીનો તે ગોટલો ભૂલી ગયો
ઇંગ્લૅન્ડની મૅડમના બોબ્ડહૅર જોઈને સૂફી
તું હવે તો બોલવાનું ચોટલો ભૂલી ગયો

ભાષાની ય મોંકાણ. ગુજરાતી જેમતેમ છૂટે નહીં,

યુ.કે.માં વીસ વરસોથી વસે છે આપણી બીબી
છતાં એને ‘બળી ગ્યું’ બોલવાની એ જ આદત છે

પણ આ ‘બળી ગ્યું’ સાથે ય એણે ‘પ્લીઝ’, ‘થેંક યૂ’ જેટલું અંગ્રેજી તો શીખવું પડે. એની જરૂર ડગલે ને પગલે,

અરધો ડઝન ઘરેથી નીકળતાં જ થઈ ગયું
ઝાંપે જતાં જતાંમાં ડઝન થાય ‘થૅંક યૂ’

વળી પડોશમાં કોઈ અળવીતડો અંગ્રેજ રહેતો હોય તો વડછટ પણ થાય, ત્યારે ઇલાજ બતાવતાં આ હઝલકાર કહે છે,

ઝાઝો ન કર વિચાર, એની મેતે ભાગશે
મરચાંનો કર વઘાર, એની મેતે ભાગશે

હઝલકાર સૂફી કહે છે કે, સાઠ-સિત્તેરના ગાળામાં ગુજરાતથી બ્રિટન આવી વસેલા લોકો વર્ક-વુમન-વૅધરની ‘અફરાતફરી’માં ઘરડા થઈ ગયા - શેખચલ્લીના શબ્દોમાં,

આંખ ચૂંચી થઈ ગઈ ને વાળ પાકા થઈ ગયા
જોતજોતામાં અમે ભાઈથી કાકા થઈ ગયા

અને બ્રિટનમાં આ ‘રિટાયર્ડ એશિયન’ની જે અવદશા થાય છે તેનો ટૃૅજિ-કૉમિક ચિતાર સૂફીની હઝલમાં મળે છે,

મારાં ઘરવાળાં કહે છે : બ્હાર નીકળતો નથી
બ્હાર નીકળું તો કહે છે લોક કે, ઠરતો નથી
ઠપકો આપે છે મને ઘરવાળી સાંભળતો નથી ?
ભલભલાનું આવ્યું ને કેમ તું મરતો નથી ?

અને હવે સમસ્યા છે ગુજરાતના સંસ્કાર લઈ અહીં આવી વસેલી જૂની પેઢી અને બ્રિટનમાં જન્મી ઊછરેલી સૅલ્ફ-સૅન્ટર્ડ - સ્વકેન્દ્રી, ઇન્ડિવિડ્યુઆલિસ્ટિક - વ્યક્તિવાદી, તેજતર્રાર નવી પેઢી વચ્ચેના અંતરની, ઘર્ષણની. બ્રિટનનિવાસનું સરવૈયું કાઢતાં સૂફી કહે છે,

આવીને ઇંગ્લૅન્ડમાં કાંદા કશા કાઢ્યા નથી
દેશી મારું છોકરું અંગ્રેજ જેવું થઈ ગયું

બ્રિટનની મુક્ત જીવનશૈલીની અસર જીવનસંગિની ઝીલે ત્યારે આ હઝલકારને લાગે છે કે, બધું ઊલટસૂલટ થઈ ગયું છે,

દેશ બદલાતાં જુઓ આ વેશ બદલાઈ ગયો
બાયડી થઈ ગઈ ભમરડો ને ભમરડી ભાયડો

બ્રિટિશ ગુજરાતી યુવાપેઢી વડીલોના સૂચનને બ્રહ્મવાક્ય ગણતી નથી. એ તરત પૂછે છે : વ્હાય - કેમ ? વડીલોથી આ સહેવાતું નથી. સૂફી કહે છે,

વાતેવાતે પૂછે : વ્હાય ?
મારું માથું ફાટી જાય
અમથી અમથી એ રિસાય
ઘરમાં કાયમ ધાંધલ થાય

હઝલકાર સૂફી કહે છે કે, પાઉન્ડ મજબૂત છે એટલે બ્રિટનના ગુજરાતીઓ સમૃદ્ધ છે,

સંપત્તિની ચિંતા નથી. ચિંતા છે સંતતિની.

જૂની-નવી પેઢી વચ્ચેની ખાઈ - જનરેશન ગૅપ મોટી થતી જાય છે અને તેમની વચ્ચેનું વૈચારિક ઘર્ષણ વધતું જાય છે. આનો નિર્દેશ કરતાં એક મુક્તકમાં ઘરાળુ ઉપમા પ્રયોજી સૂફી કહે છે,

બાપદીકરો રહે છે યુ.કે.માં
બેઉની વચ્ચે રોજ ફાઈટ છે
બાપ છે લેંઘાના જેવો ઢીલો
દીકરો જીન્સ જેવો ટાઈટ છે

આ સમીક્ષામાં હઝલકાર સૂફી મનુબરીની હઝલોમાં ભાષાકર્મની કે રૂપનિર્મિતિની ચર્ચા કરી નથી. ‘રમૂજી રમખાણ’ પુસ્તક બે કારણે અગત્યનું લાગ્યું છે : એક તો એ દ્વારા સૂફીએ બ્રિટનમાં આપણી હઝલપ્રણાલી ને જીવંત રાખી છે અને બીજું, એમાં વિનોદી, હળવી શૈલીમાં બ્રિટિશ ગુજરાતી સમાજનું કૅરિકચર - વ્યંગચિત્ર પ્રસ્તુત થયું છે.

200 Haliwell Road, BOLTON BL1 3QJ

e.mail : ghodiwalaa@yahoo.co.uk

Category :- Diaspora / Reviews