OPINION

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારમાંના વરિષ્ઠ નેતાઓએ એક વાત સમજી લેવાની જરૂર છે કે લોકોના મનમાં શાસકો વિશેનો અભિપ્રાય બનાવનારા અનેક પરિબળો હોય છે, માત્ર પ્રચાર નથી હોતો. એક બાજુ હજારો કરોડ રૂપિયા પબ્લિસિટી પાછળ ખર્ચવામાં આવે, ઠેકઠેકાણે વડા પ્રધાનના ફોટા સાથે હોર્ડિંગ્સ મૂકવામાં આવે, ગોદી મીડિયા પર દેકારો બોલાવવામાં આવે અને બીજી બાજુ કવરાવનારા નક્કર પ્રશ્નોનો સામનો કરવાની જગ્યાએ ભાગવામાં આવે તો એનાથી જે ઈમેજ બને છે એ ભાગેડુની બને છે, પુરુષાર્થીની નથી બનતી. કોણ જાણે કેમ, પણ આ સાદી વાત તેમને સમજાતી નથી. કડવી વાસ્તવિકતાથી દૂર ભાગવાનો વડા પ્રધાનનો સ્વભાવ લાગે છે કે પછી કોઈ સવાલ કે શંકા કરે એમાં તેઓ નાનપ અનુભવતા લાગે છે.

ઉકરડા પર જાજમ બિછાવી દેવાથી કે સવાલ કરનારનો અવાજ દબાઈ જાય એટલી હદે બીજી બાબતે ફાલતું ઘોંઘાટ કરાવવાથી ઉકરડો અને સવાલનાં અસ્તિત્વ ખતમ નથી થવાનાં. એ બન્ને પોતાની જગ્યાએ કાયમ રહે છે અને પગના જોડાના ડંખની માફક સતાવ્યા જ કરે છે. આ ટેક્ટિકમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે એ વાત તેમને સમજાતી નથી. સતત, એકધારી, કંટાળો આવે એ રીતે, એકની એક ટેક્ટિક અપનાવવામાં આવે તો કોઈને પણ ત્રાસ થાય અને ભક્તમાં જો થોડી બુદ્ધિ હોય તો શંકા પણ કરતો થાય કે એવું શું છે કે તેમના સિવાય બીજા કોઈનો ય અવાજ આપણા કાન સુધી પહોંચવા દેવામાં આવતો નથી. વિરોધીઓનો તો ઠીક તેમના પોતાના લોકોનો અવાજ પણ રૂંધવામાં આવે છે? જરૂર આ દેશપ્રેમ અને રાષ્ટ્રવાદના ઘોંઘાટની પાછળ એવું કશુંક બની રહ્યું છે જે આપણા કાન સુધી ન પહોંચે તેની વ્યવસ્થા કરવામાં આવે છે.

આનું દેખીતું પરિણામ એ આવે કે માત્ર બેવકૂફ જ મંજીરા લઈને ઘોંઘાટમાં વધુ ઘોંઘાટનો ઉમેરો કરવા મંડી પડે, પણ જેનામાં થોડીક બુદ્ધિ હોય એ ત્યાંથી ધીરેકથી સરકીને રોકવામાં આવતા ઝીણા અવાજોને સાંભળવા દૂર જતો રહે. આ માનવસ્વભાવ છે. માણસને માઈકમાં થતી વાત કરતાં કાનમાં થતી વાત સાંભળવી બહુ ગમે છે. તો બને છે એવું કે ભગવાનની આરતી ઉતારનારા સત્સંગ હૉલમાં એ જ લોકો બચે છે, જેમને આરતી ઉતારવાના પૈસા મળતાં હોય અથવા કંઠીધારી ભક્તો હોય. અંગ્રેજીમાં આને કન્વીન્સિગ ધોઝ હુ આર ઓલરેડી કન્વીન્સ્ડ કહેવામાં આવે છે. અતિરેક હંમેશાં નુકસાનકારક નીવડે છે. જે શંકા કરતો ન હોય એ પણ શંકા કરવા લાગે છે. બીજાને નાના ચિતરીને રોજ ચોવીસે કલાક સાહેબને મોટા શા માટે મોટા ચિતરવામાં આવે છે એવો પ્રશ્ન સ્વાભાવિકપણે થાય છે.

