OPINION

Cartoonspace

Keshav
18-07-2018

courtesy : "The Hindu", 18 July 2018

Category :- Opinion / Cartoon

એક મૌન સાધકનો સંસાર

વિજયકુમાર
17-07-2017

એશિયાટિક લાઇબ્રેરીના રીડિંગ રૂમમાં અને રિસર્ચ ટેબલના ઘનઘોર એકાન્તમાં, મેં એમને એકરસ જોયા છે. પુસ્તકો, જૂનાં છાપાંઓ, અને દસ્તાવેજોથી ઘેરાયેલા. ધૂની, એકાગ્ર, એમની આસપાસથી બેખબર. સવારે દસ વાગે લાઇબ્રેરી ખૂલવોાના સમયથી લઈને સાંજે સાત વાગે ઘંટી વાગે અને દરવાજાના બંધ થવા સુધી એમની પોતાની એક દુનિયા છે. એ દુનિયામાં સિનેમા, નાટક, કલામસાહિત્ય, સંસ્કૃિત, દર્શન, ઇતિહાસ, પુરાતત્ત્વ, એન્થોલોજી અને શહેરનો ઇતિહાસ બધું એક બીજામાં મળી ગયું છે. એમના લગભગ બધા જૂના મિત્રો હવે વિદાય લઈ ચૂક્યા છે. ૮૩ વર્ષની એમની ઉંમર થઈ ગઈ છે. શરીર થાકી ચૂક્યું છે, સ્વાસ્થ્ય પણ હવે સારું નથી રહેતું. પણ એમનો અભ્યાસ અને જિજ્ઞાસાઓને કોઈ આરામ નથી. એમનું નામ છે વીરચંદ ધરમશી. તેઓ એક મૌન કાર્યકર્તાની જેમ કોઈ પરીકથામાંથી નિકળીને આપણી વચ્ચે ચાલી આવ્યા છે.

નવી મુંબઈમાં નેરુલના પોતાના બે રૂમના એક સાધારણ આવાસ અને એમની છોટીસી ગૃહસ્થીથી નીકળીને તેઓ અકસર એક કલાકની લોકલ ટ્રેઈનની ભીડભાડ અને ધક્કામુક્કીને સહન કરતા સી.એસ.ટી. સ્ટેશન આવે. સ્ટેશનથી એશિયાટિક લાઈબ્રેરી સુધી પગે ચાલીને આવે છે. પીઠમાં દુખાવો થાય છે પણ બેલ્ટ બાંધીને એમના કામમાં જોતરાઈ જાય છે. મેં એમને ફાઉન્ટન અને કાલબાદેવીની ફૂટપાથો પર જૂની ચોપડીઓના વેચનારાઓને ત્યાં કોઈ દુર્લભ પુસ્તકની શોધમાં ભટકતા જોયા છે. ક્યારેક ઇતિહાસના કોઈ સેમિનારમાં ભાગ લેતા, ક્યારેક કોઈ સાંસ્કૃિતક કેન્દ્ર કે સિનેમા સોસાયટી દ્વારા આયોજિત કોઈ ખાસ ફિલ્મ શોમાંથી બહાર નીકળતા. તેઓ એક ચાલતા ફરતા જ્ઞાનકોશ છે. ક્યારેક અમૃત ગંગર જેવા પ્રખ્યાત ફિલ્મ ઇતિહાસકાર સિનેમા પર એમના બૃહદ્દ જ્ઞાનકોશનું સમ્પાદન કરતાં એમને સહલેખક બનાવે છે. તો આશિષ રાજાધ્યક્ષ અને પોલ વિલ્મેન દ્વારા સંપાદિત ‘એનસાઈક્લોપીડિયા ઑફ ઇન્ડિયન સિનેમા’માં આરંભિક ભારતીય મૂક સિનેમા પરની દુર્લભ સામગ્રીને મેળવવાનું કાર્ય એમને સોંપે છે. ક્યારેક તેઓ ૧૯મી સદીના પારસી થિયેટરના ઇતિહાસ પર કોઈને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હોય છે તો ક્યારેક પુરાતત્ત્વ વિશેષજ્ઞોની કોઈ આંતરરાષ્ટ્રીય મંડળીની સાથે કોઈ ખોજ અભિયાન પર નીકળ્યા હોય છે. ૧૯૮૦થી ૧૯૯૪ સુધી તેઓ યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા, અમેરિકાની આર્કિયોલોજી ટીમના એક સદસ્ય તરીકે ભારત અને શ્રીલંકાનાં પ્રાચીન મંદિરોના સ્થાપત્યના અધ્યયન કાર્ય સાથે જોડાયેલા રહ્યા છે.