આનું બીજું પરિણામ એ આવે છે કે અવાજ ગમે એટલો ઝીણો હોય, તેનું અસ્તિત્વ મિટાવી શકાતું નથી અને કર્ણોપકર્ણ છેલ્લા માણસ સુધી પહોંચે જ છે એમ ઉકરડાને ગમે એટલો ઢાંકવામાં આવે એ તેની હાજરી બતાવે જ છે. અરે ભાઈ, ગામમાં રહેનારા માણસને પોતાનું ગામ કેવું છે એની જાણકારી ન હોય? મંદિરોનું સુશોભન કરો, ચોવીસે કલાક રામધૂનની રમઝટ બોલાવો, રોજેરોજ ભંડારા કરો, શ્રી શ્રી રવિશંકર જેવા પાળીતાઓનાં પ્રવચનો ગોઠવો, પાલખીઓ કાઢો અને ઉત્સવો ઉજવો; પણ પેલા ઉકરડાનું શું? સરઘસ જ્યારે ઉકરડાની નજીકથી પસાર થાય ત્યારે વાસ તો આવવાની જ છે. જરાક વાસ આવી નહીં કે એક સરઘસી બીજા સરઘસીની આંખમાં પ્રશ્નવાચક દૃષ્ટિથી જોશે. આ પ્રશ્નવાચક દૃષ્ટિ શબ્દમાં ફેરવાય નહીં અને ફેરવાય તો બીજા કાને પહોંચે નહીં એ માટે સત્સંગીઓ હજુ વધુ મોટા અવાજમાં જયનાદ શરૂ કરશે.

આ ચવાઈને ચૂંથો થઈ ગયેલી બહુ જૂની ટેક્ટિક છે જેનો તાત્કાલિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી બજારમાં ટકવું હોય તો નક્કર જણસ હોવી જોઈએ, તેની ગુણવત્તા હોવી જોઈએ, ટકાઉ હોવી જોઈએ, ધંધાના નીતિ-નિયમ પાળવા જોઈએ, શેઠના શબ્દની કિંમત હોવી જોઈએ વગેરે. આ બધું હોય ત્યારે શાખ બને છે. માત્ર માર્કેટિંગનો ઘોંઘાટ કરવાથી થોડા દિવસ દુકાન ચાલી પણ જાય, લાંબો સમય ન ચાલે. તો આ ટેક્ટિકમાં નુકસાન એ છે કે છેલ્લે સત્સંગ હૉલમાં એ લોકો જ બચે છે જેમને અક્કલ સાથે દુશ્મની હોય.

સમજદારી અને પુરુષાર્થ બન્ને મુકાબલો કરવામાં છે. વિરોધી અવાજોને પ્રગટ થવા દેવામાં છે અને તેનો પ્રતિવાદ કરવામાં છે. સમજદારી ઉકરડાના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં છે અને તેને કઈ રીતે દૂર કરી શકાય અથવા સરકાર દૂર કરવા સારુ શું પ્રયત્ન કરવા ધારે છે એની વાત કરવામાં છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય એ દરેક માણસ જાણે છે એમાં તમે કારણ વિના નાનપ શા માટે અનુભવો છો? એ ઉકરડો તમે એકલાએ ક્યાં પેદા કર્યો છે? ઉત્તરોત્તર સુખાકારી માટેનો પુરુષાર્થ એ સમાજની અને શાસનની નિરંતર પ્રક્રિયા છે. એમાં એક કે બે મુદ્દત માટે ફાળો આપવાનો અને એ પ્રક્રિયાનું નેતૃત્વ કરવાનો તમને મોકો આપવામાં આવ્યો છે એટલું જ. તમારાં પહેલાં પણ નાનામોટા પોતપોતાના ગજા મુજબનાં પુરુષાર્થીઓ થઈ ગયા અને તમારા પછી પણ થવાના છે એની વચ્ચે અલ્પવિરામ તરીકે તમે આવ્યા છો તો કારણ વિના પૂર્ણવિરામનો ભાર શું કામ ઢસરડો છો?

અશુભ જોઇને આંખ મીંચી દેવાથી અને ન ગમતા અવાજો રોકવા કાનમાં રૂનાં પૂંમડાં ભરાવવાથી અશુભ અને અવાજ બન્નેનું અસ્તિત્વ સમાપ્ત નથી થવાનું. લોકો સુધી એ અશુભ અને એ અવાજ ન પહોંચે એ માટે જો વધારે પડતા આંખ-કાનમાં વાગે એવા પ્રયત્નો કરવામાં આવશે તો એ વધારે ઝડપથી પહોંચશે. આ સમાજનો દસ્તુર છે. આના કરતાં મુકાબલો કરવો જોઈએ. એમાં પુરુષાર્થ છે અને લોકોને પણ પ્રમાણિક, જમીન પર બે પગ રાખીને ઊભનારો, પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમનારો, લોકોને દરેક નિર્ણાયક વળાંકે વિશ્વાસમાં લેનારો, શંકાઓનું સમાધાન કરનારો, હામમાં વધારો કરનારો નેતા ગમતો હોય છે. આને પુરુષાર્થ કહેવાય અને પેલી ભાગેડુવૃત્તિ કહેવાય. 

નરેન્દ્ર મોદીએ પત્રકારોને મળવું જોઈએ, તેમના પ્રશ્નો લેવા જોઈએ, સંસદમાં બેસવું જોઈએ, ચર્ચામાં ઉપસ્થિત થયેલા પ્રશ્નોના ઉત્તર આપવા જોઈએ, વિરોધ પક્ષના નેતાઓને મળતાં રહેવું જોઈએ, નાગરિક સમાજ સાથે સંવાદ રાખવો જોઈએ, નિષ્ણાતોના અભિપ્રાયો માગવા જોઈએ અને સાંભળવા જોઈએ, ખુશામતખોરો કરતાં નિંદકોની વાત સાંભળવી જોઈએ, એન.ડી.ટી.વી. જેવી ચેનલો પર પક્ષના પ્રવક્તાઓ મોકલવા જોઈએ અને ક્યારેક લોકોની વચ્ચે પોતાની જાત પર પણ હસી લેવું જોઈએ. સમયના પ્રવાહમાં તમે અલ્પવિરામ તરીકે આવ્યા છો ભાઈ, પૂર્ણવિરામનો ભાર વેંઢારીને શા માટે ભારમાં રહો છો?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 ડિસેમ્બર 2018

Category :- Opinion / Opinion

સ્વાયત્તતાના અવસાન પર જ્યાફત

ચંદ્રકાન્ત ટોપીવાળા
14-12-2018

પ્રિય પ્રકાશભાઈ,

અત્યારે ગુજરાતી સાહિત્યજગતમાં સ્વાયત્તતાના નામનો જાણે કે સોપો પડી ગયો છે. સ્વાયત્તતા આંદોલન ક્યાં અદૃશ્ય થઈ ગયું? કે ... પછી સ્વાયત્તતા વિના જીવવાની કે સ્વાયત્તતાની એસીતેસી કરી ખુલ્લે આમ સ્વાયત્તતા છોડીને સ્વાયત્તતા વગર મહાલવાની એક મોસમ બેઠી હોય એવું લાગી રહ્યું છે.

ક્યારેક સ્વાયત્તતાની હાસ્યાસ્પદ વ્યાખ્યા કરતાં એવું તર્કહીન વિધાન પણ થાય છે કે ચૂંટાયેલી લોકશાહી સરકાર છે, જે એ કાંઈ કરે છે તે સ્વાયત્ત જ છે. જોવાય છે કે એક પછી એક સ્વાયત્ત સંસ્થાઓનું ધીમે-ધીમે નિગહણ થઈ રહ્યું છે.

એક વાર મનેકમને સ્વાયત્તતા-આંદોલન સાથે જોડનારા મિત્રો પણ અસ્વાયત્ત-સમારંભોમાં મહાલતા થઈ ગયા છે કદાચ ‘સ્વાયત્તતા’ જેવો શબ્દ ગુજરાતી સાહિત્યમાં પરાયો અને અળખામણો બની ગયો છે.

સાહિત્ય પૂર્વજોએ રળેલું ધૂળધાણી થઈ રહ્યું છે. અને ઠંડેકલેજે મૂલ્યોના હ્રાસ પર ઉત્સવો અને સમાંરભો થતા રહે છે. સાહિત્યકારો મહાલતા રહે છે. મૂલ્યવિસ્તરણ સાથે એક પ્રકારની નફ્ફટાઈ વાતાવરણમાં ઊતરી આવે છે. સ્વાયત્તતાના અવસાન પર બમણા વેગે સાહિત્યકારો જયાફત ઉડાવી રહ્યા છે. આ દૃશ્ય ગુજરાતી સાહિત્યજગતના ભવિષ્ય માટે કરાયું છે.

ગુજરાતી સાહિત્યનો આ યુગનો આ સૌથી મોટો હ્રાસ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 03

Category :- Opinion / Literature