દિલચસ્પ વાત એ છે કે આટલી વિવિધતાપૂર્ણ બૌદ્ધિક ગતિવિધિઓ સાથે જોડાયેલા વીરચંદ ધરમશીભાઈએ હાઈસ્કૂલનો અભ્યાસ પણ પૂર્ણ નથી કર્યો. પિતા મસ્જિદ બંદરમાં કાલી મીર્ચના જથ્થાબંધ વેપારી હતા. બીજા મહાયુદ્ધના અંતિમ દિવસોમાં સન-૪૪માં મુંબઈના બંદર પર એક સ્ટીમરમાં ભયાનક બૉંબ વિસ્ફોટ થયેલો એની અસર મસ્જિદ બંદર સુધી થયેલી. એ પછી ૧૯૪૬ના સાંપ્રદાયિક દંગોમાં માંડવીના ટનટનપૂરા વિસ્તારમાં આવેલી એમની સ્કૂલને સળગાવી દેવામાં આવી હતી. મેટ્રિકની પહેલા જ એમણે અભ્યાસ છોડી દીધો કારણ કે સ્કૂલના અભ્યાસ અને એમના પોતાના અધ્યયનની વચ્ચે એમને એક દુવિધા અનુભવાતી હતી.

આ પછી આ સંસાર જ ધરમશીભાઈની પાઠશાળા બનવા લાગ્યો. બાળપણમાં જ પિતાની આંગળી પકડીને પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુિઝયમ જોવા જતા હતા, સ્કૂલનો અભ્યાસ અધૂરો છૂટી ગયો હતો પણ એક ખાસ પ્રકારની આવારગી એમના જીવનનો હિસ્સો બની ગઈ હતી. હૃદયની મુક્તાવસ્થા અને જ્ઞાનનું ગહન અનુસાશન. કિશોરાવસ્થામાં એઓ અડધા આનાની અડધી ટિકિટ લઈને ટ્રામમાં પ્રિન્સેસ સ્ટ્રીટથી ઓપેરા હાઉસ સુધીના વિસ્તારમાં ભટકતા રહીને એમની દિલચસ્પ ચોપડીઓને શોધતા રહેતા. દક્ષિણ મુંબઈમાં ૧૯મી સદીનો પુરાણો ઇતિહાસ એમની સામે ખૂલી રહ્યો હતો. આ શહેરની ભૂગોળ, રસ્તાઓ, એ ગલીઓ, જૂની ઈમારતો, ખૂણા-ખાંચાઓ, ઘણા બધા ભૂલાઈને વીસરાઈ ગયેલાં ચરિત્રો અને તેના બધા પ્રસંગો લોહીની સાથે એમની ધમનીઓમાં વહેવા લાગ્યા. ખૂબ વાંચતા હતા. ૧૨ વર્ષની ઉંમરે રોમાં રોલાંની ‘જ્યાં ક્રિસ્તોફ’ વાંચી નાખી. ૧૩-૧૪ વર્ષની ઉંમરે તેઓ મોડે સુધી બેસવા લાગ્યા. જૂની પત્રિકાઓ, અખબાર, ક્લાસિક્સ, સંસ્કૃિત અને દર્શનની ચોપડીઓ વાંચતા. રે રોફ, મઝગાંવ, પ્રભાદેવીના વિસ્તારોમાં વેરાયેલાં જૂનો સમય એમને જાદુઈ લાગતો હતો. આ શહેર એની જીવંતતા અને તેનાં તમામ રહસ્યોની સાથે એમની અંદર ઊતરી રહ્યું હતું. તેઓ કોઈ ઔપચારિક અકાદમી સંસ્થાઓના મોહતાજ નહોતા.

ધરમશીભાઈના કેટલા ય કિસ્સાઓ આજની કામકાજી દુનિયામાં અવિશ્વસનીય લાગે. ૧૯૬૮ની આસપાસ વિખ્યાત ઇટાલિયન ફિલ્મ દિગ્દર્શક પિયર પાસોલિની મુંબઈમાં આવ્યા હતા અને તાજમહેલ હોટલમાં ઊતર્યા હતા. યુવાન ધમરશીભાઈ એમ જ એમને મળવા તરત તાજ હોટલ પહોંચી ગયા. અને એ બંને વચ્ચે થોડીક જ વારમાં ઔપચારિક બંધનો તૂટી ગયાં હતાં. સિનેમા, કવિતા, કલા, સંસ્કૃિત, ઇતિહાસ, સ્થાનિકતા અને શહેરને લઈને કલાકો વાતચીત થતી રહી. ધરમશીભાઈને પાસોલિનીને લઈને અનેક સવાલો હતા. ઘણા બધા મુદ્દાઓ પર તેઓ પાસોલિની સાથે અંતરંગ વાત કરતા રહ્યા. પછીથી પ્રખ્યાત ફિલ્મકાર સત્યજિત રાય સાથે પણ એમની એ જ રીતે મિત્રતા એવી જ રીતે થઈ હતી. એમની બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી રહેતી. મહત્ત્વપૂર્ણ એ છે કે બે વ્યક્તિઓની વચ્ચે આ પ્રકારના અદૃશ્ય ધાગાઓ હંમેશાં મૌજુદ હોય છે. અને આજ આ દુનિયાની ખૂબસૂરતી છે. એમાં કોઈ ફેર નથી પડતો કે એક જણ શિખર પર હોય, અને બીજો લગભગ અજાણ્યો.

વીરચંદ ધરમશીએ વર્ષોના એમના અભ્યાસ, અનુસંધાન અને ફિલ્ડ-વર્ક પછી ૧૯મી સદીના ભારતીય પુરાતત્ત્વવેત્તા ભગવાનલાલ ઇન્દ્રજી પર એક અસાધારણ પુસ્તક લખ્યું. આ ઇતિહાસ અને પુરાતત્ત્વની શોધમાં તમામ જગમગાતા સીતારાની વચ્ચે લગભગ અજાણ્યું અને ઉપેક્ષિત રહી ગયેલું એક દેશી મનીષીના જીવન અને એમના અસાધારણ કાર્યની એક સંઘર્ષકથા છે. જૂનાગઢમાં ૧૮૩૯માં જન્મેલા ભગવાનલાલ ઇન્દ્રજી ૧૯મી સદીમાં પુરાતત્વ શોધના ક્ષેત્રમાં એક વિલક્ષણ પ્રતિભા હતા પણ એમનું કાર્ય અલ્પજ્ઞાત રહ્યું. સંયોગથી એક દિવસ ફૂટપાથ પરની જૂની ચોપડીઓ વેચનાર પાસેથી વીરચંદ ધરમશીને એક સંદર્ભ પુસ્તક મળ્યું જેમાં ૧૯મી સદીના એ લગભગ વિસ્મત મનીષીની એક યાત્રા ડાયરીનો ઉલ્લેખ હતો. વીરચંદ ધરમશીની આગળ જેમ ન્યુટનની સામે સફરજન પડ્યું હતું તેવું બન્યું. એમને વિસ્મય થયું કે ભગવાનલાલ ઇન્દ્રજીએ ૧૯મી સદીમાં દેશભર ફરીને અલગ અલગ વિસ્તારોમાં પુરાતત્ત્વ અનુસંધાનના ક્ષેત્રમાં ત્યારે આટલું મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. તો પણ કેમ એમનું નામ હંમેશાં ઓટમાં રહ્યું. ૧૯મી સદીના આ મનીષી તો આપણા પહેલા ભારતીય પુરાતત્ત્વવેત્તા હતા જેમણે દેશી-વિદેશી સ્કોલરોની સાથે સહયોગપૂર્વક ઘણા બધા અસાધારણ સંશોધન કર્યા હતા. ગિરનારના જંગલોમાં શિલાઓ પર પ્રાચીન બ્રાહ્મી લિપિમાં લેખોને શોધ્યા. મુંબઈમાં નાલા સોપારાની પાસે અશોકના સમયના સ્મૃિતચિહ્નોનું સંશોધન, ઉદયગિરિના પહાડોમાં હાથી ગુફા કે શિલાલેખોને વાંચવા, મથુરામાં વિષ્ણુ, બુદ્ધની પ્રસ્તર - છબીઓ અને જૈન તીર્થંકરોની પ્રતિમાઓની શોધ, પ્રાચીન પાંડુલિપિઓનું અર્થ નિરૂપણ, બિહારથી જેસલમેર અને દક્ષિણ ભારતથી ઉત્તર પૂર્વી ભારત અને નેપાલ સુધીનાં દુર્ગમ સ્થાનો પર ભગ્નાવશેષો, સ્તૂપ, શિલ્પો અને માનચિત્રોનું નિરંતર અધ્યયન, સ્તંભો અને દીવાલો ઉપર મોજુદ ચિત્રવલ્લરીઓના સમય અને ઇતિહાસના કાલાનુ ક્રમની એક પ્રમાણિત સમજને વિકસિત કરી. એ વ્યક્તિએ એનું પૂરું જીવન દઈ દીધું હતું પણ એમના નિધન પછી લાંબા સમય સુધી એમની કોઈ ચર્ચા જ ન થઈ. એમનું કાર્ય વેરાયેલું હતું અને કેટલીય વાર એમની ઉપલબ્ધિઓનું શ્રેય જેમ્સ બર્જર જેવા કેટલાક પ્રખ્યાત પુરાતત્ત્વવેત્તાઓએ પોતે જ લઈ લીધું. ધરમશીભાઈ એ ઉપેક્ષિત મનીષીની જીવન સ્થિતિઓને સમજવામાં અને એમના અસાધારણ યોગદાનનું વિગતે અધ્યયન કરવામાં વર્ષો સુધી રત રહ્યા. એમનું આ અધ્યયન જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થયું ત્યારે ૧૯મી સદીના દક્ષિણ એશિયાના પુરાતત્વ સમ્બન્ધી સંશોધનો પર એક નવો પ્રકાશ પડ્યો. ભગવાનલાલ ઇન્દ્રજીનું યોગ્ય મહત્ત્વ સ્થાપિત થયું. વિશેષજ્ઞોની વચ્ચે વિવિધ સ્તરે એમના શોધ અધ્યયનની સરાહના થઈ. એશિયાટિક સોસાયટીએ વીરચંદ ધરમશીનું એમના આ મહત્ત્વપૂર્ણ કાર્યને માટે રજત પદકથી સન્માન કર્યું.

વયોવદ્ધ ધરમશીભાઈ આ દિવસોમાં હિન્દી સિનેમાના અભ્યુદય કાળથી લઈને બીજા વિશ્વયુદ્ધ સુધી એના આંતરિક વિકાસ અને એની ગતિશીલ તત્ત્વોના વિશ્લેષણની એક બૃહદ્દ પરિયોજનામાં મશગુલ છે. આ લોકપ્રિય માધ્યમ નિમિત્તે એક પ્રકારનું સાંસ્કૃિતક ચિંતન છે. તેઓ થાકતા નથી. હું એમને પૂછું છું કે આપના જીવનનો મૂલ મંત્ર શો છે ? તેઓ હસે છે અને કહે છે, ‘ચરેવૈતિ, ચરેવૈતિ.’

(૧૩ મે ૨૦૧૮, રવિવારના ‘નવભારત ટાઈમ્સ’, મુંબઈમાં પ્રગટ થયેલ હિન્દી લેખનો અનુવાદ : અભિજિત વ્યાસ)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 09-10 

Category :- Opinion / Opinion